Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વર્લ્ડ પૅરટ ડે નિમિત્તે મળીએ રાષ્ટ્રીય સન્માન મેળવી ચૂકેલા ગુજરાતના બર્ડમૅન હરસુખભાઈ ડોબરિયાને: પોપટિયો પરિવાર

વર્લ્ડ પૅરટ ડે નિમિત્તે મળીએ રાષ્ટ્રીય સન્માન મેળવી ચૂકેલા ગુજરાતના બર્ડમૅન હરસુખભાઈ ડોબરિયાને: પોપટિયો પરિવાર

Published : 31 May, 2026 11:19 AM | IST | Ahmedabad
Laxmi Vanita

મળીએ આ વડીલને જેમને નિવૃત્ત શબ્દ સાથે બનતું નથી અને કામ કરતાં-કરતાં જ તેમના ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચવાની ઇચ્છા છે.

પોપટિયા પરિવાર તરીકે ઓળખાતા ડોબરિયા પરિવારની ૪ પેઢી. (ડાબેથી) પહેલી હરોળમાં મમ્મી ચંદ્રિકાબહેન, દાદી રમાબહેન, પરપૌત્રી વાણી અને પૌત્રવધૂ નમ્રતાબહેન; બીજી હરોળમાં (ડાબેથી) પપ્પા પ્રકાશભાઈ, દાદા હરસુખભાઈ અને પૌત્ર ક્રિપાલ ડોબરિયા.

પોપટિયા પરિવાર તરીકે ઓળખાતા ડોબરિયા પરિવારની ૪ પેઢી. (ડાબેથી) પહેલી હરોળમાં મમ્મી ચંદ્રિકાબહેન, દાદી રમાબહેન, પરપૌત્રી વાણી અને પૌત્રવધૂ નમ્રતાબહેન; બીજી હરોળમાં (ડાબેથી) પપ્પા પ્રકાશભાઈ, દાદા હરસુખભાઈ અને પૌત્ર ક્રિપાલ ડોબરિયા.


બાજરાના એક નાના ડૂંડાથી પંખીઓને ચણ નાખવાની કેશોદના હરસુખ ડોબરિયાની સફર આજે અંદાજે ૧૨,૦૦૦ પોપટ, ચકલી અને અન્ય પક્ષીઓના આશ્રયસ્થાન સુધી પહોંચી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ સ્વખર્ચે દરરોજ પક્ષીઓને દાણા ખવડાવે છે. પોપટ માટે શરૂ કરેલી તેમની પહેલને કારણે તેઓ હજારો પક્ષીઓ માટે માત્ર દાણા નાખનાર પંખીપ્રેમી જ નથી, વિશ્વાસનું એક જીવંત સરનામું બની ગયા છે

જૂનાગઢ જિલ્લાના કેશોદના હરસુખભાઈ ડોબરિયા ગુજરાતમાં ‘બર્ડમૅન ઑફ ગુજરાત’ તરીકે જાણીતા છે. છેલ્લાં પચ્ચીસેક વર્ષથી તેઓ હજારો પોપટો, ચકલીઓ અને અન્ય પક્ષીઓને દાણા ખવડાવવા માટે દર વર્ષે અંદાજે ૩ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે અને કોઈની પાસેથી નાણાંની સહાય લેતા નથી. તેમની આ પહેલ માટે તેમને દેશભરમાં ઓળખ મળી છે. પક્ષીસંરક્ષણ માટેના તેમના કાર્ય બદલ તેમને ૨૦૧૫માં રાષ્ટ્રીય સન્માન ‘સૃષ્ટિ સન્માન અવૉર્ડ’ પણ મળ્યો હતો. આજે ૭૯ વર્ષે પણ તેમની દિનચર્યા યુવાનોને હંફાવે એવી છે. મળીએ આ વડીલને જેમને નિવૃત્ત શબ્દ સાથે બનતું નથી અને કામ કરતાં-કરતાં જ તેમના ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચવાની ઇચ્છા છે.




દોઢ લાખના ખર્ચે એક નવું જ માળખું બનાવી દીધું છે જેથી લોકો દૂરથી પક્ષીઓ જોવાનો લહાવો માણે અને પંખીઓ નિરાંતે ચણ લઈ શકે.


શરૂઆતનો સમય

સવારે પાંચ વાગ્યે ઊઠીને ઘરમાં કોઈને ઉઠાડ્યા વગર જાતે ચા બનાવીને પીતા હરસુખભાઈ બાળપણને યાદ કરતાં કહે છે, ‘હું મૂળ મેંદરડા તાલુકાના આંબલા ગામનો છું, પરંતુ છેલ્લાં ૩૬ વર્ષથી કેશોદમાં રહું છું. અમે ૭ ભાઈઓ હતા અને એમાં હું બીજા નંબરનો. મારા બાપુજી મજૂરીએ જતા. મને એમ થતું કે હું પણ કંઈક કમાઈને ઘરમાં મદદ કરું એટલે સાડાચાર ધોરણ ભણીને જ ભણવાનું છોડી દીધું. ૧૨ વર્ષની ઉંમરે ૨૨૫ રૂપિયા વળતરે હાંતી એટલે કે હળ હાંકવાનું કામ શરૂ કર્યું. પછી મજૂરી કરતાં-કરતાં ૧૯૭૨માં હું હીરાના વ્યવસાયમાં ગયો. એ દરમ્યાન મારા મોટા ભાઈનાં પત્ની બીમારીમાં ગુજરી ગયાં. ત્યારે મોટા બે ભાઈઓનાં જ લગ્ન થયાં હતાં. તેમનાં ૩ સંતાનો હતાં અને મારો એક દીકરો હતો. મને લાગ્યું કે હવે આ બાળકોને મોટાં કરવાની જવાબદારી મારી પણ છે. એટલે મેં હીરાનો ધંધો છોડીને તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. બાળકો મોટાં થયાં એ પછી કેશોદમાં ફરી હીરાના કારખાનામાં જોડાયો. આમ જીવન ચાલતું રહ્યું.’



હરસુખભાઈને ૨૦૧૫માં દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરનો સૃષ્ટિ સન્માન અવૉર્ડ મળ્યો હતો. 

દિવાળીના દિવસોમાં હું મારા ગામડે જતો એમ જણાવીને હરસુખભાઈ કહે છે, ‘મારી સાથે ભણેલા ઘણા લોકો નોકરીએ લાગી ગયા હતા. ગામમાં લોકો તેમને ‘આવો સાહેબ, આવો સાહેબ’ કહીને બોલાવતા અને મને કોઈ એ રીતે બોલાવતું નહીં. હું બહુ ભણ્યો નહોતો એનું થોડું દુઃખ તો થતું, પણ પછી વિચાર આવતો કે ધીરુભાઈ અંબાણી પણ ક્યાં બહુ ભણેલા હતા! મારે પણ કંઈક નવું કરવું હતું એટલે હીરાનો ધંધો છોડી દીધો. મારી પત્નીની સોનાની ચેઇન ગિરવી મૂકીને ખેતી માટે ડૂંડાં લીધાં અને ખેતી શરૂ કરી. હું પુસ્તકો બહુ વાંચતો. એ પુસ્તકોમાંથી જ કોઠીંબાની ખેતી કરવાનો વિચાર આવ્યો. પક્ષીઓ વિશેનો અધ્યાય તો સાવ જુદો છે. મને બાળપણથી જ એમની સાથે પ્રેમ હતો અને આજે મારી પાસે જે કંઈ છે એ આ પક્ષીઓના આશીર્વાદથી જ છે.’

જૈન બટાટા અને કોઠીંબાની ખેતી 


વર્ષોથી જૈન બટાટા એટલે કે વેલા પર બટાટાની ખેતી કરે છે હરસુખભાઈ.

૭૯ વર્ષની ઉંમરે પણ હરસુખભાઈને છાપું વાંચવા ચશ્માંની જરૂર નથી પડતી અને દાંત પણ હજી અકબંધ છે. આવા સ્વાસ્થ્ય પાછળ સાદું ભોજન અને સાદી જીવનશૈલીને જવાબદાર માનતા હરસુખભાઈ કહે છે, ‘કડવા કોઠીંબા એટલે એક પ્રકારનું ચીભડા કે કાકડીની પ્રજાતિનું વેલા પર થતું ફળ. પ્રાચીન સમયમાં એ ઋષિમુનિઓનું અથાણું હતું. આ કોઠીંબાની કાચરીઓ ડાયાબિટીઝ વધવા ન દે અને જો ડાયાબિટીઝ ન હોય તો થવા ન દે. એ સિવાય કબજિયાત માટે પણ અકસીર દવા માની શકાય. એટલે મેં કોઠીંબાની ખેતી શરૂ કરી. એ સિવાય વર્ષોથી વેલા પર એવી રીતે બટાટા ઉગાડું છું જે વિદેશોમાં જાય છે. પંદરથી ૨૦ ફુટ ઊંચી રીંગણી વાવી છે. કંઈક નવું કરતા રહેવું મને ગમે. નિવૃત્તિ શબ્દ મને પસંદ નથી અને છેલ્લી ઘડી સુધી કામ કરતા રહેવાની ઇચ્છા છે.’

બર્ડમૅન કેવી રીતે બન્યા?

કોઈ પણ કામ ક્યારેય આળું જતું નથી એવું માનતા હરસુખભાઈ કહે છે, ‘વર્ષ ૨૦૦૦ની આસપાસ એક અકસ્માતમાં મારા પગમાં ફ્રૅક્ચર થયું અને લાંબા સમય સુધી ઘરે આરામ પર રહેવું પડ્યું. એ દરમ્યાન એક મિત્ર મને બાજરાનું ડૂંડું આપી ગયો. મેં ઘરની ગૅલરીની બહાર સૂતળીથી બાંધીને એ ડૂંડું લટકાવ્યું. થોડા સમય પછી એક પોપટ આવ્યો. બીજા દિવસે બે આવ્યા અને ધીમે-ધીમે પક્ષીઓની સંખ્યા સતત વધતી ગઈ. થોડાં જ અઠવાડિયાંમાં રોજ ૧૦૦થી ૧૫૦ જેટલાં પક્ષીઓ આવવા લાગ્યાં. સમય જતાં ઘરની ગૅલરી પક્ષીઓ માટે નાની પડવા લાગી. ત્યાર બાદ મેં જૂના લોખંડના પાઇપ અને અન્ય સામગ્રીથી ખાસ માળખું તૈયાર કર્યું, જેમાં હજારો બાજરાનાં ડૂંડાં એકસાથે લટકાવી શકાય. શહેરની વચ્ચે રહેતા આડોશી-પાડોશીઓને કદાચ પક્ષીઓનો કલરવ ઘોંઘાટ લાગતો હશે, તેમની ચરક આવતા-જતા લોકો પર પડતી હશે કે બાજરીનાં ડૂંડાંના અવશેષોથી તકલીફ થતી હશે પરંતુ કોઈએ ક્યારેય ફરિયાદ નહોતી કરી. છતાં મેં સમજપૂર્વક નક્કી કર્યું કે પક્ષીઓ માટે શહેરની બહાર વધુ યોગ્ય જગ્યા બનાવવી જોઈએ. એટલે જ્યાં મારી ખેતી થાય છે ત્યાં જ તેમનું સ્થાનાંતર કરી દીધું.’

૨૦૧૨માં મેં શહેરની ભીડથી દૂર ૪ એકર જમીન પર સ્થળાંતર કર્યું જેથી પક્ષીઓને ખુલ્લું અને સુરક્ષિત વાતાવરણ મળી શકે. આજે એ સ્થળે દરરોજ અંદાજે ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ જેટલાં પક્ષીઓ આવે છે એમ જણાવતાં હરસુખભાઈ કહે છે, ‘કેટલીક ઋતુઓમાં આ સંખ્યા વધુ પણ થઈ જાય છે. માત્ર પોપટો જ નહીં, હજારો ચકલીઓ પણ અહીં માળા બાંધીને રહે છે. ચકલીઓના માળા બનાવવા માટે તુંબડી દૂધીને સાચવી રાખું છું. સૂકવેલી તુંબડી ચકલીના માળા માટે કામ આવે છે. આ પક્ષીઓના તાલ અને લય તમને ઘણુંબધું શીખવી જાય છે. છેલ્લાં કેટલાંય વર્ષોના મારા નિરીક્ષણ પ્રમાણે સુઘરી (બાયા વિવર) એટલે કે પીળા રંગની ચકલી દેખાય એના ૧૮થી ૨૦ દિવસની અંદર વરસાદ આવે છે. મારું આ અનુમાન મોટા ભાગે સાચું જ પડ્યું છે. તમે આ પોપટની ઇકોસિસ્ટમ સમજો તો બહુ જ મજાની છે.’

પૅરટ અને પૅરાકીટ એક જ નથી

પૅરટ (Parrot) અને પૅરાકીટ (Parakeet) બન્ને શબ્દો ઘણી વખત એકસરખી રીતે વપરાય છે, પરંતુ બન્નેમાં નાનો વૈજ્ઞાનિક ફરક છે. પૅરટ (Parrot-પોપટ) એ એક મોટું કુટુંબ છે જેમાં અનેક પ્રકારનાં પક્ષીઓ આવે છે. જેમ કે મકાઉ, કોકાટુ, આફ્રિકન ગ્રે, લવબર્ડ્સ અને પૅરાકીટ્સ. એટલે દરેક પૅરાકીટ એક પ્રકારનો પૅરટ છે, પરંતુ દરેક પૅરટ પૅરાકીટ નથી. પૅરાકીટ ખાસ કરીને નાના કે મધ્યમ કદના, લાંબી પૂંછડી ધરાવતા પોપટને કહેવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે પાતળા શરીરવાળા અને ખૂબ ઝડપથી ઊડતા હોય છે. ભારતમાં જોવા મળતા લીલા પોપટ હકીકતમાં મોટા ભાગે પૅરાકીટ્સ જ હોય છે. ભારતમાં મુખ્યત્વે આશરે બારથી ૧૩ પ્રકારના પૅરાકીટ જોવા મળે છે. એમાંના કેટલાક ખૂબ સામાન્ય છે, જ્યારે કેટલાક ખાસ વિસ્તારોમાં જ જોવા મળે છે. ભારતમાં જોવા મળતી મુખ્ય પૅરાકીટ પ્રજાતિઓમાં નીચેનાં નામો મહત્ત્વનાં માનવામાં આવે છે : રોઝ રિંગ્ડ પૅરાકીટ, ઍલેક્ઝાન્ડ્રિન પૅરાકિટ, પ્લમહેડેડ પૅરાકીટ, મલબાર પૅરાકીટ, સ્લેટીહેડેડ પૅરાકીટ, બ્લૉસમહેડેડ પૅરાકીટ. ચેન્નઈના સુદર્શન સાહની ટેરેસ પર સૌથી વધુ જે પોપટ જોવા મળે છે એ રોઝ રિંગ્ડ (Rose-ringed) પૅરાકીટ છે. એના શરીરનો રંગ ચમકદાર લીલો હોય છે, લાંબી પૂંછડી હોય છે અને નર પોપટના ગળાની આસપાસ કાળી તથા ગુલાબી રિંગ જોવા મળે છે. તેથી એને રોઝ રિંગ્ડ કહેવાય છે. ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ જેવાં શહેરોમાં લોકો સામાન્ય રીતે જે લીલા પોપટો ઝુંડમાં ઊડતા જુએ છે એ મોટા ભાગે આ જ પ્રજાતિના હોય છે.


ઍલેક્ઝાન્ડ્રિન પૅરાકીટ્સની ઓળખ એ છે કે એની પાંખમાં લાલ રંગનું નિશાન હોય છે. એ ગુજરાતમાં જોવા મળે છે. એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં જ જોવા મળે છે. એ સિવાય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તેલંગણ, આંધ્ર પ્રદેશ અને વેસ્ટર્ન ઘાટમાં સામાન્ય રીતે જોવા મળે છે. 


રોઝ રિંગ્ડ પૅરાકીટ્સમાં મેલ પૅરાકીટના ગળા પાસે રિંગનું નિશાન હોય છે. આ પૅરાકીટ્સ સામાન્ય રીતે સમગ્ર ભારતમાં જોવા મળે છે. 

પોપટને આમંત્રણ આપે પછી જ એ આવે

અજાણતાંમાં પક્ષીઓના સંવર્ધનથી ઇકોસિસ્ટમનું સંવર્ધન કરતા ડોબરિયા પરિવારની પણ એક ઇકોસિસ્ટમ બની ગઈ છે. ૪ મહિના આખો પરિવાર પક્ષીઓ માટે દિવસમાં બે વાર બાજરીનાં ડૂંડાં બદલે છે જેથી પક્ષીઓ સવાર-સાંજ નિરાંતે ખાઈ શકે. જોકે ૮ મહિનાના વિરામ બાદ પોપટને ખબર કેવી રીતે પડે કે ફરી પાછું અહીં આવવાનું છે? એનો જવાબ આપતાં હરસુખભાઈ કહે છે, ‘૧૦ જૂને મારી પત્ની ખેતરમાં ડૂંડાં વાવીને પોપટોને આમંત્રણ આપે અને ૧૮ જૂન થતાં પક્ષીઓ આવી જાય છે. કોઈ પાળેલાં પક્ષીઓ નથી પણ ડૂંડાં નાખો એટલે ૫૦ કિલોમીટર દૂરથી બધાં પક્ષીઓ આવી જાય. નવરાત્રિની આસપાસ એમની સંખ્યા ઓછી થતી જાય છે. આખા જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સવારે ૭ વાગ્યે વિડિયોકૉલથી લોકોને હજારોની સંખ્યામાં પોપટ બતાવતો હોઉં છું. આ સમયમાં કેટલાય લોકો પક્ષીઓને જોવા આવે છે. વધારીને નથી કહેતો, કોઈ પણ આવે એટલે મારા ઘરની વહુઓ મીઠા આવકારા સાથે તમને ચા પીધા વગર જવા નહીં દેશે. આ અરસામાં દિલથી અમે એક બોરી જેટલી ખાંડ વાપરીએ છીએ. પક્ષીઓને પાંજરું ગમતું નથી એનો અનુભવ લોકોને કોવિડમાં થયો હશે. પક્ષીઓ માટે ખુલ્લી જગ્યાઓ રહેવી જોઈએ. તમે જે પણ કર્મ કરો, કુદરત તમને એનું ફળ આપે જ છે. પક્ષીઓના જ આશીર્વાદ હશે કે અત્યારે હું ચોથી પેઢીને રમાડું છું એટલે મારા પૌત્રની દીકરી વાણીને રમાડું છું. અમે શેરીમાં કે ગામમાં નીકળીએ એટલે લોકો અમને ‘પોપટિયો પરિવાર’ કહીને જ સંબોધે છે.’

જીવતા જગતિયું કર્યું

પરિવારમાં આટલો સંપ છતાં દીકરા કે દીકરાના દીકરા પાસેથી એક પણ રૂપિયો લેવાનો નહીં. અમુક વર્ષો પહેલાં જ તેમણે જીવતા જગતિયું અપનાવી લીધું. એ શું છે? જીવતા જગતિયું અથવા જીવતું કારજ એટલે વ્યક્તિ પોતાના મૃત્યુ પછી થતી વિધિઓની રાહ જોયા વિના પોતાની હયાતીમાં જ પોતાના હાથે ધર્માદા કાર્યો, દાન-પુણ્ય, ગૌદાન અને ભોજન-સમારંભ યોજે. હરસુખભાઈ કહે છે, ‘આ જ જીવનમાં સારાં કાર્યો કરીને જવું છે. પક્ષીઓ માટે શરૂઆતમાં ૫૦૦૦ રૂપિયાનાં બાજરાનાં ડૂંડાં લીધાં. પછી ૨૫,૦૦૦ રૂપિયાનાં લીધાં. પછી જેમ-જેમ પક્ષીઓની સંખ્યા વધતી ગઈ એમ ખર્ચ ૩ લાખ સુધી પહોંચ્યો. અત્યારે હજારો પક્ષીઓ એકસાથે આવીને ખાઈ શકે એવું પ્લૅટફૉર્મ છે. મારા વિવિધ વ્યવસાયમાંથી જે પણ પૈસા આવે એનો અમુક હિસ્સો પક્ષીઓની ચણ માટે પૂરતો છે. પક્ષીઓની સંખ્યા ૧૦,૦૦૦ કરતાં વધારે થઈ તો અમે બે જણ, હું અને મારી પત્ની રમાબેન ડોબરિયાના નામનું જીવતા જગતિયું કરી નાખ્યું. એમાં પક્ષીઓ એકસાથે બેસીને ચણી શકે એવું દોઢ-બે લાખ રૂપિયાના ખર્ચે માળખું બનાવ્યું. પક્ષીઓ માટે કોઈની પાસેથી ફન્ડફાળો લેવાનો નહીં એવો નિયમ છે. તમે અહીં આવો, પક્ષીઓને જોવાનો આનંદ માણો. શરૂઆતમાં લોકો પક્ષીઓની નજીક જઈને ફોટો પાડતા એટલે પક્ષીઓ ઊડી જતાં. અમે હવે માળખું એવી રીતે બનાવ્યું છે કે તમે બાલ્કનીમાંથી જ પક્ષીઓને ખલેલ પહોંચાડ્યા વગર નિહાળો.’

 

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 11:19 AM IST | Ahmedabad | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK