આખા વર્ષ દરમ્યાન વચ્ચે-વચ્ચે જે તહેવારો આવે છે એ આપણને તરવરતા રાખે છે. રૂટીન ચક્રમાંથી છુટકારો બક્ષે છે. એકબીજાને મળવાનો અવસર આપે છે. સોશ્યલ મીડિયાને કારણે સંપર્કો વધ્યા, વ્યાપ વધ્યો તોય એકલતા ઘણાને પીડતી હોય છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
આખા વર્ષ દરમ્યાન વચ્ચે-વચ્ચે જે તહેવારો આવે છે એ આપણને તરવરતા રાખે છે. રૂટીન ચક્રમાંથી છુટકારો બક્ષે છે. એકબીજાને મળવાનો અવસર આપે છે. સોશ્યલ મીડિયાને કારણે સંપર્કો વધ્યા, વ્યાપ વધ્યો તોય એકલતા ઘણાને પીડતી હોય છે. સ્ક્રીન પરનો સમય હાય-હેલો કરવામાં પાવરધો છે, હૂંફ આપવામાં નહીં. ડિજિટલ અરેસ્ટના આ જમાનામાં કરસનદાસ લુહારની પંક્તિઓ સચોટ લાગે છે...
એક સંશય આપણી વચ્ચે રહે છે
ADVERTISEMENT
ભય વગર ભય આપણી વચ્ચે રહે છે
આપણી વચ્ચે કશું હોતું નથી-નો
ભ્રમ અને ભય આપણી વચ્ચે રહે છે
વરિષ્ઠ નાગરિકો સતત સાઇબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. આખી જિંદગીની મૂડી સફાચટ થઈ જાય. ગૂગલ પે અને આપણા બૅન્ક ખાતાને જોડવાનું તો કોઈ અજાણ્યાને કહેવાય જ નહીં. તરત જ ગૂગલી બૉલ નખાય અને ખાતું સફાચટ થઈ જાય. હવે જેટલો પાકિટ ચોરાવાનો ડર નથી લાગતો એટલો ડર પાસવર્ડ ચોરાઈ જવાનો લાગે છે. ફૂલો બતાવી કાંટા ભોંકનારા લેભાગુઓ સતત શિકારની તલાશમાં હોય છે. અખબારમાં રોજ આવા કિસ્સો વાંચીને તરત બૅન્ક બૅલૅન્સ ચેક કરી લેવું પડે. શ્યામ સાધુ લખે છે...
પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે
રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે
અખબારોનાં ટોળાંઓમાં અક્ષર થઈને
રોજ સવારે નાટક જેવું ભજવાયો છે
અખબારોનું ચલણ પ્રમાણમાં ઘટતું જાય છે. ૨૦૨૨માં થયેલા સર્વેક્ષણ પ્રમાણે અમેરિકામાં રાષ્ટ્રીય ને સ્થાનિક મળીને કુલ છ હજાર જેટલાં નાનાં-મોટાં અખબાર પ્રગટ થાય છે. એમાંથી દર અઠવાડિયે સરાસરી બે અખબારનો વીંટો વળી રહ્યો છે. ભારતમાં અંગ્રેજી અખબાર DNAનો ચાહક વર્ગ હતો. જંગી ખોટ થતાં એ બંધ થઈ ગયું. રોજ પ્રગટ થતા મુંબઈ મિરરને સાપ્તાહિક કરવામાં આવ્યું. કોવિડના ગાળામાં ‘ધ આફટરનૂન’ બંધ થઈ ગયું. ‘આંધ્ર પત્રિકા’, ‘બ્લિટ્ઝ’, ‘ધ બૉમ્બે ક્રૉનિકલ’, ‘ઇન્ડિયા હેરલ્ડ’, ‘ધ મદ્રાસ ટાઇમ્સ’ વગેરે પ્રકાશનો વિવિધ કારણોસર બંધ થઈ ગયાં. આખરે દોષ કોના પર આવવાનો એ રમેશ પારેખ જણાવે છે...
તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું
ચોકની વચ્ચે પડયું’તું ડૂસકું બિનવારસી
આળ મારા પર સહુએ મારું હોવાનું મૂક્યું
ડૂબવાની ઘટના હિમાચલ પ્રદેશને રંજાડી રહી છે. વાદળ ફાટવાની ઘટનાને કારણે નદીઓમાં અચાનક પૂર આવ્યાં. એમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા. પૂર અને લૅન્ડ સ્લાઇડને કારણે ત્રણસો જેટલા રસ્તાઓ બ્લૉક થઈ ગયા. ઘરો તણાઈ ગયાં. યંત્રણાઓને ખાસ્સું નુકસાન પહોંચ્યું. દિલીપ શ્રીમાળી કુદરતનાં ત્રણ તત્ત્વોની વાત કરે છે જે જીવ ટકાવી પણ શકે છે અને જીવ લઈ પણ શકે છે...
આગ, પાણી ને હવા આ ત્રણની વચ્ચે છું
હું જ જાણું છું કયા સગપણની વચ્ચે છું
વાગવાની પંખીને ઇચ્છા નથી મારી
શું કરું, પથ્થર છું ને ગોફણની વચ્ચે છું
વાત પંખીઓની કરીએ તો પારેવાં અત્યારે વિલન બની ગયાં છે. અદાલતના આદેશને અનુસરીને કબૂતરખાનામાં ચણ નાખવાની નગરપાલિકાએ મનાઈ કરી છે. એક તરફ ગાઝામાં લોકો ભૂમમરાથી મરી રહ્યા છે તો બીજી તરફ મુંબઈમાં પારેવાં ભૂખમરાનો ભોગ બન્યાં છે. માણસના આરોગ્યના મુદ્દે પંખીનો જીવ લેવાઈ રહ્યો છે. શબનમ ખોજા લખે છે...
અજવાળાં અંધારાં વચ્ચે
શું જોયું ચમકારા વચ્ચે?
ઇચ્છાઓએ માળો બાંધ્યો
તસ્બીહના બે પારા વચ્ચે!
પ્રાણીમાત્રને જીવવાની ઇચ્છા હોય. જીવસૃષ્ટિ એકમેક પર નિર્ભર હોય છે. પ્રકૃતિની રચના એવી છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજા પર આધાર રાખવો પડે. હર્ષદ ત્રિવેદી અનુબંધની વાત કરે છે...
આ જગત ક્યારેય ક્યાં ખારું હતું?
આપણી વચ્ચે જ અંધારું હતું
હોય, તેઓ પણ કદી આવી શકે
છેવટે આ ઘર તો સહિયારું હતું
જગતમાં સારું અને નરસું બધું જ ચાલતું હોય છે. આપણે કામના કરીએ કે જે સારું છે એનું પલ્લું હંમેશાં ભારી રહે. સમાજ ધન કે સાધનથી ચાલતો હશે, પણ એનો ખરો નિખાર સંવેદનાથી આવે છે.
લાસ્ટ લાઇન
સૂર્ય હો જેમ ઘાસની વચ્ચે
એમ સ્મરણો છે શ્વાસની વચ્ચે
થાય છે દોસ્ત ખૂબ અકળામણ
આ ત્વચાના લિબાસની વચ્ચે
હાથ આડો ધર્યો ફરી કોણે?
આંસુઓની નિકાસની વચ્ચે
હોય ક્યાં મારી ક્યાંય પરછાઈ?
ક્યાં ઊભો છું ઉજાસની વચ્ચે
કોણ વાવી ગયું મને પાછું?
સુખ અને દુઃખના ચાસની વચ્ચે
સાવ ખંડેર જેમ ઊભો છું
જિંદગીના નિવાસની વચ્ચે
શોધું છું મારી નથ ભવોભવથી
કે જે ખોવાઈ રાસની વચ્ચે
- જયેશ ભટ્ટ
- જયેશ ભટ્ટ

