Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કર્મમાં પુરુષાર્થ અને પરિણામમાં સંતોષ સુખી જીવનનું રહસ્ય

કર્મમાં પુરુષાર્થ અને પરિણામમાં સંતોષ સુખી જીવનનું રહસ્ય

Published : 13 April, 2026 04:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તો આવો આજથી આપણે સૌ પ્રણ લઈએ કે આપણે સદા સંતુષ્ટ અને પ્રસન્ન રહીશું અને સર્વને સંતુષ્ટ અને પ્રસન્ન કરીશું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભારતીય સંસ્કૃતિમાં સંતોષને બહુ મોટો ગુણ માનવામાં આવ્યો છે અને એટલે જ એવું કહેવામાં આવ્યું છે કે ‘સંતોષી નર સદા સુખી’. એની સાથે-સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે બધા પ્રકારના ધનની પ્રાપ્તિ થયા બાદ પણ જો સંતોષરૂપી ધન પ્રાપ્ત ન થાય તો સમજવું કે કંઈ પણ પ્રાપ્તિ નથી થઈ. જોકે આજના તથાકથિત આધુનિક સમાજમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જો તમે સંતુષ્ટ થઈ જશો તો આગળ કેવી રીતે વધશો? તમારી પ્રગતિ પર રોક લાગી જશે, તમે જ્યાંના ત્યાં ઊભા રહી જશો. એટલું જ નહીં, તેઓ તો એમ પણ કહે છે કે વાસ્તવમાં એ આપણી અંદર રહેલો અસંતોષ જ તો છે જે આપણને કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. હવે આવામાં કરવું શું એ આજના આધુનિક મનુષ્યની સૌથી મોટી મૂંઝવણ છે. વ્યાવહારિકરૂપે કહેવા જઈએ તો સંતોષનો અર્થ એ નથી કે તમે ગોદડું ઓઢીને સૂતા રહો. નહીં, એને તો આળસ કહેવાય. યાદ રહે કે સંતોષ આપણને પ્રમાદી નથી બનાવતો, એ આપણને હકારાત્મક મનઃસ્થિતિ સાથે કર્મઠ બનાવે છે. એટલે જીવનમાં મહેનત, સત્ય અને ઈમાનદારી સાથે કર્મ અવશ્ય કરવાં જોઈએ. પછી આ બીજમાંથી જે પણ ફળ પ્રાપ્ત થાય એમાં સંતુષ્ટ રહેવું જોઈએ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આપણે અસંતુષ્ટ છીએ તો શું એના નિવારણનો કોઈ ઉપાય નહીં કરવાનો? જરૂર કરવાનો, પણ અવગુણોના આધારે કે એમનું શરણું લઈને નહીં પરંતુ ગુણોની ધારણા દ્વારા કરવાનો; કારણ કે અવગુણ તો ઝેર છે, બગડેલું બનાવવાવાળા નહીં પરંતુ વધુ બગાડવાવાળા છે. અર્થાત્ એ કોઈના પણ મિત્ર નથી. એટલે જો આપણે અસંતુષ્ટતાને જીતવી હોય તો ગુણોનો સહારો લઈને જ જીતી શકીએ છીએ, નહીંતર અસંતુષ્ટ તો આપણે પહેલેથી જ હતા. એમ કહેવાય છે કે જે સંતુષ્ટ છે તે સદા પ્રસન્ન છે અને એટલે જ સંતુષ્ટ આત્માની સ્વસ્થિતિને કોઈ પણ પરિસ્થિતિ હલાવી નથી શકતી, કારણ કે એને દરેક પરિસ્થિતિ કાર્ટૂન શોની સમાન મનોરંજક લાગે છે અને એટલા માટે જ પરિસ્થિતિ એના પર વાર કરવાને બદલે એનાથી હાર માની લે છે. આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષનો આધાર પૃથ્વી છે અને એ એના પર ટકેલું છે. જો એ એનાથી અલગ થવાનો વિચાર કરે તો શું એને બીજે ક્યાંય ઠેકાણું મળશે? એવી જ રીતે માનવના આત્માની સ્થિરતા અને સંતુષ્ટતાનો આધાર એના સદ્ગુણ છે. જેમ કે ત્યાગ, દયા, પરોપકાર, પવિત્રતા, ક્ષમા વગેરે. આ ગુણોની વૃદ્ધિ જેટલી આપણી અંદર થશે એટલા આપણે અંદરથી સ્થિર, સંતુષ્ટ અને એકાગ્ર રહીશું. તો આવો આજથી આપણે સૌ પ્રણ લઈએ કે આપણે સદા સંતુષ્ટ અને પ્રસન્ન રહીશું અને સર્વને સંતુષ્ટ અને પ્રસન્ન કરીશું.

- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK