ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે છાપાં વાંચવાનું ફરજિયાત
પ્રતીકાત્મક તસવીર
દુનિયા દિવસે-દિવસે વધુ ને વધુ ડિજિટલ બની રહી છે. ડિજિટલ યુગના ફાયદાઓ સામાન્ય માનવી પોતાના રોજિંદા જીવનમાં પણ અનુભવી રહ્યો છે. એમાંય ડિજિટલ પેમેન્ટની સગવડ તો ગજબની સહુલિયત પૂરી પાડે છે. યાદ કરો, બસ-કન્ડક્ટર કે ટૅક્સી-ડ્રાઇવરને ભાડું ચૂકવવા માટે થતી રકઝક, શાકભાજીવાળા કે ભેળપૂરીવાળાની સાથે થતી છુટ્ટા પૈસા-રૂપિયાની ઝંઝટ. હવે એ બધી ભૂતકાળની વાત બની ગઈ છે. વહેલી સવારે મૉર્નિંગ વૉક કરવા નીકળ્યા હો અને તાજી શાકભાજીની લારી જોઈ કંઈક ખરીદવાનું મન થઈ ગયું પણ પાસે પૈસા તો નથી, હવે? અરે, યાદ આવ્યું, ફોન તો છે. ફોનથી પેમેન્ટ કરીને તાજી-તાજી શાકભાજી ઘરે લઈ જઈ શકો છો. અલબત્ત, ડિજિટલની આ દેન જેટલી સુવિધાદાયી છે એટલી જ જોખમી પણ છે. ફોનની એક સ્વાઇપ જેટલી સગવડ આપે છે એના કરતાં અનેકગણી જોખમી સ્થિતિમાં આપણને ધકેલી દેવાની પણ તાકાત ધરાવે છે. ડિજિટલ ફ્રૉડના સંખ્યાબંધ કિસ્સાઓ આપણે મીડિયામાં લગભગ રોજ વાંચીએ છીએ.
જોકે આજે વાત તો આ ડિજિટલ યુગની એક અન્ય આડ-ઊપજ વિશે કરવી છે. એ છે મોબાઇલ ફોને માણસ પાસેથી છીનવી લીધેલી વાંચનની આદતની. આજે મોબાઇલ પર માનવી કેટલોબધો સમય ગાળે છે. ટૅબ્લેટ અને કમ્પ્યુટર પર તો અલગ. વિખ્યાત અમેરિકન કન્સલ્ટન્ટ્સ અર્ન્સ્ટ ઍન્ડ યંગ દ્વારા થયેલા એક અભ્યાસ અનુસાર ૨૦૨૪માં ભારતવાસીઓએ પોતાના સ્માર્ટફોન પર ૧.૧ લાખ કરોડ કલાકો ગાળ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો દરેક ભારતવાસી દિવસના સરેરાશ પાંચ કલાક મોબાઇલમાં વ્યસ્ત રહ્યો હતો.
ADVERTISEMENT
હવે દિવસના ચોવીસમાંથી ૧૦ કલાક રાતના બાદ કરો તો બાકી બચેલા ૧૪ કલાકમાંથી પાંચ કલાક જો મોબાઇલ ખાઈ જાય તો માણસ પાસે બીજાં રોજિંદાં કામકાજ કે ફરજો પૂરી કરવા માટે માંડ ૯ કલાક બચે. આ પરિસ્થિતિમાં સૌથી મોટો ફટકો માણસના વાંચન માટેના સમય પર પડ્યો છે. સ્માર્ટફોન, ટૅબ્લેટ, કમ્પ્યુટર કે ટીવી પર ચોંટેલી રહેતી આંખો તળેથી અખબારો કે પુસ્તકોનાં પાનાં ક્યારે દૂર ખસી ગયાં એની તેમને ખુદને પણ ખબર નથી. કેટલું ભયંકર અને વ્યાપક છે મોબાઇલનું વળગણ. વધુ ચિંતાની બાબત એ છે કે આ વળગણે બાળકો અને કિશોર વયનાં છોકરા-છોકરીઓને સૌથી વધારે ભરડામાં લીધાં છે. જેમના ઘરમાં આ વયજૂથનાં બાળકો છે તેમને અનુભવ છે કે કઈ રીતે એ બાળકો આ ગૅજેટ્સને શરણે થઈ ગયાં છે. ન પરિવારજનો સાથે કોઈ વાતચીત કે કોઈ કન્સર્ન. ખાવા-પીવા માટે કે હોમવર્ક માટે બોલાવી-બોલાવીને થાકી જાઓ ત્યારે માંડ ઊઠે. વળી આ ગૅજેટ્સથી દૂર રહેવા કહીએ તો હોમવર્ક કરીએ છીએ કે સ્કૂલના ગ્રુપનો મેસેજ આવ્યો છે વગેરે જેવાં કારણો આપી પોતાનું મોબાઇલ-વળગણ જસ્ટિફાય કરે.
