Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સલામત પગ હતા, ત્યાં પાલખીનો અર્થ શું કરવો?

સલામત પગ હતા, ત્યાં પાલખીનો અર્થ શું કરવો?

Published : 22 February, 2026 04:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રૂઠા એટલે સંતોષ પામ્યા. લોકોને ઢોલનગારાં ગમે છે, પણ એમાં જલતરંગનો શાંત ધ્વનિ દબાઈ જાય છે. ભીતરનો અવાજ સાંભળવા કાનને કેળવવા પડે. જિંદગીમાં તાલીમ અને મહાવરો મહત્ત્વનાં છે. કંઈ ને કંઈ શીખતા રહેવા માટે નિરીક્ષણશક્તિને ધાર કાઢવી પડે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


પગ સલામત હોય ત્યાં સુધી ચાલવું જોઈએ. કેટલાક લોકો પાસે ચાલવાનો સમય નથી તો કેટલાકને ચાલવામાં આળસ આવે છે. મુંબઈગરા તો હજીયે ઘરેથી સ્ટેશન કે સ્ટેશનથી ઑફિસ ચાલીને જવાની ટેવ ધરાવે છે. ગુજરાતમાં તો ઘરની બહાર ફટફટિયું પડ્યું જ હોય. બસ્સો મીટર દૂર પાનના ગલ્લે જવું હોય તોય હંકારી મૂકવાનું. અમદાવાદના મિત્રોને અંધેરી સ્ટેશનથી ભવન્સ કૅમ્પસ સુધી ૧૫ મિનિટ ચાલવાનું કહીએ તો વિસ્મિત થઈને જુએ. વક્રતા એ છે કે જાત ચાલતી હોય ત્યારે ચાલવાનું થતું નથી અને ઉંમર વધે પછી ચાલવાનું મુશ્કેલ બને છે. ઉદયન ઠક્કર દૈહિક વાસ્તવિકતા દર્શાવે છે...

ઢોલ નગારે લોકો ત્રૂઠા
જલતરંગના ભાયગ રૂઠાં



વનપ્રવેશ કરવો શી રીતે?
પાંચ બાણ ને પાંચે બૂઠાં


ત્રૂઠા એટલે સંતોષ પામ્યા. લોકોને ઢોલનગારાં ગમે છે, પણ એમાં જલતરંગનો શાંત ધ્વનિ દબાઈ જાય છે. ભીતરનો અવાજ સાંભળવા કાનને કેળવવા પડે. જિંદગીમાં તાલીમ અને મહાવરો મહત્ત્વનાં છે. કંઈ ને કંઈ શીખતા રહેવા માટે નિરીક્ષણશક્તિને ધાર કાઢવી પડે. જે લોકો સક્રિય રહે છે તેઓ વૃદ્ધાવસ્થાની માનસિક સમસ્યાઓથી દૂર રહી શકે છે. હરીશ જસદણવાળા ચિંતનકણિકા વણી લે છે...

માણસ જેવો માણસ આજે માણસમાંથી બાદ થયો
માણસનું અવલોકન કરવું નાનીસૂની વાત નથી


તેઓને જીવનમાં સૌથી ઝાઝું હરિનું હેત મળ્યું
સંતોનું ચિંતન કરવું નાનીસૂની વાત નથી

સંતો અને આપણી વચ્ચે ફરક શું છે? તેમનું ચિત્ત સ્થિર હોય છે, તેમની શક્તિ ચૅનલાઇઝ થાય છે. સામાન્ય માણસ માટે મન પર કાબૂ મેળવવો અઘરો છે. મોબાઇલ પર પાર વગરની રીલ્સ જોઈને ટાઇમ પાસ કરતા આપણે મનને બે ઘડી ઢબૂરી શકતા નથી. શિક્ષકની ગેરહાજરીમાં તોફાની વિદ્યાર્થીઓને કાબૂમાં રાખવા મૉનિટર બળૂકો જોઈએ. આપણી પાસે આવો મૉનિટર નથી હોતો. હરીશ ઠક્કર આપણા અક્કડ વલણને આલેખે છે...

હર વખત જીતી જવાની શરત મુશ્કેલ છે
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે

ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે
માફ કરવો છે તને પણ તરત મુશ્કેલ છે

જીવનમાં ઘણી વાર ધુમ્મસ એવું જામી જાય કે સારું-નરસું સમજમાં ન આવે. અસમંજસ આપણી નિર્ણયશક્તિને અસર કરે. જે જાણવાની જરૂર હોય એ આપણી પકડમાં આવતું નથી અને નિરર્થક વાતોમાં સમય બરબાદ થતો રહે છે. પ્રમોદ અહીરે સંબંધમાં ઊભી થતી સમસ્યાનો ઉકેલ દર્શાવે છે...

ઉદ્દેશ શું છે? શું નથી? હું જાણતો નથી
હું શું છું? શું છે જિન્દગી? હું જાણતો નથી

સ્વીકાર કરવો હોય તો જેવો છું તેવો કર
ભરચક છું કે છે કંઈ કમી? હું જાણતો નથી

દરેક સિક્કાની બે બાજુ હોય છે. જેની ખૂબી આપણને પ્રભાવિત કરતી હોય તેની ખામી સામે આવે ત્યારે આઘાત લાગે એ સ્વાભાવિક છે. વ્યાવસાયિક સંબંધો હોય કે મિત્ર હોય તો કામ પૂરતું કામ રાખી શકાય. ઘરમાં સ્વજન સાથે જો કડવાશ હોય તો એનું કોઈ સમાધાન શોધવું પડે. સંબંધનું સત્ય સીમિત હોય છે, જ્યારે જિંદગી અસીમિત વ્યાપ ધરાવે છે. હેમેન શાહની પંક્તિઓમાં શાશ્વતી સંભળાશે...

આખરી ને એક નાનકડું કથન કરવું હતું
પછી રંગમંડપને નમન કરવું હતું

સર્વ ઓગળતું રહે, જેમાં અનાદિકાળથી
હઠ હતી કે ધુમ્મસનું વજન કરવું હતું

વિરામની ક્ષણો આપણને આવા તારણ તરફ લઈ જાય છે. જિંદગીમાં જેટલું જરૂરી કામ છે એટલો જરૂરી આરામ પણ છે. દોડધામભરી જિંદગી આપણને વિચારવાનો સમય આપતી નથી. જિગર જોશી `પ્રેમ’ લખે છે...

અરીસો સામે લાવીને હવે આરામ કરવો છે
બધાં મ્હોરાં ઉતારીને હવે આરામ કરવો છે

વમળ વ્યસ્તતાઓનાં હવે વિખરાય તો સારું

શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે

 લાસ્ટ લાઇન

 હતી બસ બે-ઘડીની જિંદગીનો અર્થ શું કરવો?

પછી એમાં વધારે સાહ્યબીનો અર્થ શું કરવો?

સલામત પગ હતા, ત્યાં પાલખીનો અર્થ શું કરવો?

હજારો પગ વિના દોડ્યે જતી-નો અર્થ શું કરવો?

સતત સામે રહે તો આંખને ખટક્યા કરે છે

ગુલાબોમાં રહેલી લાગણીનો અર્થ શું કરવો?

નથી ટાંકા નથી ટેભા, ઘસાતી જાય છે કાયમ

સમયની સાવ જર્જર ઓઢણીનો અર્થ શું કરવો?

ગઝલનો ભાર લઈને પંડિતો બેઠા છે દ્વારેદ્વાર

હવે તું બોલ તારી પાઘડીનો અર્થ શું કરવો?

- પરબતકુમાર નાયી

 

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK