દાદરના કબૂતરખાના સામે કાર્યવાહી કરવા પહોંચી ગઈ BMCની ટીમ
ગઈ કાલે BMCની ટીમે દાદરના કબૂતરખાના સામે કાર્યવાહી શરૂ કરી હતી. (તસવીર : આશિષ રાજે)
મહારાષ્ટ્ર સરકાર તરફથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં કબૂતરખાના બંધ કરવાની જાહેરાતના બીજા જ દિવસે મુંબઈ મહાનગરપાલિકાએ દાદરનાં વર્ષો જૂના કબૂતરખાનાને બંધ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સરકારની જાહેરાત અને મહાનગરપાલિકાએ શરૂ કરેલી કાર્યવાહીથી જીવદયાપ્રેમીઓમાં જબરદસ્ત આક્રોશ ફેલાયો છે. મુંબઈના અમુક જીવદયાપ્રેમીઓએ સરકારના આ પગલાને ક્રૂર કહીને સરકાર અને મહાનગરપાલિકા સામે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.
આ બાબતની વિસ્તૃત માહિતી આપતાં જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં ફાઉન્ડર સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ન્યુમોનાઇટિસનાં ૧૦૦ કારણો છે. ફેફસાંસંબંધિત સમસ્યાઓ માટે કબૂતર જવાબદાર નથી, પણ વાયુ-પ્રદૂષણ છે. જોકે મહાનગરપાલિકા એની ખામીઓને કબૂતરો પર લાદવા માગે છે. કબૂતરોને એક-બે કે પાંચ વર્ષથી નહીં પણ સદીઓથી ખોરાક આપવામાં આવે છે, પણ ક્યારેય એની માનવજીવન પર અસર થઈ હોય કે કોઈ મૃત્યુ પામ્યા હોય એવું સિદ્ધ થયું નથી.
ADVERTISEMENT
અમે જીવદયાપ્રેમીઓ અને જીવદયાની પ્રવૃત્તિઓમાં જોડાયેલી સંસ્થાઓ સાથે મળીને સરકાર અને મહાનગરપાલિકા સામે કોર્ટમાં જઈશું અને પક્ષીઓ માટે લડીશું. અમારી સંસ્થા આ બેઘર પક્ષીઓને ટેકો આપનારા બધા લોકોને અને સંસ્થાઓને આ ચળવળમાં જોડાવા વિનંતી કરે છે.’
સ્નેહા વિસરિયા, અતુલ શાહ, સંદીપ દોશી
આર્ય સંસ્કૃતિનો વારસો છે
કીડીને કણ અને હાથીને મણ એ વિધાન દિવ્ય ભારત ભૂમિની સંસ્કૃતિનો વારસો છે એમ જણાવતાં જીવદયાપ્રેમી અને જૈન અગ્રણી અતુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારની જાહેરાત અને ગઈ કાલે દાદરના વર્ષો જૂના કબૂતરખાના પર મહાનગરપાલિકાએ શરૂ કરેલી તોડફોડની કાર્યવાહી ગેરકાયદે અને ગેરબંધારણીય પણ છે. આ કાર્યવાહી શરૂ કરતાં પહેલાં મહાનગરપાલિકાએ છેલ્લાં ૧૦૦ વર્ષમાં કબૂતરની ચરકને કારણે અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં એ આંકડા જાહેર કરવા અત્યંત જરૂરી છે. ગઈ કાલના તેમના આ કૃત્યને કોર્ટમાં પડકારવામાં આવશે. દાદરનું કબૂતરખાનું ૧૦૦ વર્ષ જૂનું પ્રાચીન કબૂતરખાનું છે. એ જગ્યાને હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી એના બાંધકામને તોડવું અયોગ્ય છે. ગઈ કાલે આ જગ્યાએથી કબૂતરોની ચોરી થતી રોકવા માટે બાંધવામાં આવેલી જાળીને તોડી પાડવામાં આવી હતી. માર્ચ મહિનામાં મહાનગરપાલિકાના G-વૉર્ડમાં કરવામાં આવેલી મીટિંગમાં વૉર્ડ-અધિકારીઓએ કહ્યું હતું કે અમે કોઈ પણ કાર્યવાહી કરતાં પહેલાં કબૂતરની ચરક ખરેખર માનવજાતના આરોગ્ય માટે નુકસાનકારક છે કે નહીં અને એ કેટલી જોખમકારક છે એની વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ પાસેથી રિપોર્ટ મગાવીશું. જોકે આવા કોઈ રિપોર્ટ આવે એ પહેલાં જ મુંબઈમાં મહાનગરપાલિકાએ કબૂતરખાનાની તોડફોડ કરવાની શરૂઆત કરી દીધી છે જે યોગ્ય નથી.’
