ચાર દેશોથી શરૂ થયેલા આ સંગઠનમાં આજે ૧૧ દેશ સભ્ય છે અને બીજા ૧૦ દેશ પાર્ટનર છે : દિલ્હીમાં આ ગ્રુપનું અઢારમું શિખર સંમેલન ચાલી રહ્યું છે ત્યારે એની સ્થાપનાથી એના વિસ્તાર સુધીની સફર જાણીએ એટલું જ નહીં, G7 સાથે એની સરખામણી પણ કરીએ
ગઈ કાલે દિલ્હીમાં ભારત મંડપમમાં બ્રિક્સના ૧૦ સભ્ય દેશોના વડા. બ્રાઝિલના પ્રેસિડન્ટ આવી નથી શક્યા.
વૈશ્વિક રાજકારણ અને વૈશ્વિક અર્થતંત્રમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચાઇના અને સાઉથ આફ્રિકાના સહયોગથી બનેલા ગ્રુપનું મહત્ત્વ વધી રહ્યું છે. આ પાંચેય દેશના પહેલા આલ્ફાબેટ પરથી આ ગ્રુપનું નામ BRICS (બ્રિક્સ) પાડવામાં આવ્યું છે. આ એક મુખ્ય બહુપક્ષીય ગ્રુપ છે. એનો વિસ્તાર થવા સાથે ભૌગોલિક અને આર્થિક પ્રભાવ પણ વધ્યો છે જેને કારણે આ ગ્રુપમાં ભારતની ભૂમિકા વિશે ચર્ચાઓ વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ બની રહી છે. ૧૮મું બ્રિક્સ શિખર સંમેલન ગઈ કાલથી રાજધાની દિલ્હીના ભારત મંડપમમાં શરૂ થયું હતું અને આજે એનો આખરી દિવસ છે. આ શિખર સંમેલન એ વાતનો પણ અહેસાસ કરાવે છે કે ૨૦૧૨ અને ૨૦૨૧માં ભારતે દિલ્હીમાં છેલ્લે આ બેઠકની યજમાની કરી ત્યારથી બ્રિક્સમાં કેટલો મોટો બદલાવ આવ્યો છે. આ વર્ષની પહેલી જાન્યુઆરીથી ભારત આ ગ્રુપનું અધ્યક્ષ છે.
બ્રિક્સ શું છે?
ADVERTISEMENT
બ્રાઝિલ, રશિયા, ભારત, ચાઇના અને સાઉથ આફ્રિકા જેવી ઊભરી રહેલી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનું આ એક આંતરરાષ્ટ્રીય ગ્રુપ છે અને એનો ઉદ્દેશ સભ્યદેશો વચ્ચે આર્થિક, રાજકીય, વ્યાપારિક અને વિકાસસંબંધી સહયોગને વધારવાનો છે.
૪ દેશોથી શરૂઆત
૨૦૦૧માં ઇકૉનૉમિસ્ટ જિમ ઓ’નીલે પહેલી વાર BRIC શબ્દનો ઉપયોગ બ્રાઝિલ, રશિયા, ભારત અને ચાઇનાના સંદર્ભમાં કર્યો હતો. ૨૦૦૬માં ન્યુ યૉર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ ઍસેમ્બલી (UNGA) દરમ્યાન BRIC દેશોના વિદેશપ્રધાનોની પહેલી બેઠક મળી હતી અને આ ૪ દેશોએ રાજકીય સ્તરે સહયોગ શરૂ કર્યો હતો. એનું પહેલું શિખર સંમેલન રશિયાના યેકાતેરિનબર્ગમાં ૨૦૦૯માં આયોજિત કરવામાં આવ્યું હતું. ૨૦૧૦માં સાઉથ આફ્રિકાને આ ગ્રુપમાં સામેલ કરવા માટે સહમતી બની હતી એટલે એનું નામ BRICS થયું હતું. ૨૦૧૧માં ત્રીજા બ્રિક્સ શિખર સંમેલનમાં સાઉથ આફ્રિકાએ ભાગ લીધો હતો. આ પાંચ દેશોએ બ્રિક્સના પ્લૅટફૉર્મનો ઉપયોગ વૈશ્વિક આર્થિક અને રાજકીય સહયોગના મહત્ત્વપૂર્ણ મંચના રૂપમાં કર્યો હતો.
