શું આ ખરેખર સુરક્ષા આપે છે કે પછી માત્ર સોશ્યલ મીડિયાનો ટ્રેન્ડ છે? રસોડામાં પડેલા ઍલ્યુમિનિયમ ફૉઇલ અને કરોડોની બૅન્કિંગ ટેક્નૉલૉજી વચ્ચે શું કનેક્શન છે?
લોકો વૉલેટ અને ક્રેડિટ-ડેબિટ કાર્ડને કેમ વીંટાળી રહ્યા છે ઍલ્યુમિનિયમ ફૉઇલ?
શું આ ખરેખર સુરક્ષા આપે છે કે પછી માત્ર સોશ્યલ મીડિયાનો ટ્રેન્ડ છે? રસોડામાં પડેલા ઍલ્યુમિનિયમ ફૉઇલ અને કરોડોની બૅન્કિંગ ટેક્નૉલૉજી વચ્ચે શું કનેક્શન છે? આ પાછળનું વિજ્ઞાન સમજશો તો ઘરમાં રાખેલા ઍલ્યુમિનિયમ ફૉઇલને જોવાનો અને વાપરવાનો અંદાજ ચોક્કસ બદલાઈ જશે
છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો એક ટ્રેન્ડ જોઈને સૌથી પહેલાં ‘થ્રી ઇડિયટ્સ’ના રૅન્ચોની જ યાદ આવે છે. અમેરિકા, બ્રિટન, કૅનેડા અને યુરોપના કેટલાક દેશોમાં લોકો પોતાનાં વૉલેટ, પર્સ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને પાસપોર્ટને ઍલ્યુમિનિયમ ફૉઇલમાં વીંટાળીને રાખે છે. પ્રથમ નજરે આ કોઈ મજાક, મીમ કે બિનજરૂરી ગભરાટ જેવું લાગી શકે. સોશ્યલ મીડિયા પર ઘણા લોકોનો દાવો છે કે ઍલ્યુમિનિયમ ફૉઇલમાં કાર્ડ વીંટાળી દેવાથી વાયરલેસ રીતે કાર્ડ સ્કૅન કરવાનો પ્રયાસ નિષ્ફળ બની શકે છે એટલે કે તમારી માહિતી તમારી જાણ વગર ચોરી થતાં અટકી શકે છે. કેટલાક લોકો એને સસ્તું અને સરળ સુરક્ષાકવચ માને છે તો કેટલાક એને માત્ર સોશ્યલ મીડિયાનો વધુ એક વાઇરલ ટ્રેન્ડ ગણાવે છે. આખરે સત્ય શું છે? શું ખરેખર એક સામાન્ય ઍલ્યુમિનિયમ ફૉઇલ કરોડો રૂપિયાની આધુનિક બૅન્કિંગ ટેક્નૉલૉજીને પડકારી શકે? કે પછી આ માત્ર ડર અને ગેરસમજમાંથી જન્મેલો ટ્રેન્ડ છે? જવાબ શોધતાં પહેલાં સમજવું પડશે કે આખરે ઍલ્યુમિનિયમમાં એવું શું છે જેના કારણે એ રસોડાથી લઈને અવકાશ સુધી દરેક જગ્યાએ પોતાની જગ્યા બનાવી ચૂક્યું છે?
ઍલ્યુમિનિયમ જ કેમ?
સૌથી પહેલો સવાલ એ કે આખરે ઍલ્યુમિનિયમમાં એવું શું છે કે દુનિયા એની પાછળ ગાંડી છે? ખરેખર વિચારવા જેવી વાત છે. ઍલ્યુમિનિયમ એવી દુર્લભ ધાતુઓમાંની એક છે જે હળવી છે, સરળતાથી વાળી શકાય છે, કાટ લાગતો નથી અને ગરમી, પ્રકાશ તેમ જ રેડિયો તરંગો સાથે વિશિષ્ટ રીતે વર્તે છે. એટલે જ એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો વર્ષોથી ઍલ્યુમિનિયમ પર વિશ્વાસ કરે છે. એક જ ધાતુ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ કામ કરે છે અને આ જ એની સૌથી મોટી ખાસિયત છે. ઉદાહરણ તરીકે ચૉકલેટને ઍલ્યુમિનિયમ ફૉઇલમાં વીંટાળવામાં આવે છે જેથી હવા, ભેજ અને પ્રકાશ એની ગુણવત્તા બગાડી ન શકે. હેર-કલર કરતી વખતે એ જ ફૉઇલ વાળના એક ભાગને બીજા ભાગથી અલગ રાખે છે અને ગરમી જાળવી રાખીને રંગને વધુ અસરકારક બનાવે છે. દવાઓની સ્ટ્રિપમાં ઍલ્યુમિનિયમ ભેજ અને હવાથી દવાને સુરક્ષિત રાખે છે, જ્યારે અવકાશમાં સૅટેલાઇટ અને અવકાશયાન પર ઍલ્યુમિનિયમની ખાસ પરતો સૂર્યનાં પ્રચંડ વિકિરણો અને તાપમાનના ભારે ફેરફારથી સંવેદનશીલ ઉપકરણોને બચાવે છે. એટલે જ રસોડામાં દેખાતા આ સામાન્ય ફૉઇલ પાછળ અસામાન્ય વિજ્ઞાન છુપાયેલું છે. હવે સવાલ એ થાય કે જો ઍલ્યુમિનિયમ ચોકલેટને તાજી રાખી શકે, સૅટેલાઇટને અવકાશમાં સુરક્ષિત રાખી શકે અને હેર-કલરને વધુ અસરકારક બનાવી શકે તો શું એ તમારા ક્રેડિટ-ડેબિટ કાર્ડને પણ સુરક્ષા આપી શકે? આ સવાલનો જવાબ સમજવા માટે પહેલાં જાણવું પડશે કે આખરે વાયરલેસ ક્રેડિટ-ડેબિટ કાર્ડ કામ કેવી રીતે કરે છે.
ટચ ઍન્ડ પેનો જાદુ અને જોખમ
આપણે ઘણી વખત દુકાન, મૉલ કે ઍરપોર્ટ પર એક રસપ્રદ દૃશ્ય જોયું હશે. કોઈ વ્યક્તિ કાર્ડને મશીનમાં સ્વાઇપ પણ કરતી નથી અને ઇન્સર્ટ પણ કરતી નથી. તે માત્ર કાર્ડને પેમેન્ટ મશીનની નજીક લાવે છે અને ગણતરીની સેકન્ડોમાં પેમેન્ટ થઈ જાય છે. વિદેશોમાં તો ઘણા લોકો ઘડિયાળ કે સ્માર્ટફોનને માત્ર ટચ કરીને પણ ખરીદી કરી લે છે. આ જાદુ વાયરલેસ ટેક્નૉલૉજીનું પરિણામ છે. આધુનિક ક્રેડિટ અને ડેબિટ કાર્ડમાં એક નાનકડી ઇલેક્ટ્રૉનિક ચિપ અને એની સાથે જોડાયેલું સૂક્ષ્મ ઍન્ટેના હોય છે. કાર્ડને જ્યારે પેમેન્ટ મશીનની ખૂબ નજીક લાવવામાં આવે છે ત્યારે મશીન રેડિયો તરંગો મોકલે છે. આ તરંગો કાર્ડની ચિપને ક્ષણિક ઊર્જા આપે છે જેને કારણે ચિપ સક્રિય થાય છે અને જરૂરી માહિતી સુરક્ષિત રીતે પેમેન્ટ મશીન સુધી પહોંચાડે છે. સમગ્ર પ્રક્રિયા એક-બે સેકન્ડમાં પૂરી થઈ જાય છે એટલે એને કૉન્ટૅક્ટલેસ અથવા વાયરલેસ પેમેન્ટ કહેવામાં આવે છે. આ ટેક્નૉલૉજીનો ઉપયોગ માત્ર બૅન્કના કાર્ડમાં જ થતો નથી. મેટ્રો કાર્ડ, FASTag, ઑફિસનાં ઍક્સેસ કાર્ડ, હોટેલનાં રૂમકાર્ડ અને કેટલાંક આધુનિક ઓળખપત્રો પણ આવી જ વાયરલેસ પદ્ધતિ પર કામ કરે છે. એટલે રોજિંદા જીવનમાં આપણે આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કદાચ વિચાર્યા વગર જ અનેક વખત કરી રહ્યા હોઈએ છીએ. જોકે જ્યાં કોઈ ટેક્નૉલૉજી હોય ત્યાં એના દુરુપયોગની શક્યતા વિશે પણ વિચારવું જરૂરી છે.
વાયરલેસ સ્કિમિંગ કેટલું જોખમી?
જ્યારે પેમેન્ટ મશીન કાર્ડ સાથે વાયરલેસ રીતે વાત કરી શકે છે ત્યારે સ્વાભાવિક રીતે સવાલ ઊભો થાય કે શું કોઈ ગુનેગાર પણ આવી જ રીતે કાર્ડ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકે? આ જ સવાલમાંથી જન્મે છે એક શબ્દ વાયરલેસ સ્કિમિંગ. વાયરલેસ પેમેન્ટની સુવિધા જેટલી સરળ છે એટલી જ ઝડપથી એના દુરુપયોગ વિશેની ચર્ચાઓ પણ શરૂ થઈ. આ જ સંદર્ભમાં વાયરલેસ સ્કિમિંગ શબ્દ વારંવાર સાંભળવા મળે છે. સરળ ભાષામાં કહીએ તો સ્કિમિંગ એટલે કાર્ડધારકની જાણ બહાર તેના કૉન્ટૅક્ટલેસ કાર્ડ સાથે વાયરલેસ રીતે સંપર્ક કરવાનો પ્રયાસ. એના માટે ખાસ પ્રકારના રીડરનો ઉપયોગ કરવામાં આવે છે જે પેમેન્ટ મશીનની જેમ જ રેડિયો તરંગો મોકલે છે. જો કાર્ડ ખૂબ નજીક હોય તો એ કાર્ડ સાથે સંચાર કરવાનો પ્રયાસ કરી શકે છે અને મર્યાદિત માહિતી વાંચી શકે છે, પરંતુ અહીં એક મહત્ત્વની વાત સમજવી જરૂરી છે. સોશ્યલ મીડિયા પર આ જોખમને ઘણી વખત વધારીને રજૂ કરવામાં આવે છે. હકીકતમાં આધુનિક ક્રેડિટ-ડેબિટ કાર્ડમાં સુરક્ષાના અનેક સ્તરો હોય છે. દરેક કૉન્ટૅક્ટલેસ ટ્રાન્ઝૅક્શન માટે કાર્ડ એક અનોખો સુરક્ષા કોડ તૈયાર કરે છે એટલે માત્ર કાર્ડમાંથી માહિતી વાંચી લેવાથી જ કોઈ વ્યક્તિ સરળતાથી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકે એવું નથી. ઉપરાંત કાર્ડમાંથી પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર (PIN), કાર્ડ વેરિફિકેશન વૅલ્યુ (CVV) અથવા સંપૂર્ણ બૅન્કિંગ વિગતો સીધી મેળવી શકાય એવી પણ સ્થિતિ નથી. વાસ્તવિકતા એ છે કે આજે દુનિયાભરમાં થતાં મોટા ભાગનાં કાર્ડ ફ્રૉડ હજી પણ ઑટોમેટેડ ટેલર મશીન (ATM) સ્કિમિંગ, નકલી પેમેન્ટ મશીન, ફિશિંગ લિન્ક, વન ટાઇમ પાસવર્ડ (OTP) છેતરપિંડી, ડેટા લીક અને નકલી મોબાઇલ ઍપ્સ દ્વારા જ થાય છે. એટલે વાયરલેસ સ્કિમિંગનું જોખમ સંપૂર્ણપણે નકારી શકાય નહીં. તો પછી સવાલ એ થાય કે જો કોઈ વ્યક્તિ વધારાની સાવચેતી રાખવા માગે તો ઍલ્યુમિનિયમ ફૉઇલ આ સમગ્ર પ્રક્રિયામાં શું ફેરફાર લાવે છે? આખરે એક સામાન્ય ધાતુ રેડિયો તરંગો વચ્ચે દીવાલની જેમ કેવી રીતે ઊભી રહી શકે? અહીંથી શરૂ થાય છે ભૌતિકશાસ્ત્રનો એક રસપ્રદ સિદ્ધાંત જેને ફેરાડે કેજ (Faraday Cage) તરીકે ઓળખવામાં આવે છે.
અહીં આવે છે રોજિંદું વિજ્ઞાન
વાયરલેસ ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને પેમેન્ટ મશીન એકબીજા સાથે રેડિયો તરંગો દ્વારા વાતચીત કરે છે. જો આ બન્ને વચ્ચે ઍલ્યુમિનિયમ ફૉઇલ આવી જાય તો એ રેડિયો તરંગોનો મોટો ભાગ પરાવર્તિત કરી દે છે અથવા પોતાની અંદર જ શોષી લે છે. પરિણામે પેમેન્ટ મશીનનું સિગ્નલ કાર્ડ સુધી અસરકારક રીતે પહોંચી શકતું નથી અને કાર્ડ પણ જવાબ આપી શકતું નથી. એટલે બન્ને વચ્ચેનો વાયરલેસ સંપર્ક જ તૂટી જાય છે. ભૌતિકશાસ્ત્રમાં આ સિદ્ધાંતને ફેરાડે કેજ કહેવામાં આવે છે. ઓગણીસમી સદીમાં બ્રિટિશ વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેએ સમજાવ્યું હતું કે જો કોઈ વસ્તુને ચારે બાજુથી ધાતુની સપાટી અથવા જાળી ઘેરી લે તો બહારથી આવતા વિદ્યુત ચુંબકીય તરંગો અંદર સરળતાથી પહોંચી શકતા નથી. ઍલ્યુમિનિયમ ફૉઇલ કાર્ડની આસપાસ એક પ્રકારનું નાનું સુરક્ષાકવચ બનાવી દે છે જેને કારણે બહારનાં સિગ્નલોને અંદર પહોંચવામાં મુશ્કેલી પડે છે. આ સિદ્ધાંત માત્ર કાર્ડ પૂરતો મર્યાદિત નથી. વિમાન, વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ, મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) રૂમ, સર્વર રૂમ અને સૅટેલાઇટ જેવાં સંવેદનશીલ ઉપકરણોમાં પણ બહારના ઇલેક્ટ્રોમૅગ્નેટિક તરંગોની અસર ઘટાડવા માટે આવા જ સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. એટલે ઍલ્યુમિનિયમ ફૉઇલ પાછળનું વિજ્ઞાન કલ્પના નહીં પરંતુ વર્ષોથી સાબિત થયેલું ભૌતિકશાસ્ત્ર છે. અંતે રૅન્ચો કહેત, ‘કોઈ પણ વસ્તુ નાની કે મોટી નથી હોતી, એની પાછળનું વિજ્ઞાન મોટું હોય છે.’ કદાચ આ જ આ વાઇરલ ટ્રેન્ડનો સૌથી મોટો પાઠ છે. ઍલ્યુમિનિયમ ફૉઇલ વૉલેટમાં રાખવું કે નહીં એ દરેકની વ્યક્તિગત પસંદગી હોઈ શકે, પરંતુ એની પાછળનું વિજ્ઞાન સમજવું એ જ સાચી સ્માર્ટનેસ છે.
