થોડાં વર્ષો પહેલાં કૅન્સર હૉસ્પિટલમાં સોશ્યલ વર્કનું કામ જોરશોરમાં ચાલતું ત્યારે એક ફૅમિલી મને પર્સનલી મારી ઑફિસે મળવા આવી હતી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
જ્યારે તમે મદદ કરવા માટે હાથ લંબાવો ત્યારે પૂરેપૂરી મદદ કરવાની ગણતરી હોય તો જ કાયમી બદલાવ આવે છે. એક બાળક, એક પરિવારની સંપૂર્ણ જવાબદારી ઉઠાવો અને સાચી રીતે જ્યાં અટકે ત્યાં તમે તેમનું પીઠબળ બનો એનાં કેવાં ચમત્કારી પરિણામો આવતાં હોય છે એના વ્યક્તિગત અનુભવ કહું તમને.
થોડાં વર્ષો પહેલાં કૅન્સર હૉસ્પિટલમાં સોશ્યલ વર્કનું કામ જોરશોરમાં ચાલતું ત્યારે એક ફૅમિલી મને પર્સનલી મારી ઑફિસે મળવા આવી હતી. તેમણે સીધી જ વાત કરી કે તેમને મારી મદદ જોઈએ છે. તેમનો દીકરો મેડિકલનું ભણી રહ્યો છે અને પહેલા અટેમ્પમાં ફેલ થયો છે, પરંતુ અમુક કોચિંગ ક્લાસ જૉઇન કરે તો તેની પાસ થવાની સંભાવના વધી શકે છે. જોકે તેમની પાસે કોચિંગ ક્લાસમાં ભરવાની ફી નથી. એ ફૅમિલી મારા માટે અજાણી હતી. મેં સહજ જ તેમને કહ્યું કે તમારે તમારા સંબંધી પાસેથી સહાય લેવી જોઈએ. ત્યારે તેમનું કહેવું હતું કે કૅન્સરમાં ગુજરી ગયેલા નાના દીકરાની સારવાર વખતે ઘણાં રિલેટિવ્સ પાસેથી પૈસા લીધા હતા, પણ એ ચૂકવી ન શક્યા એટલે હવે ત્યાંથી મદદ નહીં મળે. બધી તપાસમાં વાતો સાચી નીકળી એટલે તેમના દીકરાની કોચિંગ ક્લાસની ફી ભરી અને સાથે જ તેના ભોજનની વ્યવસ્થા પણ મેં કરી આપી. તે પાસ થઈ ગયો. એ પછી MBBSની ૩ વર્ષની ફી પણ મેં જ ભરી. દર વખતે પાસ થાય એટલે મારા માટે પેંડા લઈને મોઢું મીઠું કરાવવા આવે. એ પછી બે વર્ષ તેનો કોઈ અતોપતો નહીં. હું પણ ભૂલી ગઈ હતી. પછી એક દિવસ અચાનક આવ્યો લગ્નની કંકોતરી લઈને. ત્યારે ખબર પડી કે તે હવે ન્યુરોલૉજિસ્ટ બની ગયો છે અને હવે પોતે પણ નિઃશુલ્ક ઓપીડી ચલાવે છે.
ADVERTISEMENT
એવી જ રીતે અન્ય એક કમ્યુનિટીના એક યુવકને ભણવામાં મદદ કરી. સાથે ઘરનું કરિયાણું અને ભાડાની રૂમ પણ કરાવી આપી. તેનો અભ્યાસ પૂરો થયો એટલે નોકરીએ લગાવ્યો અને લગ્નમાં પણ સપોર્ટ કર્યો. આજે તે સંપૂર્ણ આત્મનિર્ભર છે. જેને ત્યાં તેને નોકરી અપાવી તે મારા મિત્ર તેનાં વખાણ કરતા થાકતા નથી. હવે તેનાં ઘરે બાળકો છે અને બાળકો સરસ રીતે ભણી રહ્યાં છે.
ટૂંકમાં, જો કાયમી ઇમ્પૅક્ટ પાડવી હોય તો દરેક સ્તર પર મદદ કરવાની તૈયારી સાથે કોઈકને અડૉપ્ટ કરી લો. તમારો સપોર્ટ તેને આત્મનિર્ભર બનાવીને તેના અને તેની આસપાસના લોકોના ભવિષ્યને કાયમી સિક્યૉર કરી શકે છે. હું દરેકને કહેતી હોઉં છું કે ઈચ વન અડૉપ્ટ વન. દરેક જણ એક વ્યક્તિને અડૉપ્ટ કરે તો મોટી ક્રાન્તિ થઈ શકે એમ છે.
- નીતા દોશી (પ્રોફેશનલી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ નીતા દોશી અનેક સામાજિક સંસ્થાઓમાં તન, મન અને ધનથી સક્રિય છે.)


