Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જેન્ટલ પેરન્ટિંગથી કંટાળી ગયા છો? તો આવ્યું છે નવું ફાફો પેરન્ટિંગ

જેન્ટલ પેરન્ટિંગથી કંટાળી ગયા છો? તો આવ્યું છે નવું ફાફો પેરન્ટિંગ

Published : 02 April, 2026 12:23 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

જૂની પેરન્ટિંગ સ્ટાઇલનું નવું રૂપ શું છે એ આજે સમજીએ અને એક્સપર્ટ પાસેથી જાણીએ કે આ અપનાવતી વખતે શું ધ્યાન રાખવું...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો ખુદના બાળક સાથે લિબરલ રહીને તમે થાકી ગયા હો અને જૂની કડક પેરન્ટિંગ સ્ટાઇલ જ સારી હતી એવો ભાવ તમને આવતો હોય તો દુનિયાભરમાં ચાલી નીકળેલા ફાફો પેરન્ટિંગ વિશે જાણો જેમાં બાળકને એક જ વખત કહેવામાં આવે છે કે તું આમ કરશે તો આવું થશે, છતાં બાળક ન માને તો તેને તેના હાલ પર છોડી દેવામાં આવે છે. એનાથી પોતે અનુભવ કરીને બાળક પોતાના પાઠ ખુદ શીખે છે. જૂની પેરન્ટિંગ સ્ટાઇલનું નવું રૂપ શું છે એ આજે સમજીએ અને એક્સપર્ટ પાસેથી જાણીએ કે આ અપનાવતી વખતે શું ધ્યાન રાખવું...

એક નવા પ્રકારનું પેરન્ટિંગ આજકાલ એકદમ પૉપ્યુલર થઈ રહ્યું છે. એમાં શું થાય છે એ ઉદાહરણ સાથે સમજીએ.



એક બાળક ભયંકર ઠંડીમાં બહાર જવા માગે છે. પેરન્ટ્સ તેને કહે છે કે તું કોટ પહેરીને જા, નહીંતર ઠંડી લાગી જશે. પરંતુ તે માનતું નથી. તે કોટ પહેરવાની ના પડે છે. તો તેને તેના પેરન્ટ્સ


કોટ વગર બહાર મોકલી દે છે : બાળક બહાર જશે અને ઠંડી લાગશે ત્યારે તેને ખુદ ખબર પડશે કે કોટ પહેરવો જરૂરી હતો અને પેરન્ટ્સ સાચું કહેતા હતા. 

બધા જમવા બેઠા છે ત્યારે બાળક તેની થાળીમાં જે પીરસાયું છે એ ખાવાની ના પાડે છે. ટૅન્ટ્રમ દેખાડે છે તો તેને કહેવામાં આવે છે કે જમવાનું આ જ છે, તને ખાવું હોય તો ખાઈ શકે છે પણ એની અવેજીમાં કોઈ તને બીજો ઑપ્શન મળશે નહીં; હવે સીધું રાત્રે જમવા મળશે. બાળકને ભૂખ્યા રહેવું છે કે એ ખાઈ લેવું છે એનો નિર્ણય તેના પર છે, પણ બિચારું ભૂખ્યું છે તો તેના બદલે તેને કંઈ આપો એવાં લાડ લડાવવાનાં નથી જ.


બાળકને સમજાવવામાં આવે છે કે તારાં રમકડાં કે તારી બધી વસ્તુઓ વ્યવસ્થિત જગ્યા પર મૂકવી જરૂરી છે. પરંતુ જો તે એવું નથી કરતું તો તેનાં રમકડાં કે તેનો જરૂરી સામાન કચરાના ડબ્બામાં ફેંકી દેવામાં આવે છે. એનાથી બાળકને સમજ પડે છે કે તેની ભૂલને કારણે તેની વસ્તુ તેનાથી છીનવાઈ ગઈ છે.

સ્કૂલમાંથી મળતું હોમવર્ક બાળકની જવાબદારી છે. એ પૂરું કરી લે એવું પેરન્ટ્સ તેની પાછળ પડીને કહેતા નથી. તેને એ માટે ફોર્સ પણ નથી કરતા કે રિમાઇન્ડર પણ નથી આપતા. જો હોમવર્ક નથી કર્યું તો એ બાળક સ્કૂલ જઈને ટીચરની પનિશમેન્ટ ભોગવશે. જ્યારે તેને ઠપકો મળશે ત્યારે તેને જાતે સમજવાનું રહેશે કે હોમવર્ક ટાઇમ પર કરવું જરૂરી છે.

બાળક સ્કૂલમાં કશું ભૂલી જાય તો બીજા દિવસે લાવવાની જવાબદારી તેની છે. પેરન્ટ્સ એ માટે તેને યાદ પણ નહીં દેવડાવે અને તેનું રિપ્લેસમેન્ટ પણ નહીં લાવી આપે. એ શોધવાની અને ઘરે પાછી લાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે બાળકની રહેશે.

આ વાંચીને ઘણા લોકોને લાગ્યું હશે કે એમાં નવું શું છે? અમારા પેરન્ટ્સ અમારી સાથે આવું જ કરતા હતા. સમજવાનું એ છે કે ફૅશન હોય કે પેરન્ટિંગ, જૂનું બધું નવા-નવા ફૉર્મમાં રિપીટ થયા કરે છે. વાત એ જ છે, પણ જે ચાલતું હતું એમાં બદલાવ કર્યો એટલે નવું લાગે છે.

આ જે જૂના પેરન્ટિંગનો નવો અવતાર છે એનું નામ છે ફાફો પેરન્ટિંગ. FAFOનું આખું નામ છે (F*** around and find out). ગાળોનો પ્રયોગ એટલી હદે નૉર્મલ થઈ ગયો છે કે પેરન્ટિંગ સ્ટાઇલના નામમાં પણ ગાળનો ઉપયોગ કરીને એનું નામ રાખવામાં આવ્યું છે. એને અવગણીએ તો સમજવાનું એ છે કે જેન્ટલ પેરન્ટિંગનાં આટલાં ગુણગાન ગાયા પછી, એક આખી પેઢીને જેન્ટલ પેરન્ટિંગ આપ્યા પછી અમુક પેરન્ટ્સ થાકી ગયા છે. તેમણે વિચારી લીધું કે આ પ્રકારનું પેરન્ટિંગ તો નહીં આપવામાં આવે. કડકાઈની જરૂર છે. એટલે આ સ્ટાઇલ શરૂ થઈ.

ફાફોનો મૂળભૂત સિદ્ધાંત શું છે એ સમજવાનો પ્રયાસ કરીએ તો એ સ્પષ્ટ છે કે પેરન્ટ્સ પોતે બાળકને જીવનના પાઠ ભણાવવા નથી ઇચ્છતા, તેઓ ઇચ્છે છે કે બાળક જીવન પાસેથી જાતે જ શીખે. એમાં બાળકને ડિસિપ્લિન્ડ કરવું જરૂરી છે એવું માનતાં માતા-પિતા પોતે તેને એક વખત ફક્ત સમજાવે છે, તે ન માને તો તેના પર બળજબરી કરવાને બદલે તેને તેના હાલ પર છોડી દેવામાં આવે છે. જે થાય એ બાબતે પેરન્ટ્સ પોતે જવાબદારી લેતા નથી, એ પરિણામો બદલ પોતે હાથ ઊંચા કરી દે છે. એ સમજાવવા માટે કે જે તેં કર્યું એ તું ભોગવી રહ્યું છે, જે પણ થાય એ પરિણામો તારે જ ભોગવવાનાં છે. અહીં સૂચનાઓ દ્વારા બાળક શીખતું નથી, અનુભવ કરીને શીખે છે. હેલિકૉપ્ટર પેરન્ટિંગ, જેમાં પેરન્ટ્સ બાળકની માથે નાચ્યા કરે છે એનાથી આ તદ્દન વિપરીત પરિસ્થિતિ છે. પેરન્ટ્સ તરફથી બાળકને છૂટો હાથ છે. આ રીતે બાળક જવાબદાર બને છે, પોતાના અનુભવો પરથી શીખે છે અને તેની પાસે કોઈ વાત બળજબરીપૂર્વક મનાવવાની જરૂર પડતી નથી. આ સ્ટાઇલ ઘણાં બાળકો પર અકસીર રીતે કામ કરે છે એટલે આજની તારીખે એ પૉપ્યુલર બની રહી છે.

