સેવપૂરીમાં નવું શું હોય? સેવપૂરી તો સેવપૂરી જ હોયને એવો તમને પણ વિચાર આવતો હશે પરંતુ અહીંની સેવપૂરી થોડી અલગ છે. અલગ એટલે કે સાઇઝની બાબતમાં. એક પૂરીની સાઇઝ હથેળીમાં સમાઈ શકે એટલી મોટી હોય છે જેને જોવા માટે ઘણા લોકો અહીં આવે છે.
ઓમ સાંઈ સેવપૂરી
સેવપૂરીમાં નવું શું હોય? સેવપૂરી તો સેવપૂરી જ હોયને એવો તમને પણ વિચાર આવતો હશે પરંતુ અહીંની સેવપૂરી થોડી અલગ છે. અલગ એટલે કે સાઇઝની બાબતમાં. એક પૂરીની સાઇઝ હથેળીમાં સમાઈ શકે એટલી મોટી હોય છે જેને જોવા માટે ઘણા લોકો અહીં આવે છે. અને બીજી ખાસ બાબત એ કે અહીં સેવપૂરીની પૂરી જ નહીં પરંતુ એમાં વપરાતી સેવથી લઈને ચટણી સુધીની સામગ્રી અહીં જ બનાવવામાં આવે છે. જોકે આ સેવપૂરીનો ઠેલો-કમ-સ્ટૉલ કોઈ નવો નથી, એને શરૂ થયાને પણ ઘણાં વર્ષો થઈ ગયાં છે, પરંતુ સિંગર શંકર મહાદેવનની એક રીલે આ સેવપૂરીના સ્ટૉલને રાતોરાત ફેમસ બનાવી દીધો છે.
નવી મુંબઈમાં આવેલો ઓમ સાંઈ સેવપૂરી સ્ટૉલ લગભગ ૩૦ વર્ષ જૂનો છે જેને અત્યારે એની બીજી પેઢી સંભાળી રહી છે. આ વિશે વધુ જાણકારી આપતાં ઓમ સાંઈ સેવપૂરીના ઓનર નીતિન ગુપ્તા ‘મિડ-ડે’ને કહે છે, ‘ઓમ સાંઈ સેવપૂરીની સ્થાપના મારા પિતાએ કરી હતી. ત્યારે આ સ્ટૉલ નહોતો. તેઓ નાનો સેવપૂરીનો ઠેલો લઈને સ્કૂલની સામે બેસતા હતા. પછી મંદિરની બહાર બેસીને સેવપૂરી વેચતા હતા. પછી ધીરે-ધીરે તેમના ગ્રાહકો વધતા ગયા અને ત્યાર બાદ આ મોટો સ્ટૉલ શરૂ કરવામાં આવ્યો. એક વખત સિંગર શંકર મહાદેવન મારા સ્ટૉલ પર આવ્યા હતા. તેમને મારી સેવપૂરી એટલી ભાવી ગઈ કે ત્યાર બાદથી તેમના ઘરે કોઈ પણ ફંક્શન હોય તો મારી સેવપૂરી તેમના ઘરે હોય જ. એક દિવસ તેમણે મારા સ્ટૉલ પર આવીને રીલ બનાવી અને ત્યાર બાદથી અહીં લોકોની ભીડ વધુ વધવા લાગી છે.’
અહીંની સેવપૂરી પર ત્રણ પ્રકારની ચટણી પડે છે જે તમામ અહીં બનાવવામાં આવે છે અને એનો ટેસ્ટ સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે. આ ઉપરાંત અહીં સેવ અને પૂરી પણ બનાવવામાં આવે છે જેને લીધે અહીંની સેવપૂરી ટેસ્ટમાં અલગ તરી આવે છે.
ક્યાં મળશે? : ઓમ સાંઈ સેવપૂરી, સેક્ટર-નંબર 29, વાશી રોડ, નવી મુંબઈ સમય : સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૧૧ સુધી.