૨૦૨૪માં વિસ્તાર થયો
૨૦૨૪માં બ્રિક્સનો વિસ્તાર કરવામાં આવ્યો અને ઘણા દેશોને એના સભ્ય બનાવવામાં આવ્યા જેથી આ ગ્રુપનો ભૌગોલિક અને આર્થિક પ્રભાવ વધ્યો હતો. વિસ્તારિત ગ્રુપમાં ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામેલ થયાં. ત્યાર બાદ ઇન્ડોનેશિયાને પણ બ્રિક્સના પૂર્ણ સભ્ય તરીકે લેવામાં આવ્યું.
હવે ૧૧ દેશ સામેલ, ૧૦ પાર્ટનર દેશો
હાલમાં બ્રિક્સમાં કુલ ૧૧ દેશો સામેલ છે જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચાઇના, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન, UAE, ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયાનો સમાવેશ છે. બેલારુસ, બોલિવિયા, કઝાખસ્તાન, ક્યુબા, મલેશિયા, નાઇજીરિયા, થાઇલૅન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ ૨૦૨૫માં પાર્ટનર દેશો તરીકે બ્રિક્સમાં જોડાયા હતા. પાર્ટનર દેશોને પણ આમંત્રિત કરવામાં આવે છે અને તેઓ સંમેલનમાં થતા નિર્ણયોને સમર્થન આપી શકે છે, પણ તેઓ પૂર્ણ મેમ્બર તરીકે નિર્ણય આપી શકતા નથી.
બ્રિક્સ શા માટે મહત્ત્વપૂર્ણ?
આ દેશોના સમૂહનું મહત્ત્વ ફક્ત અર્થવ્યવસ્થા સુધી સીમિત નથી. આ ગ્રુપ ગ્લોબલ સાઉથના અવાજને મજબૂત બનાવે છે અને એકબીજા સભ્યદેશોમાં વેપાર અને આર્થિક રોકાણને વધારે છે. ન્યુ ડેવલપમેન્ટ બૅન્ક (NDB)ના સહયોગથી વિકાસયોજનાઓને આર્થિક સહાયતા આપવામાં આવે છે. આ સિવાય મેમ્બર દેશો વચ્ચે કૂટનીતિક સહયોગને વધારે છે અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો અને વધારે પ્રતિનિધિત્વની માગણી ઉઠાવે છે.
બે મુખ્ય ધ્યેયો કયાં છે?
બ્રિક્સનો એજન્ડા શરૂઆતમાં ફક્ત આર્થિક મુદ્દાઓ પર કેન્દ્રિત હતો, પરંતુ હવે એ અનેક મુખ્ય સ્તંભો પર કામ કરે છે. બ્રિક્સનું પહેલું લક્ષ્ય સભ્યદેશો વચ્ચે વેપાર, રોકાણ, વિકાસ અને નાણાકીય સહયોગ સહિત આર્થિક અને નાણાકીય સહયોગ વધારવાનું છે. બીજું લક્ષ્ય વૈશ્વિક શાસનપ્રણાલીને વધુ સમાન બનાવવાનો પ્રયાસ કરવાનો છે. બ્રિક્સ દેશો સંયુક્ત રાષ્ટ્ર અને ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF) જેવી વૈશ્વિક સંસ્થાઓમાં વિકાસશીલ દેશોના અવાજ અને પ્રતિનિધિત્વમાં વધારો કરવાની માગણી કરે છે. બ્રિક્સે હવે આતંકવાદ, જળવાયું પરિવર્તન, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થાપત્ય અને વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (WTO) જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
G7 કરતાં વિશાળ સૈન્યબળ
૪ દેશો સાથે શરૂ થયેલા બ્રિક્સમાં હવે ૧૧ સભ્યો છે જેનાથી એની આર્થિક, વસ્તીવિષયક અને લશ્કરી પહોંચમાં નોંધપાત્ર વધારો થયો છે. આના કારણે અગ્રણી વિકસિત અર્થતંત્રોના મંચ એવા ગ્રુપ ઑફ સેવન (G7) સાથે પણ એની તુલના કરવામાં આવી રહી છે. ૧૧ સભ્યો ધરાવતા આ જૂથ પાસે G7 કરતાં વિશાળ સૈન્યબળ અને ભૌગોલિક વિસ્તાર છે. જોકે નાણાકીય બાબતો અને ડૉલરના સંદર્ભમાં અમેરિકાના નેતૃત્વવાળા G7 જૂથનું વર્ચસ હજી પણ જળવાયેલું છે. G7ના ૭ સભ્યોમાં અમેરિકા, બ્રિટન, જપાન, ઇટલી, જર્મની, ફ્રાન્સ અને કૅનેડાનો સમાવેશ છે.
બ્રિક્સ એક દેશ હોય તો?
જો બ્રિક્સના ૧૧ દેશોને એક કાલ્પનિક દેશ તરીકે ગણવામાં આવે તો એના કદને સમજવું સરળ બની જાય છે. બ્રિક્સના ૧૧ સભ્યદેશોની સંયુક્ત વસ્તી લગભગ ૪ અબજ છે, જે વિશ્વની કુલ વસ્તીના ૪૯ ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે. આનો અર્થ એ છે કે વિશ્વમાં દર બેમાંથી લગભગ એક માણસ બ્રિક્સ દેશમાં વસવાટ કરે છે. G7 દેશોની વસ્તી લગભગ ૮૦ કરોડ છે.
વિશ્વના ભૂ-ભાગનો ૩૨ ટકા હિસ્સો
ભૂ-વિસ્તારની દૃષ્ટિએ પણ તફાવત સ્પષ્ટ દેખાય છે. બ્રિક્સના ૧૧ દેશો લગભગ ૪.૭૭ કરોડ ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે જે વિશ્વના કુલ ભૂ-વિસ્તારના લગભગ ૩૨ ટકા છે, જ્યારે G7 દેશોનો સંયુક્ત વિસ્તાર લગભગ ૨.૧૧ કરોડ ચોરસ કિલોમીટર છે.
G7 દેશો આર્થિક રીતે સંપન્ન
આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો G7ની સ્થિતિ અલગ છે. IMFના આંકડા મુજબ બ્રિક્સના ૧૧ સભ્યોની સંયુક્ત ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) લગભગ ૩૫.૧૮ ટ્રિલ્યન ડૉલર છે, જે વિશ્વની અર્થવ્યવસ્થાના લગભગ ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. G7ની સંયુક્ત GDP લગભગ ૫૫.૩૨ ટ્રિલ્યન ડૉલર છે, જે બ્રિક્સ કરતાં લગભગ ૫૭ ટકા વધારે છે.
બ્રિક્સની લશ્કરી તાકાત વધારે
લશ્કરી તાકાતની દૃષ્ટિએ અને ખાસ કરીને સૈનિકોની સંખ્યાના મામલે બ્રિક્સ દેશો આગળ છે. ચીનમાં લગભગ ૨૦ લાખ, રશિયામાં લગભગ ૧૧ લાખ અને ભારતમાં લગભગ ૧૪.૭૫ લાખ સૈનિકો છે. તમામ ૧૧ બ્રિક્સ દેશોમાં સૈનિકોની કુલ સંખ્યા ૭૦.૬૧ લાખથી વધુ છે. G7 દેશોમાં સંયુક્ત રીતે લગભગ ૨૪ લાખ સૈનિકો છે.
G7 પાસે વધારે લશ્કરી વિમાનો
લશ્કરી વિમાનોની ગણતરીમાં G7 દેશોને ઍડ્વાન્ટેજ છે. G7 દેશો પાસે લગભગ ૧૭,૮૯૯ લશ્કરી વિમાનો છે. એની સરખામણીમાં બ્રિક્સ દેશો પાસે લગભગ ૧૭,૬૫૪ લશ્કરી વિમાનો છે.
બ્રિક્સ પાસે વધારે પરમાણુ શસ્ત્રો
પરમાણુ શસ્ત્રો આ બન્ને જૂથોની લશ્કરી તાકાત દર્શાવે છે. ચીન, રશિયા અને ભારત એ બ્રિક્સના ૩ પરમાણુ શસ્ત્રો ધરાવતા સભ્યદેશો છે. તેમની પાસે લગભગ ૬૨૩૦ પરમાણુ શસ્ત્રો છે. બીજી તરફ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એ G7ના ૩ પરમાણુ શસ્ત્રો ધરાવતા સભ્યદેશો છે જેમની પાસે લગભગ ૫૬૩૭ શસ્ત્રો છે.
