આમ તો ભારત-પાક પર ઘણી ફિલ્મો બની છે જેમાં ક્યાંક ને ક્યાંક આવી વાતો થઈ છે. જોકે આપણે બધું થઈ ગયા બાદ સરળતાથી ભૂલી જઈએ છીએ. તેથી ‘ધુરંધર’ બીજી વાર માત્ર ફિલ્મ તરીકે નહીં, બલકે ભારતીય પ્રજા-સમાજ સાચા-નક્કર-ગંભીર અર્થમાં જાગે, સજજ-સક્ષમ બને.
રણવીર સિંહ અને ધ્રુવ રાઠી
ધુરંધર! આ શબ્દ હાલ તો માત્ર થિયેટર્સમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મની યાદ અપાવે છે જેણે આ સમયમાં એક ફિલ્મ તરીકે વિક્રમ તો સર્જ્યો જ છે પરંતુ આ સાથે એનાં સંવાદો-દૃશ્યો વાઇરલ થવાની ઘટના પણ એક વિક્રમ બની રહી છે. આ ફિલ્મ વિશે સમગ્ર દેશમાં, ખાસ કરીને સોશ્યલ મીડિયાના માધ્યમથી થઈ રહેલી ચર્ચા પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ફિલ્મ એક વાર તો જોવી જ જોઈએ એવી ભલામણો થઈ રહી છે. શા માટે જોવી જોઈએ એની પણ વાતો થઈ રહી છે. શરૂમાં અમને લાગ્યું કે આ એકમાત્ર ફિલ્મને સફળ બનાવવાની માર્કેટિંગ પ્રૅક્ટિસ કે ચાલ છે. પૈસા કમાવાની બૉલીવુડની નવા જમાનાની રીત છે, સોશ્યલ મીડિયાનો ક્યાંક અતિરેક છે. ત્યાર બાદ અમારી જિજ્ઞાસા વધતી ગઈ અને અમે પણ ‘ધુરંધર’ જોઈ. હવે અમારે સીધી વાત એ કરવી છે કે આ ફિલ્મ માત્ર એક વાર નહીં, બલકે બે વાર જોવી જોઈએ.
પહેલી વારમાં મોટા ભાગે એમ થઈ શકે કે એ જ ભારત-પાકિસ્તાન, ISI, એ જ ગૅન્ગ-વૉર, હિંસા, પૉલિટિક્સની ગંદી રમતો, એ જ કંદહાર પ્લેન હાઇજૅકની, ૨૬/૧૧ના આતંકવાદી અટૅકની, બનાવટી ભારતીય કરન્સી નોટ્સની દેશમાં ઘુસાડવાના ખતરનાક પ્લાનની, પાર્લમેન્ટના મકાન પર અને ગુજરાતના સ્વામિનારાયણ મંદિર પર થયેલા આતંકી હુમલાની વાતો, આતંકવાદીઓ-ત્રાસવાદીઓનું વરવું સ્વરૂપ અને એ જ ભારત-પાક દુશ્મનીની વાતો જ વારંવાર થઈ છે, પરંતુ આ બધું તો આપણને ખબર છે. આપણે એ ઘટનાઓ બની ત્યારે વાંચ્યું, જોયું, સાંભળ્યું, એની ચર્ચા-ટીકા કરી, ઠાલો આક્રોશ વ્યક્ત કર્યો. બસ, પછી શું? આતંકવાદીઓ કઈ રીતે આપણા દેશમાં ઘૂસીને આપણને મારે છે એનાં ઉદાહરણો આપણા માટે નવાં નહોતાં. કારણોની ચર્ચા રાજકીય લાગશે, તેથી એને ટાળીને આગળ વધીએ.
આમ તો ભારત-પાક પર ઘણી ફિલ્મો બની છે જેમાં ક્યાંક ને ક્યાંક આવી વાતો થઈ છે. જોકે આપણે બધું થઈ ગયા બાદ સરળતાથી ભૂલી જઈએ છીએ. તેથી ‘ધુરંધર’ બીજી વાર માત્ર ફિલ્મ તરીકે નહીં, બલકે ભારતીય પ્રજા-સમાજ સાચા-નક્કર-ગંભીર અર્થમાં જાગે, સજજ-સક્ષમ બને, બહારના આતંકવાદને જ નહીં, દેશમાં રહેલા દેશના દુશ્મનોને ડામી દઈ શકે એ માટે સક્રિય થવાનું શા માટે અનિવાર્ય છે એ સમજવા માટે જોવી જોઈએ. આ ફિલ્મનો મૂળ આધાર સત્ય ઘટનાઓ છે, પરંતુ એને રજૂ કરવામાં આવી છે એક એવા ફિક્શન તરીકે, જેનો ઉદ્દેશ આપણને ઢંઢોળવાનો-જગાડવાનો છે કારણ કે આપણે દરેક દુર્ઘટના બાદ પાછા નિદ્રામાં ચાલ્યા જઈએ છીએ. યાદ રહે, દરેક ફિલ્મ માત્ર મનોરંજન માટે નથી હોતી; કેટલીક ફિલ્મો મનોમંથન, આક્રોશ અને સત્યને ગહનતાપૂર્વક સમજવા માટે હોય છે.
આ ફિલ્મના એક સંવાદમાં કહેવાય છે કે ‘ભારતના પહેલા દુશ્મનો તો ભારતીયો જ છે, પાકિસ્તાન તો બીજા ક્રમે આવે છે.’ આ કડવું સત્ય પીધા કરી ક્યાં સુધી બેહોશ રહીશું? અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે આ કોઈ ફિલ્મ રિવ્યુ કે ભલામણ નથી, પરંતુ સામાન્ય નાગરિક (સ્ટુપિડ કૉમન મૅન) તરીકે વ્યક્ત થયેલા વિચાર છે.