અનુભવનું વિજ્ઞાન

કોઈ પણ વસ્તુ શીખવાની બે રીત હોય, કોઈ બીજાના અનુભવના આધારે અથવા ખુદના અનુભવના આધારે. પેરન્ટ્સ ઇચ્છતા હોય છે કે તેમનો અનુભવ બાળકને કામ લાગે. અમુક બાળકો હોય છે જે તેમના પેરન્ટ્સના અનુભવોને સમજીને પોતે આગળ વધે છે. અમુક બાળકોને પેરન્ટ્સના અનુભવોની કદર જ નથી હોતી. આવું ક્યારે થાય છે એ સમજાવતાં પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘તમારા અનુભવ અને તમારી વાતો બાળક ક્યારે માને? જ્યારે તમારી અને બાળક વચ્ચે એક સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ હોય. તમે ફાફો પેરન્ટિંગ અપનાવો કે ન અપનાવો, મહત્ત્વનું એ છે કે બાળક સાથે એક સ્ટ્રૉન્ગ બૉન્ડ તમારે બનાવવો જ જોઈએ. તેની સાથે સમય વિતાવશો, તેને સમજશો, તે તમને સમજશે તો બૉન્ડ સ્ટ્રૉન્ગ થશે. પછી તમે કહેશો કે આમ કરવાનું છે તો એ તેને જોહુકમી નહીં લાગે. તે સમજશે કે પેરન્ટ્સ કેમ આવું કહે છે અને જો બાળક એમ કરવાની ના કહેશે તો તમે સમજશો કે તેની ના પાછળ કયાં કારણો છે. કોઈ પણ પ્રકારનું પેરન્ટિંગ હોય એમાં સ્ટ્રૉન્ગ બૉન્ડ માતા-પિતા અને બાળક વચ્ચે હોવો જરૂરી છે. જો એ હશે તો ડિસિપ્લિન શીખવવી અઘરી નથી.’

બિનશરતી સપોર્ટ

એક પ્રકારનું પેરન્ટિંગ એમ પણ કહે છે કે બાળક પર તમે તમારા અનુભવો થોપો નહીં. ખુદ અનુભવ કરવા એ લર્નિંગની ખૂબ મહત્ત્વની ટેક્નિક છે. કોઈએ શીખવેલું હોય એના કરતાં જાતે શીખેલું મનમાં વધારે ઘર કરી જાય છે. વળી આપણા અનુભવો આપણને જુદા સમય અને જુદી પરિસ્થિતિમાં થયેલા. બને કે આપણાં બાળકોને એનાથી ઘણું અલગ રિઝલ્ટ મળે. આ વાત સમજાવતાં ઇન્ફન્ટ સિદ્ધ પ્રોગ્રામ-ISPના ટીચર અમિત શાહ કહે છે, ‘જેમ કે એક પિતાએ બિઝનેસ કર્યો અને એમાં તેમને ભારે નુકસાન થયું તો એ તેનાં બાળકોને એમ કહીને રોકે કે તમારે બિઝનેસ કરવાની જરૂર જ નથી, એ તમે કરો જ નહીં તો એ ખોટું છે. જો બાળકને બિઝનેસ કરવો છે તો તેને રોકવું યોગ્ય નથી. પિતાએ પોતાનો અનુભવ બાળકને કહેવો જોઈએ. તેમણે જે ભૂલો કરેલી એ બાળક ન કરે એવી સાવચેતી પણ રાખી શકાય પરંતુ એનાથી પણ વધુ મહત્વનું એ છે કે બાળક તમારા ના પાડવા છતાં જ્યારે એ વસ્તુ કરે છે અને ફેલ થાય છે ત્યારે તમારે તેને એમ નથી કહેવાનું કે જોયું, મેં કહ્યું હતું કે તું ફેલ થઈશ; તેં મારું ન માન્યું. ઊલટું તમારે એ સમયે તેનું પીઠબળ બનીને ઊભા રહેવાનું છે. તે હારે કે જીતે, એક બિનશરતી સપોર્ટ તમારા તરફથી તેને મળવો જ જોઈએ. ફાફો પેરન્ટિંગમાં પેરન્ટ્સ જે હાથ ઉપર કરી દે છે એ યોગ્ય નથી. એનાં પરિણામો તો બાળકે જ ભોગવવાનાં છે, પણ પેરન્ટ્સ તરીકે તમે તેની સાથે છો એ ભાવ કાયમ રહેવો જરૂરી છે. તેં કર્યું, તું ભોગવ જેવું હોતું નથી. એમ કરવું પણ ન જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 12:23 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK