જે લોકોને ક્યારેય આપણામાં ઇન્ટરેસ્ટ જ નથી એવા લોકો પર ફોકસ કરવાને બદલે, જેઓ ખરેખર આપણને ચાહે અને સ્વીકારે છે એવા લોકોની કંપનીમાં રહેવાથી આપણે આપોઆપ આકર્ષક ફીલ કરવા લાગીએ છીએ
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
નિશાળમાં મારો એક મિત્ર હતો. તેનું નામ હતું ચિન્મય. અફકોર્સ નામ બદલ્યું છે, પણ સંદર્ભ અને સરળતા ખાતર આપણે તેને ચિન્મય કહીને બોલાવીશું. તો ચિન્મય બહુ ઠીંગણો. ચિન્મયની હાઇટ ક્લાસમાં સૌથી ઓછી હતી અને એ વાતથી તે સતત લઘુતા અનુભવતો. પોતાના દેખાવ અને વ્યક્તિત્વ પ્રત્યે તેના મનમાં એક એવી લઘુતાગ્રંથિ ઘર કરી ગયેલી કે તે કોઈ છોકરી સાથે કૉન્ફિડન્સથી વાત જ ન કરી શકતો. અત્યારે એ યાદ કરીને હસવું આવે છે પણ એ સમયે ચિન્મયને લાગતું કે તેના જેવા ઠીંગણા અને ડાર્ક કૉમ્પ્લેક્શન ધરાવતા છોકરાને પરણવા માટે કોઈ છોકરી રાજી નહીં થાય. તમે માનશો? એ સમયે ચિન્મયને તેના માર્ક્સ કરતાં વધારે ચિંતા તેની લવ-લાઇફની રહેતી. તેને લાગતું કે આ લંબાઈ, દેખાવ અને વાન સાથે તો તે આજીવન કુંવારો જ રહેવાનો કારણ કે એ ત્રણમાંથી ચિન્મય કશું જ બદલી નથી શકવાનો.
કટ ટુ ધ પ્રેઝન્ટ ટાઇમ. હમણાં ફેસબુકમાં ચિન્મયની ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી અને મારું ધ્યાન સૌથી પહેલાં તેના પ્રોફાઇલ પિક પર ગયું. એ ફોટોમાં સ્માઇલ કરી રહેલો ચિન્મય, બાજુમાં ઊભેલી તેની સુંદર પત્ની અને સાથે હતાં તેમનાં બે ક્યુટ બાળકો. પર્ફેક્ટ ફૅમિલી ફોટો. મને એ વાતનો અનહદ આનંદ હતો કે ચિન્મયની ધારણા અને જાત વિશેની માન્યતા કેટલી ખોટી પડી!
ADVERTISEMENT
That brings me to the point કે રોજ સવારે અરીસામાં ઊભેલી વ્યક્તિને જોઈને તમે રાજી ન થતાં હો તો એ રિયલાઇઝ કરવાનો સમય થઈ ચૂક્યો છે કે તમારી ધારણા કરતાં તમે અનેકગણા વધારે આકર્ષક છો. એનું કારણ એ છે કે આપણા ખરાબ આત્મ-વિશ્વાસ, નેગેટિવ બૉડી-લૅન્ગ્વેજ અને નિમ્ન આત્મસન્માનની પાછળ આપણે હંમેશાં આપણી આકર્ષકતાને સંતાડી રાખીએ છીએ. આકર્ષક લાગવાનો અર્થ ફક્ત દેખાવે સુંદર લાગવું એવો નથી થતો. It all depends on how you carry yourself. તમે તમારી જાતને કઈ રીતે શણગારો છો, પંપાળો છો, સન્માન આપો છો અને જગતની સામે રજૂ કરો છો એના પરથી તમારી આકર્ષકતા નક્કી થાય છે. જો તમને જ તમારી જાત નથી ગમતી તો બીજા કોઈને શું કામ ગમે? શું તમને એ ખબર છે કે ફક્ત આપણી બૉડી-લૅન્ગ્વેજ સુધારવાથી જ આપણે આકર્ષક લાગી શકીએ છીએ.
લેખક જૉર્ડન પીટરસનનું એક અદ્ભુત પુસ્તક છે, ‘12 Rules for Life’. એ પુસ્તકમાં જીવનને ઉન્નત બનાવવા માટેના ૧૨ નિયમો આપેલા છે. એમાંનો પહેલો જ નિયમ બૉડી-લૅન્ગ્વેજ સુધારવા પરનો છે. જિંદગીમાં કાંઈ પણ બનવા કે કરવા માટેની પહેલી શરત છે કે છાતી અને ખભા ટટ્ટાર રાખો. સીધા ઊભા રહો. નમેલા ખભા તમને લડાઈ શરૂ થતાં પહેલાં જ ‘લૂઝર’ સાબિત કરે છે.
તમારો દેખાવ અને પોશાક ગમ્મેતેટલો સારો હોય, જો એના પર તમે એક કૉન્ફિડન્ટ સ્માઇલ પહેરવાનું ભૂલી જશો તો તમે ક્યારેય આકર્ષક નહીં લાગો.
આપણે ક્યારેક એ ભૂલી જઈએ છીએ કે આપણે માત્ર દેખાવથી નહીં, આપણા અભિગમથી આકર્ષક દેખાઈએ છીએ. આપણી આંખોમાં રહેલું તેજ, આપણો ઉત્સાહ, આપણી સેન્સ ઑફ હ્યુમર, આપણી વાતો, ફરિયાદ કર્યા વગર સદાય હસતો ચહેરો, જગતની કોઈ પણ સમસ્યાનો સામનો કરવાની હિંમત અને આત્મવિશ્વાસ, અન્ય પ્રત્યે આદર આ બધી બાબતો આપણું ચુંબકત્વ નક્કી કરે છે.
ઈશ્વરે આપેલું રૂપ, વાન અને લંબાઈ આપણે ક્યારેય બદલી શકવાના નથી પણ આપણો શણગાર, સુગંધ, વાતો, વિચારો અને એનર્જી તો આપણા જ હાથમાં છે. આકર્ષક લાગવાનો શ્રેષ્ઠ રસ્તો છે સામે રહેલી વ્યક્તિને આપણું સમગ્ર અટેન્શન આપવું. બિલીવ મી, આ જગતમાં સૌથી સેક્સી બાબત કોઈ હોય તો એ અટેન્શન છે. જે ક્ષણે તમે અન્યની આંખોમાં આંખો નાખીને તેને ધીરજ અને ગંભીરતાથી સાંભળો છો, એ વ્યક્તિ માટે તમે એ જ ક્ષણથી આકર્ષક બની જાઓ છો.
આકર્ષક લાગવા વિશેની એક હકીકત જે મને બહુ મોડેથી સમજાઈ એ છે કપડાંની યોગ્ય પસંદગી અને એની સાઇઝ. સામાન્ય રીતે આપણી ડ્રેસિંગ-સેન્સ હૉરિબલ હોય છે અને એટલે જ ક્યારેક મોંઘાં કપડાં પહેરવા છતાં આપણે આકર્ષક નથી દેખાઈ શકતા. એ માટે આપણે કોઈ ફૅશન-એક્સપર્ટ બનવાની જરૂર નથી પણ આપણા પહેરવેશ માટે થોડા સભાન થવાની જરૂર છે. ક્યારેક મેક-ઓવર કરવાનો કંટાળો કે આળસ આપણા ઑર્ડિનરી લુક્સ માટે જવાબદાર હોય છે. સલૂન, બ્યુટીપાર્લર, જિમ, કૉસ્મેટિક સર્જ્યન કે ડેન્ટિસ્ટ પાસે જવાની આળસ, સેલ્ફ-કૅરની અવગણના અને પુસ્તકો વાંચવાની આળસ આપણને અન-ઍટ્રૅક્ટિવ બનાવતી હોય છે.
બ્રૅન્ડેડ કપડાં અને શૂઝ પહેરીને, મોંઘુંદાટ પરફ્યુમ છાંટીને, હાથમાં આઇફોન લઈને જ્યારે આપણે કોઈ પ્રિયજન કે લવ-ઇન્ટરેસ્ટને ફાઇવ સ્ટાર હોટેલમાં મળવા બોલાવીએ છીએ ત્યારે સૌથી અગત્યની બાબત પર તો ધ્યાન જ આપતા નથી. એ છે આપણી વાતોનો વિષય. સોશ્યલ મીડિયાના યુગમાં મોટે ભાગે એવું જ બનતું હોય છે કે વ્યક્તિ ત્યાં સુધી જ આકર્ષક લાગે છે જ્યાં સુધી તે બોલવાનું શરૂ નથી કરતી. જો વાણી, વાતોનો વિષય અને વિચારો પછાત હોય તો આપણી સામે બેઠેલી મિસ યુનિવર્સ કે મિસ્ટર ઇન્ડિયા પણ અનાકર્ષક લાગશે.
આકર્ષક લાગવા માટે ક્યારેક દેખાવ કરતાં જાત પ્રત્યેનો અભિગમ બદલવાની વધારે જરૂર હોય છે. નેગેટિવ સેલ્ફ-ઇમેજમાંથી બહાર આવીને સ્વ પ્રત્યેની તંદુરસ્ત કલ્પના કેળવી શકીએ તો આકર્ષક લાગી શકીએ. ક્યારેક આપણે અયોગ્ય લોકોનો પીછો કરતા હોઈએ છીએ. જે લોકો આપણા આત્મસન્માન અને અસ્તિત્વને આદર ન આપી શકે એવા લોકોની હાજરીમાં આપણને હંમેશાં આપણી જાત અનાકર્ષક જ લાગવાની.
જે લોકોને ક્યારેય આપણામાં ઇન્ટરેસ્ટ જ નથી એવા લોકો પર ફોકસ કરવાને બદલે જેઓ ખરેખર આપણને ચાહે અને સ્વીકારે છે એવા લોકોની કંપનીમાં રહેવાથી આપણે આપોઆપ આકર્ષક ફીલ કરવા લાગીએ છીએ. આકર્ષક ક્યારેક હોવા કે દેખાવા કરતાં અનુભવવું વધારે જરૂરી હોય છે. એ વાત હંમેશાં યાદ રાખવી કે આપણે ગમ્મે તેટલા અસ્તવ્યસ્ત, અણઘડ, અનાકર્ષક કે અબૂધ કેમ ન હોઈએ; આ જગતના સાડાસાત અબજ લોકોમાંથી એક તો એવી વ્યક્તિ મળશે જ જેની નજરમાં આપણે કાયમ આકર્ષક રહેવાના!

