Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ફન પણ છે, મન પણ છે

ફન પણ છે, મન પણ છે

Published : 31 May, 2026 12:49 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

૧૯૯૦ના દાયકામાં બનેલો આ રમૂજી કિસ્સો ખરેખર ખડખડાટ હસાવી જાય એવો છે. એ સમયે નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશમાં BJPના પ્રભારી હતા અને ઇલેક્શનની તૈયારીઓ માટે તેમણે એક મીટિંગ બોલાવી હતી.

દિલ્હીના નૅશનલ ઍગ્રિકલ્ચરલ સાયન્સ કૉમ્પ્લેક્સમાં ૨૬ મેએ પુસ્તકને લોકાર્પણ કરી રહેલા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ  વેન્કૈયા નાયડુ અને શિવરાજસિંહ ચૌહાણ.

દિલ્હીના નૅશનલ ઍગ્રિકલ્ચરલ સાયન્સ કૉમ્પ્લેક્સમાં ૨૬ મેએ પુસ્તકને લોકાર્પણ કરી રહેલા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ અને શિવરાજસિંહ ચૌહાણ.


મધ્ય પ્રદેશમાં રેકૉર્ડબ્રેક સમય સુધી મુખ્ય પ્રધાન રહેનારા અને અત્યારે કેન્દ્ર સરકારના કૃષિપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે લખેલા ‘અપનાપન : નરેન્દ્ર મોદી સંગ મેરે અનુભવ’માં નરેન્દ્ર મોદી સાથે થયેલા કેટલાક રમૂજી કિસ્સાઓની વાત પણ છે તો સાથોસાથ એમાં નરેન્દ્ર મોદીના મનમાં કેવી રીતે ૨૪ કલાક દેશ, દેશવાસીઓ અને કાર્યકર્તાઓ રહે છે એની વાત પણ છે. વાંચો આ પુસ્તકના કેટલાક રસપ્રદ અંશો

પ્રભાત પબ્લિકેશન દ્વારા પબ્લિશ કરવામાં આવેલી દેશના ઍગ્રિકલ્ચર મિનિસ્ટર શિવરાજ સિંહ ચૌહાણની બુક ‘અપનાપન : નરેન્દ્ર મોદી સંગ મેરે અનુભવ’ પબ્લિશ થતાંની સાથે જ પૉપ્યુલર થઈ ગઈ છે. ૪૨૦ રૂપિયાની આ બુક હિન્દીમાં છે અને એના ટાઇટલ મુજબ જ આ બુકમાં મધ્ય પ્રદેશના એક સમયના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે નરેન્દ્ર મોદી સાથેના પોતાના અનુભવો લખ્યા છે. અનુભવોમાં લખવામાં આવેલા કેટલાક કિસ્સાઓ ફની છે. એમ છતાં એ નરેન્દ્ર મોદીની દૂરંદેશીની વાત કરે છે તો કેટલાક કિસ્સાઓ સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીની લીડરશિપને ઉજાગર કરે છે. અફકોર્સ, નરેન્દ્ર મોદી સાથેના પોતાના અનુભવો વાગોળ્યા પછી શિવરાજસિંહ લખે પણ છે કે મારા આ અનુભવો એવા હેતુથી હું બધા સાથે શૅર કરું છું જેથી નરેન્દ્ર મોદીની ટીકા કરનારાઓથી માંડીને નરેન્દ્ર મોદીને કડક અને આક્રમક નેતા માનનારાઓ તેમના એ પ્રકારના સ્વભાવની પાછળ રહેલા તેમના વ્યક્તિત્વને ઓળખી શકે.



દિલ્હીના પૂસાસ્થિત નૅશનલ ઍગ્રિકલ્ચરલ સાયન્સ કૉમ્પ્લેક્સ (NASC)માં ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવ ગૌડા અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુની હાજરીમાં શિવરાજસિંહ ચૌહાણના આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આખી બુકમાં તો તેમને જ ઇન્ટરેસ્ટ પડી શકે છે જેમને નરેન્દ્ર મોદી કે પછી રાજકીય વિશ્લેષણો વાંચવા ગમતાં હોય. એમ છતાં આ બુકમાં કેટલાક પ્રસંગો એવા લખાયા છે જેનો આનંદ સામાન્યમાં સામાન્ય વાચક પણ લઈ શકે છે. અહીં એવા જ કેટલાક કિસ્સાઓ લેવામાં આવ્યા છે.


કુલ ૧૧ ચૅપ્ટરમાં વહેંચાયેલી ‘અપનાપન : નરેન્દ્ર મોદી સંગ મેરે અનુભવ’ બુકમાં તેઓ નરેન્દ્ર મોદીની સંગઠન પ્રત્યેની નિષ્ઠા, કાર્યકર્તાઓ પ્રત્યેનો પ્રેમ, ભવિષ્ય જોવાની તેમની દીર્ઘ દૃષ્ટિ અને મુશ્કેલ સમયમાં સાથીદારોના પડખે ઊભા રહીને આત્મીયતા દર્શાવવાના જે ગુણો છે એને ઉજાગર કરે છે.

ઈ-મેઇલને બદલે ફીમેલ


૧૯૯૦ના દાયકામાં બનેલો આ રમૂજી કિસ્સો ખરેખર ખડખડાટ હસાવી જાય એવો છે. એ સમયે નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશમાં BJPના પ્રભારી હતા અને ઇલેક્શનની તૈયારીઓ માટે તેમણે એક મીટિંગ બોલાવી હતી.

મીટિંગમાં નરેન્દ્ર મોદીએ હાજર રહેલા મધ્ય પ્રદેશના નેતાઓને પૂછ્યું, ‘તમારામાંથી કોની પાસે ઈ-મેઇલ ID છે?’

નરેન્દ્ર મોદીનો આ સવાલ સાંભળીને રૂમમાં સન્નાટો પ્રસરી ગયો. બધા એકબીજાની સામે જોવા માંડ્યા અને એમાં કશું ખોટું પણ નહોતું, કારણ કે એ સમયમાં ટેક્નૉલૉજી અને ઇન્ટરનેટની બાબતમાં આપણો દેશ બહુ પછાત હતો. થોડી વારના સન્નાટા પછી મધ્ય પ્રદેશના સિનિયર નેતા અને અને ૨૦૦૪માં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન બનેલા સ્વ. બાબુલાલ ગૌરે સામો સવાલ કર્યો, ‘નરેન્દ્રભાઈ, આ તમે કઈ ફીમેલની વાતો કરો છો? આ ફીમેલથી શું થવાનું છે?’

બાબુલાલ ગૌરે ઈ-મેઇલ શબ્દ અગાઉ ક્યારેય સાંભળ્યો નહોતો, પણ ફીમેલ શબ્દથી પરિચિત હતા એટલે તેમણે એવું ધારી લીધું કે નરેન્દ્ર મોદી ફીમેલ એટલે કે મહિલાઓની વાત કરે છે. બાબુલાલની આ વાત સાંભળીને ઘણા લોકોને એવું જ લાગ્યું કે નરેન્દ્ર મોદી મહિલાઓની જ વાત કરે છે અને જેમને ઈ-મેઇલ વિશે ખબર હતી તે લોકો હસી પડ્યા. શિવરાજસિંહ બુકમાં લખે છે, ‘જ્યારે BJPમાં મોબાઇલ ફોન રાખવો એ પણ લક્ઝરી ગણાતી એ સમયે નરેન્દ્ર મોદી દિલ્હીની પોતાની દસ બાય દસની એક નાનકડી રૂમમાં કલાકો સુધી કમ્પ્યુટર પર કામ કરતા. એ સમયે પણ તેમને સમજાઈ ગયું હતું કે વ્યક્તિ (અને ભારત પણ) સક્ષમ અને વિકસિત ત્યારે જ બનશે જ્યારે એ ટેક્નૉલૉજીનો ઉપયોગ વધારશે અને કામને સરળ બનાવશે. આજે પણ નરેન્દ્રભાઈ એ જ રસ્તે છે. ટેક્નૉલૉજીની વાત આવે કે તરત તેમની નજર એ દિશામાં જાય. આ જ કારણ છે કે આપણે આજે ડેવલપ્ડ કન્ટ્રીઝની સાથે તાલમેલ મેળવીને આગળ વધતા જઈએ છીએ.

