બહુ જ ઓછા લોકો એવા છે જેમને વાલી શબ્દના ઉદ્ભવ વિશે ખબર હશે અને જેમને નહીં ખબર હોય તેમને આજના આ લેખથી ખબર પડી જશે. વાંચો...
સાંઈરામ દવે
મારા એક મિત્ર મજાકમાં કહેતા હોય છે કે આજકાલ બાળકો ક્યાં જન્મે છે, બાપુજી જ જન્મે છે. જન્મતાંની સાથે જ ઘરમાં બધાનો બાપ બની જાય. જોકે હું કહું છું કે ઘરમાં જન્મે તો બાળક જ છે, તેને બાપુજી બનવા દેવો કે નહીં એ પેરન્ટ્સના હાથમાં છે.
એક પિતાએ તેના પુત્રને સોનેરી સલાહ આપી, ‘બેટા, તું જીવનમાં હંમેશાં સાચા રસ્તે ચાલજે.’
એ સમયે નાનકડા ભૂલકાએ ખૂબ જ નિર્દોષભાવે જવાબ આપ્યો, ‘પિતાશ્રી, એ તો તમારે જોવાનું. હું તો તમારા પગલે-પગલે ચાલી રહ્યો છું.’
રામાયણમાં જીવનની અંતિમ પળે પોતાના દીકરા અંગદનો હાથ પિતા વાલીએ શ્રીરામના હાથમાં સોંપ્યો. ત્યારથી માતા-પિતા માટે ‘વાલી’ શબ્દ વપરાય છે જેમાં જેન્ડર બાયસ નથી. વાલીએ જીવનમાં કદાચ ઘણી ભૂલો કરી હશે, પણ અંગદનો હાથ રાઘવને સોંપીને તેણે પોતાની આવનારી ૭૧ પેઢીને ન્યાલ કરી નાખી. વીસેક વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલો છું એટલે હું ઘણાબધા વાલીઓને મળ્યો છું. એમાં મને બે જ પ્રકારના વાલીઓ નજરે ચડ્યા છે. એક, ઓવર કૅરિંગ પેરન્ટ્સ (એટલે કે OCP) અને બીજા છે ઓવર ડેરિંગ પેરન્ટ્સ (એટલે કે ODP).
ઓવર કૅરિંગ પેરન્ટ્સ બાળકની એટલી બધી કાળજી કરે છે કે ખુદ બાળક પણ ગૂંચવાઈ જાય. તમે તમારાં બાળકોને સાઇકલ પણ લઈ દો અને પંક્ચર પણ કરાવી દો તો પછી બાળક માટે શું વધશે? આદર્શ માતા-પિતા એ છે જે બાળકને ‘કન્ટ્રોલ્ડ સ્ટ્રગલ’ આપે. કોઈ પણ કાર્ય જાતે કર્યા બાદ બાળકના કૌશલ્યમાં વધારો થાય. પછી એ કાર્યમાં નિષ્ફળતા મળે તો પણ બાળકના અનુભવમાં વધારો થાય. કેટલાંક મા-બાપ બાળકને બધું જ આપી દે છે, તેને પરસેવો જ ન પડે એ રીતે રાજકુંવર કે રાજકુંવરીની જેમ ઉછેરે છે જે સમાજની દૃષ્ટિએ દેખાવમાં કદાચ સાચું લાગતું હશે પરંતુ બાળકેળવણી માટે સૌથી ઘાતક અને બાળકને ડૅમેજ કરનારું છે.
મેં ઘણી વાર કહ્યું છે કે સંતાનોને સોનાની બૉલપેન બર્થ-ડે ગિફ્ટ કરનારાં માતા-પિતા સંતાનો પર સમડી જેવી નજર રાખવામાં નિષ્ફળ ગયાં છે. દીકરા-દીકરીને મા-બાપે જ મોબાઇલ ભેટ ધર્યો હોય તો પછી સંતાનો તેમના મોબાઇલમાં પૅટર્ન લૉક શેના માટે મારે છે? પ્રાઇવસી અને સ્પેસના રૂપકડા નામ પાછળ કેટલાંક છેલબટાઉ સંતાનો માબાપને મસ્ત રીતે ઉલ્લુ બનાવી રહ્યાં છે. ફ્રીડમ ભોગવવી હોય તો તમે તમારી કમાણીમાંથી મોંઘોદાટ ફોન લો ત્યારે પ્રાઇવસી લૉક કરાવજો. બાપુજીના પૈસે લીલાલે’ર કરવી છે અને સ્વતંત્રતાના નામ પાછળ સ્વચ્છંદતાના ખેલ આદરવા છે?
ખેર, પણ આમાં ક્યાંક ને ક્યાંક પેરન્ટ્સનો વાંક વધુ જણાય છે. હંમેશાં સંતાનોએ પેરન્ટ્સને પગે લાગવાનું હોય, પરંતુ ઘણા પેરન્ટ્સ જ બાળકને ઘૂંટણિયે પડી રહ્યા છે. દીકરી કે દીકરાની જીદ ન સંતોષીએ તો તે ક્યાંક આત્મહત્યા કરી લેશે તો? કોઈ પગલું ભરી લ્યે તો? આવા ભયના ઓથાર તળે ફફડતા ઘણા વાલીઓ મેં નજરે નિહાળ્યા છે. OCP માબાપે અંતમાં ફફડવું જ પડે, કારણ કે તમે બાળકને પોતાની રીતે કશું કરવા જ નથી દીધું. બાળકની તમામ વ્યવસ્થા તમે કરશો તો પછી યાદ રાખજો કે બાળકના જીવનમાં અવ્યવસ્થા સિવાય કશું નહીં વધે.
ત્રીજા ધોરણમાં છોકરાનો આખો પ્રોજેક્ટ બનાવી દેતી માતાઓ, અડધી રાતે ગગાને કે ગગીને સૂવડાવીને તેનું હોમવર્ક કરી આપતી મમ્મીઓ કે પછી ‘તારા સાહેબને ઠેકીને કહી દેજે’ આવું બાળકને શીખવતા પપ્પાઓ ધ્યાનથી આ વાંચજો. આ શબ્દો દસ-વીસ વર્ષ પછી તમારા સુધી પણ પડઘાશે હોં!
બાળકની ‘કન્ટ્રોલ્ડ કૅર’ કરો. દરેક મુદ્દામાં તમારે ફ્રન્ટમાં આવી જવાની જરૂર નથી.
પ્રી-પ્રાઇમરીનું બાળક તેના પગનું મોજું સ્કૂલમાં ભૂલી જાય કે લંચબૉક્સ ભૂલી જાય એમાં કેટલાક પેરન્ટ્સ સ્કૂલના નંબર પર દેકારો મચાવી દે છે. અરે! એ બાળક નહીં ભૂલે તો કોણ તમે ભૂલશો?
ODP એટલે કે ઓવર ડેરિંગ પેરન્ટ્સ કૅરિંગ કરતાં તદ્દન વિપરીત છે. સારી સ્કૂલમાં ઍડ્મિશન લઈ લીધા પછી આવાં માતા-પિતા માત્ર ફી ભરવા જ સ્કૂલે આવે છે તો વળી કેટલાંકને પોતાના બાળક પર એટલો બધો ઓવર-કૉન્ફિડન્સ હોય છે કે તે બાળક જ્યાં સુધી રેવ પાર્ટીમાં પકડાય નહીં ત્યાં સુધી માતા—પિતાને ખ્યાલ નથી આવતો. ‘આપણા છોકરામાં કાંઈ ખામી હોય જ નહીં’, ‘આપણી દીકરી બહુ મર્યાદાવાળી છે!’ આવા વહેમમાં કેટલાક ODP આજીવન રહે છે. કેટલાય મધ્યમવર્ગના પરિવારમાંથી બાળકો ગેમ રમવા માટે ઘરમાં બે-પાંચ હજારની ચોરી કરતાં અચકાતાં નથી.
જાગો વાલીઓ જાગો!
બાળકો પરનો વધુ પડતો વિશ્વાસ તેનાં વહાણ ડુબાડશે.
ઓવર કૅરિંગ અને ઓવર ડેરિંગ પેરન્ટ્સ વચ્ચે સમાજને જરૂર છે ‘પ્રૉપર શૅરિંગ’ કરનારા પેરન્ટ્સની જેઓ પોતાનાં બાળકોને યોગ્ય માત્રામાં પોતાની સંઘર્ષગાથા કહે અને બાળકોને પણ નાના-નાના સંઘર્ષનો સામનો કરવા માટે પ્રેરણા આપે. જે દરેક જરૂરી વસ્તુ તેના સંતાનને અવશ્ય આપે, પણ સંતાન માગે એ વસ્તુ ન આપે. જે બાળકને ACમાં સૂવડાવે, પરંતુ પંખા વગર રાત કાઢતાં પણ શીખવે. જે બાળકને ગાડી તો હાથમાં આપે, પણ ગાડીની ડિકીમાં રહેલું સ્પેર-વ્હીલ કેવી રીતે બદલાવવું એ પણ શીખવે. જે બાળકને કૌશલ્યથી કમાતાં શીખવે અને રૂપિયા બચાવતાં પણ શીખવે. જે બાળકને મટીરિયલિસ્ટ બનાવવા કરતાં તેના સદ્ગુણોના વિકાસ માટેની ચિંતા કરે, બાળકના સિલેબસ કરતાં તેની સેન્સિટિવિટીની ચિંતા કરે તે જ ખરો વાલી! બાળકને પૅરાશૂટર્સ કરતાં ગ્રાસરૂટર્સ બનાવે એ જ સાચો વાલી.
બાય ધ વે, તમે કૅરિંગ-ડેરિંગ કે શૅરિંગ આ ત્રણમાંથી કઈ ફૅકલ્ટીવાળા વાલી છો?
