અદાણી ટ્રાન્સપોર્ટે અશોકા બિલ્ડકોન લિમિટેડ અને અક્ષય ઇન્ફ્રાપ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં આ પ્રોજેક્ટ સ્વીકાર્યો છે
મીઠી નદીની કાયાપલટનો પ્રોજેક્ટ
ધારાવી ઝૂંપડપટ્ટીનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મેળવ્યા પછી અદાણી ગ્રુપ હવે મીઠી નદીની કાયાપલટના પ્રોજેક્ટ માટે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (SPV)નો ભાગ બન્યું છે. ૧૭૦૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની અદાણી ગ્રુપ બની હતી. અદાણી ટ્રાન્સપોર્ટે અશોકા બિલ્ડકોન લિમિટેડ અને અક્ષય ઇન્ફ્રાપ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં આ પ્રોજેક્ટ સ્વીકાર્યો છે. કુર્લામાં આવેલા CST બ્રિજથી જ્યાં મીઠી નદી માહિમમાં અરબી સમુદ્રને મળે છે ત્યાં સુધીના પટાનું કામ હાથ ધરવામાં આવશે, જેમાં પૂર નિયંત્રણ માટેના કામ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
આમાં ૧૮ આઉટફૉલ્સ પર ગેટ-પમ્પ ઍસેમ્બલી ઊભી કરવાનો, માહિમ નજીક માછીમાર કૉલોનીમાં એક મુખ્ય સિવેજ પમ્પિંગ-સ્ટેશન બનાવવાનો અને ગટરના પાણીને ધારાવી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ વાળવા માટે ડ્રાય-વેધર ફ્લો ઇન્ટરસેપ્ટર બનાવવાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં ગટર લાઇન, સર્વિસ રોડ અને રિટેનિંગ વૉલનું બાંધકામ પણ સામેલ છે. પ્રોજેક્ટમાં અનેક નદીઓના આઉટફૉલ્સ પર ગેટ-પમ્પ ઍસેમ્બલીઓ ગોઠવવાથી ભારે વરસાદ દરમ્યાન જમા થયેલા પાણીને બહાર કાઢીને દરિયામાં પાછું છોડી શકાશે.


