સવારે ૭થી ૯ના બે કલાક સુધી જ, હાઈ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી જ, નવાં કબૂતરખાનાંઓનું સંચાલન કરવાની જવાબદારી સ્વયંસેવી સંસ્થાઓ લેશે તો જ
દાદરનું બંધ પડેલું કબૂતરખાનું.
કબૂતરખાનાં બંધ થયા બાદ નવાં ચાર સ્થળોએ સવારે ૭થી ૯ વાગ્યા સુધી દરરોજ બે કલાક માટે કબૂતરોને કન્ટ્રોલ્ડ-ફીડિંગ એટલે નિશ્ચિત સમય માટે દાણા નાખવાની મંજૂરી આપવામાં આવી છે. શુક્રવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આ વિશે નિર્ણય લીધો હતો. સાથે જ સ્પષ્ટતા કરી હતી કે બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી નિષ્ણાત સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી જ આ ચાર સ્થળોએ કબૂતરને દાણા નાખવાની મંજૂરી આપવામાં આવી છે તેમ જ આ નવાં કબૂતરખાનાંઓનું સંચાલન કરવા માટે સ્વયંસેવી સંસ્થાઓ જવાબદારી લેશે તો જ આ પરવાનગી માન્ય રહેશે.
મુંબઈના દરેક મુખ્ય ઝોનને એક નવું કબૂતરખાનું ફાળવવામાં આવ્યું છે.
G-નૉર્થ વૉર્ડ : સાઉથ મુંબઈમાં વરલી જળાશય પાસે.
K-વેસ્ટ વૉર્ડ : વેસ્ટર્ન સબર્બમાં અંધેરી લોખંડવાલા બૅક રોડ પર વર્સોવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસેના મૅનગ્રોવ્ઝ.
T વૉર્ડ : ઈસ્ટર્ન સબર્બ્સમાં ઓલ્ડ ઐરોલી-મુલુંડ ઑક્ટ્રોય નાકા પાસે ખાડી પાસેના વિસ્તારમાં.
R સેન્ટ્રલ વૉર્ડ : નૉર્થ મુંબઈ માટે બોરીવલી-વેસ્ટમાં આવેલા ગોરાઈ મેદાનમાં.
મુંબઈનાં જે ૫૦ કબૂતરખાનાં બંધ છે એ હજી પણ બંધ જ રહેશે એવો ખુલાસો BMCએ કર્યો છે. બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશ મુજબ કબૂતરખાનાં બંધ થયા બાદ નાગરિકો પાસેથી મળેલાં ૯૭૭૯ સૂચનો અને વાંધા પર ચર્ચા કર્યા બાદ આ ચાર સ્થળ પર ટેમ્પરરી ફીડિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ જગ્યાઓનું સંચાલન સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે
એવી ખાતરી મળ્યા બાદ BMCએ નિર્ણય લીધો હોવાથી આ ચારેય જગ્યાઓ પર તમામ પ્રકારના નિયમોનું પાલન થાય એ જોવાની જવાબદારી સંસ્થાઓની રહેશે.
સ્વયંસેવી સંસ્થાઓની જવાબદારી શું રહેશે?
કબૂતરને દાણા નાખવાને કારણે ટ્રાફિક અને રહેણાક વિસ્તારોમાં ખલેલ ન પહોંચે.
દાણા નાખવાની પરવાનગી ફક્ત સવારે ૭થી ૯ વાગ્યાની વચ્ચે જ છે. આ સમય સિવાય દાણા નહીં નાખી શકાય.
આ સ્થળો પર સ્વચ્છતા જાળવવી પડશે અને
પબ્લિક હેલ્થ અને સેફટી વિશે જાગૃતિ લાવવા માટે બૅનર લગાવવાં પડશે.
નાગરિકોને ફરિયાદ હોય તો એનું નિવારણ લાવવાનું કામ સંસ્થાનું રહેશે.
કબૂતરખાનાંનું સંચાલન કરવા ઇચ્છતી સંસ્થા પાસેથી આ બાબતનું ઍફિડેવિટ લેવામાં આવશે.
નવાં કબૂતરખાનાંના BMC વિભાગના અસિસ્ટન્ટ કમિશનર આ બાબત માટે નોડલ ઑફિસરની ભૂમિકામાં રહેશે.


