ચીનમાં એક સ્પોર્ટ્સના ટીચરે બે-ત્રણ નહીં, સેંકડો બાળકોને દત્તક લઈને તેમનું જીવનઘડતર કર્યું છે. આજે તેમનાં કેટલાંક સંતાનો ટીચર, પ્રોફેસર, પ્રોફેશનલ રમતવીર, આર્મીમાં સૈનિક અને ઑન્ટ્રપ્રનર બની ગયાં છે
ડ્રીમ હોમમાં બાળકો સાથે સુપરડૅડ બાઈ જિયાન.
ચીનના એક સ્કૂલટીચરને ‘સુપરડૅડ’નું ટાઇટલ આપવું પડે. એક-બે કે ચાર-પાંચ નહીં, આ મહાશય અત્યાર સુધીમાં લગભગ ૩૦૦ બાળકોને દત્તક લઈ ચૂક્યા છે. કારણ કહો કે પ્રેરણા કહો કે આશય, જે ગણો એ આ સ્કૂલમાસ્ટર કહે છે કે બાળકોને દત્તક લેવા પાછળનો મારો માત્ર એક જ આશય છે - તેમને બહેતર જિંદગી મળે. એક તો આ ચીનાઓનાં નામ એવાં હોય કે આપણને ફટ દઈને યાદ પણ ન રહે અને ઘણી વાર તો બોલતાં આપણી જીભ ગૂંચવાઈ જાય, પણ આ સુપરડૅડે આપણા માટે એ મુશ્કેલી પણ નથી રાખી. તેમનું નામ છે ‘બાઈ જિયાન!’ બાઈ વાસ્તવમાં એક સેકન્ડરી સ્કૂલમાં ટીચર તરીકે બાળકોને ભણાવે છે અને આ નોકરી સાથે તેમણે જીવનમાં એક આદર્શ અને લાગણીમય ટેક ઉપાડી છે - ભરણપોષણની. હમણાં સુધીમાં લગભગ ૩૦૦ બાળકોનાં જીવનને નવી જિંદગી બક્ષી ચૂકેલા બાઈએ કેટલાંય એવાં બાળકોને જીવવાની મકસદ આપી છે જેમની જિંદગી શરૂ થતાંની સાથે જ કચરાટોપલીમાં ફંગોળી દેવાઈ હતી.
સુપરડૅડ – બાઈ
ADVERTISEMENT
સાઉથ ચાઇનાના મૉર્નિંગ પોસ્ટમાં બાઈ વિશે એક રિપોર્ટ પણ પ્રકાશિત થયો હતો. સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા બાઈએ પોતાના જીવનને છેલ્લા ૩ દશકથી પરોપકારના અનોખા માર્ગ તરફ વાળી લીધું છે. હમણાં તેઓ બાવન વર્ષના થઈ ચૂક્યા છે. આ ઉંમરે આપણામાંના મહત્તમ લોકોને ક્યાં તો જીવનમાંથી રસ ઊડી ગયો હોય, ક્યાં રિટાયરમેન્ટનું પ્લાનિંગ ચાલી રહ્યું હોય; પરંતુ ચીનના ઉત્તર-પૂર્વી પ્રાંત લિયાઓનિન્ગની સેકન્ડરી સ્કૂલમાં ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષક તરીકે નોકરી કરતો બાઈ જિયાન નામનો આ પિતા હમણાં પણ કોઈક બાળકનાં બાળોતિયાં ધોઈ રહ્યો હશે અથવા કોઈ રડતા શિશુને શાંત કરી રહ્યો હશે. તેમને ચીનમાં સુપરડૅડનું બિરુદ આપવામાં આવ્યું છે, કારણ કે હમણાં સુધીમાં તેમણે લગભગ ૩૦૦ જેટલાં બાળકોને દત્તક લઈને જીવન આધાર પૂરો પાડ્યો છે.
વધુ ને વધુ બાળકોની સંભાળ રાખી શકાય એ માટે બાઈ જિયાને એક માતબર મોટી જગ્યા ભાડે રાખી છે. આ જગ્યા એટલી મોટી અને કમ્ફર્ટેબલ તો છે જ કે ત્યાં ૨૦થી ૩૦ બાળકોને એકસાથે રાખી શકાય અને તેમના માટે વ્યવસ્થા ઊભી કરીને સારસંભાળ લઈ શકાય. બાઈ જિયાનના આ અનોખા ઘરમાં હમણાં સુધીમાં લગભગ ૨૭૬ બાળકો આશરો લઈ ચૂક્યાં છે. એમાંનાં કેટલાંય બાળકો અનાથ હતાં તો કેટલાંક એવાં હતાં જેમને જન્મ બાદ તેમનાં મા-બાપ છોડીને ચાલી ગયાં હતાં. બાઈ તેમના આ ઘરને ‘ડ્રીમ હોમ’ તરીકે ઓળખાવે છે.
સાચા અર્થમાં જોઈએ તો બાઈનું એ ઘર ડ્રીમ હોમ જ છે, કારણ કે આ ઘરમાં બાઈએ પાળ્યાં-પોષ્યાં હોય અને અહીં મોટાં થયેલાં અનેક બાળકો છે જેમણે જીવનનાં અલગ-અલગ ક્ષેત્રોમાં અનોખી સિદ્ધિ મેળવી છે. કેટલાંક બાળકો આજે પ્રોફેશનલ સ્પોર્ટ્સપર્સન બની ચૂક્યાં છે તો કેટલાંક પીપલ્સ લિબરેશન આર્મીમાં સૈનિક, કેટલાંક સરકારી કર્મચારી તરીકે નોકરી મેળવી ચૂક્યાં છે તો વળી કેટલાંક યુનિવર્સિટીમાં ટીચર સુધ્ધાં બન્યાં છે. પોતે એક શિક્ષક હોવાને કારણે બાઈ શિક્ષણની મહત્તા સમજે છે અને આથી જ તેઓ દત્તક લીધેલા દરેક બાળકને ભણાવવામાં અને બહેતર ભવિષ્ય આપવામાં માને છે. બાઈએ દત્તક લીધેલાં બાળકોમાં યુનિવર્સિટીની ડિગ્રી મેળવી ચૂક્યાં હોય એવાં બાળકોનો આંકડો આજે ૧૦૦ને પાર થઈ ચૂક્યો છે, જ્યારે ૫૦ જેટલાં બાળકો નૅશનલ સ્પોર્ટ્સ ઑથોરિટી અંતર્ગત ‘લેવલ-૧ ઍથ્લીટ’ના સર્વોચ્ચ દર્જા સુધી પહોંચ્યાં છે. કોઈ પારકાં બાળકોને દત્તક લઈ પોતાના ઘરે રાખીને આટલા જતનપૂર્વક જાળવણી કરીને તેમને ભણાવવા અને રમતગમત ક્ષેત્રે આટલા આગળ સુધી પહોંચવા પ્રેરિત કરવાં એ સામાન્ય કામ કે સામાન્ય ઉદ્દેશ તો ન જ કહેવાય.

બાળકો માટે બાઈ જિયાનના ઘરમાં હૉસ્ટેલ જેવી રૂમોની વ્યવસ્થા કરવામાં આવી છે. કડક શિસ્તના ભાગરૂપે બાઈ જિયાન તેમનાં દરેક સંતાનોને ફિઝિકલ ઍક્ટિવિટી કરાવે છે.
બાઈનો પાલક પિતા તરીકે જન્મ
બાઈ વિશે જ્યારે આપણે વધુ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તેમના આ મહાન ઉદ્દેશ વિશે દૃષ્ટિ વધુ ઊઘડે છે. બાઈ જિયાન પોતે પણ લિયાઓનિંગ પ્રાંતના હુલુદાઓમાં એક અત્યંત ગરીબ ગ્રામીણ પરિવારમાં મોટા થયા હતા. બાઈને પહેલેથી જ સ્પોર્ટ્સમાં જબરદસ્ત રસ હતો. એમાંય ખાસ કરીને લાંબી દૂરીની દોડના તો તે જાણે ચૅમ્પિયન હતા. તેમની આ જ કાબેલિયતને કારણે તેમને કૉલેજમાં ઍડ્મિશન મળ્યું અને ગ્રૅજ્યુએશન બાદ તેમણે ફિઝિકલ એજ્યુકેશન ટીચર તરીકે પોતાના કરીઅરની શરૂઆત કરી. તેમની આ કરીઅર દરમ્યાન એક સમય એવો આવ્યો જ્યારે એક વિદ્યાર્થી ક્લાસમાં મહદંશે ગાયબ રહેતો. બાઈએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તે છોકરો પોતાના ક્લાસમાંથી જ નહીં, સ્કૂલમાંથી પણ અનેક વાર અચાનક ગાયબ થઈ જાય છે. બાઈ જિયાનને કુતૂહલ થયું અને તેમણે એ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો. ક્લાસનાં બીજાં બાળકોને પૂછ્યું ત્યારે વળી એક નવી માહિતી બહાર આવી. બાળકોએ કહ્યું કે તે છોકરો તો ઘણી વાર અમારી પાસે ખાવાનું માગીને ખાતો હોય છે. બાઈથી હવે રહેવાયું નહીં. તેમણે તે બાળકની બધી માહિતી મેળવી જેનો નિચોડ કંઈક એવો હતો કે તે છોકરાને તેનાં મા-બાપે ત્યજી દીધો હતો અને તેની પાસે પેટભર ખાવાનું પણ નહોતું. બસ, બાઈ જિયાને તે છોકરાને પોતાની સાથે જ રાખી લીધો. તે બાળક ક્યારેક લાગણીવશ થઈ જાય ત્યારે બાઈ જિયાનને કહે છે, મને જન્મ આપનાર મારાં મા-બાપે પણ ક્યારેય મારી આટલી પરવા નથી કરી. મા-બાપ હોવા છતાં અનાથ તે બાળકે બાઈ જિયાનને જ પોતાના પિતા માની લીધા અને બસ, એ દિવસથી એક બાળકની સાથે-સાથે પાલક પિતાને પણ જિંદગી જીવવાનો એક નવો ઉદ્દેશ મળી ગયો. અનેક અનાથ બાળકોના પાલક પિતા બનવાનો ઉદ્દેશ!
પરમાર્થનું કામ જ્યારે એક અલગારી ધૂન તરીકે માણસ પર સવાર થઈ જાય ત્યારે ચમત્કારો સર્જાતા હોય છે. બાઈ જિયાન પણ એવા ચમત્કારોના સર્જનકર્તા સમો પિતા છે. મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલાં કે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલાં આવાં બાળકોના પાલક પિતા બનતાં-બનતાં બાઈ પાસે રહેતાં બાળકોની સંખ્યા જ્યારે વધવા માંડી ત્યારે સ્વાભાવિક રીતે જ એ માટેનો ખર્ચ પણ વધવા માંડ્યો અને જિયાન માટે એ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ થવા માંડ્યું. ત્યારે બાઈ જિયાને લોકો પાસે પૈસા ઉધાર લેવા માંડ્યા અને એ દેવું પૂરું કરવા માટે તેઓ ખાલી સમયમાં કોઈક ને કોઈક વધારાનું કામ કરવા માંડ્યા. બાઈ જ્યારે આવી વધારાની નોકરી કરવા જાય ત્યારે ઘરમાં બાળકોની સંભાળ લેવા માટે તેમની માતા અને બહેનો મદદે આવે છે.
ભણવાની સાથે બહેતર મનુષ્ય બને એવો પ્રયાસ
બહેતર અને ઉજ્જવળ ભવિષ્યની સાથે તે બાળક એક બહેતર મનુષ્ય પણ બનવું જોઈએ. આ બાબત બાઈ જિયાન જેવા સમજદાર પિતા ન સમજતા હોય એ શક્ય નથી એટલે બાળકોનો ભાવનાત્મક વિકાસ પણ યોગ્ય થાય એ વિશે તેઓ વિશેષ ધ્યાન આપતા હોય છે. બાઈએ દત્તક લીધેલાં અનેક બાળકો એવાં હોય છે જેમને પોતાનાં જ મા-બાપ તરફથી પ્રેમ ન મળ્યો હોવાને કારણે તેઓ તે માતા-પિતા પ્રત્યે પોતાના મનમાં કડવાહટ ભરીને જીવી રહ્યાં હોય. આવાં બાળકોના કુમળા માનસમાં બાઈ વારંવાર એ વિચાર અને લાગણી રોપતા રહેતા હોય છે કે નફરત કે કડવાહટ એ બેધારી તલવાર છે અને એથી કોઈનો ફાયદો થતો નથી એટલે કોઈ માટે નફરત કે કડવાહટ ન રાખવી જોઈએ.
સખત મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી
પોતાની આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિ અને મર્યાદાઓને ધ્યાનમાં રાખીને બાઈ જિયાને બાળકોને ખેલ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યાં. પોતે સ્પોર્ટ્સ અને ફિઝિકલ ટ્રેઇનિંગ ટીચર છે એટલે તે બાળકોને આ ક્ષેત્રે વધુ યોગ્ય માર્ગદર્શન આપી શકે. આ વિચાર સાથે તેમણે એક-એક બાળકના ભવિષ્ય-ઘડતરમાં મદદ કરવા માંડી. ખેલ હોય કે ભણતર ડિસિપ્લિન વિના સફળતા શક્ય નથી. એક સ્પોર્ટ્સટીચર તરીકે આ હકીકત જણાતાં બાઈ જિયાને પોતાનાં બાળકો પાસે દિનચર્યાના કડક નિયમોનું પાલન કરવાનો આગ્રહ રાખ્યો. રોજ સવારે દરેક બાળકને ૪.૩૦ વાગ્યે જગાડી દેતા બાઈ તેમને દોડવા લઈ જતા. કોઈ પણ ઋતુ હોય કે કોઈ પણ પરિસ્થિતિ દરેક બાળકે દરરોજ કમસે કમ ૧૨ કિલોમીટર તો દોડવાનું જ આ બાઈ જિયાનનો નિયમ હતો.
જિયાન પોતે એક સ્પોર્ટ્સમૅન છે એટલે તેઓ કહે છે કે ખેલ હંમેશાં નિષ્પક્ષ હોય છે અને સખત મહેનતનું શુભ ફળ હંમેશાં મળે જ છે. નિયમિત અભ્યાસ અને કડક નિયમ-પાલન દ્વારા તેઓ પોતાના દરેક બાળકમાં સહનશક્તિ અને માનસિક મજબૂતી વિકસિત કરવામાં માને છે. તેઓ કહે છે કે લાંબા સમય સુધી અનુશાસનમાં રહેવાથી બાળક તેના જીવનમાં આવનારી દરેક કસોટીનો નીડરતાપૂર્વક સામનો કરવા માટે સક્ષમ બને છે.
બાઈએ દત્તક લીધેલાં કેટલાંય બાળકો મૅરથૉનમાં દોડીને સફળતા હાંસલ કરી ચૂક્યાં છે. બાઈ જિયાનના ઘરમાં આપણે નજર નાખીએ તો છેલ્લા બે દશકમાં જિતાયેલા લગભગ ૧૩૦૦ પદકો નજરે પડશે. આ મેડલમાં ક્યાંક ગોલ્ડ મેડલ નજરે ચડી જાય તો કદાચ એ મેડલ બાઈ જિયાનની દીકરીનો હશે. ૧૧ વર્ષની એક દીકરીને બાઈ દત્તક લઈને ઘરે લાવ્યા હતા. બાળકીને સ્કૂલના ભણતર સાથે જિયાનનું પોતાનું સ્પોર્ટ્સ એજ્યુકેશન આપવાનું પણ ચાલુ હતું. આ દીકરી નૅશનલ સ્કૂલ્સ ચૅમ્પિયનશિપમાં લાંબા અંતરની રનિંગ સ્પર્ધામાં દોડી અને ગોલ્ડ મેડલ જીતી લાવી હતી. એને કારણે ભવિષ્યમાં તેને સિંધુઆ યુનિવર્સિટી અને પેકિંગ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત એજ્યુકેશન સંસ્થાઓમાં ઍડ્મિશન પણ મળ્યું.
આવા દૂરંદેશી, લાગણીમય છતાં કડક શિસ્તના હિમાયતી એવા બાઈ જિયાન આખા ચીનમાં સુપરડૅડ તરીકે પ્રખ્યાત છે.
