વાંદરાઓને પકડીને રેસિડેન્શિયલ એરિયાથી ૧૦ કિલોમીટર દૂર મૂકી આવવાના સરકારના નિર્ણય પર એક્સપર્ટનો મત
લોઅર ઓશિવરા મેટ્રો સ્ટેશનના ટિકિટ સ્કૅનર પર બેઠેલા વાંદરાભાઈ.
શહેરો અને ગામડાંઓમાંથી પકડાયેલા વાંદરાઓને પકડીને રેસિડેન્શિયલ એરિયાથી ઓછામાં ઓછા ૧૦ કિલોમીટર દૂર મૂકી આવવાનો આદેશ તાજેતરમાં જ મહારાષ્ટ્ર વનવિભાગે આપ્યો છે. વાનરો ઘરોમાં ઘૂસીને મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા છે અને કેટલાક કિસ્સાઓમાં લોકો પર હુમલો કરી રહ્યા છે એવી ફરિયાદો વધતાં મહારાષ્ટ્ર વનવિભાગે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડીને આ વિશે નિર્દેશો આપ્યા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે વાંદરાઓને ૧૦ કિલોમીટર દૂર છોડવાને લીધે ખોરાક માટે રેસિડેન્શિયલ એરિયામાં પાછા ફરવાની તેમની પૅટર્ન બ્રેક કરી શકાશે.
નવા નિયમ બાબતે એક્સપર્ટ શું કહે છે?
ધ કૉર્બેટ ફાઉન્ડેશનના કેદાર ગોરે જણાવ્યું હતું કે ‘માનવ-વાનર વચ્ચેના સંઘર્ષના વધતા કિસ્સા ડામવા માટે વનવિભાગે બનાવેલા આ નવા નિયમ જરૂરી હતા. જોકે સરકારના GRમાં અમુક બાબતે સ્પષ્ટતા નથી. પકડવાના પ્રયાસો દરમ્યાન વાનરનું મૃત્યુ થયું તો જવાબદારી કોની રહેશે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. આ સમસ્યાના મૂળમાં રહેલા કારણ વિશે પણ GRમાં સ્પષ્ટતા નથી. લોકો વાનરોને ફૂડ આપે છે એ મૂળ કારણ છે એટલે જ વાનરો રેસિડેન્શિયલ એરિયામાં આવે છે. આ અંગે જાગૃતિ ફેલાવવી ખૂબ જરૂરી છે અને ટૂરિસ્ટ સાઇટ પર પણ વાનરોને ભોજન આપવાની પ્રવૃત્તિ પર બૅન લગાડવા માટે અલગથી સ્ટાફ રાખવાની જરૂર છે.’ રેસ્ક્યુઇંક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAWW)ના પ્રમુખ પવન શર્માએ જણાવ્યું હતું કે માનવ-વાનર વચ્ચે થતો સંઘર્ષ ટાળવા માટે દરેક એરિયા મુજબની સ્ટ્રૅટેજી નક્કી કરવી જરૂરી છે.
ADVERTISEMENT
મેટ્રો સ્ટેશનના સ્પેશ્યલ ટિકિટચેકર
વાનરો ઘરમાં ઘૂસવાના કિસ્સાઓ તો વધી જ ગયા છે, પણ હવે તો વાનરો મેટ્રોમાં પણ તમારી સાથે મુસાફરી કરવા માંડે તો નવાઈ નહીં. તાજેતરમાં જ લોઅર ઓશિવરા મેટ્રો સ્ટેશન પર ટિકિટ સ્કૅનિંગ મશીન પર આરામથી બેઠેલો વાંદરો દેખાયો હતો. એને જોઈને અમુક મુસાફરો ગભરાયા હતા અને અમુક લોકોએ એના ફોટો પાડીને મજા લીધી હતી. વાઇરલ થયેલી ક્લિપમાં બે મહિલા મુસાફરો અચાનક વાંદરાને જોઈને આશ્ચર્યચકિત થતી જોવા મળે છે, પણ વાંદરાને આજુબાજુની ભીડથી કોઈ ફરક પડતો નથી. વાંદરો એની મોજમાં સ્ટેશનની હલનચલન જોઈ રહ્યો છે. જોકે મેટ્રો 2A પર આવેલા લોઅર ઓશિવરા સ્ટેશન પર આ દૃશ્ય સામાન્ય છે. છેલ્લા કેટલાક મહિનાથી મેટ્રો સ્ટેશનો પર વાંદરા ઘૂસી જવાના બનાવો વધ્યા છે. મેટ્રો પ્રશાસને આ અંગે યોગ્ય પગલાં લેવાં જોઈએ એવી અનેક મુસાફરોએ અપીલ કરી છે.


