ગ્લોબલ એન્વાયર્નમેન્ટ ચેન્જમાં પ્રકાશિત અહેવાલ મુજબ વિશ્વના અમુક વિસ્તારોમાં મેધનુષ દેખાવાની શક્યતા ૨૧થી ૩૪ ટકા ઘટી જશે અને અમુક વિસ્તારોમાં ૪થી પાંચ ટકા વધી જશે. ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ કે ભારતમાં આ કુદરતી નજારાનું ભવિષ્ય કેવું છે.
સૂર્યપ્રકાશ અને પાણીની એક બુંદમાં જે પ્રક્રિયા થઈને મેઘધનુષ રચાય છે એ જ પ્રક્રિયા જ્યારે એ પાણીની બુંદમાં બે વખત થાય ત્યારે ભાગ્યે જ જોવા મળતું કુદરતી દૃશ્ય એટલે કે બે મેઘધનુષ (Double Rainbow) સર્જાય છે.
ગ્લોબલ એન્વાયર્નમેન્ટ ચેન્જમાં પ્રકાશિત અહેવાલ મુજબ વિશ્વના અમુક વિસ્તારોમાં મેધનુષ દેખાવાની શક્યતા ૨૧થી ૩૪ ટકા ઘટી જશે અને અમુક વિસ્તારોમાં ૪થી પાંચ ટકા વધી જશે. ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ કે ભારતમાં આ કુદરતી નજારાનું ભવિષ્ય કેવું છે અને લોકોએ આ નજારાનું અસ્તિત્વ જાળવી રાખવા શું કરવું જોઈએ
આકાશમાં જ્યારે વરસાદ બાદ જ્યાં પાણીની બુંદો અને સૂર્યનો ઝળહળતો પ્રકાશ એકબીજાને મળે છે ત્યાં જન્મે છે એક અજાયબી, મેઘધનુષ. સાત રંગોના પટ્ટાઓથી બનતી અર્ધચંદ્રાકાર કુદરતી રચનાને લોકો મેઘધનુષ તરીકે ઓળખે છે. બાળકો આકાશમાં વિમાન ઊડતું જોઈને અચરજ પામતાં હોય છે અને અગાશી પર જઈને ‘વિમાન...વિમાન’ની બૂમો પાડતાં હોય છે. ત્યારે મઘધનુષ જોઈને તો તેમની ઉત્સુકતાની કોઈ સીમા જ નથી રહેતી. બાળપણની ઘણી યાદો આ દૃશ્ય સાથે જોડાયેલી હોય છે. ટીચર ચિત્રકામમાં કુદરતી દૃશ્ય દોરવાનું હોમવર્ક આપે ત્યારે બાળકોના મનમાં મેઘધનુષનું ચિહ્ન પહેલું આવે છે. મેઘધનુષને પૃથ્વીની તમામ દુઃખદ પળોને ભુલાવી, આશા અને સુખદ સંદેશ સાવે એવો નૈસર્ગિક ચમત્કાર માનવામાં આવે છે. વિવધ સંસ્કૃતિઓમાં સદૈવ અને સદ્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. પણ આજે ધીમે-ધીમે આ કુદરતી ચમત્કારનો ચળકાટ ઓછો થઈ રહ્યો છે ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે, શું ભાવિ પેઢીઓને આ રંગબેરંગી દૃશ્ય નહીં જોવા મળે? વાત કરીએ નિષ્ણાતો પાસેથી અને મેઘધનુષનું વિજ્ઞાન સમજીએ.
ADVERTISEMENT
મેઘધનુષની વ્યાખ્યા
ગુજરાત યુનિવર્સિટીના બોટની બાયોઇન્ફૉર્મેટિક્સ અને ક્લાઇમેટ ચેન્જ ઇમ્પૅક્ટ્સ મૅનેજમેન્ટ વિભાગના વડા પ્રોફેસર ડૉ. હિતેશ સોલંકી કહે છે, ‘આપણે આજે મેઘધનુષ કે જે ઇન્દ્રધનુષ તરીકે પણ ઓળખાય છે એના ગાયબ થઈ જવા પર વાત કરી રહ્યા છે તો એનો આધાર આબોહવાકીય પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ છે. વૈજ્ઞાનિક ભાષામાં આ ફિનોમેના સમજાવું. મેઘધનુષ એ હવામાનને લગતી પ્રકાશીય ઘટના છે. એના બે પ્રકાર છે, મુખ્ય મેઘધનુષ (Primary Rainbow) અને ગૌણ મેઘધનુષ (Secondary Rainbow). જ્યારે પ્રકાશનું કિરણ (Sunlight) પાણીની બુંદ (Water droplet) પર ૪૨.૪ ડિગ્રીના ખૂણેથી પ્રવેશ કરે છે ત્યારે એનું વક્રીભવન (Refraction-વળાંક લે છે) થાય. એ થયા બાદ કિરણનું વિભાજન (Dispersion) થાય છે. વિભાજન થયા બાદ ત્યાંથી ફરી પરાવર્તિત (Reflaction) થઈ વાતાવરણમાં પ્રવેશ કરે છે અને નરી આંખે જોઈ શકાય એવી રીતે સાત રંગનો પટ્ટો દૃશ્યમાન થાય છે. બાળકોને સમજાવવા માટે એવું કહી શકાય કે સૂર્યનાં કિરણો વરસાદની બુંદો પર આપાત થતાં હોય ત્યારે આકાશમાં સમકેન્દ્રિય ચાપ જેવા આકારમાં સાત જુદા-જુદા રંગોનો બનેલો જોવા મળે છે. વધુ સરળ ભાષામાં સમજાવું તો સૂર્ય એક જાદુઈ રંગોનો પેઇન્ટર છે અને વરસાદની બુંદો એક નાનકડું કાચનું પ્રિઝમ છે. જ્યારે સૂર્યનાં કિરણો આ બુંદો જેવા પ્રિઝમમાંથી ચોક્કસ ખૂણે પસાર થાય ત્યારે રંગોને અલગ-અલગ કરીને આકાશને રંગી દે છે.
અર્ધચંદ્રાકાર નહીં પણ ગોળાકાર
આપણે જે જોયું છે એ મુખ્ય મેઘધનુષ છે અને ગૌણ મેઘધનુષ ભાગ્યે સર્જાતી ઘટના છે જેમાં બે મેઘધનુષ સાથે દેખાય છે એમ જણાવતાં ડૉ. હિતેશ કહે છે, ‘મેઘધનુષ રચાવા માટેની ઉપર્યુકત વર્ણવેલી પ્રક્રિયા એક જ બુંદમાં બે વખત થાય તો આપણને ડબલ મેઘધનુષ જોવા મળે છે. એમાં મજાની વાત એ છે કે રંગો ઉપર-નીચે થઈ જાય છે. એટલે કે આપણને જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો એમ જાનીવાલીપીનારા વિશે ખ્યાલ છે. તો મુખ્ય મેઘધનુષમાં જાંબલી રંગ સૌથી નીચે અને લાલ રંગ સૌથી ઉપર હોય છે, જ્યારે ગૌણ મેઘધનુષમાં જાંબલી રંગ સૌથી ઉપર અને લાલ રંગ નીચે હોય છે. એમાં ફરક એટલો જ કે સૂર્યનાં કિરણો ૪૦.૬ ડિગ્રીના ખૂણેથી પ્રવેશે છે. આપણે જે ધનુષ આકાર જોઈએ છીએ એ હકીકતમાં આખો ગોળાકાર જ હોય છે. પરંતુ પૃથ્વીની સપાટી ગોળ હોવાને કારણે આપણને એ મેઘધનુષ અર્ધચંદ્રાકાર જોવા મળે છે. ૧૬૩૭માં ફ્રેન્ચ ફિલોસૉફર અને વૈજ્ઞાનિક રને ડેસકાર્ત નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક ધોરણે સાબિત કરી હતી.’
આપણે જે ધનુષ આકાર જોઈએ છીએ એ હકીકતમાં આખો ગોળાકાર જ હોય છે પરંતુ પૃથ્વીની સપાટી ગોળ હોવાને કારણે આપણને એ મેઘધનુષ અર્ધચંદ્રાકાર જોવા મળે છે. અને ડૉ. હિતેશ સોલંકી
મેઘધનુષ ગાયબ થઈ જશે?
ના, બિલકુલ નહીં એમ જવાબ આપતાં ડૉ. હિતેશ કહે છે, ‘આબોહવાકીય પરિવર્તન વાદળછાયા વાતાવરણમાં ફેરફાર કરી રહ્યું છે જેની સીધી અસર મેધધનુષ બનવાની પરિસ્થિતિ પર થાય છે. હાલમાં આ વિષય પર જુદા-જુદા પ્રયોગો ચાલી રહ્યા છે. એમાં યુનિવર્સિટી ઑફ હવાઈ સિસ્ટમના સાયન્ટિસ્ટ કિમ્બર્લી કાર્લસન અને તેમની ટીમે વૈશ્વિક માહિતી એકઠી કરીને પ્રયોગ કર્યો છે. તેમને ક્લાઇમેટ ચેન્જને અનુલક્ષીને સંશોધન રજૂ કર્યું છે જે ગ્લોબલ એન્વાયર્નમેન્ટ ચેન્જમાં પ્રકાશિત થયું છે. સામાન્ય રીતે પૃથ્વી પર અંદાજે ૧૧૭ દિવસ મેધધનુષ દેખાય છે. તેમના સંશોધન મુજબ ઠંડા પ્રદેશો, પર્વતીય પ્રદેશો અને ઓછી વસ્તી ધરાવતા પ્રદેશોમાં વર્ષ ૨૧૦૦ સુધીમાં મેઘધનુષ દેખાવાના દિવસોમાં ૪થી ૫ ટકાનો વધારો થઈ શકશે. પરંતુ જ્યાં વસ્તી વધારે છે અને ગરમી વધારે છે એવા વિસ્તારમાં મેઘધનુષ દેખાવાના દિવસોમાં ૨૧થી ૩૪ ટકાનો ઘટાડો થશે. આ સંશોધનમાં ભારતના વિસ્તારો પણ સામેલ થઈ જાય છે. ભારતમાં હિમાલયન પ્રદેશો, વેસ્ટર્ન ઘાટ, ઈસ્ટર્ન ઘાટ અને નૉર્થ-ઈસ્ટ વિસ્તારમાં મેઘધનુષ દેખાવાની શક્યતા વધી જશે. ચિંતા કરવાની જરૂર નથી કે ભારતનાં શહેરોમાં મેઘધનુષ ઘટી જશે. અનુકૂળ વાતાવરણ સાથે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૪ ડિગ્રીના ખૂણાનો બંધબેસતો મેળ હશે તો ગીચ વિસ્તારમાં પણ આ કુદરતી દૃશ્ય જોવા મળશે.’
શહેરોમાંથી મેઘધનુષ કેમ ગાયબ થઈ ગયાં?
પ્રદૂષણ પ્રકાશની દૃશ્યતા ઘટાડે છે. એને કારણે પ્રકાશનાં કિરણોની તેજસ્વિતા ઘટી જાય છે. એટલે ધારો કે હવાના સ્વચ્છ કણો પર સૂર્યનાં કિરણોનું રિફ્લેક્શન થાય તો પણ મેઘધનુષના રંગો ઝાંખા પડી જાય છે એમ જણાવતાં ડૉ. હિતેશ કહે છે, ‘શહેરોમાં માનવો કરતાં પણ વધારે વાહનોની વસ્તી વધારે છે. એ સિવાય શહેરોમાં ઔદ્યોગિકીકરણ થયું છે. એટલે શહેરોમાં હવા અને પ્રકાશ પ્રદૂષણ વધ્યાં છે. એના કારણે હવામાં પ્રદૂષિત કણોનું પ્રમાણ વધી જાય છે. જ્યારે સ્વચ્છ કણોની વચ્ચે પ્રદૂષિત કણો વધારે હોય ત્યારે આકાશમાં કુદરતી રંગો સર્જાવાની શક્યતા ઓછી થઈ જાય છે. પરંતુ આ જ વિસ્તારોમાં જ્યારે સતત વરસાદ પડે અને વાતાવરણ ચોખ્ખું થઈ જાય તો મેઘધનુષ સર્જાઈ શકે છે. એટલે તમે એમ પૂછો કે મુંબઈ જેવા ઓવરપૉપ્યુલેટેડ શહેરમાં આ કુદરતી નજારો સર્જાઈ શકે? તો જવાબ છે હા. ઉપર્યુક્ત કુદરતી પરિસ્થિતિનો સંયોગ થાય તો જરૂર દેખાઈ શકે.
ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક મહત્ત્વ
ભારતીય સંસ્કૃતિમાં મેઘધનુષને દૈવી શક્તિ સાથે જોડેલું છે. તેમ જ આશા અને સુંદરતા લઈને વિવિધ ખ્યાલોના પ્રતીક તરીકે મેઘધનુષને અપનાવેલું છે. સાહિત્યની વાત કરું તો કાલિદાસનું બહુ જ સરસ નાટક છે મેધદૂતમ, જેમાં મેઘધનુષને સંદેશાવાહક તરીકે જોવામાં આવ્યું છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો આપવાનું કામ કરે છે. બાઇબલની વાત કરીએ તો એમાં નોઆના વહાણની વાર્તામાં મેઘધનુષને આશા, શાંતિ અને કરારની દૈવી શક્તિ માનેલી છે. મૂળભૂત કોઈ પણ સંસ્કૃતિની વાત કરો તો એમાં મેઘધનુષને આશાનું કિરણ કે સારી વસ્તુ થવાની સંભાવના દર્શાવતું ચિહ્ન માનવામાં આવ્યું છે. મેઘધનુષના સાત રંગો માનવોની સાત મૂળભૂત લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. લાલ રંગ ગુસ્સો, ઊર્જા, પ્રેમ બતાવે છે. નારંગી રંગ સર્જનાત્મકતા, ઉત્સાહ, આનંદ બતાવે છે. પીળો રંગ ખુશી, આશીર્વાદનું પ્રતીક છે. લીલો રંગ પ્રકૃતિ, શાંતિ, વૃદ્ધિ સાથે સંકળાયેલો છે. વાદળી રંગ વિશ્વાસ, શાંતિ અને ઉદાસીનું પ્રતીક છે. નીલો આંતર્જ્ઞાન, આધ્યાત્મિકતા અને રહસ્ય દર્શાવે છે. જાંબલી રંગ કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા શક્તિ દર્શાવે છે. મેઘધનુષને પ્રેમના પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
ગયા મહિને જ ફીલ્ડમાં કામ કરતી વખતે મેઘધનુષ જોવાનો અનુભવ કરનાર ડૉ. હિતેશ કહે છે, ‘મારા દીકરાએ થોડા સમય પહેલાં જ ઉદયપુરમાં જોયું હતું. તમે જયપુર, શિલોંગ, લેહ લદાખ જાઓ તો પણ તમને દેખાઈ જશે. ૨૦ વર્ષ પહેલાં કોઈ પણ શહેરવાસીઓ શહેરોમાં આ નજારાનો અનુભવ કરી શકતા હતા પરંતુ હવે આ નજારો ગાયબ થવા પાછળનાં કારણોમાં આપણો એટલે કે માનવોનો સૌથી મોટો હાથ છે. હું મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે માનવો સૌથી વધારે સ્વાર્થી પ્રાણી છે. આપણે નૈસર્ગિક સ્રોતોનો સ્વાર્થ માટે ઉપયોગ કરીએ છીએ. એને કારણે ક્લાઇમેટ ચેન્જ થયું છે. પરિણામે આપણે આ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. આપણે નાના હતા ત્યારે ત્રણેય ઋતુનો ચોક્કસ સમય હતો પણ હવે ચોક્કસ સમયચક્ર નથી. આપણે આ નજારાને ફરી લાવી શકીએ છીએ. વાતાવરણ માટે સજાગ થઈને એને બચાવવાની કોશિશ કરી શકીએ.’

