મુંબઈના રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં પ્રફુલ દવેએ એકશ્વાસે છંદ ગાયો અને આશાતાઈ બોલી ઊઠ્યાં, વાહ, ક્યા બાત હૈ અને અટકી ગયું રેકૉર્ડિંગ
પ્રફુલ દવેએ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ અર્પી હતી
આશાતાઈની સાલસતા, નિખાલસતા તેમ જ અન્ય કલાકારોને દાદ આપવાની યાદો વાગોળી અષાઢી કંઠના વિશ્વવિખ્યાત ગાયક પ્રફુલ દવેએ. કહ્યું કે જેમને આપણે રેડિયો પર સાંભળતાં તેમની સાથે બે ફુટના અંતરે ઊભા રહીને જ્યારે પહેલી વાર ગાયું ત્યારે મને નવાઈ લાગી હતી : મોરલિયો મધુવનમાં રે બોલ્યો ગીતના રેકૉર્ડિંગ વખતે પ્રફુલ દવેએ આશાજીને કમ્પોઝિશન અને એક્સપ્રેશન સમજાવ્યાં અને આશાજીએ શીરાની જેમ ગળે ઉતારીને ગીતને હિટ બનાવ્યું હતું
વર્ષો પહેલાં મુંબઈના સ્ટુડિયોમાં ગુજરાતી ફિલ્મના એક ગીતનું રેકૉર્ડિંગ ચાલતું હતું. પ્રફુલ દવે અને આશા ભોસલે આ ગીત ગાવા માટે તૈયાર હતાં. અષાઢી કંઠના વિશ્વવિખ્યાત ગાયક પ્રફુલ દવે એકશ્વાસે છંદ ગાઈ રહ્યા હતા. એ સાંભળીને આશાતાઈ રેકૉર્ડિંગ ચાલે છે એ ભૂલી જઈને એકદમ બોલી ઊઠ્યાં હતાં, ‘વાહ, ક્યા બાત હૈ.’ આટલું બોલતાં જ ગીતનું રેકૉર્ડિંગ અટકી ગયું અને ફરી વાર એ ગીતનું રેકૉર્ડિંગ કરવું પડ્યું હતું. આ ગીતનું રેકૉર્ડિંગ પૂરું થયા બાદ આશાજીએ પ્રફુલ દવેની ગાયકીને દાદ આપતાં અને સરાહના કરતાં કહ્યું હતું કે ‘તમે કેવી રીતે આ ગાઈ શકો છો?’
સંગીતની દુનિયામાં વિશ્વમાં જેમનું નામ આદરપૂર્વક લેવાય છે એ વિખ્યાત ગાયિકા આશા ભોસલેના નિધન બાદ આશાતાઈની સાલસતા, નિખાલસતા તેમ જ અન્ય કલાકારોને દાદ આપવાની યાદોને અષાઢી કંઠના વિશ્વવિખ્યાત ગાયક પ્રફુલ દવેએ વાગોળી હતી. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં પ્રફુલ દવેએ કહ્યું હતું, ‘આશા ભોસલે સાથે ઘણાં ગીતો ગાયાં છે, પરંતુ આશાજી સાથે પહેલું ગીત ‘મારું વનરાવન છે રૂડું રે...’ ગાયું હતું. ‘ચુંદડીનો રંગ’ ફિલ્મનું આ ગીત હતું. હું જ્યારે મણિયારો ગીત ગાવા ગયો હતો ત્યારે ફિલ્મ બનાવનાર ભાઈએ અવિનાશ વ્યાસને કહ્યું હતું કે આ ગીત આ છોકરા પાસે ગવડાવીએ ત્યારે અવિનાશભાઈએ મને રોકાઈ જવા કહ્યું હતું. ‘મારું વનરાવન છે રૂડું રે...’ ગીતના રેકૉર્ડિંગ વખતે આશાજીને મેં પહેલી વાર જોયાં અને રૂબરૂમાં સાંભળ્યાં હતાં જેને આપણે રેડિયો પર સાંભળતાં હતાં તેમની સાથે બે ફુટ દૂર ઊભા રહીને ગાઈ શક્યો એની મને નવાઈ લાગી હતી. આ ગીતના રેકૉર્ડિંગ પછી આશાજીએ અવિનાશભાઈને મરાઠી ભાષામાં કહ્યું હતું કે ચાંગલી આવાજ આવી એટલે કે સારો અવાજ આવ્યો છે. એ પછી તો આશાજી સાથે ઘણાં ગીતો ગાયાં.’
ADVERTISEMENT
આશા ભોસલેના સરળ સ્વભાવ અને કોઈની પાસેથી ગીત શીખવામાં નાનપ નહીં અનુભવતાં આશા ભોસલે માટે પ્રફુલ દવેએ એક કિસ્સો યાદ કરતાં કહ્યું હતું, ‘આશા ભોસલે સાથે એક ગીત ‘મોરલિયો મધુવનમાં રે બોલ્યો...’ રેકૉર્ડિંગ કરવાનું હતું. આશાજી મોટાં સિંગર હોવાથી આ ગીત જે રીતે ગવાવું જોઈએ એ વિશે આશાજી સાથે વાત કરવા કોઈની હિંમત ન ચાલી ત્યારે મેં આશાજીને કહ્યું હતું કે દીદી, આ કમ્પોઝિશન આમ છે એમ કહીને તેમને ગીત વિશે જણાવ્યું હતું તેમ જ ગાતી વખતે જે એક્સપ્રેશન જોઈતાં હતાં એ પણ તેમને બતાવ્યાં હતાં. આશાજીએ તરત જ વાતને સ્વીકારી લઈને ગીત ગાયું હતું. આશાજીને શીખવ્યું, એનો અહમ્ ન કરાય. વાત એટલી હતી કે ગીતમાં આ એક્સપ્રેશન આમ છે અને કમ્પોઝિશન આ છે એ બતાવ્યું હતું અને આશાજીએ સરળતાથી વાતને સમજી લીધી હતી અને એ પ્રમાણે ગાયું હતું.’
આશાતાઈ કલાકારોને દાદ આપવામાં પાછીપાની કરતાં નહીં અને કલાકારોને પ્રોત્સાહિત કરતાં હોવાનું પ્રફુલ દવેએ જણાવતાં કહ્યું હતું, ‘જંતરવાળો જુવાન’ ફિલ્મનું ગીત હતું ‘કાળી કાળી વાદળીમાં વીજળી ઝબુકે...’ આ ગીતનું રેકૉર્ડિંગ મુંબઈના ફિલ્મ સેન્ટર સ્ટુડિયોમાં હતું. આ ગીતનું રેકૉર્ડિંગ કૌશિકબાવા કરી રહ્યા હતા. આ ગીતમાં મારે બે દુહા અને એક છંદ ગાવાનો હતો. એમાં દમેલિયા છંદ હતો. ‘અષાઢ ઘઘુંબીય લુંબીય અંબર, વાદળ બેવળ ચોવળિયમ...’ ફાઇનલ ટ્રૅક ચાલતો હતો અને એમાં મારા ગાવાનો પાર્ટ આવ્યો ત્યારે આ છંદ ગાયો. એકશ્વાસે આ છંદ ગાયો તો આશાતાઈ એ વાત ભૂલી ગયાં કે આ ફાઇનલ રેકૉર્ડિંગ ચાલે છે અને વચ્ચે બોલી ઊઠ્યાં, ‘વાહ, ક્યા બાત હૈ’. આ બોલતાં જ રેકૉર્ડિંગ અટકી ગયું અને કૌશિકબાવા બોલ્યા કે આશાજી, યે અચ્છા ટ્રૅક જા રહા થા. તો આશાજીએ નિખાલસતાથી કહ્યું કે દાદા, ઇન્હોંને ઇતના અચ્છા ગાયા કિ મૈં ભૂલ ગઈ કે ટ્રૅક ચલ રહા હૈ. અબ મૈં ખ્યાલ રખુંગી. રેકૉર્ડિંગ પૂરું થયા બાદ આશાજીએ મને કહ્યું કે મારી સમજમાં નથી આવતું કે આ તમે કેવી રીતે ગાઈ શકો છો. આ તો મુશ્કેલ છે. અમારા માટે આ ગાવું મુશ્કેલ છે. ત્યારે મેં તેમને કહ્યું હતું કે દીદી, તમે જે ગાઓ છો એ અમારા માટે મુશ્કેલ છે, પણ ગુજરાતનું ફોક લિટરેચર જ એવું છે.’
આશા ભોસલેના નામ સાથે સ્વર અને ઈશ્વર જોડાયેલા છે
પ્રફુલ દવેએ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેઓએ સોશ્યલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પતાં લખ્યું હતું... ``આશા ભોસલે, આ પાંચ અક્ષરના નામ સાથે સ્વર અને ઈશ્વર જોડાયેલા છે. ગીતનો ગમે એ મૂડ હોય, પણ એને ન્યાય તો આશાતાઈ જ આપી શકે. કોઈ પણ કલાકારનું આ પૃથ્વી પરથી વિદાય થવું એટલે આ અસ્તિત્વને એટલું નુકસાન થયું એવું હું ઈમાનદારીથી માનું છું. આશાતાઈ, મારી પાસે અને મારા શ્રોતાઓ પાસે હવે મેં આપની સાથે ગાયેલાં અસંખ્ય ગીતોની યાદી રહી છે જે સાંભળીને અમે આપને યાદ કરતા રહીશું.``
