એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ સાથેની દોસ્તીને પાણી જેવી ગણાવીને શાયરી ઠપકારી
ગઈ કાલે વિધાનસભામાં બોલતા એકનાથ શિંદે
વિધાનસભાનું મૉન્સૂન-સેશન ગઈ કાલે પત્યું ત્યારે છેલ્લા દિવસે વિધાનસભામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જબરી બૅટિંગ કરી હતી. એમાં પણ દેવેન્દ્ર ફડણવીસ પોતાના તેજાબી ભાષણ વડે લોકોને જકડી રાખીને રાજ ઠાકરે પર બરાબરના વરસ્યા હતા અને તેમને શાબ્દિક ટોણા મારવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. એક તબક્કે તો તેમને સુપારીબાજ પણ કહી દીધા હતા. વિરોધીઓ દ્વારા એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ગેરસમજ ફેલાવવાની તિરાડ પાડવાના સતત પ્રયાસો થતા રહે છે. જોકે એકનાથ શિંદેએ ગઈ કાલે લાઠી મારવાથી પાણી કંઈ છૂટું ન પડે એવા અંદાજની શાયરી બોલીને વિરોધીઓને સાનમાં જ સમજાવી દીધું હતું.
એકનાથ શિંદેએ શાયરી ફટકારીને કહ્યું હતું...
ADVERTISEMENT
હમ વો નહીં જો દિલ તોડ દેંગે, હમ વો નહીં જો દિલ તોડ દેંગે,
થામ કર હાથ ફિર છોડ દેંગે
પાની કી તરહ યે દોસ્તી હમારી, પાની કી તરહ યે દોસ્તી હમારી
કોઈ ભી કોઈ કિતના ભી ચાહે હમ જુદા નહી હોંગે
બીજું શું બોલ્યા એકનાથ શિંદે...
અમારો એજન્ડા સ્વાર્થ નથી, અમારો એજન્ડા પરમાર્થ છે.
રામભક્તોને બહુ જ વેદના થઈ છે. એના પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે જ. મોદીજી અને યોગીજી કોઈને છોડશે નહીં. તેમને પથ્થર ફોડવા જેલમાં મોકલશે, પણ આજે જે ટીકા કરે છે તેમણે જ સિદ્ધિવિનાયક મંદિરમાં દાનપેટી લૂંટવાનું પાપ કર્યું હતું.
અયોધ્યાના રામ મંદિરમાં જે થયું એ ખોટું થયું. એના વિશે કોઈ સમર્થન ન હોઈ શકે, પણ હવે વિરોધ પક્ષ એ માટે રામરક્ષા સ્તોત્ર વાંચી રહ્યો છે. એટલું કહીશ કે તેઓ સત્તામાં હતા ત્યારે દામ અને હવે જતા રહ્યા છે ત્યારે રામને યાદ કરી રહ્યા છે. કર્મોની મળી શિક્ષા, એથી યાદ આવી રામરક્ષા.
કેટલાક લોકોએ નવી શોધ કરી છે કે હનુમાને મશાલથી લંકા બાળી. જો તેમના પક્ષની નિશાની લાઇટર હોત તો કહ્યું હોત કે હનુમાને લાઇટરથી લંકા બાળી.
વિરોધ પક્ષ મિસિંગ લિન્ક પ્રોજેક્ટની બદનામી કરે છે. આમ કરી તેઓ મહારાષ્ટ્રની જ બદનામી કરે છે, મહારાષ્ટ્રદ્રોહ કરે છે.
તેઓ ખોટો ઊહાપોહ મચાવે છે કે મિસિંગ લિન્ક પડી ગઈ. એવું કશું થયું નથી. એક પણ પૈસો એમાં ખવાયો નથી. પહેલાં ૬૬૯૫ કરોડનો પ્રોજેકટ ૭૮૧૯ કરોડમાં પૂરો થયો, ૧૦ ટકા કરતાં પણ ઓછી રકમના વધારા સાથે અમે પ્રોજેક્ટ પૂરો કર્યો છે.
શરદ પવારસાહેબ જ્યેષ્ઠ નેતા છે. તેમનું શાલ અને શ્રીફળ આપીને સન્માન કર્યું તો પણ આમને પેટમાં દુખે છે.
અહીં મુંબઈમાં યાકુબ મેમણની કબર સજાવી. મારું એમ કહેવું છે કે મત મેળવવા માટે કેટલા નીચા સ્તરે જશો. ‘જનાબ બાળાસાહેબ ઠાકરે’ લખેલાં કૅલેન્ડર બનાવડાવી વહેંચ્યાં હતાં.
તમે અમને શું હિન્દુત્વ શીખવો છો. વિચારમાં, આચારમાં, સંસ્કારમાં અને હૃદયમાં તેમ જ લોહીના કણેકણમાં હિન્દુત્વ હોવું જોઈએ. એ કંઈ ટી-શર્ટ નથી કે આજે કાઢ્યું અને કાલે ફરી પાછું પહેર્યું.
ઐસે લોગોં સે રખના દૂરી, જિનકે મુંહ મેં રામ ઔર બગલ મેં છુરી.
