ગુજરાતી અનુવાદકોએ જેનું નામ જુલે વર્ન પાડ્યું છે તે ફ્રેન્ચ લેખક ઝૂલ વર્ન (૧૮૨૮-૧૯૦૫) એટલે વિજ્ઞાન કથાઓનો આદિ પુરુષ. એક પછી એક વિજ્ઞાન કથા ફ્રેન્ચમાં લખતો ગયો અને દરેકનો અંગ્રેજી અનુવાદ બે-ત્રણ વર્ષમાં તો થઈ જ જાય!
૧૮૯૩માં પુણે ખાતે તૈયાર થયેલા નકશામાં બતાવેલું ટૅન્ક કહેતાં તળાવ.
ગુજરાતી અનુવાદકોએ જેનું નામ જુલે વર્ન પાડ્યું છે તે ફ્રેન્ચ લેખક ઝૂલ વર્ન (૧૮૨૮-૧૯૦૫) એટલે વિજ્ઞાન કથાઓનો આદિ પુરુષ. એક પછી એક વિજ્ઞાન કથા ફ્રેન્ચમાં લખતો ગયો અને દરેકનો અંગ્રેજી અનુવાદ બે-ત્રણ વર્ષમાં તો થઈ જ જાય! આપણે ત્યાં મૂળશંકર મો. ભટ્ટે તેની કેટલીક વિજ્ઞાન કથાના અનુવાદ કર્યા. પછી બીજા કેટલાકે પણ કર્યા. એક નવલકથાના અંગ્રેજી અનુવાદનું નામ છે Journey to the Centre of the Earth. મૂળ ફ્રેન્ચ કથા પ્રગટ થઈ ૧૮૬૪માં, બીજી આવૃત્તિ ૧૮૬૭માં, એનો અંગ્રેજી અનુવાદ ૧૮૭૪માં. પૃથ્વીના પેટાળમાં ઊતરીને એના કેન્દ્રબિંદુ સુધી જવાનું આપણું ગજું નહીં. પણ આપણે તો પ્રયત્ન કરી રહ્યા છીએ આમચી મુંબઈના મધ્યબિંદુ પર પહોંચીને એની આસપાસ લટાર મારવાનો. ગયા અઠવાડિયે આપણે પહોચ્યાં હતાં મુંબઈનું કેન્દ્રબિંદુ મનાતા સેન્ટ થૉમસ કૅથીડ્રલ સુધી.
એક જમાનામાં કોટ વિસ્તારમાં અંગ્રેજ ગવર્નર રહેતા એમ અંગ્રેજ લશ્કરના વડા પણ અહીં જ રહેતા. તેમનું રહેઠાણ ઍડ્મિરલ્ટી હાઉસ તરીકે ઓળખાતું. મુંબઈના પહેલવહેલા ઍડ્મિરલ્ટી હાઉસનો ઉલ્લેખ છેક ૧૭૭૩માં પ્રગટ થયેલા એક પુસ્તકમાં મળે છે. વ્યવસાયે ડૉક્ટર અને બ્રિટિશ લશ્કરમાં કામ કરતા તેના લેખક એડવર્ડ ઇવ્ઝ ૧૭૫૫થી ૧૭૫૭ સુધી બ્રિટિશ લશ્કર સાથે હિન્દુસ્તાનમાં ઘણે ઠેકાણે ફર્યા હતા. તેમણે પોતાની મુસાફરી આધારિત પુસ્તક From England to India લખ્યું, જે ૧૭૭૩માં પ્રગટ થયું હતું. આ પુસ્તકમાં તેઓ નોંધે છે કે બ્રિટિશ લશ્કરના ઍડ્મિરલ અને તેમનાં પત્ની ‘ટૅન્ક હાઉસ’ નામના મકાનમાં રહેતાં હતાં. આ હતું મુંબઈનું પહેલવહેલું ઍડ્મિરલ્ટી હાઉસ.
