Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ટાઇગરોથી બાળકોની રક્ષા કરે છે ૪ નારીઓની આ સેના

ટાઇગરોથી બાળકોની રક્ષા કરે છે ૪ નારીઓની આ સેના

Published : 22 February, 2026 02:42 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

જંગલના સિપાઈ હોય એ રીતે ખરેખર જ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ ચારેય સ્ત્રીઓને તેમના યુનિફૉર્મના રંગની જ સાડીઓ આપી છે. લાકડી અને ટૉર્ચની સાથે દરેકને જૅકેટ્સ પણ આપ્યાં છે.

ટાઇગરોથી બાળકોની રક્ષા કરે છે ૪ નારીઓની આ સેના

ટાઇગરોથી બાળકોની રક્ષા કરે છે ૪ નારીઓની આ સેના


વાઘની જ્યાં વિપુલ વસ્તી છે એવા તાડોબા ટાઇગર રિઝર્વ પાસેના એક ગામનાં બાળકોને જ્યારે સ્કૂલ જતી વખતે કે પાછાં આવતી વખતે બસસ્ટૉપ સુધી જવામાં કે ત્યાંથી ઘરે આવવામાં વાઘનો ડર લાગવા માંડ્યો ત્યારે ગામની ૪ મહિલાઓ આવી મેદાનમાં. સ્કૂલ જતાં ગામનાં ૧૭ બાળકો માટે આ મહિલાઓ સુરક્ષાકવચ બની છે અને તેમને સવારે પોતાના પહેરામાં બસસ્ટૉપ પર મૂકવા જાય છે અને સાંજે લેવા પણ જાય છે

આપણી મહાન સનાતન ધર્મસંસ્કૃતિમાં સ્ત્રીને દેવીનો દરજ્જો આપ્યો છે. સ્ત્રીને મા તરીકે પૂજવાના, પત્નીને લક્ષ્મી અને અન્નપૂર્ણા તરીકે સ્વીકારવાના અને દીકરીને વહાલથી વૈભવલક્ષ્મી ગણવાના આપણા સંસ્કાર રહ્યા છે. શાસ્ત્રો જે વાત પુરાણકાળથી કહે છે એ વાસ્તવિકતા હવે તો વિજ્ઞાન અને સમાજ પણ સ્વીકારી ચૂક્યાં છે કે એક સ્ત્રીમાં જેટલી હિંમત અને સહનશીલતા છે એટલી બીજા કોઈ જીવમાં નથી. આથી જ તો જુઓને જે દેવીને આપણે મા તરીકે વહાલનો પર્યાય જાણીએ છીએ એ જ દેવીને મહિષાસુર મર્દિની અને સિંહની સવારી કરતી નવદુર્ગા તરીકે પણ પૂજીએ છીએ. સ્ત્રી એક તરફ મા પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી છે તો બીજી તરફ મહાકાળી અને નવદુર્ગા પણ છે. કંઈક આ જ સંદર્ભને શાશ્વત કરતા એક અનન્ય ઉદાહરણની આજે વાત કરવી છે.



મહારાષ્ટ્રને ગૌરવાન્વિત કરતું વાઘોનું ઘર એવા તાડોબા વિશે આપણે બધા જ જાણીએ છીએ. આપણામાંથી અનેક તો ક્યારેક ને ક્યારેક ટાઇગર સફારીએ જઈ પણ આવ્યા હશે; પરંતુ આપણી એ સફર હંમેશાં એક પ્રવાસી તરીકે રહી હશે, ખરુંને? આપણે એ ક્યારેય જાણવાની દરકાર નહીં કરી હોય કે તાડોબામાં અને એની આસપાસ રહેતા ગ્રામવાસીઓનું સામાન્ય જીવન કેવું હશે? ટાઇગર રિઝર્વને કારણે તેમણે પોતાના રોજિંદા જીવનમાં કેવા-કેવા સંજોગોમાંથી પસાર થવું પડતું હશે? એમાંય ખાસ કરીને બાળકોએ અને સ્ત્રીઓએ. કંઈ વાંધો નહીં, હમણાં સુધી નથી જાણ્યું તો આજે જાણી લઈએ. ચાલો, આજે પ્રવાસી તરીકે નહીં પણ આ ગ્રામવાસીઓના મિત્ર તરીકે તાડોબાનો પ્રવાસ ખેડીએ.



