આજની તારીખે આપણો દેશ પ્રગતિના રસ્તે અગ્રસર છે. આપણી પાસે મોટું યુવાધન છે, ડિજિટાઇઝેશનનો લાભ છે અને મોટી વસ્તીને લીધે સ્થાનિક વપરાશ પણ મોટા પ્રમાણમાં થવાથી મોટું માર્કેટ છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આપણે થોડા સમયથી જોઈ રહ્યા છીએ કે વૈશ્વિક સ્તરે બની રહેલી ઘટનાઓને કારણે શૅરબજારમાં ટૂંકા ગાળામાં પ્રતિક્રિયાઓ થાય છે. જોકે ઇતિહાસ સાક્ષી છે કે જેઓ લાંબા સમયના રોકાણકાર છે તેમને રોકાણ રાખી મૂક્યાનો ફાયદો ચોક્કસ થાય છે.
ચાલો, આજે આપણે ઇતિહાસના કેટલાક મોટા બનાવોની વાત કરીએ, જેને લીધે ભારતીય સહિત સમગ્ર વિશ્વના શૅરબજારોમાં પ્રત્યાઘાત પડ્યા હતાઃ
ADVERTISEMENT
(1) એશિયન કરન્સી ક્રાઇસિસ (1997-’98) : થાઇલૅન્ડની કરન્સી થાઇ બાહતનું મૂલ્ય સાવ ઘટી ગયું એને લીધે સમગ્ર એશિયામાં અને ખાસ કરીને નવાં વિકસતાં અર્થતંત્રોમાં એની અસર થઈ. ૧૯૯૮માં સેન્સેક્સ ઘટીને ૩૬૦૦ પૉઇન્ટ પર પહોંચી ગયો હતો, પરંતુ થોડાં જ વર્ષોમાં ભારતના આર્થિક સુધારાઓ અને આંતરિક શક્તિને લીધે ૧૯૯૯ સુધીમાં એ ૫૦૦૦નો આંક વટાવી ગયો.
(2) વાયટુકે અને ડૉટકૉમનો રકાસ (2000-’01) : વૈશ્વિક સ્તરે ટેક્નૉલૉજી સ્ટૉક્સમાં મોટો ઘટાડો થતાં તેમના બજારમૂલ્યમાં અનેક ટ્રિલ્યન ડૉલરનું ધોવાણ થયું હતું. સેન્સેક્સ પણ ૨૦૦૦ની સાલના ૬૧૦૦ના સ્તરેથી ઘટીને ૨૦૦૧માં ૨૬૦૦ પર આવી ગયો હતો. આમ છતાં ૨૦૦૩ સુધીમાં IT ક્ષેત્રે ધરખમ સુધારો થયો અને સેન્સેક્સ ફરી ૫૦૦૦ પૉઇન્ટની સપાટી વટાવી ગયો.
(3) અમેરિકન હાઉસિંગ કટોકટી અને વૈશ્વિક નાણાકીય ધબડકો (2007-’08) : વાચકોમાંથી મોટા ભાગના લોકો માટે આ કટોકટી ઘણી જ મોટી હતી. અમેરિકામાં લીહમેન બ્રધર્સનું પતન થયું, જેને પગલે સમગ્ર વિશ્વમાં નાણાકીય બજારો કડડડભૂસ થઈ ગયાં હતાં. જાન્યુઆરી ૨૦૦૮માં સેન્સેક્સ ૨૧,૦૦૦ની સપાટીએ હતો. ત્યાંથી ઑક્ટોબર ૨૦૦૮ સુધીમાં એ ૮૦૦૦ પૉઇન્ટની નીચે ચાલ્યો ગયો હતો. આમ છતાં ૨૦૧૦ના પાછલા ભાગ સુધીના ગાળામાં એ આશરે ૧૫૦ ટકા વધીને ૨૦,૦૦૦ની સપાટી વટાવી ગયો.
(4) કોવિડ-19 રોગચાળો (2020) : આખી દુનિયામાં આ પ્રકારનો રોગચાળો પાછલી એક સદીમાં પણ ફેલાયો નહોતો. એ આરોગ્ય કટોકટીને લીધે સેન્સેક્સ ફેબ્રુઆરી ૨૦૨૦ના પોતાના ૪૨,૦૦૦ના સ્તરેથી ઘટીને માર્ચ ૨૦૨૦માં 25,000ની આસપાસ આવી ગયો હતો. પછીથી વૈશ્વિક નાણાકીય પ્રવાહિતાને લીધે ૨૦૨૧ સુધીમાં તો સેન્સેક્સ ૬૦,૦૦૦ની સર્વોચ્ચ સપાટી સુધી પહોંચી ગયો.
ઉપર કહી એ દરેક કટોકટી વખતે લોકોને તો એમ જ લાગતું હતું કે દુનિયાનો અંત આવી જવાનો છે. હવે એ કાળ પૂરો થયો છે ત્યારે બધાને સમજાય છે કે એ બધું તો ચાલ્યા કરે.
આજની તારીખે આપણો દેશ પ્રગતિના રસ્તે અગ્રસર છે. આપણી પાસે મોટું યુવાધન છે, ડિજિટાઇઝેશનનો લાભ છે અને મોટી વસ્તીને લીધે સ્થાનિક વપરાશ પણ મોટા પ્રમાણમાં થવાથી મોટું માર્કેટ છે.
ખાસ કરીને મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ઇક્વિટી ફન્ડ્સના રોકાણકારોએ યાદ રાખવું કે ઇક્વિટીમાં ક્યારેય એકસરખો ઘટાડો કે વધારો સંભવ નથી. અહીં ઉતાર-ચડાવનું ચક્ર ચાલ્યા કરતું હોય છે. આ સાથે જ એ પણ જણાવવું રહ્યું કે દરેક વૈશ્વિક કટોકટી વખતે જે રોકાણકારો ભયભીત થઈને ઇક્વિટી માર્કેટ છોડીને ગયા તેમને સંપત્તિસર્જનનો મોકો મળ્યો નથી. જેઓ ધીરજ રાખીને પોતાના રોકાણને વળગીને બેસી રહ્યા તેમને ભરપૂર ફાયદો થયો.