ગઈ કાલે દાદરમાં શું બન્યું હતું?
ગઈ કાલે મહાનગરપાલિકાના અધિકારીઓ દાદરના કબૂતરખાના પર કાર્યવાહી કરવા આવ્યા ત્યારે તેમની પાસે કોઈ પણ કાનૂની દસ્તાવેજો નહોતા એ માહિતી આપતાં આ કબૂતરખાનાનું સંચાલન કરતા ટ્રસ્ટના એક ટ્રસ્ટી સંદીપ દોશીએ ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘કોઈ પણ જાતના આદેશ વગર તે લોકોએ કબૂતરખાનાની ઉપરની જાળીને તોડી નાખી હતી. એની સાથે કબૂતરના દાણાની ત્રીસ ગૂણીઓ પણ તેઓ ઉપાડી ગયા હતા. તેમની પાસે કોઈ પણ જાતના એવિડન્સ કે કાગળ પણ નહોતા. તેમણે આગળથી કોઈ નોટિસ પણ આપી નહોતી. આજે મુંબઈમાં હજારો ગેરકાયદે ઝૂંપડાંઓ અને ત્રણ-ત્રણ માળનાં ઘરો બનાવી દેવામાં આવે છે એના પર કોઈ જ કાર્યવાહી થતી નથી અને આ મૂંગા જીવો જ્યાં ચણ ચણે છે ત્યાં તરત કાર્યવાહી કરવામાં આવે છે. આ અબોલ જીવોએ કોઈનું કંઈ જ બગાડ્યું નથી અને એ બોલી પણ નથી શકતાં. આ આસ્થાનો વિષય છે. સનાતન ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ, દરેક જણ આ કબૂતરખાનામાં દાણા નાખે છે. જે હિન્દુ પાર્ટી આજે રાજ કરી રહી છે એ મુંબઈના તમામ આસ્થાપ્રેમીઓ પર જ ઠોકર મારી રહી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે કોઈ પણ જીવોને તમે ભૂખ્યા ન રાખી શકો.’
સંદીપ દોશીએ પ્રશાસનની આ કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ગઈ કાલે દાદરના કબૂતરખાના પર કાર્યવાહી કરવા આવેલા મહાનગરપાલિકાના અધિકારીને પૂછવામાં આવ્યું કે આ કબૂતર દ્વારા કેટલા લોકો મરે છે તો તેમની પાસે કોઈ જવાબ નહોતો. ટ્રેનોમાં રોજ વીસથી પચીસ લોકો મૃત્યુ પામે છે તો શું આપણે ટ્રેનને બંધ કરી દઈએ છીએ? અહીં તો લાખો લોકોમાંથી એક વ્યક્તિનો કેસ થાય છે. આ કોઈ જબરદસ્ત રાજકારણ રમાઈ રહ્યું છે કે કબૂતર હટાવો ઝુંબેશ ચાલી રહી છે? બાકી મહાનગરપાલિકા પાસે એવા કોઈ પુરાવા નથી કે કબૂતરથી કોઈ પણ જાતનો રોગ થાય છે. હું છેલ્લાં પચીસ વર્ષથી કબૂતરો સાથે કાર્ય કરું છું, મને કેમ કોઈ જાતનો રોગ નથી થયો? તમે બીમાર હો તો તમે જ્યાં ધૂળ ઊડતી હોય ત્યાં જાઓ તો તમારાં ફેફસાંમાં તકલીફ થાય છે, એમાં કબૂતરો જવાબદાર નથી. આ બનાવ પછી મુંબઈની જીવદયા સંસ્થાઓ એકત્રિત થઈને કાયદાકીય લડત લડવા માટે તૈયાર થઈ રહી છે. એકાદ
દિવસમાં અમે કાયદાકીય સલાહકાર સાથે મીટિંગ કરીને આગળની રણનીતિ નક્કી કરીશું.’
BESTનો વિરોધ
આમચી મુંબઈ આમચી બેસ્ટ નામના સંગઠને ગઈ કાલે ઘટતી જતી બસો અને વધતાં જતાં ભાડાં સામે BESTના વડાલા બસ-ડેપો પર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

