શુક્રવારે મુલુંડમાં BESTની બસની અડફેટે આવીને જીવ ગુમાવનારાં ગુજરાતી મહિલા જયશ્રી પરમારના પુત્ર હર્ષદે કહ્યું કે મમ્મીના અવસાન પછીની વિધિઓ પૂરી થયા બાદ અમે શરૂ કરીશું કાનૂની લડાઈ, BESTના અકસ્માતોમાં જીવ ગુમાવનારા તમામ લોકોને ન્યાય અપાવવા માટે લડીશું
જયશ્રી ભાણજી પરમાર
મુલુંડ-વેસ્ટના ચેકનાકા નજીક શુક્રવારે બપોરે અંદાજે ૩ વાગ્યે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની પૂરપાટ ઝડપે આવતી એક બસે રસ્તો ઓળંગી રહેલાં ૫૬ વર્ષનાં જયશ્રી ભાણજી પરમારને અડફેટે લીધાં હતાં. બસનું આગળનું ટાયર શરીર પર ફરી વળતાં આ અકસ્માતમાં નાલાસોપારા-વેસ્ટના ચક્રધરનગરમાં આવેલા ન્યુ સિદ્ધિ અપાર્ટમેન્ટમાં રહેતાં જયશ્રીબહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે મુલુંડ પોલીસે BESTની બસના ૩૩ વર્ષના ડ્રાઇવર રવિ ભોઈસેની શુક્રવારે ધરપકડ કરી હતી, જેને ગઈ કાલે સવારે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
જયશ્રીબહેન BMCના વૉટર સપ્લાય પ્રોજેક્ટ (WSP) વિભાગમાં સફાઈ-કર્મચારી હતાં. તેમના પુત્ર હર્ષદ પરમારે મમ્મીને ન્યાય અપાવવા તેમ જ ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે આ કેસ પોતાની ઍડ્વોકેટ પત્ની રેખા દ્વારા લડવાની સ્પષ્ટતા કરી છે. પરિવારજનોએ નિર્ણય કર્યો છે કે ૧૦ દિવસની ઉત્તરક્રિયાની તમામ વિધિ પૂરી થયા બાદ તેઓ કેસની ઝીણવટભરી તપાસ કરાવીને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવા કાનૂની લડાઈ લડશે. પોલીસ પણ આ ઘટનામાં ઝીણવટભરી તપાસ કરીને અકસ્માતના સ્થળ નજીકના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી રહી છે.
હર્ષદ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મમ્મીને પ્લેનમાં બેસવાની ઇચ્છા હતી જે હું ગમે એ ભોગે પૂરી કરવા માગતો હતો. શુક્રવારે અમારે અંધેરીની પાસપોર્ટ ઑફિસે જવાનું હતું, પરંતુ કોઈ કારણોસર એ કામ શનિવાર પર ઠેલાતાં મમ્મી શુક્રવારે સવારે મુલુંડ નોકરી પર ગયાં હતાં. અકસ્માતનો ઘટનાક્રમ જોતાં સ્પષ્ટ જણાય છે કે BESTના બસ-ડ્રાઇવરની ઘોર બેદરકારી હતી. શુક્રવારે સાંજે અમે માગણી કર્યા બાદ પોલીસે ડ્રાઇવરનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, પરંતુ પોલીસે જે કડક કલમો હેઠળ ગુનો નોંધવો જોઈતો હતો એ નથી નોંધ્યો. મમ્મીના અચાનક જવાના આઘાતથી અમે ભાંગી પડ્યા છીએ, પરંતુ ૧૦ દિવસની ઉત્તરક્રિયા પૂરી થયા બાદ મારું અને મારી ઍડ્વોકેટ પત્નીનું એક જ લક્ષ્ય હશે - મમ્મીને ન્યાય અપાવવો. અમે પોલીસને પણ સ્પષ્ટ કહી દીધું છે કે અમારે સરકારી વકીલની જરૂર નથી, અમે પોતે કોર્ટમાં હાજર રહીને કેસ લડીશું. મારી મમ્મીને ન્યાય અપાવવાની સાથે BESTના અકસ્માતોમાં જીવ ગુમાવનારા તમામ લોકોને ન્યાય અપાવવા અમે લડત આપીશું.’
પોલીસ શું કહે છે?
મુલુંડ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર કિશોર પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં તમામ ઍન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. જયશ્રી પરમારના પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધીને અમે BESTની બસના ડ્રાઇવરની શુક્રવારે સાંજે ધરપકડ કરી હતી, જેને ગઈ કાલે સવારે જામીન મંજૂર થતાં મુક્ત કરવામાં આવ્યો છે. જોકે બસ હાલ અમે જપ્ત રાખી છે અને યોગ્ય ટેસ્ટિંગ થયા બાદ જ એને છોડવામાં આવશે. અકસ્માત કઈ રીતે થયો અને કોની ભૂલ હતી એ જાણવા માટે અકસ્માત-સ્થળ નજીકના CCTV કૅમેરાનાં ફુટેજ માગવામાં આવ્યાં છે જે મળ્યા બાદ તમામ વિગતો સ્પષ્ટ થશે. આ કેસમાં ડ્રાઇવરનો એવો દાવો છે કે મહિલા એકાએક બસની સામે આવી ગઈ હતી એટલે એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.’
