બાળકોની સ્કિન ફ્લોલેસ અને કુદરતી રીતે ગ્લોઇંગ હોય છે, પણ જો નવરાત્રિના હેવી કૉસ્ચ્યુમની સાથે તેમને મેકઅપ કરવો જ હોય તો એનું પ્રમાણ ખૂબ ઓછું હોવું જોઈએ
બ્યુટી ઍન્ડ કૅર
તમારાં ભૂલકાંની સ્કિન મેકઅપનો માર ઝીલી શકશે?
ગરબા રમવા જઈએ ત્યારે મારી દીકરી સૌથી બેસ્ટ લાગવી જોઈએ એ આગ્રહ કે હઠાગ્રહ કહી શકાય એના લીધે મમ્મીઓ બાળકોને ખૂબ લાઉડ મેકઅપ કરી બેસે છે. અસલ પુખ્ત વયની સ્ત્રીઓ કરે એવો. ઓવરઑલ નવરાત્રિનાં હેવી ચણિયા-ચોળી સાથે જોકે એ સુંદર પણ લાગે છે, પણ શું બાળકોની કુમળી સ્કિન આટલોબધો મેકઅપનો માર સહન કરી શકે છે? આ વિશે વાત કરતાં મેકઅપ આર્ટિસ્ટ અર્ચના હરિયા કહે છે, ‘નાનાં બાળકોની સ્કિન કુમળી હોય છે અને નૅચરલી જ ગ્લો અને લાલીમા તેમના ચહેરા પર જોવા મળે છે. એટલે તેમની સ્કિનને મેકઅપની જરૂર જ નથી એવું કહી શકાય.’
પ્રોડક્ટ્સ અને બેઝ
ADVERTISEMENT
ગમેતેટલી હાઈ-એન્ડ કંપનીની પ્રોડક્ટ્સ વાપરો તોય એમાં થોડા પ્રમાણમાં કેમિકલ્સ તો હોય જ છે. અહીં મેકઅપની પ્રોડક્ટ્સની પસંદગી ચીવટથી કરો. બજારમાં નૅચરલ અને ઑર્ગેનિક લેબલવાળી ઘણી પ્રોડક્ટ મળશે, પણ એમાંથી ખરેખર નૅચરલ અને ઓછામાં ઓછા કેમિકલવાળું શું છે એ તમારે ઓળખી કાઢવાનું છે. આ વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પ્રિયલ ગાલા કહે છે, ‘ફ્રેશ અને સારી કંપનીનો મેકઅપ વાપરો. જૂનો મેકઅપ બાળકોની સ્કિન પર વાપરવાનું ટાળો.’
કેટલો મેકઅપ સેફ?
બચ્ચાઓ કદાચ લિપસ્ટિક જીભ લગાવી ચાટી જશે કે પછી ગ્લિટરવાળો આઇશૅડો તેમની આંખમાં જશે એવો ડર મનમાં રાખીને જ કેટલો મેકઅપ કરવો એ નક્કી કરવું. આ વિશે અર્ચના હરિયા કહે છે, ‘બાળકોને મેકઅપના બેઝની જરૂર નથી અને ન તો જરૂર છે ફાઉન્ડેશન કે પ્રાઇમરની. ફક્ત કૉમ્પૅક્ટ પાઉડર અને હળવી લિપસ્ટિક પૂરતી છે. આઇશૅડો લગાવી શકાય. અહીં લુક વધુ કલરફુલ ન બનાવતાં એક જ શેડ લિપસ્ટિક, બ્લશર અને આઇશૅડોમાં લગાવી લેવો. એક જ લિપસ્ટિક વડે પણ આ ત્રણે કામ શક્ય છે. એટલે જાતજાતની પ્રોડક્ટ્સ બાળકો પર ન લગાવવી. હા, વૉટર બેઝ્ડ આઇલાઇનર લગાવી શકાય, કારણ કે એ પાણીથી ધોવાથી પણ આસાનીથી નીકળી જાય છે. લાઇનર સાથે ઘણા એક્સપરિમેન્ટ પણ શક્ય છે. એ સિવાય રંગબેરંગી બિંદીઓ લગાવી લુક એન્હૅન્સ કરવો પણ વધુપડતા બ્લશર-આઇશૅડોથી બચ્ચાંઓને દૂર રાખવાં.’
મેકઅપ રીમૂવલ
બાળકો પર એવો જ અને એટલો જ મેકઅપ કરવો જે આસાનીથી ધોવાઈ જાય. આ વિશે વાત કરતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પ્રિયલ ગાલા કહે છે, ‘બાળકો ગરબા રમીને થાકી જાય એટલે ઘરે આવીને સૂઈ જાય અને એ જ મેકઅપ ચહેરા પર સવાર સુધી રહે, જેના કારણે તેમની સ્કિન વધુ સૂકી બની શકે છે અને ઇન્ફેક્શન થવાના પણ ચાન્સ છે. એટલે મેકઅપ ક્લેન્ઝરની મદદથી મેકઅપ કાઢી લેવો. આ વાત અનિવાર્ય છે. ટીનેજર્સ પણ જો મેકઅપ લગાવીને સૂઈ જાય તો એમને પણ ઍક્ને થઈ શકે છે. મેકઅપ લગાવતા પહેલાં પણ જો મૉઇશ્ચરાઇઝર લગાવી દેવામાં આવે તો સ્કિનને ઓછામાં ઓછું નુકસાન કરશે.’
બાળકોને મેકઅપના બેઝની જરૂર નથી અને ન તો જરૂર છે ફાઉન્ડેશન કે પ્રાઇમરની. ફક્ત કૉમ્પૅક્ટ પાઉડર અને હળવી લિપસ્ટિક પૂરતી છે. આઇશૅડો લગાવી શકાય. : અર્ચના હરિયા