Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમાકુને ટા-ટા કહેવાની વાત થાય છે, પણ એ ભારતમાં આવ્યું ક્યાંથી?

તમાકુને ટા-ટા કહેવાની વાત થાય છે, પણ એ ભારતમાં આવ્યું ક્યાંથી?

Published : 31 May, 2026 12:03 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

તો પછી પ્રશ્ન એ થાય કે આટલી નુકસાનકારક હોવા છતાં એનો ઉપયોગ અને વેપાર આટલો બધો કેમ વધ્યો અને હજીયે રોજેરોજ શા માટે વધતો જ જાય છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આંકડાઓ ચોંકાવનારા છે એકમાત્ર ભારતમાં જ દર વર્ષે ૧૨.૮૦ લાખ લોકો તમાકુ કે તમાકુની પ્રોડક્ટ્સના ઉપયોગને કારણે મૃત્યુ પામે છે. અંદાજે રોજના ૩૫૦૦ લોકો તમાકુને કારણે મૃત્યુને શરણે પહોંચે છે. તો પછી પ્રશ્ન એ થાય કે આટલી નુકસાનકારક હોવા છતાં એનો ઉપયોગ અને વેપાર આટલો બધો કેમ વધ્યો અને હજીયે રોજેરોજ શા માટે વધતો જ જાય છે?

આજે વર્લ્ડ નો ટબૅકો ડે વિશ્વભરમાં ઊજવાઈ રહ્યો છે અને તમાકુ તેમ જ એમાંથી બનતી જાત-જાતની નશીલી પ્રોડક્ટ્સથી દૂર રહેવા માટે જાગૃતિ ફેલાવાઈ રહી છે. સલાહોથી વ્યસન છૂટી જતાં હોત તો આવા દિવસો ઊજવવાની જરૂર જ ન પડત. દવા તરીકે આપણા જીવનમાં ઘૂસેલી આ ચીજ એ હદે નાસૂર બની ગઈ છે કે એને સંપૂર્ણ પ્રતિબંધિત કરવામાં પણ સરકાર અચકાય છે અને પ્રતિબંધ ન મૂકવાથી છડેચોક બીમારીઓનાં પડીકાં વેચાય છે. ઐસા ક્યૂં? ચાલો જાણીએ



પૃથ્વી પર વસતી પ્રત્યેક પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિ તમાકુની પ્રોડક્ટ્સનું સેવન કરે છે.


પુરુષોમાં ૩૨. ટકા અને સ્ત્રીઓમાં . ટકા તમાકુ કે સિગારેટની આદત છે.

ભારતમાં લગભગ .૪૦ ટકા પુખ્તો ધૂમ્રપાન કરે છે અને ૨૧. ટકા લોકો ગુટકા કે ખૈની મોંમાં ચાવે છે.


વિશ્વમાં દર વર્ષે ૮૦ લાખથી વધુ લોકો ટબૅકો કે એની પ્રોડક્ટ્સના સેવનને કારણે થતા રોગોથી મૃત્યુ પામે છે. મતલબ કે દર સેકન્ડે એક વ્યક્તિ તમાકુથી થતી બીમારીથી મરે છે.

આ અને આવા અનેક આંકડાઓ આંખો ખોલવા માટે પૂરતા છે; પરંતુ નશો ચીજ જ એવી છે કે બધું જાણ્યા પછી પણ એને છોડવા માટે માત્ર માહિતી નહીં, મજબૂત મનોબળની જરૂર પડે છે. તમાકુની નાગચૂડમાંથી છૂટવા માટે શું કરવું અને કેમ કરવું એ વિશે આપણે અનેક વાર જાણી ચૂક્યા છીએ. આજે જાણીએ આ નશીલી ચીજ આપણા જીવનમાં પ્રવેશી કઈ રીતે તથા એનાથી કેમ, કેવી રીતે અને કેટલું નુકસાન થાય છે.

તમાકુ ભારતમાં આવી કઈ રીતે?

દિલ્હીની ગાદી પર અકબર નામનો જુલમી મોગલ રાજ કરી રહ્યો હતો. તેની તબિયત એક સમયે નાદુરસ્ત થઈ. પરિસ્થિતિ એટલી નાજુક હતી કે અકબરને તેના હકીમે સંપૂર્ણ આરામ કરવા કહ્યું. આવી માંદગી સમયે દરબાર માટે એક ખાસ દિવસ કહી શકાય એવી ઘટના સર્જાઈ. મિર્ઝા અસદ બેગ બીજાપુરથી ખુશખબરી લઈને આવ્યો કે શહેજાદા દાનિયાલ સાથે દીકરીના નિકાહ સંબંધનો આદિલ શાહે સ્વીકાર કરી લીધો છે. એટલું જ નહીં, આ સબંધના સ્વીકારની સામે બીજાપુરથી ભેટસોગાદ તરીકે જે કંઈ મળ્યું હતું એ લઈને અસદ બેગ અકબરના દરબારમાં આવ્યો હતો. અસદે જ્યારે સોના-ચાંદીના સિક્કા સહિત ઝવેરાત દરબારમાં મૂક્યું ત્યારે એની સાથે જ અકબર નજીક જઈને તેણે ચાંદીની એક થાળીમાં મૂકેલી કેટલીક વસ્તુઓ પણ અકબરને ધરી. એમાં એક નક્કાશી કરેલી એક સુંદર પાઇપ હતી, એક શાહીથી લખવાની પેન હતી અને આ બન્ને સાથે મસાલા જેવો કંઈક બારીક પાતરાંનો મસાલો હતો અને સાથે હતું એક બર્નર. અકબરે એ જોઈને અસદને પૂછ્યું કે આ શું છે? ત્યારે અસદે જવાબમાં કહ્યું, ‘હુઝૂર, આ તમાકુ છે જે તમારી બીમારીના ઇલાજ માટે બાદશાહે મોકલાવ્યું છે. મક્કા અને મદીનામાં બધા તમાકુથી ભલીભાંતિ વાકેફ છે.’ અકબરે એ પાઇપ દ્વારા બે-ત્રણ કશ ખેંચ્યા અને દરબારમાં પ્રવેશેલી તમાકુ ધીરે-ધીરે મોગલ સામ્રાજ્ય અને સેનામાં પ્રવેશી ગઈ. એક દશકમાં તમાકુ એટલી મશહૂર અને ઉપયોગમાં લેનારી ચીજ બની ગઈ કે મોગલ શાસક જહાંગીરે એના પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.

આ તો થઈ ભારતમાં પ્રવેશના ઇતિહાસની વાત. વિશ્વ માટે તમાકુ અને એનો ઉપયોગ એ સમયે પણ નવો નહોતો. આર્કિયોલૉજિકલ સ્ટડીઝ કહે છે કે તમાકુનો ઉપયોગ સૌપ્રથમ વાર ૧૨,૩૦૦ વર્ષ પહેલા નૉર્થ અને સેન્ટ્રલ અમેરિકામાં થયો હતો. ૧૪૫૨માં ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકા પહોંચ્યો ત્યારે ત્યાંના મૂળ નિવાસીઓ પાસેથી તેને તમાકુ મળી હતી. ત્યાંથી દરિયાઈ માર્ગે એને યુરોપના દેશોમાં લઈ જવામાં આવી. એ સમયે તમાકુ દાંતના દુખાવા અને વાગેલા ઝખમના ઇલાજ માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી. એ સમયે આખા યુરોપમાં તમાકુને એ રીતે સ્વીકૃતિ મળી કે એ અનેક રોગોનો ઇલાજ કરી શકે છે. ભારતમાં તમાકુ વ્યાપક પ્રમાણમાં જો પહોંચી હોય તો એ મોગલો ઉપરાંત પોર્ટુગાલીઓ સાથે આવી.

તમાકુની ખેતી ક્યારથી?

પોર્ટુગાલીઓ ભારત આવ્યા બાદ તમાકુની સૌથી પહેલી ખેતી દક્ષિણ ભારતમાં શરૂ થઈ હતી. સમયગાળો હતો ૧૬૦૪થી ૧૬૦૫ આસપાસનો જ્યારે વિલિયમ મેથવોલ્ડ જે હતો પોર્ટુગીઝ, પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એજન્ટ તરીકે કામ કરતો હતો. તેણે સત્તરમી સદીની શરૂઆતના સમયમાં કોરોમંડલ કોસ્ટલ વિસ્તારોમાં તમાકુની ખેતીની શરૂઆત કરી હતી. જોતજોતામાં તો તમાકુની ખપત અને ડિમાન્ડ બન્ને એવાં વધ્યાં કે ૧૬૨૨ની સાલ આવતા સુધીમાં તો કોરોમંડલ કોસ્ટલ એરિયામાં થતી ખેતીથી ઊપજતી તમાકુ ન માત્ર ભારતની ડિમાન્ડ પૂરી કરી રહી હતી બલ્કે બર્મા સુધી લઈ જવામાં આવતી. આ સિવાય સત્તરમી સદીની શરૂઆતના સમયમાં જ ગુજરાતના સુરતમાં પણ તમાકુની ખેતી શરૂ થઈ ચૂકી હોવાનો ઉલ્લેખ મળે છે.

ઉપયોગ કઈ રીતે શરૂ થયો?

ઔરંગઝેબના રાજ એટલે કે ૧૬૫૮થી ૧૭૦૭ સુધીના સમયગાળા દરમ્યાન તમાકુની ખેતી અને ખપત બન્ને ભારતમાં એટલાં વધ્યાં કે ઔરંગઝેબ માટે તમાકુ ટૅક્સની આવકનું એક સૌથી મોટું સાધન બની ચૂકી હતી. વિચાર કરો કે એ સમયગાળામાં એકમાત્ર દિલ્હીથી જ ઔરંગઝેબ સરકારને તમાકુના ટૅક્સની આવક પ્રતિદિન ૫૦૦૦ રૂપિયા થતી હતી. આ પરથી અંદાજ મૂકી શકાય કે આખા હિન્દુસ્તાનમાંથી કેટલો ટૅક્સ મળતો હશે!

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાના ફૅક્ટરી રેકૉર્ડ્‍સમાં પણ ભારતમાં તમાકુના ખરીદ-વેચાણનું વર્ણન મળે છે. ૧૬૧૯થી ૧૬૬૯ની સાલ દરમ્યાન અંગ્રેજો તમાકુ ખરીદીને સુરતના બંદરથી મિડલ ઈસ્ટના અનેક દેશો સુધી પહોંચાડતા હતા. એ જ રીતે દક્ષિણ ભારતથી ડચ વેપારીઓ સુમાત્રા અને જાવાના ટાપુઓ સુધી તમાકુ મોકલતા હતા. કમાણી અને આવકની વાત કરીએ તો લેખિત પુરાવાઓ મળે છે કે જ્યારે મુંબઈ પર પોર્ટુગાલીઓનો કબજો હતો ત્યારે તેઓ તમાકુ દ્વારા દર વર્ષે ૪૨૦ પાઉન્ડ જેટલી કમાણી કરી લેતા હતા. જ્યારે અંગ્રેજોએ મુંબઈ પર કબજો મેળવ્યો એ સમયે એટલે કે ૧૬૬૮ આવતા સુધીમાં તો આ આવકની રકમ વધીને ૧૨,૦૦૦ પાઉન્ડ જેટલી થઈ ગઈ હતી. આ રીતે તમાકુ એટલી તગડી કમાણી કરાવનારી ખેતપેદાશ બની ચૂકી હતી કે હવે ભારતનાં અનેક રાજ્યોના ખેડૂતો પોતાની બીજી ખેતી છોડીને તમાકુની ખેતી કરવા માંડ્યા હતા.

તમાકુના સેવનને કારણે નુકસાન

ધીરે-ધીરે આધુનિક વિજ્ઞાનના સંશોધન અને સ્વાસ્થ્ય સબંધી જાગરૂકતા વધી અને વિજ્ઞાનીઓએ કહેવા માંડ્યું કે તમાકુના સેવનને કારણે સ્વાસ્થ્યને જેટલો ફાયદો થાય છે એના કરતાં એના વધુ પડતા સેવનને કારણે નુકસાન વધુ થાય છે. ધીરે-ધીરે તમાકુના સેવનથી શરીર પર થતા હાનિકારક પ્રભાવોનું વિશ્લેષણ પણ વધ્યું. એને કારણે ૧૯૭૫માં ભારતમાં પહેલી વાર સિગારેટ ઍક્ટ લાગુ કરવામાં આવ્યો. આ કાયદા અન્વયે સૌથી પહેલો અમલ એ રીતે શરૂ થયો કે સિગારેટનાં પૅકેટ્સ પર હવે વૈધાનિક ચેતવણી છપાવી કમ્પલ્સરી કરવામાં આવ્યું. ત્યાર બાદ સમયે-સમયે આ કાયદાને વધુ ગંભીર અને વધુ કડક બનાવવામાં આવ્યો. ૨૦૦૦ની સાલ આવતા સુધીમાં તો સરકારે તમાકુના સેવન માટે વયમર્યાદા પણ નિર્ધારિત કરી અને સિગારેટ બનાવવા અને વેચવા પર ટૅક્સનો બોજો પણ વધાર્યો અને ચેતવણીઓ પણ વધુ અસરકારક રીતે દર્શાવવાનું શરૂ થયું.

કેમ તમાકુ?

આપણે કોઈ વૈજ્ઞાનિક, બાયોલૉજિસ્ટ કે ડૉક્ટર તો નથી; પરંતુ સામાન્ય સમજ પ્રમાણે એટલું કહી શકાય કે એનું કારણ છે તમાકુની અનોખી અસર. તમાકુ માનવશરીરમાં જે રીતે પ્રવેશે એ રીતે એ અસર કરે છે. જેમ કે મોઢામાં ખૈની તરીકે મૂકતા લોકોમાં તમાકુની અસર મોઢાનાં પેઢાંથી (ગમ્સ) જ શરૂ થઈ જાય છે. પેઢાં દ્વારા એ લોહીમાં પહોંચે છે. તમાકુ લોહીમાં પ્રવેશતાં જ એ લોહીના વહેવાની ઝડપ વધારી દે છે. સ્વાભાવિક છે લોહી ઝડપથી ફરવા માંડે એટલે શરીરમાં તાજગી અનુભવાય, ગરમાટો આવે અને ક્ષણિક ચેતનાઓ જાગૃત થઈ ગઈ હોય એવો અહેસાસ થાય. સાથે જ બ્લડપ્રેશર વધવાને કારણે એ દિમાગના ચેતાતંતુઓને પણ જાગૃત કરે છે. ધીરે-ધીરે શરીરને એની એવી આદત પડવા માંડે કે તમાકુ નહીં મળે તો લોહી, દિમાગ અને આંખમાં શિથિલતા જેવું મહેસૂસ થવા માંડે. આથી સ્વાભાવિક રીતે જ એનો ઉપયોગ વધે. ધીરે-ધીરે એક તબક્કો એવો આવી જાય કે જ્યારે તમાકુનું સેવન કરનારને લાગવા માંડે કે ગુટકા ખાઈશ નહીં કે સિગારેટનો કશ નહીં ફૂંકું તો કામ થઈ જ શકશે નહીં અથવા તમાકુનું સેવન કરીશ તો કામ વધુ સારી રીતે કરી શકીશ. બસ, અહીંથી આ રાક્ષસ પોતાનું વરવું સ્વરૂપ દેખાડવું શરૂ કરે છે. લોહી વહેવડાવતી નસો શિથિલ થવા માંડે, ચેતાતંતુઓ નિકોટીન વિના ચેતના ગુમાવી બેસે જેને કારણે શરીર ક્યાં અને કયા પ્રકારની ખરાબી થઈ છે કે કયા રિપેરિંગની જરૂર છે એ ચેતનાઓ જ ખોઈ બેસે. અર્થાત્ શરીરની જે સેલ્ફ-હીલિંગની પ્રોસેસ હોય છે એ શિથિલ થઈ જાય અને ધીમે-ધીમે બંધ થવા માંડે. પરિણામ? બ્લડપ્રેશર, હૃદયના રોગો, હાંફ ચડવી, કૅન્સર જેવા અનેક રોગો લાગુ પડે અને છતાં શરીર એની સેલ્ફ-હીલિંગ પ્રોસેસ કરે જ નહીં.

કયા-કયા અને કેટલા રોગો થાય

તમાકુ પોતાની સાથે સૌથી પહેલો રાક્ષસ લઈને આવે છે એનું નામ છે કૅન્સર. માણસ જ્યારે પણ તમાકુ કે ખૈની મોઢામાં મૂકે છે કે ચાવે છે ત્યારે એ આપણા મોઢાની લાળ સાથે મળીને નિકોટીન અને બીજા હાનિકારક રસાયણો છૂટાં પાડે છે. હવે મોઢાની ચામડીનાં લેયર્સ નાજુક અને સૉફ્ટ હોય છે. આથી નિકોટીન અને તમાકુનાં બીજાં હાનિકારક રસાયણો પણ એ લેયર્સ દ્વારા સરળતાથી શરીરમાં પ્રવેશે છે જેને સાયન્સની ભાષામાં મ્યુકોસલ ઍબ્સૉર્બ્શન કહેવાય છે. સ્વાભાવિક છે કે કોઈ પણ ચીજ પર સતત પ્રહાર થાય તો એ નબળી પડે છે. પથ્થર જેવા પથ્થર પર પણ સતત પાણી પડ્યા કરે તો એમાં ખાડો પડી જાય છે. એ જ રીતે મ્યુકોસલ ઍબ્સૉર્બ્શન મોઢાની ચામડીનાં લેયર્સને ધીરે-ધીરે એટલાં નબળાં કરી મૂકે છે કે મોઢામાં સફેદ ડાઘ કે ચાંદા જેવું પડવા માંડે છે જે આખરે કૅન્સરનું જોખમ વધારી દે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વાસ્તવમાં નિકોટીન એ એક ન્યુરો પ્રોટેક્ટિવ છે. અર્થાત્, નિકોટીન શરીર માટે અને વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક ચીજ છે. આ અમે નથી કહી રહ્યા, એક્સપર્ટ એટલે કે ન્યુરોસર્જ્યનનું કહેવું છે કે નિકોટીન એક રસાયણ છે જે માણસના શરીરમાં ઍસિટાઇલકોલિનનું પ્રમાણ વધારે છે. સરળ ભાષામાં કહીએ તો ઍસિટાઇલકોલિન એ એક ન્યુરોટ્રાન્સમીટર (તંત્રિકા સંચાર રસાયણ) છે જે મસ્તિષ્ક અને શરીર વચ્ચે સંદેશવ્યવહારનું કામ કરે છે. આ સિવાય ડોપમીન અને એપીનેફ્રિન પણ રિલીઝ કરે છે. ડોપમીન પણ એક ન્યુરો-ટ્રાન્સમીટર છે જેને સામાન્ય ભાષામાં આપણે ફીલગુડ હૉર્મોન કહીએ છીએ અને એપીનેફ્રિનને આપણે એડ્રેનાલાઇન તરીકે ઓળખીએ છીએ જે સંકટ સમયે લડો યા ભાગોની સમજ આપનારું ન્યુરો-ટ્રાન્સમીટર છે. હવે આ ત્રણેયનો સંયોગ માનવશરીરમાં થાય તો એ ફોકસ એટલે કે એકાગ્રતા અને મેમરી વધારે છે અને તનાવ ઓછો કરે છે. એટલું જ નહીં, આપણે આગળ વાત કરી હતીને કે તમાકુ રોગોના ઇલાજ માટે વપરાતું હતું તો તમાકુના આ ૩ ગુણને કારણે એ પાર્કિન્સન્સ અને ઑલ્ઝાઇમર્સ જેવી બીમારીમાં મદદરૂપ પણ છે.

કહેવાય છેને સાપનું ઝેર દવામાં વપરાય એનો અર્થ એ નથી કે સાપનું ઝેર પી જઈએ. એ જ રીતે તમાકુના ફાયદા હોવાની સાથે જ સૌથી મોટું નુકસાન એ છે કે સિગારેટ કૅન્સરજન્ય ઘટકો ધરાવે છે. અર્થાત્, શરીરના સફેદ રક્તકણો કે જે શરીરની આંતરિક રક્ષા માટે લડવૈયાઓ છે, શરીરના સિપાહીઓ છે એને નબળા કરી છે. વળી મોઢામાં કે ફેફસાંમાં તમાકુને કારણે થતા રહેતા સતત હુમલા સામે લડતા-લડતા એ રક્તકણો એક સમયે એટલા થાકી જાય છે કે મૃત થયેલા રક્તકણો મળ, મૂત્ર, પરસેવા કે પસ તરીકે બહાર નીકળવાનું પણ બંધ કરી દે છે. આખરે એ બધા મૃત કણો એક જ જગ્યાએ ભેગા થઈને શરીરમાં ગાંઠનું સર્જન કરે છે જેને આપણે કેન્સરની ગાંઠ કહીએ છીએ.

આટલી ખતરનાક તો બૅન કેમ નહીં?

વર્ષોથી અનેક લોકોને પ્રશ્ન થતો હશે કે ખરેખર તમાકુ જો આટલી ખતરનાક છે તો પછી એને હજી સુધી પ્રતિબંધિત કેમ નથી કરી અને શા માટે એ આમ ખુલ્લેઆમ મળે છે? તો સૌથી પહેલો અને સૌથી સરળ જવાબ છે આવક અર્થાત્ પૈસા. આખા વિશ્વમાં ભારત તમાકુના ઉત્પાદનમાં વિશ્વનો બીજા ક્રમાંકનો સૌથી મોટો દેશ છે. આંધ્ર પ્રદેશ અને ગુજરાત જેવાં કેટલાંક રાજ્યોની ઇકૉનૉમીમાં તો તમાકુના ઉત્પાદનને કારણે થતી આવક ખૂબ મોટો હિસ્સો ધરાવે છે. આ વાત માત્ર તમાકુના ઉત્પાદન એટલે કે ખેતી સુધી જ સીમિત નથી. લાખો લોકોનો રોજગાર સીધેસીધો આ તમાકુ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. એમાં તમાકુના ખેતરમાં કામ કરતા મજૂરોથી લઈને બીડી બનાવનારા, પ્રોસેસિંગ યુનિટમાં કામ કરતા વર્કર્સ ટ્રાન્સપોર્ટ અને દુકાનદાર સુધીના અનેક માણસોનો સમાવેશ થાય છે. હવે ધારો કે આ ઇન્ડસ્ટ્રી બંધ કરી દેવામાં આવે એટલે કે તમાકુ પર સરકાર બૅન લગાવી દે તો એક્સપોર્ટ અને ડોમેસ્ટિક વપરાશ બન્ને પર બૅન લાગી જશે અને ખેડૂતથી લઈને બીજા કામગાર માણસો બેરોજગાર બની જશે.

બીજું, સરકારને કંઈ બેરોજગારીની ચિંતા જ છે એવું નથી, એની ઝોળી ભરાય એની પણ ચિંતા છે. દર વર્ષે ભારત સરકાર તમાકુ ઇન્ડસ્ટ્રી દ્વારા અંદાજે ૭૬,૦૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમ ટૅક્સ તરીકે મેળવે છે! દર વર્ષે બજેટમાં સિગારેટ, તમાકુ અને ગુટકા પર ટૅક્સનું ભારણ વધારવા છતાં એનું વેચાણ કે ઉપયોગ ઘટ્યાં નહીં બલ્કે વધ્યાં છે જેથી સરકારની આવકનો આ આંકડો પણ દર વર્ષે વધતો જાય છે. એક અંદાજ પ્રમાણે સરકારને ટબૅકો પરના ટૅક્સથી થતી આવકમાં દર વર્ષે નવથી ૧૬ ટકાનો વધારો થાય છે. આને કારણે એક બહુ મોટો વિરોધાભાસ ઊભો થાય છે. એક તરફ સરકાર તમાકુવિરોધી કૅમ્પેન પણ ચલાવે છે જેના દ્વારા તમાકુને કારણે થતા નુકસાન વિશે સામાન્ય જનતાને જાગૃત કરે છે અને બીજી તરફ એ જ તમાકુને કારણે ટૅક્સ સ્વરૂપે મળેલાં નાણાંથી લોકકલ્યાણનાં કાર્યો અને યોજનાઓને પણ સાકાર કરાય છે.

ગુજરાતમાં જન્મી બીડી

૧૮૦૦ની સાલ આવતા સુધીમાં તો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તમાકુ હુક્કા અને પાનમાં ઉપયોગમાં લેવાતી ચીજ તરીકે વપરાવા માંડી હતી. એને કારણે બીજી બે ઇન્ડસ્ટ્રીને ફાયદો થયો. એક, માટીનાં વાસણો અને બીજી, મેટલનાં વાસણો. માલેતુજારો હુક્કામાં તમાકુ પીતા હતા જેને કારણે નકાશીદાર અને ડિઝાઇનિંગ હુક્કાની ડિમાન્ડ વધી અને ગરીબ તથા સામાન્ય માણસો ચિલમમાં પીતા હતા જેને કારણે માટીની ચિલમની ડિમાન્ડ પણ વધી. જોકે તમાકુને ઝાડના પાતરામાં વીટીને એટલે કે બીડી બનાવીને પીવાની શરૂઆત ગુજરાતથી થઈ. એમાંય ખાસ કરીને ખેડા અને પંચમહાલ જિલ્લાઓમાં સૌથી પહેલાં બીડીનો ઉપયોગ શરૂ થયો. આ શરૂઆત કંઈક એ રીતે થઈ કે મજૂર વર્ગના લોકો શેઠિયાઓની બચેલી તમાકુ ભેગી કરી કચનારના (અહિન્દ્રાના પાન) પાંદડામાં વીટીંને પીવા માંડ્યા. ત્યાર બાદ બીડી નામની આ તમાકુની નવી પ્રોડક્ટનો ગુજરાતના ગોમતીનગરના મોહનલાલ પટેલ અને હરગોવિંદદાસ નામના બે વેપારી મિત્રોએ ભેગા મળીને સૌથી પહેલો વેપાર શરૂ કર્યો. ૧૮૯૯માં ભારતમાં રેલવેનો વિકાસ થયો અને તમાકુ તથા બીડીનો ફેલાવો પણ આખા દેશમાં ઝડપથી થવા માંડ્યો. એમાં વળી ૧૯૨૦ના સ્વદેશી આંદોલને બીડીના વ્યાપારને વધુ ઈંધણ પૂરું પાડ્યું. વિદેશી સિગારેટની જગ્યાએ લોકો હવે બીડીને વધુ પ્રાધાન્ય આપતા થયા હતા. આ ફેલાવો એટલો જબરદસ્ત પુરવાર થયો કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સૈનિકો માટે જે રાશન મોકલવામાં આવતું એમાં બીડી એક અત્યંત મહત્ત્વના રાશનમાં ગણાતી હતી.

આ જ વિરોધાભાસને કારણે સરકાર તમાકુ બૅન નથી કરતી પણ બન્ને વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરતી રહે છે. અર્થાત, પ્રતિબંધ નહીં પણ નિયમન. ભારતમાં એક કાનૂન છે COTPA. ખ્યાલ છે? આ કાયદો ૨૦૦૩ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. એ અન્વયે તમાકુના સેવન માટે વયમર્યાદા લાવવામાં આવી અને સાથે જ એની દરેક પ્રોડક્ટ્સ પર લેખિત અને ચિત્રિત ચેતવણીઓ પણ મૂકવામાં આવી. એટલું જ નહીં, હવે તો સરકારે તમાકુ પ્રોડક્ટ્સ બનાવતી અને વેચતી કંપનીઓને કહ્યું છે કે એના પર મૂકવામાં આવતાં ચિત્રો વધુ ને વધુ ડરાવનારાં રાખવામાં આવે. જાહેરાત પર પણ રોક મૂકવામાં આવી. બીજું સૌથી મોટું જોખમ છે કાળાંબજારનું. ધારો કે સરકાર તમાકુ બૅન કરી દે તો તમાકુની માગણી ઓછી કે બંધ થાય એવું બનવાનું નથી. બલ્કે કાળાંબજાર થશે, સરકારને આર્થિક નુકસાન થશે અને વ્યક્તિગત દૃષ્ટિએ બ્લૅક માર્કેટમાંથી ગમે એવી વસ્તુઓ ખરીદવાને કારણે લોકોના સ્વાસ્થ્યને પણ વધુ નુકસાન થશે. પ્રતિબંધ લાદવાથી સરકારનું નિયંત્રણ પણ ચાલી જાય.

આખી વાત કંઈક એ રીતે સમજવી પડે કે કોઈ વ્યક્તિને સંસ્થા કે સરકાર એટલું સમજાવી શકે કે આગળ ખાડો છે, પડી જશો! એમ છતાં પણ જો તે વ્યક્તિ જીદ્દ કરીને જાય અને પડે તો એમાં ખાડાને કે સરકારને કે સામેની વ્યક્તિને દોષ આપી શકાય નહીં. એ જ રીતે તમાકુ અને સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને એનાથી કૅન્સર, હૃદયરોગ, બ્લડપ્રેશર, શ્વાસની, ફેફસાંની અને મોઢાની તકલીફ ઊભી થાય છે એ સત્ય છે. એમ છતાં તમે એનું સેવન કરો તો તમને કોઈ રોકી તો શકે નહીં, પરંતુ આપણી પોતાની સામાન્ય સમજ અને આપણું પોતાનું શરીર-સ્વાસ્થ્ય શું કહે છે એ વિશે આપણે દરેકે વિચાર કરવો પડે. વર્લ્ડ નો ટબૅકો દિવસે દોષનો ટોપલો કોઈ બીજા પર નાખવા કરતાં જવાબદાર બનીને સ્વીકારીએ અને જાતે જ તમાકુના સેવનથી દૂર રહીએ તો કેવું સારું?

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 12:03 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK