Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ટેક્નૉલૉજીને કારણે બચેલા સમયનું આપણે શું કર્યું?

ટેક્નૉલૉજીને કારણે બચેલા સમયનું આપણે શું કર્યું?

Published : 24 September, 2026 07:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયાની વાઇરલ થવાની ઘેલછા અને ટેક્નૉલૉજીની સરળતાએ યુવાવર્ગ સામે નવા પડકારો ઊભા કર્યા છે. માહિતી સરળતાથી મળતી હોવા છતાં વિચાર, મનન અને ચિંતન ઘટી રહ્યાં છે. ટેક્નૉલૉજીનો સદુપયોગ જરૂરી છે.

વસંત શાહ

What’s On My Mind?

વસંત શાહ


આજના ડિજિટલ યુગમાં સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન જેન-ઝી અને યુવાવર્ગનો છે. આજનો યુવાવર્ગ સતત ગેરમાર્ગે દોરવાઈ રહ્યો છે, કારણ કે સોશ્યલ મીડિયા પર પબ્લિસિટી-સ્ટન્ટ અને રાતોરાત ફેમસ થવાની ઘેલછા વધી ગઈ છે. વાઇરલ થવા માટે કે પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો બીજાને બદનામ કરવાનો રસ્તો પણ શોધી કાઢે છે. વડા પ્રધાન જેવી દેશના ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓ માટે અશોભનીય ભાષાનો પ્રયોગ કરવો એ સંસ્કાર નથી પરંતુ સોશ્યલ મીડિયાનો સ્પષ્ટ દુરુપયોગ છે.
આજે કમનસીબે સાચું શિક્ષણ લુપ્ત થઈ રહ્યું છે. ઑનલાઇન માધ્યમો પર ખરાબ શીખવું હોય તો ખિસ્સાં કાપતાં કે ફ્રૉડ કરતાં શીખવતા અનેક રસ્તાઓ ખુલ્લા છે, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ આ નથી. આપણી પરંપરા જીવનનું સાચું જ્ઞાન આપવાની રહી છે, જેમાં માત્ર ઇતિહાસ કે ભૂગોળ જ નહીં પણ ‘જીવન એટલે શું’ અને ‘માણસની માણસ તરીકેની ફરજ શું’ એ સમજાવવામાં આવતું. આજની સ્કૂલો-કૉલેજોમાં સારો માણસ કેવી રીતે બનવું એવું શિક્ષણ મળતું બંધ થઈ ગયું છે.
આપણને દરેક વસ્તુની બે બાજુ જોવા મળે છે. સિક્કાની જેમ ટેક્નૉલૉજીની પણ બે બાજુ છે, સારી અને ખરાબ. ભૂતકાળમાં પણ આ તત્ત્વો હતાં, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. મહત્ત્વનું એ છે કે આપણે એમાંથી શું ગ્રહણ કરીએ છીએ? જો આપણે ખોટો રસ્તો પસંદ કરીશું તો બરબાદી નક્કી છે.
ટેક્નૉલૉજીને કારણે સકારાત્મક બદલાવ પણ આવ્યા છે. આજે ઘેરબેઠાં અગાઉ નહોતા જાણતા એવી અઢળક માહિતી મળી રહે છે. કોઈ પણ સવાલનો ઇન્સ્ટન્ટ જવાબ મળી જાય છે. પહેલાં જે માહિતી શોધવા માટે લાઇબ્રેરીઓમાં જવું પડતું, મહેનત કરવી પડતી અને દિવસો સુધી મનમાં મંથન ચાલતું એ માહિતી આજે આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. ઘેરબેઠાં મહાન પુરુષો અને વિચારકોનાં વ્યાખ્યાનો સાંભળવાં ખૂબ સરળ બની ગયાં છે.
પરંતુ આ સરળતાનો મોટો ગેરફાયદો એ થયો છે કે માણસના મગજનો ઉપયોગ ખૂબ ઓછો થઈ ગયો છે. જે મગજે ટેક્નૉલૉજી બનાવી, આજે એ જ મશીન સ્માર્ટ બની રહ્યાં છે અને માણસ ‘ડમ્બ’ (બુદ્ધિહીન) બની રહ્યો છે. જ્યારે બધું જ તૈયાર મળી જાય ત્યારે માણસે પોતે વિચારવાનું રહેતું નથી. જો વિચારશક્તિ જ જતી રહેશે તો આત્મ-ઉદ્ધાર કેવી રીતે થશે? કારણ કે આત્મ-વિકાસ તો વિચાર, મનન અને ચિંતનથી જ થાય છે. ટેક્નૉલૉજીએ આપણી આંતરિક ક્ષમતાઓને ઘટાડી દીધી છે. પહેલાં લોકો ચાલીને જતા જેથી સ્વાસ્થ્ય સારું રહેતું, હવે વાહનો અને સુવિધાઓને લીધે સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે.
સૌથી ખરાબ બાબત એ બની છે કે ટેક્નૉલૉજીને કારણે જે સમય બચ્યો એ સમયનો સદુપયોગ થતો નથી. આપણે સૌથી મોટી માર અહીં જ ખાઈએ છીએ. આજના સમયનો આ જ સૌથી મોટો અને ગંભીર સવાલ છે. 

-વસંત શાહ


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 07:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK