આદેશ સુરક્ષિત રાખ્યાના ૩ મહિનાની અંદર ચુકાદો આપો, જામીનનો આદેશ એ જ દિવસે અપલોડ કરો
સુપ્રીમ કોર્ટ
કોર્ટના નિર્ણયોમાં વિલંબ અંગે કડક વલણ અપનાવતાં સુપ્રીમ કોર્ટે દેશભરની હાઈ કોર્ટોને જણાવ્યું છે કે આદેશ સુરક્ષિત રાખ્યા પછી મહત્તમ ૩ મહિનાની અંદર ચુકાદો આપી દેવામાં આવે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે નિર્ણયોમાં વિલંબથી અરજદારોને ન ભરવાપાત્ર નુકસાન થાય છે.
સુપ્રીમ કોર્ટે ખાસ કરીને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંકળાયેલા કેસોમાં ઝડપી કાર્યવાહી માટે હાકલ કરી છે. બેન્ચે જણાવ્યું હતું કે જામીનઅરજીઓ પરના આદેશો એ જ દિવસે જાહેર કરવા જોઈએ અને જો અનામત રાખવામાં આવે તો એ બીજા જ દિવસે જાહેર કરવા જોઈએ અને અપલોડ કરવા જોઈએ.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જામીન મંજૂર કરવાનો અથવા સજા રદ કરવાનો આદેશ જાહેર થયા પછી જેલના સત્તાવાળાઓને તાત્કાલિક જાણ કરવી જોઈએ અને કાચા કેદી અને દોષીને એ જ દિવસે અથવા ઓછામાં ઓછા બીજા દિવસે મુક્ત કરવો જોઈએ.
૧૫ દિવસની અંદર વેબસાઇટ પર ચુકાદો અપલોડ કરો
બંધારણની કલમ 142 હેઠળની એની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો ચુકાદાનો ફક્ત મુખ્ય ભાગ (કાર્યકારી ભાગ) જાહેર કરવામાં આવે છે તો ચુકાદાની સંપૂર્ણ વિગતો (તર્ક સહિત) ૧૫ દિવસની અંદર વેબસાઇટ પર અપલોડ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જો ચુકાદો સુરક્ષિત રાખ્યાની તારીખથી ૪ મહિનાની અંદર ચુકાદો આપવામાં ન આવે તો સંબંધિત પક્ષો હાઈ કોર્ટના ચીફ જસ્ટિસનો સંપર્ક કરી શકે છે જેથી કેસ બીજી બેન્ચને સોંપવામાં આવે. જ્યારે ઓપન કોર્ટમાં સંપૂર્ણ ચુકાદો (દલીલો સહિત) આપવામાં આવે છે ત્યારે ચુકાદો ૨૪ કલાકની અંદર વેબસાઇટ પર અપલોડ કરવો જોઈએ.