ADVERTISEMENT
૧૮૬૫માં મુંબઈનો ફોર્ટ કહેતાં કિલ્લો તોડી પડાયો એ પહેલાં કોટમાં મુખ્યત્વે અંગ્રેજોની વસતી. થોડા માલેતુજાર પારસી વેપારીઓ પણ ખરા. બીજી બધી સગવડોનું તો સમજ્યા, પણ કોટમાં રહેતા આ લોકો પીવાનું પાણી ક્યાંથી લાવતા? નળના પાણીની શરૂઆત તો થઈ છેક ૧૮૬૦માં. તો જવાબ એ છે કે કોટની અંદર નાના-મોટા કૂવા ઉપરાંત એક મોટું ટૅન્ક કહેતાં તળાવ આવેલું હતું. કોટની અંદર રહેતા લોકોની પાણીની જરૂરિયાત આ કૂવા અને ટૅન્ક પૂરી પાડતાં. ૧૮૨૪માં બૉમ્બે મિન્ટનું મકાન બંધાઈ રહ્યું એની બરાબર સામે આ ટૅન્ક કહેતાં તળાવ આવેલું હતું. મુંબઈના ફોર્ટના બેસ્ટિયન કહેતાં બુરજને જુદાં-જુદાં નામ આપવામાં આવેલાં. આ તળાવ નજીક આવેલા બેસ્ટિયનનું નામ હતું ‘ટૅન્ક બેસ્ટિયન.’ આ ટૅન્ક હાઉસ ૧૬૮૬થી ૧૬૯૦ સુધી મુંબઈના ડેપ્યુટી ગવર્નર રહેલા સર જે. વાયબર્ને બાંધ્યું હતું. મુંબઈના કલેક્ટરની ઑફિસમાંના એક દસ્તાવેજ પ્રમાણે આ મકાનની પૂર્વ દિશામાં બંદર તરફ જતો રસ્તો હતો, પશ્ચિમે કૉટન ગ્રીન આવેલું હતું, ઉત્તરે લુહારોની દુકાનો આવેલી હતી અને દક્ષિણે નામદાર સરકારનું બંદર આવેલું હતું.
આ ટૅન્ક હાઉસની એક વાત મરાઠીભાષીઓ કહે તેમ ગમ્મતભરી છે. ૧૭૧૫ના ફેબ્રુઆરીમાં તેના માલિક જૉન હિલ પાસેથી કંપની સરકારે આ મકાન ત્રણ હજાર રૂપિયામાં ખરીદ્યું અને ૧૭૧૯માં એ જ મકાન એ જ જૉન હિલને પાછું વેચી દીધું હતું, ફક્ત રૂપિયા એકસો ને એંસીમાં! (આપણા આજના રાજકારણીઓએ શીખવા જેવું, નહીં?) આ મકાન બંધાયું ત્યારે એની આસપાસ દીવાલ જ નહોતી. પણ પછી પાસેના ટૅન્કમાં નહાવા અને ઢોર ચારવા આવતા લોકો બહુ ગંદકી કરે છે એમ જણાવી એની આસપાસ કમ્પાઉન્ડ વૉલ બાંધવામાં આવી. ૧૭૫૧માં પ્રગટ થયેલા Voyage to the East Indies પુસ્તકમાં આપેલા નકશામાં પણ ટૅન્ક હાઉસ આ જ જગ્યાએ હોવાનું બતાવ્યું છે.
જ્યારે મુંબઈમાં કોઈ ઍડ્મિરલ ન હોય ત્યારે આ જ મકાન મુંબઈના ગવર્નરના રહેઠાણ તરીકે વપરાતું. ૧૭૫૦ના નવેમ્બરની ૧૭મી તારીખે સવારે ૧૧ વાગ્યે આ જ ટૅન્ક હાઉસમાંથી નીકળીને નામદાર ગવર્નર વિલિયમ વેક બંદરે ગયા હતા. નિવૃત્ત થતા આ ગવર્નરને વિદાયમાન આપવા સરકારમાં ઊંચો હોદ્દો ધરાવતા અમલદારો તથા શહેરના આગેવાન નાગરિકો હાજર હતા. બૉમ્બે ફોર્ટની રાંગ પરથી વિદાય થતા ગવર્નરને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી.
પણ મુંબઈના ગવર્નર માટે કાયમી રહેઠાણ હોય જ નહીં એ સરકારને યોગ્ય જણાતું નહોતું. એટલે ૧૭૫૭ અને ૧૭૫૮માં મુંબઈ સરકારે લંડનમાં બેઠેલા હાકેમોને એક વધુ મકાન ખરીદવા માટે અરજી કરી. મિસ્ટર જૉન સ્પેન્સરનું મકાન ૧૫,૧૬૧ રૂપિયામાં મળી શકે એમ છે એમ પણ જણાવ્યું. બીજી બાજુ નેવીના ઍડ્મિરલોને પણ હવે ટૅન્ક હાઉસ માફક આવતું નહોતું. ઍડ્મિરલ સૅમ્યુઅલ કોર્નિશે સરકારને પત્ર લખી જણાવ્યું કે આ મકાનની આસપાસની ગંદકીની બહુ માઠી અસર મારી તબિયત પર થઈ રહી છે. વળી આ મકાન મારા મોભાને છાજે એવું પણ નથી. એટલે આપને મારી વિનંતી છે કે ઍડ્મિરલને રહેવા માટે એક નવું મકાન ખરીદવામાં આવે. આ નવા રહેઠાણ માટે મને મિસ્ટર ચાર્લ્સ વાઇટહિલ્સનું મકાન બધી રીતે યોગ્ય લાગે છે. એક તો એ ડૉકયાર્ડની નજીક આવેલું છે. બીજું, ત્યાંથી ઘણો લાંબો દરિયાકિનારો જોઈ શકાય છે. એટલે ઍડ્મિરલ જો ત્યાં રહેતા હોય તો તેની નજર આખા દરિયાકિનારા પર રહી શકે. પણ મિસ્ટર વાઇટહિલ્સ એ મકાન વેચવા તૈયાર નહોતા, પણ ભાડે આપવા તૈયાર હતા. મુંબઈ સરકાર મહિને ૩૫૦ રૂપિયા ભાડું આપવા તૈયાર થઈ. ઉપરાંત એ મકાનમાં જે કાંઈ સમુંનમું કરવું પડે, રંગરોગાન કરવાં પડે, એ બધું જ સરકારે પોતાને ખર્ચે કરાવવાનું. પણ મુંબઈ સરકારે જ્યારે આ દરખાસ્ત લંડન મોકલી ત્યારે ત્યાં બેઠેલા હાકેમોને મહિને ૩૫૦ રૂપિયાનું ભાડું ઘણું વધારે લાગ્યું અને તેમણે દરખાસ્ત નામંજૂર કરી પણ વાઇટહિલ્સનું આ મકાન આવેલું ક્યાં? તો કહે પેલા ટૅન્ક પર. હેં? ટૅન્ક પર? હા. વાઇટહિલ્સે પોતાને ખર્ચે એ તળાવ પુરાવીને એના પર પોતાનું મકાન બાંધ્યું હતું.
નેવીના ઍડ્મિરલ માટે વાઇટહિલ્સનું મકાન ભાડે રાખવાની મંજૂરી લંડનના બડેખાંઓએ આપી નહીં. પણ ૧૭૬૪ના મે મહિનાની ૧૩મી તારીખે ઍડ્મિરલ અને કમાન્ડર મલબાર કિનારા અને મદ્રાસ તરફ જવા રવાના થયા પછી થોડા જ દિવસોમાં, ૧૭૬૪ના ઑક્ટોબરમાં મુંબઈ સરકારે વાઇટહિલ્સનું મકાન અને એની બાજુમાં આવેલું જૉન હન્ટરનું મકાન પણ ખરીદી લીધાં! અને કેટલીક સરકારી ઑફિસો અને સેક્રેટેરિએટ ઑફિસ એ મકાનોમાં ખસેડી!
આ બન્ને મકાનો એલ્ફિન્સ્ટન સર્કલના ઉત્તર-પશ્ચિમ ખૂણા પર આવેલાં હતાં. ૧૮૨૯માં સરકારી ઑફિસો બીજે ખસેડાયા પછી આ બે મકાનો લશ્કરના ઉપયોગ માટે ફાળવવામાં આવ્યાં. અમેરિકન સિવિલ વૉર વખતે મુંબઈની બધી બજારોમાં અભૂતપૂર્વ તેજી આવી ત્યારે આ બે મકાનોના પાંચ નાના ભાગ પાડી ૧૮૬૪ની પહેલી ઑગસ્ટે મુંબઈ સરકારે જુદી-જુદી વ્યક્તિઓને એ વેચી નાખ્યા! આ પાંચ ભાગ ખરીદનાર હતા: દાદાભાઈ હોરમસજી કામા, બમનજી એદલજી, મેરવાનજી ફરામજી પાંડે અને માણેકજી એદલજી હાંસોટિયા (તેમણે બે ભાગ ખરીદેલા). આ વેચાણમાંથી સરકારને કુલ આવક થઈ ૬,૬૪,૧૩૮ રૂપિયા!
હવે આપણે મુંબઈના એક જૂનામાં જૂના મકાન પાસે આવી ગયા છીએ. પણ એની વાત આવતા અઠવાડિયા પર મુલતવી રાખીને અમારા માનવંતા વાચકોની એક-બે શંકા દૂર કરવા તરફ વળવું પડશે.
ખોલાસો : અમારા કેટલાક બાજ-નજર વાચક-વાચિકાએ અમને સવાલ કર્યા છે.
સવાલ ૧ : અમે તો સાંભળ્યું છે કે ‘કૉટન ગ્રીન’ કોલાબામાં હતું અને તમે કહો છો કે આજે જ્યાં સેન્ટ થૉમસ કથીડ્રલ ઊભું છે એ વિસ્તારમાં કૉટન ગ્રીન આવેલું હતું. સાચું શું?
જવાબ : બન્ને સાચા. પહેલું કૉટન ગ્રીન હતું ફોર્ટની અંદર, જે પછીથી બન્યું એલ્ફિન્સ્ટન સર્કલ, અને પછી બન્યું હૉર્નિમન સર્કલ. ૧૮૩૮માં કોલાબા કોઝ વે બંધાઈ રહ્યો ત્યાં સુધી કોલાબાનો ટાપુ બીજા ટાપુઓથી અલગ હતો. હોડી કે મછવા સિવાય ત્યાં જવા માટે બીજું કોઈ સાધન નહોતું. ૧૮૩૮ પછી કોલાબા વિસ્તારનો વિકાસ ઝડપથી થયો. ત્યારે કૉટનની નિકાસ માટેનું કેન્દ્ર કૉટન ગ્રીન કોલાબા ખસેડાયું. છેક ૧૯૧૦ સુધી કોલાબાથી કૉટનની નિકાસ થતી હતી. ૧૮૭૫માં સાસૂન ડૉક બંધાયા પછી આયાત-નિકાસ માટે કોલાબાનું મહત્ત્વ ઘણું વધ્યું.
સવાલ ૨ : સેન્ટ્રલ રેલવેની હાર્બર બ્રાન્ચ પર આવેલા એક સ્ટેશનનું નામ ‘કૉટન ગ્રીન’ હતું. એ સ્ટેશનને અને ફોર્ટમાં આવેલા કૉટન ગ્રીન વચ્ચે કશો સંબંધ ખરો?
જવાબ : ના, જી. GIP (આજની સેન્ટ્રલ) રેલવેના દફતરમાં સચવાયેલી માહિતી પ્રમાણે હાર્બર લાઇન પરનો ટ્રેન-વ્યવહાર મુસાફરો માટે ૧૯૧૧ના ફેબ્રુઆરીની પહેલી તારીખે ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારે એ લાઇન પર આટલાં જ સ્ટેશન હતાં: ટૅન્ક બંદર (પેલા તળાવ કહેતાં ટૅન્ક પાસે આવેલા બંદરનું નામ. પછીથી બન્યું રે રોડ), શિવડી (કામચલાઉ) અને શિવડી (કાયમી), અને કોળીવાડા (પછીથી જીટીબી નગર.) આ લાઇન પર કૉટન ગ્રીન સ્ટેશન તો છેક ૧૯૨૩માં બંધાયું અને એ વરસના નવેમ્બરની પહેલી તારીખે ખુલ્લું મુકાયું. આ સ્ટેશન નજીક કૉટન એક્સચેન્જનું લીલા રંગનું મકાન આવેલું હતું એના પરથી સ્ટેશનનું નામ પડ્યું કૉટન ગ્રીન. એને ફોર્ટ કે કોલાબાના કૉટન ગ્રીન સાથે કશી લેવાદેવા નથી. ૨૦૨૪માં મુંબઈનાં કેટલાંક રેલવે-સ્ટેશનનાં નામ બદલાયાં ત્યારે કૉટન ગ્રીનનું નામ બદલીને ‘કાલાચોકી’ રાખવામાં આવ્યું છે. આશા છે, અમારા ચતુર-સુજાણ વાચકોને હવે સંતોષ થયો હશે.
મુંબઈનાં જૂનાંમાં જૂનાં મકાનોમાંના એક મકાન પાસે આવીને આજે આપણે ઊભા છીએ. એ મકાનના ભૂતકાળના દરવાજામાં દાખલ થઈશું આવતા શનિવારે.