તેલ બાબતે બ્રિક્સનું વર્ચસ
ઊર્જા ક્ષેત્રે બ્રિક્સ દેશોનું નોંધપાત્ર વર્ચસ છે. વિશ્વના સૌથી મોટા તેલ-ઉત્પાદક દેશોમાંના નવમાંથી ૬ દેશો બ્રિક્સના સભ્યો છે. એમાં સાઉદી અરેબિયા, રશિયા, ચીન, બ્રાઝિલ, ઈરાન અને UAEનો સમાવેશ છે. વિશ્વના કુલ તેલ-ઉત્પાદનમાં આ ૬ દેશોનો હિસ્સો લગભગ ૩૮.૬ ટકા જેટલો છે. અમેરિકા અને કૅનેડા પણ વિશ્વના સૌથી મોટા તેલ-ઉત્પાદક દેશોમાં સામેલ છે, જેનાથી ઊર્જાબજારોમાં G7ને મજબૂત સ્થિતિ પ્રાપ્ત થાય છે.
બ્રિક્સ પાસે મોટી રિફાઇનરીઓ
ચીન અને ભારત પાસે પણ તેલ-શુદ્ધીકરણની વિશાળ ક્ષમતા છે. ભારત વિશ્વના સૌથી મોટા તેલ-શુદ્ધીકરણ કરતા દેશોમાં સામેલ છે, જે પેટ્રોલિયમ ઉત્પાદનોની પ્રક્રિયા અને પુરવઠામાં આ જૂથને મહત્ત્વપૂર્ણ ભૂમિકા પૂરી પાડે છે. રૅર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો)ના ક્ષેત્રમાં પણ બ્રિક્સનું સ્થાન મહત્ત્વનું છે. આ ખનિજોનો ઉપયોગ ઇલેક્ટ્રૉનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો, સંરક્ષણનાં સાધનો અને અન્ય ઘણા ઉદ્યોગોમાં થાય છે. વિશ્વના કુલ રૅર અર્થ મિનરલ્સના ઉત્પાદનમાં ચીનનો હિસ્સો ૮૦ ટકાથી વધુ છે.
શું બ્રિક્સ G7ને પડકાર આપી શકે?
વસ્તી, ભૂ-વિસ્તાર, ઊર્જા, વેપાર અને લશ્કરી માનવબળના મામલે બ્રિક્સનું વર્ચસ ઘણું મોટું છે. જોકે નાણાકીય બાબતો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલીઓમાં G7 હજી પણ નોંધપાત્ર રીતે આગળ છે. વિશ્વના વિદેશી મુદ્રાભંડારમાં અમેરિકન ડૉલરનો હિસ્સો લગભગ ૫૬ ટકા છે, જ્યારે યુરોનો હિસ્સો આશરે ૨૦ ટકા છે. બ્રિક્સ દેશો ડૉલર પરની નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક ચલણમાં વેપાર વધારવાની દિશામાં કામ કરી રહ્યા છે. કેટલાક સભ્યદેશો એમના દ્વિપક્ષીય વેપારનો અમુક હિસ્સો પોતાના જ ચલણમાં કરે છે.
બ્રિક્સ કરન્સી માટે વિરોધ
બ્રિક્સ માટે એકસમાન કૉમન કરન્સી લાવવાના વિચાર પર પણ ચર્ચા કરવામાં આવી છે. ભારત, બ્રાઝિલ, UAE અને સાઉથ આફ્રિકાએ આવા પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. નાણાકીય પ્રણાલીમાં પણ G7નો દબદબો છે. બેલ્જિયમસ્થિત આંતરરાષ્ટ્રીય બૅન્કિંગ મેસેજિંગ સિસ્ટમ SWIFTનો ઉપયોગ ૯૦ ટકાથી વધુ આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે થાય છે. ૨૦૨૨માં યુક્રેન-યુદ્ધ શરૂ થયા બાદ રશિયાને આ પ્રણાલીના અમુક ભાગોમાંથી દૂર કરવામાં આવ્યું હતું. આનાથી આંતરરાષ્ટ્રીય ચુકવણીઓ પર પાશ્ચાત્ય નાણાકીય સંસ્થાઓનો નોંધપાત્ર પ્રભાવ રહે છે.
