સૌથી પહેલો ફાયદો પર્યાવરણને થાય છે, કારણ કે રસ્તા પર વાહનોની સંખ્યા ઘટવાથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થઈ શકે છે
સૂર્યકાંત શાહ (કક્કા) શ્રી કચ્છી વીસા ઓસવાળ સમાજના ભૂતપૂર્વ પ્રમુખ છે
સવારે ઑફિસ જવા નીકળીએ ત્યારે ટ્રાફિકમાં કલાકો સુધી અટવાઈ રહેવું અને સતત વધી રહેલા ઈંધણના ભાવનો બોજ અનુભવવો આજે આપણા ઘણા લોકો માટે રોજિંદી વાત બની ગઈ છે. આવી સ્થિતિમાં ટ્રાફિક, ખર્ચ અને પર્યાવરણ ત્રણેય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક સરળ, સ્માર્ટ અને વ્યવહારુ વિકલ્પ તરીકે કાર-પૂલિંગ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈંધણની બચત અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના સંદર્ભમાં કાર-પૂલિંગ જેવા સચોટ વિકલ્પને પ્રોત્સાહન આપ્યું છે.
જો કોઈ માણસ પોતાની ગાડીમાં એકલો મુસાફરી કરતો હોય અને એ જ રૂટ પર (જેમ કે મુલુંડથી બાંદરા) જતા અન્ય લોકોને સાથે લઈ જાય તો એક જ માર્ગ પર દોડતી અનેક ગાડીઓની સંખ્યા ઘટી શકે. મુંબઈનાં કેટલાંક કમ્યુનિટી અને કૉર્પોરેટ ગ્રુપ્સમાં કાર-પૂલિંગને ઘણું પ્રોત્સાહન આપવામાં આવે છે. મુલુંડના KVO સમાજમાં તો છેક ૨૦૧૬થી આ ઝુંબેશ ઉપાડી લેવાઈ છે, જ્યાં વિવિધ સામાજિક પ્રસંગો, સાદડી (પ્રાર્થનાસભા), વીક-એન્ડ આઉટિંગ અને ઑફિસ જવા માટે લોકો ગ્રુપો બનાવીને આ પદ્ધતિનો સફળતાપૂર્વક ઉપયોગ કરે છે.
ADVERTISEMENT
સૌથી પહેલો ફાયદો પર્યાવરણને થાય છે, કારણ કે રસ્તા પર વાહનોની સંખ્યા ઘટવાથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થઈ શકે છે. બીજું આજના મોંઘવારીના દોરમાં એકલા ગાડી ચલાવવાનો પેટ્રોલ-ખર્ચ ૫૦૦થી ૬૦૦ રૂપિયા થતો હોય ત્યાં પેટ્રોલ, ટોલ અને પાર્કિંગ જેવા ખર્ચ મુસાફરો વચ્ચે વહેંચાઈ જતાં વ્યક્તિગત બોજ માત્ર ૧૦૦-૧૫૦ રૂપિયા જેટલો જ રહે છે અને પૈસાની મોટી બચત થાય છે. સાથે જ ટ્રાફિકનું દબાણ ઘટે તો મુસાફરીનો કીમતી સમય પણ બચી શકે છે અને ક્યારેક કોઈને ઇમર્જન્સીમાં બહાર જવું હોય તો આવાં સક્રિય ગ્રુપ્સ મોટો સહારો બને છે.
આ પ્રથાનો એક બહુ જ સુંદર સામાજિક ચહેરો છે જે સોશ્યલાઇઝેશનનું ઉત્તમ માધ્યમ છે. રોજની આ ભાગદોડભરી જિંદગીમાં આપણે માણસાઈ અને પરસ્પરનો સંવાદ ભૂલતા જઈએ છીએ. સફર દરમ્યાન ગાડીમાં એકાદ કલાક સાથે બેસવાથી લોકો વચ્ચે આત્મીય વાતો થાય છે, સુખ-દુઃખ વહેંચાય છે અને નવા સંબંધો બંધાય છે. ઘણી વાર તો ગાડીની અંદર થતી આવી ચર્ચાઓમાંથી જ બાળકોના શિક્ષણ, લગ્ન કે મેડિકલ સહાય જેવા જટિલ સામાજિક પ્રશ્નોના અદ્ભુત, હકારાત્મક અને વ્યવહારુ ઉકેલો મળી આવતા હોય છે. આ વ્યવસ્થા માત્ર મુંબઈ પૂરતી જ નહીં; અહીંથી પુણે, નાશિક, સુરત કે વાપી જેવા લાંબા રૂટ પર જતા લોકો માટે પણ ઉપયોગી માહિતીની આપ-લે કરવાનું અને જરૂરિયાતના સમયે એકબીજાની મદદ મેળવવાનું માધ્યમ બને છે.
કાર-પૂલિંગ દરેક માટે અથવા દરેક પરિસ્થિતિમાં શક્ય હોય એવું નથી, પરંતુ જ્યાં શક્ય હોય ત્યાં એનો વિચાર જરૂર કરી શકાય. કદાચ હવે સમય આવી ગયો છે કે જ્યારે શક્ય હોય ત્યારે એકલા મુસાફરી કરવાને બદલે સાથે મુસાફરી કરવાનો વિકલ્પ પણ અપનાવીએ. તો પછી રાહ શેની જુઓ છો? આજથી જ એકલા ડ્રાઇવ કરવાનું ટાળો, તમારી ગાડીની ખાલી સીટો અન્ય માટે ખોલો અને એક નાનકડા બદલાવ સાથે આ મજેદાર સફરના ભાગીદાર બનીને મોટા પરિવર્તનની શરૂઆત કરો.