મોદી અને ચૌહાણ

BJPના આ બન્ને નેતા વચ્ચે ૩પ વર્ષનો સાથ છે. શિવરાજસિંહ પહેલી વાર નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે નરેન્દ્ર મોદી BJPના સંગઠન પ્રભારી હતા તો શિવરાજસિંહ યુવા મોરચાના સામાન્ય કાર્યકર. બન્ને નેતાઓએ BJPના સામાન્ય કાર્યકરથી લઈને પોતપોતાના એટલે કે ગુજરાત અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે લાંબો સમય કામ કર્યું. આ સમયગાળા દરમ્યાન બન્ને રાજ્યો વચ્ચે પણ ખૂબ જ સરસ તાલમેલ રહ્યો હતો, જેને કારણે ગુજરાતમાં નર્મદા ડૅમ પ્રોજેક્ટ મૂળભૂત યોજના મુજબની ઊંચાઈ સુધી પહોંચી શક્યો. નરેન્દ્ર મોદીને શિવરાજસિંહ માત્ર પાર્ટીના સિનિયર નેતા કે વડા પ્રધાન તરીકે જ નથી જોતા; પોતાના મોટા ભાઈ, માર્ગદર્શક અને આ ઉપરાંત એક સાધક તેમ જ કર્મયોગી તરીકે જુએ છે જેમણે મુશ્કેલ સમયમાં હંમેશાં તેમનો આત્મવિશ્વાસ વધાર્યો છે. 

મુખ્ય પ્રધાન નહીં, શિવરાજ...

આ કિસ્સો તો એકદમ તાજો અને બે વર્ષ પહેલાંનો જ છે. વાત છે ૨૦૨૩ના મધ્ય પ્રદેશના વિધાનસભા ઇલેક્શનની. BJPએ વિધાનસભા ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું ત્યારે એમાં એ સમયના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું નામ નહોતું જેની દૂર-દૂર સુધી કોઈએ કલ્પના પણ નહોતી કરી. મધ્ય પ્રદેશમાં BJPના શાસનમાં સૌથી લાંબો સમય મુખ્ય પ્રધાનપદ પર જે રહ્યા હોય એનો રેકૉર્ડ શિવરાજસિંહ ચૌહાણના નામે હતો અને બધાને ખાતરી હતી કે BJP શિવરાજસિંહને નહીં છોડે. પહેલા લિસ્ટમાં પોતાનું નામ ન આવ્યું એ પછી શિવરાજસિંહ બહુ ઇમોશનલ થઈ ગયા હતા. એક સભામાં તો તેમણે ખરેખર આંખમાં આંસુ સાથે કહી પણ દીધું કે મારા ગયા પછી તમને લોકોને મારી યાદ બહુ આવશે.

વિરોધ પક્ષે આ વાત પકડી લીધી અને એવો માહોલ બનાવવાનું શરૂ કરી દીધું કે હવે શિવરાજસિંહની પૉલિટિકલ કરીઅર ખતમ થઈ ગઈ. શિવરાજ સિંહ મધ્ય પ્રદેશમાં મામાજી તરીકે પૉપ્યુલર હતા એટલે કૉન્ગ્રેસના નેતાઓએ તો મામાજીનું શ્રાદ્ધ જેવા કાર્યક્રમો પણ કરી નાખ્યા અને આ જ પ્રકારનાં હોર્ડિંગ્સ પણ લગાડ્યાં. આ આખી સિચુએશનમાં શિવરાજસિંહના દિવસો અત્યંત સ્ટ્રેસ વચ્ચે પસાર થતા હતા અને એક દિવસ અચાનક જ નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો. ફોન પર તેમનું પહેલું વાક્ય હતું : હું મુખ્ય પ્રધાન સાથે વાત નથી કરતો, હું મારા શિવરાજ સાથે વાત કરું છું.

નરેન્દ્ર મોદીએ ખરા અર્થમાં એક મોટા ભાઈની જેમ શિવરાજ સિંહને કહ્યું, ‘આટલી ચિંતા કેમ કરો છો? થોડા દિવસ એકાંતમાં જાઓ, મનને શાંત કરો અને આ સમયનો બેસ્ટ ઉપયોગ કરો.’

શિવરાજસિંહ લખે છે કે નરેન્દ્રભાઈ સમજી ગયા હતા કે જો મારું મનોબળ તૂટશે તો લાખો કાર્યકરો નિરાશ થશે અને એવું કોઈ કાળે નરેન્દ્ર મોદી ચલાવી ન લે. તેમની સલાહ માનીને શિવરાજસિંહ ઉત્તરાખંડ ગયા, ગંગાકિનારે આત્મમંથન કર્યું અને પાછા આવીને માત્ર ૧૪ દિવસમાં તેમણે ૧૬૫થી વધુ સભાઓ કરીને BJPને પ્રચંડ જીત અપાવી. મજાની વાત એ છે કે એ સમયે તેમને કહેવામાં નહોતું આવ્યું કે તમારે લોકસભાની તૈયારી કરવાની છે. એક વર્ષ પછી લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે નરેન્દ્ર મોદીએ જ તેમને ફોન કરીને સમાચાર આપ્યા હતા કે હવે દિલ્હી માટે તૈયારી કરવાની છે.

ક્યાંય ટેન્શન નહીં

‘અપનાપન : નરેન્દ્ર મોદી સંગ મેરે અનુભવ’ની શરૂઆતમાં એપ્રિલ ૨૦૨૫માં કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની અને એમાં માર્યા ગયેલા ૨૬ લોકોની વાત કરવામાં આવી છે. એ સમયે વડા પ્રધાન સાઉદી અરેબિયાના પ્રવાસે હતા અને એ પ્રવાસ અધવચ્ચે છોડીને તે ભારત પાછા આવ્યા હતા. સાઉદી અરેબિયા ઍરપોર્ટથી જ તેમણે ઑર્ડર કરીને કૅબિનેટની ઇમર્જન્સી મીટિંગ બોલાવી હતી.

કૅબિનેટનો એકેએક મેમ્બર જબરદસ્ત ગુસ્સામાં હતો તો સાથોસાથ તેમને ટેન્શન પણ હતું. જોકે નરેન્દ્ર મોદીના ચહેરા પર સ્ટ્રેસ નહોતું, દૃઢતા હતી. નરેન્દ્ર મોદીએ અત્યંત શાંતિ સાથે કહ્યું હતું : ‘આ વખતનું ઑપરેશન અલગ હશે. સર્જિકલ સ્ટ્રાઇક અને ઍરસ્ટ્રાઇક કરતાં પણ જુદું હશે. આ કૃત્ય કરનારાઓને અને તેમના સરદારોને આપણે કોઈ કાળે નહીં છોડીએ. બસ, મને એમાં તમારા બધાનો સાથ જોઈએ છીએ.’

પ્રોટોકૉલને કારણે શિવરાજ સિંહે આ વાતની આગળની ચર્ચા કરી નથી પણ લખ્યું છે કે કટોકટીના સમયે ધૈર્ય રાખવાની જે ક્ષમતા નરેન્દ્ર મોદીમાં છે એ આજના સમયમાં ભાગ્યે જ જૂજ લોકોમાં જોવા મળે છે. શિવરાજસિંહ લખે છે, ‘વિચક્ષણ હોવું અને ત્વરિત હોવું એ બન્ને સામાન્ય રીતે એક જ જગ્યાએ જોવા મળતું નથી, પણ નરેન્દ્રભાઈમાં આ બન્ને ક્વૉલિટી છે અને એટલે જ આપણા દેશનો વિકાસ સ્પીડથી થઈ રહ્યો છે.’

આત્મીયતા અપરંપાર

કોરોનાના પિરિયડમાં શિવરાજસિંહ પણ કોવિડની અડફેટે ચડી ગયા હતા. સેકન્ડ વેવ સમયે શિવરાજસિંહ ચૌહાણને કોવિડ થયો અને તેમને હૉસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા. જેવી નરેન્દ્ર મોદીને આ ખબર પડી એટલે તેમણે તરત જ ડૉક્ટરને ફોન કર્યો અને ડૉક્ટર પાસેથી શિવરાજસિંહને ખબર પડી કે તેમનું હેલ્થ-બુલેટિન રોજેરોજ નરેન્દ્ર મોદીને પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસમાં મોકલતા રહેવાનું છે. શિવરાજસિંહ લખે છે, ‘એ સમયે નરેન્દ્ર મોદી સામે આખો દેશ હતો. સેકન્ડ વેવ દેશ માટે જોખમી પુરવાર થઈ હતી અને અનેક ન ગમતી ઘટનાઓની ભરમાર ચાલી હતી. એ બધા વચ્ચે પણ નરેન્દ્રભાઈ પરિવારના સભ્યની જેમ સતત સંપર્કમાં રહ્યા અને કાળજી લેતા. એક વખત તો આખો દિવસ મીટિંગમાં વ્યસ્ત હોવાને કારણે તે ફોન કરી શક્યા નહીં તો રાતે એક વાગ્યે તેમણે ફોન કરીને મારી સાથે વાત કરી અને વિડિયોકૉલમાં તેમણે હસવું આવે એવી રમૂજી વાતો પણ કરી. આ એ જ વ્યક્તિ કરી શકે જે તમને ફૅમિલી માનીને ચાલતી હોય. નરેન્દ્ર મોદી માટે દેશનો એકેએક કાર્યકર પોતાનો ફૅમિલી-મેમ્બર છે. તે ખરા અર્થમાં અલગારી અને સંતત્વ ધરાવતી વ્યક્તિ છે.’

મોટા ભાગના જૂના કાર્યકરોને નરેન્દ્રભાઈ નામથી ઓળખે છે એ વાતનો ઉલ્લેખ પણ શિવરાજસિંહે પોતાની બુકમાં કર્યો છે અને લખ્યું છે, ‘નરેન્દ્રભાઈ જ્યારે કાર્યકરોને નામથી બોલાવે છે ત્યારે કાર્યકરોની ખુશી બમણી થઈ જાય છે. પાર્ટીની મીટિંગમાં નરેન્દ્રભાઈ સતત કહેતા હોય છે કે નાનામાં નાના કાર્યકરની મહેનતને કારણે આપણે આજ સુધી પહોંચ્યા છીએ. પિરામિડની ટોચે ક્યારેય ઘમંડ ન કરવો જોઈએ કે પોતે ટોચ પર છે, પણ એણે આભાર માનવો જોઈએ કે એને ઉપર સુધી લઈ જવામાં નીચેના એકેએક પથ્થરે ભાર સહન કર્યો છે.’

દેશભક્તિના બન્યા ફૅન

નરેન્દ્ર મોદી સાથે પોતાને ૩૫ વર્ષથી સીધો સંબંધ છે એ વાતનો ઉલ્લેખ કરતાં શિવરાજસિંહ ચૌહાણે લખ્યું છે કે અમારો સંબંધ એકતા યાત્રા સમયથી છે જે ૧૯૯૧માં નીકળી હતી.

મુરલી મનોહર જોષીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીરના શ્રીનગર સુધી યોજાયેલી એકતા યાત્રાના મૅનેજમેન્ટની જવાબદારી નરેન્દ્ર મોદી સંભાળતા. એ સમયે શિવરાજસિંહ ચૌહાણ BJPના યુવા મોરચાના એટલે કે કેસરિયા વાહિનીના કન્વીનર હતા. આ યાત્રા સમયે કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમાએ હોવાથી ભલભલાને ડર લાગતો હતો કે શ્રીનગરના લાલચોકમાં જઈને કેવી રીતે તિરંગો ફરકાવવો. એકતા યાત્રા સમયે જ જમ્મુ-કાશ્મીરના ફગવાડા નામના ગામ પાસે આતંકવાદીઓએ કાર્યકર્તાઓની બસ પર હુમલો કર્યો અને ૬ લોકો શહીદ થયા, જેણે જબરદસ્ત ટેન્શન ઊભું કરી દીધું. આ હુમલા પછી શ્રીનગરમાં આતંકીઓએ ખુલ્લી ચૅલેન્જ આપી કે લાલચોક પર આવીને તિરંગો ફરકાવો, જો જીવતા પાછા જશો તો ઇનામ આપીશું.

આ ચૅલેન્જની ખબર પડી ત્યારે નરેન્દ્ર મોદીએ મીટિંગમાં જવાબ આપ્યો હતો કે ૨૬ જાન્યુઆરી આવવામાં ગણતરીના કલાકો જ બાકી છે, કોણ બચે છે એ લાલચોક પર દેખાઈ આવશે. શિવરાજસિંહ લખે છે, ‘નરેન્દ્રભાઈ એક એવી વ્યક્તિ હતા જેમણે કહ્યું હતું કે નિર્ણય કર્યો છે એટલે લાલચોકમાં તિરંગો લહેરાશે. બીજું કોઈ સાથે જોડાય નહીં તો ચાલશે, હું એકલો જઈને તિરંગો લહેરાવીને પાછો આવીશ. એ દિવસ અને આજનો દિવસ. હું નરેન્દ્રભાઈના દેશપ્રેમ અને દેશભક્તિનો ફૅન બની ગયો તો એકતા યાત્રામાં લોકોને સાથે જોડવાની તેમની અદ્ભુત ક્ષમતાનો ચાહક બની ગયો.’

‘અપનાપન : નરેન્દ્ર મોદી સંગ મેરે અનુભવ’માં આ સિવાય પણ અનેક પ્રસંગો એવા છે જે નરેન્દ્ર મોદીની અલગ-અલગ ક્વૉલિટીને સામાન્ય લોકો સમક્ષ મૂકવાનું કામ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 12:49 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK