° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


બાપુને આપણે આટલા યાદ કરીએ, પણ બાને વીસરી જઈએ એ કેમ ચાલે?

01 October, 2022 04:32 PM IST | Mumbai
Rohini Hattangadi | feedbackgmd@mid-day.com

બાપુ સુવર્ણ હતા તો બાએ તેમના જીવનમાં સોને પે સુહાગા જેવું કામ કર્યું છે અને એ વાત સૌકોઈએ સ્વીકારવી જ રહી. જોકે એમ છતાં બાપુને આજે વર્ષ દરમ્યાન આપણે ચારથી પાંચ વાર યાદ કરીએ છીએ, પણ બા? બાને યાદ કરવાની તસ્દી આપણે નથી લેતા એ તો બા પ્રત્યેનો કેવો અન્યાય?

ફાઇલ તસવીર સેટરડે સરપ્રાઇઝ

ફાઇલ તસવીર

આજના સમયમાં હસબન્ડ-વાઇફ વચ્ચે જે અન્ડરસ્ટૅન્ડિંગની જરૂર છે એને માટે પણ બા-બાપુ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે. બાએ જે રીતે દેખાડ્યું કે તમારા સાથીને સમજવાની કોશિશ કરો એ સમજવાની તાતી જરૂર છે. બા વિદ્રોહી હતાં, ના નહીં, એમાં પણ અને એ વિરોધ વચ્ચે પણ તેઓ છેવટે તો બાપુના વિચાર પર જ ચાલતાં. 

તમે જુઓ, વર્ષમાં આપણે બે વાર, ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ નૅશનલ સેલિબ્રેશનના નામે બાપુને યાદ કરીએ અને એ સિવાયના પણ બે દિવસ એટલે બીજી ઑક્ટોબરે ગાંધી જયંતીના નામે અને ૩૦ જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિનના નામે બાપુને યાદ કરીએ, પણ અફસોસની વાત એ છે કે આપણે બાને ભૂલી ગયા છીએ. 

બા, કસ્તુરબા ગાંધી.

કેટલી ખરાબ રીતે આપણે તેમને હાંસિયાની બહાર ધકેલી દીધાં છે એ તો જરા તમે જુઓ. આ તે કેવી ટ્રૅજેડી અને આ ટ્રૅજેડી માત્ર આપણી નથી. આ ટ્રૅજેડી તો બાપુ જેવા મહાન વ્યક્તિ સાથે જોડાયેલા હોવાની છે. આપણે ત્યાં કહેવાતું રહ્યું છે કે દરેક મહાન પુરુષની પાછળ એક મહિલાનો હાથ છે. આપણે આ સાંભળ્યું છે અને આપણે આ વાતને માનીએ છીએ, પણ આ માન્યતાને ભૂલી પણ ગયા છીએ, જે આપણી નરી વાસ્તવિકતા છે. આપણે મન આ વાત એક માન્યતા સિવાય સહેજ પણ વધારે નથી અને હું કહીશ કે આનાથી મોટી બીજી કોઈ ટ્રૅજેડી હોઈ જ ન શકે.

તમે જુઓ, કોઈ પણ ડૉક્યુમેન્ટરી કે ગાંધીજી પરનું કોઈ પણ સાહિત્ય. તમને એમાં બાનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળશે. કાં તો સૌથી ઓછો ઉલ્લેખ જોવા મળશે અને કાં તો સહેજ પણ ઉલ્લેખ જોવા નહીં મળે. ફિલ્મ ‘ગાંધી’માં મેં જે કસ્તુરબાનો રોલ કર્યો એ સમયે મને બા માટે જાણવાની બહુ ઇચ્છા થઈ હતી, પણ મને એ કોઈ લિટરેચર ઇઝીલી મળ્યું નહીં. મારે એને માટે બહુ શોધખોળ કરવી પડી. આપણી મજબૂરી તો જુઓ તમે, બા પર કોઈ પુસ્તક નથી. બા પર કોઈ ડૉક્યુમેન્ટરી પણ બની નથી. જે પુસ્તકો છે એમાં ગાંધીજીની વાત છે અને એ પુસ્તકોમાં બાનો ક્યાંય ઉલ્લેખ નથી. 

બાપુ પર અઢળક પુસ્તકો છે; અંગ્રેજીમાં છે, હિન્દીમાં છે. અરે, ગુજરાતીમાં પણ બાપુ પર પુસ્તક છે, પણ એ પુસ્તકોમાં ક્યાંય બાનો કોઈ ઉલ્લેખ નથી અને છે તો એ ઉલ્લેખ નામ પૂરતો જ છે. પછી એ પુસ્તક હોય કે ડૉક્યુમેન્ટરી હોય. એ સમયમાં સરોજિની નાયડુ જેવી મહિલા હતી જે આગળ આવીને કામ કરતી હતી, પણ નાયડુ જેવી એકાદ મહિલા જ હતી જે સામે આવીને કામ કરતી હતી. બાકી તો મોટા ભાગે મહિલાઓ બહાર નહોતી આવતી એવા સમયે આવી બહાદુર મહિલાની નોંધ કરવાની કોઈ માનસિકતા પણ નહોતી. 

જ્યારે મેં એ બધું વાંચ્યું, એ બધું જોયું કે દરેક વખતે બાપુએ પોતાના મનની વાત જ પકડી રાખી અને ફાઇનલી બાએ એ બધી વાત માની ત્યારે મારે મન બાની મહત્તા ખરેખર વધી ગઈ હતી. તમે પણ જો સ્ટડી કરવા માગતા હો તો કરજો. બાપુ સાઉથ આફ્રિકા ગયા ત્યારે ત્યાં બાએ પારસી સાડી પણ પહેરવી પડી અને હાઇ-હીલ શૂઝ પણ પહેરવાં પડ્યાં હતાં અને એ બધું બાપુની ઇચ્છાથી જ થતું હતું. બાને ફાવતું નહોતું તો પણ તેમણે ટેબલ-ખુરસી પર બેસીને જમવું પડ્યું. એ સમયે તો આપણે જમીન પર જ બેસતા, પણ બાએ કોઈ જાતના વિરોધ વિના કાંટા-ચમચી સાથે જમવાનું શીખી લીધું. તેમણે બધી રીતભાત સ્વીકારી લીધી અને એનો કોઈ જ વિરોધ કર્યો નહીં. હવે તમે આખી વાતને જુદી રીતે જુઓ અને મૂલ્યાંકન કરો.

આફ્રિકા છોડતી વખતે બાપુએ કહ્યું કે સોનાનો એક દાણો પણ સાથે નથી રાખવાનો, ત્યારે બાએ કહ્યું કે હું નહીં પહેરું, પણ મારી વહુ પહેરશે, પણ બાપુએ ના પાડી અને કહ્યું કે જે-જે લોકોએ આપ્યું છે એ બધું આપણે પાછું આપવું છે. બા એ વાત માન્યાં. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે એવું નહોતું કે બાએ વિરોધ કર્યો, પણ બાએ વિરોધ વચ્ચે પણ બાપુને સમજવાની કોશિશ કરી કે બાપુ આવું શું કામ કહે છે. એવું નહોતું કે બાએ નારાજગી સાથે સોનું કે પછી ગિફ્ટ છોડ્યાં હોય. ના, આખી વાતને તેમણે આચરણમાં ઉતારી અને એ આચરણ જ તેમનું જીવન રહ્યું. બાપુનું જે કહેવું હતું એ બધું તેમણે છોડ્યું, પણ સમજીને છોડ્યું, સહમત થયાં, પણ પૂરી વિચારધારા અપનાવીને અને મારે મન આ જ બાની ગ્રેટનેસ હતી. હું વિનાસંકોચ કહીશ કે જો બીજી કોઈ બાઈ હોત તો તેણે જતું કર્યું હોત, પણ બાપુની વાતને સમજવાની તૈયારી તેણે કદાચ દેખાડી ન હોત.

બાએ એ તૈયારી દેખાડી, એટલું જ નહીં, બાને મન એનાથી અગત્યની કે પછી એનાથી મોટી વાત બીજી કોઈ હતી જ નહીં. બાપુએ કહ્યું હતું કે ભેટનો સ્વીકાર કર્યો તો એ નિઃસ્વાર્થ સેવા નહીં ગણાય. આપણી જે સેવા છે એ નિઃસ્વાર્થ છે અને એને નિઃસ્વાર્થ જ રહેવા દેવાની છે. જો કોઈ ચીજનો સ્વીકાર કર્યો તો એ સ્વાર્થની સેવા લાગશે, એવું ન થવું જોઈએ. સેવા તો નિઃસ્વાર્થ જ હોવી જોઈએ અને એટલે જ આપણે છોડી દઈશું. બાએ એ વાત સમજવાની કોશિશ કરી અને તેમને એ વાત બરાબર લાગી એટલે તેમણે એ છોડ્યું. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે બાએ દરેક વખતે બાપુને સમજવાની કોશિશ કરી, વિરોધ કર્યો અને એ વિરોધ વચ્ચે પણ તેમણે બાપુને સમજ્યા અને પછી પૂરા મનથી તેમની વાતનો સ્વીકાર કર્યો.

જો ઉદાહરણ આપું તો સૌથી પહેલું જ યાદ આવે છે, જેલમાં જવું. મહિલાઓને પણ જેલમાં જવું પડે એ વાત એ સમયમાં બહુ શરમજનક ગણાતી, પણ બાપુએ સમજાવ્યું કે ઘરની મહિલાઓએ તો સૌથી પહેલાં આગળ આવવું પડશેને, જો તે આગળ નહીં આવે તો દુનિયા શું કહેશે? આ એ સમયની વાત છે જે સમયે મહિલા જેલમાં જાય એનાથી મોટી શરમજનક વાત બીજી કોઈ નહોતી અને એ પછી પણ બાપુના પ્રત્યેક શબ્દને પારખીને, સમજીને અને જીવનમાં ઉતારીને બાએ એનો અમલ કર્યો હતો. કસ્તુરબાની જેલવારી તમે જુઓ, બાપુ કરતાં પણ વધારે આક્રમકતા તમને એમાં દેખાશે. જો મારી કોઈ ભૂલ ન થતી હોય તો ગાંધીજી જેટલું જ બા જેલમાં રહ્યાં છે અને એ માટે બાપુની ઇચ્છા નહોતી, એમાં બાપુને સમજવાની અન્ડરસ્ટૅન્ડિંગ પણ એટલી જ મહત્ત્વની હતી. કદાચ આ જ કારણે હું કહીશ કે ઘણી વાતોમાં બા ગાંધીજી કરતાં વધારે ગ્રેટ હતાં.

હું દૃઢપણે કહીશ કે બાને સાચી રીતે સમજવાની જરૂર છે. બીજી કોઈ રીતે તો હું શું કહું, પણ હા, હું એટલું ચોક્કસ કહીશ કે આજના સમયમાં હસબન્ડ-વાઇફ વચ્ચે જે અન્ડરસ્ટૅન્ડિંગની જરૂર છે એને માટે પણ બા-બાપુ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે. બાએ એ જે રીતે દેખાડ્યું કે તમારા સાથીને સમજવાની કોશિશ કરો એ સમજવાની તાતી જરૂર છે. બા વિદ્રોહી હતાં, ના નહીં, એમાં એ વિરોધ વચ્ચે પણ તેઓ છેવટે તો બાપુના વિચાર પર જ ચાલતાં. બાળકોના એજ્યુકેશનની વાત હોય કે પછી લેટ્રિન સાફ કરવાની વાત આવી હોય, બા દલીલ કરતાં, બાએ ઝઘડો કર્યો જ છે, પણ એ બધા પછી તેમણે જે સમજણ દેખાડી છે એ ખરેખર જીવનમાં ઉતારવાને લાયક છે. હસબન્ડ-વાઇફના મુદ્દાઓમાં મતભેદ હોય એ સમજી શકાય અને એ પછી પણ બન્ને વચ્ચે અન્ડરસ્ટૅન્ડિંગ હોય એ બહુ જરૂરી હતું. એવું જરા પણ નહોતું કે એ સમયે તકલીફ વચ્ચે છૂટાં પડવાની વાત નહોતી આવતી. આવતી જ હતી. પિયર પાછાં આવવું એ કે પછી પતિએ છોડી દીધાં હોય એવું તો બનતું જ હતું એટલે બા પણ ધારત તો એવું પગલું લઈ શક્યાં હોત, પણ બાએ એવું પગલું લેવાને બદલે સંબંધોને અને જીવનસાથીને સૌથી વધારે મહત્ત્વ આપ્યું અને એ જ મહત્ત્વએ ક્યાંક અને ક્યાંક રાષ્ટ્રપિતાના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો એ પણ એટલું જ સાચું છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

01 October, 2022 04:32 PM IST | Mumbai | Rohini Hattangadi

અન્ય લેખો

ચોરસ રોટલી જોઈને પણ મમ્મી વખાણ કરે એનાથી મોટો અવૉર્ડ બીજો કયો હોય?

અમદાવાદના શેહઝાદે ફાઇવસ્ટાર હોટેલમાં ડ્યુટી પણ કરી છે અને તે બહુ સારો શેફ પણ છે

05 December, 2022 03:31 IST | Mumbai | Rashmin Shah

મૅજિકલ માટી

આધ્યાત્મની ભાષામાં ઘણી વાર સાંભળ્યું હશે કે આપણે માટીમાંથી પેદા થયા છીએ અને માટીમાં જ મળી જવાના છીએ. આ જ માટી જીવન ટકાવી રાખવા અને સ્વસ્થ રહેવા માટે પણ એટલી જ જરૂરી છે. ચાલો આજે જાણીએ માટીના પ્રયોગો

05 December, 2022 03:26 IST | Mumbai | Sejal Patel

ઑનલાઇન પેમેન્ટની દુનિયામાં ક્રાન્તિકારી સાબિત થવાનું છે એક ગુજરાતીનું સ્ટાર્ટઅપ

તમારી ફૅશન ઍક્સેસરીમાં પહેરી શકાતું નાનકડી ચિપ જેવુ આ કાર્ડ આવનારા સમયમાં ઑનલાઇન પેમેન્ટમાં ગેમચેન્જર બનવાનું છે.

05 December, 2022 03:19 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK