દિવાળીના પાંચ દિવસ માત્ર ધાર્મિક પરંપરાઓ અને ઉજવણી પૂરતા સીમિત નથી. દરેક દિવસ આપણને વ્યક્તિગત નાણાકીય આયોજન, સંપત્તિનું સર્જન અને ભવિષ્યની આર્થિક સુરક્ષા વિશે મહત્ત્વનો સંદેશ આપે છે.
પ્રતીકાત્મક તસવીર
દિવાળીના પાંચ દિવસ માત્ર ધાર્મિક પરંપરાઓ અને ઉજવણી પૂરતા સીમિત નથી. દરેક દિવસ આપણને વ્યક્તિગત નાણાકીય આયોજન, સંપત્તિનું સર્જન અને ભવિષ્યની આર્થિક સુરક્ષા વિશે મહત્ત્વનો સંદેશ આપે છે. જો આપણે આ પરંપરાઓને આધુનિક નાણાકીય આયોજન સાથે સાંકળીએ તો દિવાળી આપણા માટે આર્થિક જીવનની સમીક્ષા કરવાની અને નવી શરૂઆત કરવાની ઉત્તમ તક બની શકે છે.
ધનતેરસ અને ધન્વંતરિ ત્રયોદશી સંપત્તિની સાથે સ્વાસ્થ્યનું મહત્ત્વ પણ સમજાવે છે. આ દિવસે સોનું, ચાંદી કે વાસણ ખરીદવાની પરંપરા છે. જોકે સાચી સમૃદ્ધિ માટે સ્વાસ્થ્યની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. તેથી આ દિવસે પોતાની હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીની સમીક્ષા કરવી અને જરૂર હોય તો એમાં સુધારો કરવો. બિનજરૂરી ખરીદી કરવાને બદલે રિકરિંગ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફન્ડ અથવા અન્ય યોગ્ય રોકાણ દ્વારા લાંબા ગાળે સંપત્તિ વધારવાનો વિચાર કરી શકાય છે.
કાળી ચૌદસ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાનો સંદેશ આપે છે. આ વિચારને નાણાકીય જીવનમાં પણ અપનાવી શકાય છે. લાંબા સમયથી ઉપયોગમાં ન હોય એવાં બૅન્ક-ખાતાં, બિનજરૂરી સબસ્ક્રિપ્શન, નબળાં રોકાણો અને ક્રેડિટ કાર્ડનાં ઊંચા વ્યાજવાળાં કરજની સમીક્ષા કરવી જોઈએ. જે સેવાઓનો ઉપયોગ થતો ન હોય એનાં સબસ્ક્રિપ્શન બંધ કરવાથી અને બિનજરૂરી ખર્ચ ઘટાડવાથી બચત થાય છે. આમ બિનજરૂરી બાબતો દૂર કરવાથી આવકનો વધુ સારો ઉપયોગ કરી શકાય છે.
લક્ષ્મીપૂજન સંપત્તિ અને સમૃદ્ધિની આરાધનાનો દિવસ છે. વેપારીઓ ચોપડાપૂજન કરીને નવા હિસાબની શરૂઆત કરે છે. એવી જ રીતે વ્યક્તિએ પણ દર વર્ષે પોતાની આર્થિક સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ. આવક, ખર્ચ, બચત, રોકાણ અને કરજનો હિસાબ કરીને નક્કી કરવું જોઈએ કે લાંબા ગાળાનાં લક્ષ્યો તરફ કેટલી પ્રગતિ થઈ છે. પરિવાર સાથે બેસીને આ સમીક્ષા કરવાથી નાણાકીય નિર્ણયો લેવામાં સ્પષ્ટતા આવે છે.
બેસતું વર્ષ અને ગોવર્ધન પૂજા નવી શરૂઆતની સાથે આર્થિક સુરક્ષાનો પાઠ શીખવે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકીને ગોકુળવાસીઓને સંકટથી બચાવ્યા હતા. આ જ રીતે નોકરી ગુમાવવી, તબીબી કટોકટી કે બજારમાં મંદી જેવી અણધારી પરિસ્થિતિઓ સામે રક્ષણ મેળવવા માટે ઇમર્જન્સી ફન્ડ બનાવવું જરૂરી છે. મુશ્કેલ સમયમાં આ ભંડોળ રોજિંદા ખર્ચ અને આર્થિક સ્થિરતા જાળવવામાં મદદ કરે છે.
ભાઈબીજ ભાઈ-બહેનના પ્રેમની અને સંબંધોની ઉજવણી છે. આ દિવસ પરિવારના ભવિષ્યની સુરક્ષા માટે પણ પ્રેરણા આપે છે. બૅન્ક-ખાતાં અને અન્ય નાણાકીય રોકાણોમાં નૉમિનીની વિગતો ઉમેરી છે કે નહીં એની તપાસ કરવી જોઈએ. સમયસર વિગતો સુધારવાથી જરૂરિયાતના સમયે પરિવારને નાણાં મેળવવામાં મુશ્કેલી
પડતી નથી.
આમ દિવાળીના પાંચ દિવસ આપણને સંપત્તિનું સર્જન, બિનજરૂરી ખર્ચમાં ઘટાડો, આર્થિક સમીક્ષા, કટોકટી સામે તૈયારી અને પરિવારની સુરક્ષા જેવા મહત્ત્વના પાઠ શીખવે છે. આ પરંપરાઓને વ્યવહારમાં ઉતારીએ તો દિવાળી માત્ર પ્રકાશનો તહેવાર જ નહીં, આર્થિક સ્વસ્થતા અને સ્વતંત્રતા તરફ આગળ વધવાની નવી શરૂઆત પણ બની શકે છે.