બાળકો મોડી સાંજે અંધારામાં સ્કૂલથી પાછાં આવે ત્યારે તેમને બસસ્ટૉપથી ઘરે જવા મહિલાઓનું સુરક્ષાકવચ મળે છે

આ વાસ્તવિક કહાણી છે મહારાષ્ટ્રના તાડોબા ટાઇગર રિઝર્વ જંગલની નજીક આવેલા એક ગામની. ચંદ્રપુર જિલ્લાના આ ગામનું નામ છે સીતારામ પેઠ, જે મોહરલીના જંગલ વિસ્તાર નજીક આવેલું છે. વાત કંઈક એવી છે કે સીતારામ પેઠ તાડોબા ટાઇગર રિઝર્વને બરાબર અડીને જીવતું ગામ છે. અહીંના ભોળા પણ સ્વભાવથી બહાદુર એવા ગ્રામવાસીઓનું રોજિંદું જીવન આમ તો વાઘ સાથે એવું વણાઈ ગયું છે કે ઘરથી થોડા મીટર દૂર પણ કોઈ વાઘ દેખાય તો તેમને નવાઈ નથી લાગતી. જોકે નાનાં બાળકો અને સ્ત્રીઓનું શું? અચ્છા, એવું પણ નથી કે તેમણે આ રાની પશુનો નાહકનો ડર રાખવો પડે. નજીકના જ ભૂતકાળમાં એવી ઘટના બની હતી જેને કારણે આખા ગામે સ્વસુરક્ષાનો સકારાત્મક વિચાર કરવો જ પડે એમ હતું. ચાલો, થોડી માંડીને વાત કરીએ.


ગામ સીતારામ પેઠ. હવે તાડોબા એ ટાઇગર રિઝર્વ છે જ્યાં લગભગ ૧૨૦ વાઘોને પોતાનું સુરક્ષિત ઘર પૂરું પાડવામાં આવ્યું છે. મોહરલીના એ જંગલમાં રાજવી તરીકે શાસન કોઈ મનુષ્ય નહીં પરંતુ આ ૧૨૦ વાઘ કરે છે. હવે સીતારામ પેઠ ગામ અને એના બસ-સ્ટૅન્ડ વચ્ચેનું અંતર છે અંદાજે ૪૦૦ મીટર જેટલું. કાચો રસ્તો, જેની એક તરફ ગીચ જંગલ અને બીજી તરફ ખેતરો. આવા એ ગામના એક ઘરમાં એક મોડી સાંજે ૪ વર્ષના નાનકાએ તેની માના ખોળામાં માથું નાખતાં કહ્યું, ‘આઈ મી સ્કૂલ જાણાર નાહી, મલા વાટતે વાઘ માઝા માગે લાગલેલા આહે!’ (મા હું સ્કૂલે નહીં જાઉં, મને લાગે છે કે વાઘ મારો પીછો કરી રહ્યો છે.) એક ઘડી માટે જાણે માનું હૃદય થંભી ગયું. પોતાનો ૪ વર્ષનો દીકરો વાઘ ભાળી ગયો હશે? શું ખરેખર વાઘ તેની પાછળ આવ્યો હશે? મારા દીકરાને કશું થઈ જાત તો? આજે નથી થયું તો ખાતરી છે કે આવતી કાલે પણ કશું નહીં થાય? પળવારમાં આવા તો અનેક પ્રશ્નો કિરણ ગેડામને ઘેરી વળ્યા. કિરણનો ડર વાજબી પણ હતો. હજી ૪ વર્ષ પહેલાંની તો વાત છે જ્યારે ગામના એક યુવાન પર વાઘે હુમલો કર્યો હતો. આ તો ૨૦૨૨ની ઘટના, પણ એ પહેલાં ૨૦૧૭માં પણ કંઈક આવી જ ઘટના ઘટી હતીને? કિરણની નજર સામે એ બન્ને ઘટનાઓ કોઈ ફિલ્મ ચાલતી હોય એ રીતે તાજી થઈ ગઈ. ૨૦૧૭ અને ૨૦૨૨ની સાલમાં સીતારામ પેઠના બે યુવાનો પર વાઘે હુમલો કર્યો હતો. આખા ગામમાં હોહા થઈ ગઈ હતી. નસીબજોગે બન્ને યુવાનોનું જીવન લાંબું લખાયું હશે તે બચી ગયા. જોકે એ દિવસથી આખા ગામના લોકોમાં એક ડરનો માહોલ ઘર કરી ગયો હતો.

હા, એ વાત સાચી કે મોહરલીના એ જંગલમાં વસેલા ગામની સરહદને તારની વાડ દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે, પણ એમ છતાં અનેક વાર એવી ઘટનાઓ બની છે કે જંગલના એ છેવાડાના ગામનાં ખેતરોમાં વાઘ દેખાયો હોય. ખરેખર તો એ અંદાજ લગાવવો જ મુશ્કેલ છે કે ક્યારે અને ક્યાંથી વાઘ આવી રહેશે, કારણ કે આખરે તો એ રાની પશુ છે અને માનવીઓ એને પોતાના માટે ખતરારૂપ લાગતા હોય તો એ હુમલો પણ કરી દે એમાં કોઈ નવાઈ નથી. (આપણે આજ સુધી એટલું કૃતઘ્ન વર્તન કર્યું જ છે આ મૂંગા જીવો સાથે કે એમને મનુષ્ય પોતાના દુશ્મન જ લાગતા હશે.)


સવારે સ્કૂલ જતી વખતે બાળકોને મહિલાઓ બસસ્ટૉપ સુધી મૂકી જાય છે

કિરણને વિચાર આવ્યો કે શું મારા દીકરાએ હંમેશાં આ રીતે ડરમાં જ જીવવું પડશે? આનો કોઈ ઉપાય નથી? કારણ કે વાઘનું દેખાવું એ અહીં આ ગામમાં એક સામાન્ય ઘટના છે. અનેક વાર એવું બનતું હોય છે કે કોઈ ખેડૂત પોતાના ખેતરે પહોંચે અને ત્યાં વાઘનાં પગલાં દેખાય અથવા સ્વયં વાઘમહારાજ ખેતરની સહેલગાહે નીકળ્યા હોય. આટલું ઓછું હોય એમ કેટલીક વાર એવા અનુભવો પણ થયા છે કે ગામનો કોઈક સ્થાનિક મોટરબાઇક પર જઈ રહ્યો હોય તો વાઘ તેનો પીછો કરે.

ગામથી ૪૦૦ મીટર દૂર બસ-સ્ટૅન્ડ અને બસ-સ્ટૅન્ડ સુધી જવાનો કાચો રસ્તો. સ્કૂલમાં જવું હોય કે બીજા કોઈ કામે ગામની બહાર જવું હોય, બસ-સ્ટૅન્ડ સુધી લઈ જતો એ એક જ માર્ગ અને એ પણ એકેય સ્ટ્રીટલાઇટ વિનાનો. આ જ રસ્તો નાનાં બાળકો પોતાની સ્કૂલમાં જવા માટે પણ વાપરે. હવે આ બધામાં મોટી તકલીફ એ કે સીતારામ પેઠથી બાળકોની સ્કૂલ છેક ૭ કિલોમીટર દૂર મુધોલી ગામમાં છે. આથી બાળકો બસમાં જ રોજિંદી અવરજવર કરતાં હોય. આમ જોવા જઈએ તો બસ-સ્ટૅન્ડ સુધીનો માર્ગ માત્ર ૪૦૦ મીટરનો જ છે, પરંતુ જંગલી પશુઓના ડરને કારણે ૪૦૦ મીટર પણ ૪ કિલોમીટર જેટલા લાગે એ સ્વાભાવિક છે, કારણ કે મા-બાપને અને બાળકોને બન્નેને ખબર છે કે આ રસ્તા પર વાઘ ક્યારેય આવી શકે છે.

આજે કિરણ ગેડામના ૪ વર્ષના નાનકાએ જે વાત કરી એ આખા ગામનાં બાળકો માટેનો રોજિંદો ડર હતો. ગામની બીજી સ્ત્રીઓ સાથે કિરણ મળતી ત્યારે લગભગ દરેક માની આ ફરિયાદ હતી કે તેનો દીકરો/દીકરી દર બીજા દિવસે કહે છે કે ‘આઈ, મેં આજે વાઘ જોયો. આઈ, આજે મને બહુ ડર લાગ્યો. બાબા, મને લાગ્યું કે એ મારી પાછળ આવી રહ્યો છે.’

આખરે કિરણે એક નિર્ણય કર્યો. પતિ પાસે તો મદદ માગી શકાય એમ નહોતી, કારણ કે તેણે ઘરની જવાબદારીનું પણ વહન કરવાનું હતું. નાનકાના બાબાની ગામની બાજુમાં આવેલા રિસૉર્ટમાં નોકરી. નોકરી છોડીને રોજ તો સુરક્ષા માટે ઊભા રહી શકે નહીં. આથી જે કંઈ કરવાનું હતું એ કિરણે જ કરવાનું હતું. ગામની આ બાહોશ સ્ત્રીએ તેના જેવી જ બીજી ૩ બાહોશ રણચંડીઓ સાથે મંત્રણા કરી. નક્કી થઈ ગયું અને નિર્ણય લેવાઈ ગયો કે આપણે ચારે ભેગી મળીને આજથી નજર રાખવાનું અને બાળકોની સુરક્ષા કરવાનું કામ કરીશું.

વેણુ રંડાયે, રીના નટ અને સીમા મડાવી... કિરણ ગેડામ નામની એ દુર્ગાની સેના હવે તૈયાર થઈ ચૂકી હતી. ૭ કિલોમીટર દૂર એવી સ્કૂલે જવા માટે બાળકોએ સવારમાં નીકળવું પડતું અને સાંજે પાછા ઘરે આવતાં સુધીમાં અંધારું થઈ ચૂક્યું હોય. આ ૪ સ્ત્રીઓએ મળીને એ ચોક્કસ કરી લીધું કે તેમને સ્કૂલમાં આવવા-જવામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ. હથિયાર તરીકે દરેકના હાથમાં લાકડી અને પથદર્શક તરીકે ચારેયના હાથમાં ટૉર્ચ. નારાયણી સેનાની એ સિપાઈઓ સજ્જ થઈ ગઈ બાળસુરક્ષા માટે.

સવારે ૯.૩૦ વાગ્યે સ્કૂલમાં જતાં બધાં બાળકો ગામના ચૌરાહા પર ભેગાં થાય ત્યારે તેમનું સુરક્ષાકવચ પહેલેથી જ ત્યાં તૈયાર ઊભું હોય. કિરણ, વેણુ, રીના અને સીમા નામની ૪ સુરક્ષા-સૈનિકોની સેના ચોતરફથી સુરક્ષાઘેરો બનાવે અને બાળકો એની વચ્ચે ચાલતાં હોય. તેઓ બધાં બાળકોને બસ-સ્ટૅન્ડ સુધી હેમખેમ લઈ જાય અને બસ આવે નહીં ત્યાં સુધી તે ચારેય સૈનિકોની નજર ચોતરફ ફરતી રહે. ક્યાંકથી કોઈ વાઘ સામે આવી તો નથી રહ્યોને? બસ ન આવે ત્યાં સુધી બાળકો બસ-સ્ટૅન્ડની અંદર રહે અને આ ચારેય સ્ત્રીઓ એકબીજાની સામે ઊભી રહીને પોતાની પોઝિશન લઈ લે જેથી કોઈ વાઘ જો પાછળથી આવે તો એ પણ તરત જોઈ શકાય. સવારની આ ડ્યુટી પૂરી થાય ત્યાર બાદ સાંજે બાળકોને પાછાં ફરતાં લગભગ ૬.૪૫ થઈ જાય. જંગલ-વિસ્તાર હોવાથી આ સમય સુધીમાં તો રાત જેવું અંધારું થઈ ચૂક્યું હોય. જેવી બસ આવે કે ફરી એ જ રીતે બધાં બાળકોની ફરતે સુરક્ષાઘેરો બનાવી લેવામાં આવે અને આખો કાફલો ગામ સુધી પહોંચે. રસ્તામાં દરેક સ્ત્રી પોતાની ટૉર્ચ દ્વારા આજુબાજુ સતત નજર રાખી રહી હોય અને લાકડીઓથી સતત અવાજ કરતી હોય. એટલું જ નહીં, તેઓ એકબીજા સાથે વાતો પણ મોટા અવાજે કરતી રહે જેથી શોરબકોરને કારણે પ્રાણી નજીક નહીં આવે, કારણ કે દિવસ કરતાં રાતના સમયે રાની પશુના હુમલાનું જોખમ વધુ હોય છે.


બાળકોની રક્ષા કરતી મહિલાઓના મનમાં પણ એક પ્રકારનો ડર તો હોય જ છે.

ક્યારેક જો સીતારામ પેઠ ગામ જવાનું થાય તો કિરણ સાથે વાતો કરજો. ગર્વથી માથું ઊંચું કરતાં તે કહેશે, ‘ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે અમારું નામ ‘માતૃશક્તિ’ રાખ્યું છે. તેમણે જ લાકડી અને ટૉર્ચ આપ્યાં છે. જોકે વાઘ ક્યારેય આવી શકે છે આ વિચારમાત્રથી આખા શરીરમાંથી ડરનું લખલખું પસાર થઈ જાય છે.’

આ ચારેય સૈનિકોનો અનુભવ છે કે સવારના તો ખાસ નહીં પણ સાંજના સમયે જ્યારે બાળકોને પાછાં લઈને આવતી હોય ત્યારે અનેક વાર વાઘ નજરે ચડે છે. તેઓ કહે છે, ‘જોકે અમે બાળકોને એ વિશે કશું કહેતા નથી. આમેય તે લોકો ગભરાયેલા હોય છે. જો વાઘ દેખાયાનું કહીએ તો તેઓ વધુ ડરી જાય. એવું નથી કે એ સમયે અમને ડર નથી લાગતો. અમે પણ એક પ્રકારના ડરમાં જ હોઈએ છીએ, પણ ગામમાં પહોંચી ગયા પછી અહેસાસ થાય છે કે હાશ, આજે બચી ગયા.’

ગામના જ નહીં, જંગલના પણ સિપાઈ હોય એ રીતે ખરેખર જ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ ચારેય સ્ત્રીઓને તેમના યુનિફૉર્મના રંગની જ સાડીઓ આપી છે. લાકડી અને ટૉર્ચની સાથે દરેકને જૅકેટ્સ પણ આપ્યાં છે. છતાં એક પ્રકારનો ડર તો હંમેશાં રહે જ. એ આપણે અહીં બેઠાં-બેઠાં કદાચ જાણી શકીએ, પણ સમજી કે અનુભવી નહીં શકીએ. જોકે ગ્રામવાસીઓએ વિશ્વના આ સૌથી ખતરનાક શિકારી સાથે રહેતાં શીખી લીધું છે, પરંતુ આ સ્ત્રીઓ આખા ગામનાં બાળકો માટે કોઈ પણ જાતના વળતર વિના જે રોજિંદી ફરજ નભાવે છે એ માત્ર તેમની હિંમત નથી. એ પ્રતીક છે સ્ત્રીમાં રહેલા કુદરતી શૌર્યનું. આવાં ઉદાહરણો આપણને યાદ કરાવે છે કે એક મા, એક સ્ત્રી એ માત્ર કૂણી લાગણી કે સહનશીલતાનું જ નહીં, બહાદુરી અને પ્રતિકાર કરી શકનારી શક્તિનું પણ પ્રતીક છે. આ દૃષ્ટાંત એ વાસ્તવિકતાનું છે કે પોતાનાં બાળકો માટેનો અપાર પ્રેમ સ્ત્રી માટે કેટલી મોટી તાકાત બની શકે છે. આથી જ ગીચ જંગલ અને વાઘ જેવાં ખૂંખાર પશુઓ સાથે રહેતી આ સ્ત્રીઓ પરિસ્થિતિનો શિકાર નથી પરંતુ પોતાનાં બાળકોના ભવિષ્યની રક્ષક છે, ભવિષ્ય ઘડનારી પ્રેરણા અને સામર્થ્યવાન શક્તિ છે.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 02:42 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK