Kurla Crane Collapse: એમએમઆરડીએ (MMRDA) દ્વારા ચાલી રહેલી કામગીરી દરમિયાન અચાનકથી ક્રેન પાસેની ઝૂંપડપટ્ટીનાં મકાન અને રેલ્વે ટ્રેક પર પડી ગઈ હતી.
તૂટી પડેલી ક્રેન (તસવીર: ખાસ વ્યવસ્થા દ્વારા)
મુંબઈના કુર્લામાં એક મોટો હાદસો (Kurla Crane Collapse) થયો છે. મોડી રાત્રે કુરેશી નગરમાં અઢી વાગ્યાની આસપાસ અચાનક એક ઘર પર ક્રેન પડી હતી. એમએમઆરડીએ (MMRDA) દ્વારા ચાલી રહેલી કામગીરી દરમિયાન અચાનકથી ક્રેન પાસેની ઝૂંપડપટ્ટી અને રેલ્વે ટ્રેક પર પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૮થી ૯ લોકોને ઇજાઓ થઇ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
કઈ રીતે આ હાદસો થયો?
ADVERTISEMENT
મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) દ્વારા કુરેશી નગર ખાતે ડિમોલિશન ચાલી રહ્યું છે. આ કામગીરી માટે MMRDAની ક્રેન દ્વારા જેસીબી/પોકલેન મશીનને શિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ ભારેખમ મશીનને કારણે ક્રેન તૂટી ગઈ (Kurla Crane Collapse) હતી અને તે ત્યાં આવેલાં કેટલાક મકાન પર અને કુર્લા-ટ્રોમ્બે વચ્ચેના રેલ્વે ટ્રેક તેમજ ઓવરહેડ ઈલેક્ટ્રિક વાયર (OHE) પર પડી હતી. સ્થાનિક લોકોની સતર્કતાને કારણે તાત્કાલિક આખો પરિસર ખાલી કરાવવામાં આવ્યો હતો, જેને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકો અને રેલ્વે તંત્રના જણાવ્યા અનુસાર આ હાદસામાં ૮થી ૯ લોકોને ઇન્જરી થઇ છે. હાલમાં ૬ ઇન્જર્ડ લોકોને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કુર્લા ભાભા હોસ્પિટલમાં પણ ૨ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર તમામ દર્દીઓની કન્ડિશન સ્ટેબલ છે અને કોઈને મેજર ઇન્જરી થઇ નથી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને આપાતકાલીન ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ યુદ્ધના ધોરણે મકાનો અને ટ્રેક પરથી કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. કોઈપણ વ્યક્તિ કાટમાળ નીચે ફસાયેલી તો નથીને તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. (Kurla Crane Collapse) સ્થળ પર હાજર એલ વોર્ડના જુનિયર એન્જિનિયર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પોકલેન મશીનનો ઉપયોગ કરીને ક્રેનને માઉન્ટ કરવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો તે સમયે ક્રેન પડી ગઈ હતી. હાલ સ્થળ પર અધિકારીઓ આવી ગયા છે અને તપાસ આદરી છે.
આ હાદસા (Kurla Crane Collapse)માં ક્રેન કુર્લા-ટ્રોમ્બે વચ્ચેના રેલ્વે ટ્રેક તેમજ ઓવરહેડ ઈલેક્ટ્રિક વાયર (OHE) પર પડી હોવાથી મુંબઈગરાઓને ટ્રેન વ્યવહાર પણ અસર થશે કે કેમ તેની ચિંતા થવા લાગી છે. પરંતુ સેન્ટ્રલ રેલ્વે (CR)ના અધિકારીઓએ જણાવ્યું છે કે આ એક્સિડન્ટ જે ટ્રેક પર થયો છે તે ટ્રેક પર મોટા ભાગે ગુડ્સ ટ્રેન (માલગાડી)ઓ જ દોડે છે. જેથી લોકલ કે પેસેન્જર ટ્રેન વ્યવહારને કોઈ અસર પડી નથી અને પેસેન્જર્સ નિશ્ચિંતપણે પ્રવાસ કરી શકે છે. સેન્ટ્રલ રેલ્વેએ આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી MMRDA ની હોવાનું જણાવ્યું છે.