હવે આ સંજોગામાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકારે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને માટે રોજ છાપાં વાંચવાનું ફરજિયાત બનાવ્યું છે. રોજ ઍસેમ્બલીમાં વિદ્યાર્થીઓ પ્રાર્થના માટે મળે ત્યારે ૧૦ મિનિટ અખબારવાંચન માટે ફાળવવાની. વારાફરતી દરેક વિદ્યાર્થીએ છાપામાંથી દેશ-વિદેશના કે રમત-ગમતના મહત્ત્વના સમાચારો વાંચવાના, તંત્રીલેખો વાંચવાના અને રોજબરોજના અગત્યના ડેવલપમેન્ટ્સથી વાકેફ રહેવાનું. આ માટે સ્કૂલની લાઇબ્રેરીઓમાં અંગ્રેજી અને હિન્દી અખબારો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓના વધતા જતા સ્ક્રીનટાઇમને નિયંત્રિત કરવા શાસન દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે એ ખરેખર આવકાર્ય છે એટલું જ નહીં, વિદ્યાર્થીઓને સ્ક્રૅપબુક બનાવવાનું પણ કહેવાયું છે જેમાં તેઓ અખબારોમાંથી મહત્ત્વની ઘટનાઓ વિશેનાં સમાચારો અને ટિપ્પણીઓ (તંત્રીલેખો) કાપીને લગાવી શકે. આ બધા પાછળ વિદ્યાર્થીઓને માત્ર વાંચન તરફ વાળવાનો જ હેતુ નથી; તેમની વિચારશક્તિ વિકસે, સારા-ખરાબ વચ્ચેનું અંતર પારખવાનો વિવેક જન્મે અને તર્કશક્તિ ખીલે એવો આશય પણ છે. વિદ્યાર્થીઓને જૂથ બનાવી અખબારોના સમાચારો વિશે ચર્ચા કરવા અને પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતા લેખો લખવા પણ પ્રોત્સાહિત કરવાની યોજના કરવામાં આવી છે. કિશોર-યુવા પેઢીને સ્ક્રીનની ચુંગાલમાંથી છોડાવી અખબારો પ્રત્યે વાળવાનો વિચાર સરકારને આવ્યો એ જ એક કીમતી કદમ છે. હું માનું છું કે મા-બાપ અને પરિવારજનો માટે પણ આ પહેલ ખાસ્સી રાહત આપનારી બની રહેશે.
કલ્પના કરો, આજે જ્યાં-ત્યાં મોબાઇલમાં ચોંટેલી આંખો સાથે આસપાસની દુનિયાથી કટ-ઑફ થયેલા વિદ્યાર્થીઓને બદલે સ્કૂલની લાઇબ્રેરીમાં, ક્લાસરૂમમાં કે પરસાળમાં છાપું વાંચતા, એમાં વાંચેલી કોઈક ઘટના વિશે ચર્ચા કરતા કે પોતાનો મત જોરદાર દલીલો સાથે રજૂ કરતા વિદ્યાર્થીઓ જોવા મળે. ઘરમાં ખૂણે ભરાઈને મોબાઇલમાં ખૂંપી ગયેલા વિદ્યાર્થીઓને બદલે બહાર ખુલ્લી જગ્યાઓમાં રમત-ગમતમાં ઓતપ્રોત વિદ્યાર્થીઓ નજરે ચડે. ખરેખર આ પગલું દેશની સમગ્ર વિદ્યાર્થી આલમ માટે લેવા જેવું છે. ટેક્નૉલૉજીની અહમિયત સમજી, સ્વીકારી અને એનો સાર્થક ઉપયોગ કરતાં-કરતાં વિદ્યાર્થીઓ પોતાનાં તન-મનના સ્વાસ્થ્ય અને વિકાસ પ્રત્યે પણ જાગરૂક બને એ માટે પરિવાર, સમાજ અને શાસન એ ત્રણેય ઘટકે પોતપોતાની ફરજ બજાવવી પડે.
આપણી આસપાસ અને દુનિયામાં બની રહેલી અનેક દુ:ખદ, અનુચિત અને ડિસ્ટર્બ કરી દેતી ઘટનાઓ વચ્ચે કોઈક અલગ, પૉઝિટિવ અને રાહતની આશા જગાવે એવી વાતોને શોધતી આંખોને આવા સમાચારો રણમાં મીઠી વીરડી જેવા લાગે એમાં શું નવાઈ? અને એ વળી શાસકોને સૂઝ્યા હોય ત્યારે તો ખાસ આનંદ થાય. નવા વર્ષે વધુ ને વધુ રાજ્યો આ અભિગમ ભણી વળે એવી આશા રાખીએ.
- તરુ મેઘાણી કજારિયા (લેખક અનુભવી આર્થિક પત્રકાર છે.)


