Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પરેલચા રાજા દર્શન આપે છે વિઠુ માઉલીના સ્વરૂપમાં

પરેલચા રાજા દર્શન આપે છે વિઠુ માઉલીના સ્વરૂપમાં

Published : 24 September, 2026 07:28 PM | IST | Pandharpur
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

પરેલ વિભાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા ૮૦મા વર્ષ નિમિત્તે પંઢરપુર વારી અને વિઠ્ઠલ અને રુક્મિણી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. સંત વારકરી સ્વરૂપમાં બિરાજમાન બાપ્પાની મૂર્તિ બનાવવા માટે ચંદ્રભાગા નદીમાંથી જળ લાવવામાં આવ્યું હતું

વિઠુ માઉલીના સ્વરૂપમાં બિરાજમાન પરેલચા રાજા.

વિઠુ માઉલીના સ્વરૂપમાં બિરાજમાન પરેલચા રાજા.


ગણેશોત્સવ દરમ્યાન આખું મુંબઈ બાપ્પાના રંગમાં રંગાઈ ગયું છે ત્યારે લાલબાગ-પરેલ વિસ્તારમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. આ વર્ષે પરેલ વિભાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ, નરે પાર્ક (પરેલચા રાજા) ૮૦મા વર્ષની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે મંડળ દ્વારા મહારાષ્ટ્રની સદીઓ જૂની ‘પંઢરપુર વારી’ અને ‘વિઠ્ઠલ-રુક્મિણી મંદિર’ની અદ્ભુત થીમ સાકાર કરવામાં આવી છે. આ આયોજનને કારણે મુંબઈગરાઓને ઘરઆંગણે પંઢરીના નાથ પાંડુરંગનાં દર્શનનો લાભ મળી રહ્યો છે. પ્રવેશદ્વારથી મુખ્ય સભામંડપ સુધીની યાત્રામાં ભવ્ય મહાદ્વાર, વારકરીઓનાં કીર્તન અને ચંદ્રભાગા ઘાટનો અનુભવ કરાવતી સજાવટ જોયા બાદ સંત-વારકરી સ્વરૂપમાં બિરાજમાન ૨૩ ફુટ ઊંચી બાપ્પાની મૂર્તિનાં દર્શન થાય છે.

વારી પરંપરા



નરે પાર્ક મેદાનના પંડાલમાં પ્રવેશતાંની સાથે જ ભક્તો મુંબઈની ભાગદોડ ભૂલીને સીધા પંઢરપુર પહોંચી ગયા હોય એવો ભાસ થાય છે. પંડાલના મુખ્ય પ્રવેશદ્વારને પંઢરપુરના જગપ્રસિદ્ધ વિઠ્ઠલ મંદિરના ઐતિહાસિક ‘મહાદ્વાર’ (નામદેવ પાયરી પ્રવેશદ્વાર) જેવો આબેહૂબ આકાર આપવામાં આવ્યો છે. પથ્થરના નકશીકામવાળી વિશાળ કમાનો જોઈને જ ભક્તો નતમસ્તક થઈ જાય છે. મુખ્ય ગેટથી અંદર પ્રવેશ્યા બાદ અદ્ભુત નજારો જોવા મળે છે. ભક્તિમાર્ગ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જાણે ભક્તો ચંદ્રભાગા નદીના ઘાટ પરથી પસાર થઈ રહ્યા હોય. મંડળના કાર્યકરો ખાસ પંઢરપુર જઈને ચંદ્રભાગા નદીનું પવિત્ર જળ લાવ્યા છે. જેમ-જેમ લાઇન આગળ વધે છે, વારીયાત્રાનાં દૃશ્યો નજર સામે જીવંત થાય છે. પાલખીયાત્રા અને જ્ઞાનબા-તુકારામનો નાદ ગુંજે છે. માર્ગની બન્ને બાજુએ માથા પર તુલસીના ક્યારા અને હાથમાં પતાકા લઈને ચાલતા વારકરીઓનાં સુંદર કટઆઉટ્સ અને સ્ટૅચ્યુ ગોઠવવામાં આવ્યાં છે. ચારેકોર આસોપાલવનાં તોરણો અને સેંકડો પતાકા લહેરાતાં જોવા મળે છે. પંડાલનાં સ્પીકર્સમાંથી સતત ગુંજતા ‘વિઠ્ઠલ વિઠ્ઠલ પાંડુરંગા’ના જાપ, મૃદંગના અવાજો અને સંત તુકારામ-જ્ઞાનેશ્વરનાં લોકપ્રિય અભંગો વારીયાત્રાનો અનુભવ કરાવે છે.


સંતોની ભૂમિનાં દર્શન

પ્રવેશદ્વાર અને ચંદ્રભાગા ઘાટ પાર કરીને ભક્તો મુખ્ય સભામંડપમાં પ્રવેશે છે ત્યારે તેઓ એક વિશાળ આર્ટ ગૅલરીમાં પહોંચી જાય છે. સભામંડપના સ્તંભો અને દીવાલો પર સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ, સંત એકનાથ, સંત નામદેવના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોને સુંદર પેઇન્ટિંગ્સ અને 3-D પ્રતિકૃતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. સભામંડપની છત પર મહારાષ્ટ્રનાં પ્રાચીન મંદિરોની સ્થાપત્યકળા મુજબનું બારીક નકશીકામ કરવામાં આવ્યું છે. 
મંડળના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રના લોકોનું ભગવાન વિઠ્ઠલ સાથે ઊંડું અને ભાવનાત્મક જોડાણ છે. દર વર્ષે લાખો વારકરીઓ પગપાળા ચાલીને પંઢરપુર જાય છે. જે ભક્તો કોઈ કારણસર ત્યાં નથી જઈ શકતા તેમને મુંબઈમાં એ જ ઊર્જા, એ જ શ્રદ્ધા અને એ જ આધ્યાત્મિકતાનો અનુભવ કરાવવા માટે અમે આ વર્ષે ‘યંદાચી વારી, પરળચ્યા રાજાચ્યા દારી’ (આ વર્ષની વારી, પરેલના રાજાના દ્વારે)નો સંકલ્પ કર્યો છે. વિચાર અને ડિઝાઇન પર જાન્યુઆરી મહિનાથી કામ શરૂ થઈ ગયું હતું. મુંબઈની ભાગદોડ વચ્ચે શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે. મૂર્તિના નિર્માણ અને પંડાલની સજાવટમાં પવિત્રતા જળવાઈ રહે એ માટે ખાસ ચંદ્રભાગા નદીનું જળ લાવીને ઉમેરવામાં આવ્યું છે.’


વિઠુ માઉલીનાં દર્શન

આ આખી યાત્રાનો હાઇલાઇટ પૉઇન્ટ એટલે સંત-વારકરી સ્વરૂપે બિરાજમાન પરેલચા રાજાનાં દર્શન. ગર્ભગૃહમાં પહોંચ્યા પછી વારકરી બનેલા ભક્તો ઝૂમી ઊઠે છે. પંઢરપુરમાં વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ પાછળ જેવું ભવ્ય ચાંદીનું નકશીકામ છે એ જ પ્રકારનું આબેહૂબ બૅકગ્રાઉન્ડ અહીં તૈયાર કરવામાં આવ્યું છે. ગર્ભગૃહની આસપાસ પરંપરાગત સમઈ (પિત્તળના દીવા) પ્રગટાવવામાં આવ્યા છે. કપૂર અને અગરબત્તીની સુગંધ સાથે લાઇટિંગને એવી રીતે ફોકસ કરવામાં આવી છે કે ભક્તોની નજર સીધી બાપ્પાના મુખમંડળ પર જ ઠરે છે. આ વખતે મૂર્તિકાર દ્વારા બાપ્પાને પરંપરાગત રાજાશાહી ઠાઠને બદલે મન મોહી લે એવા સંત-વારકરીના સ્વરૂપમાં સાકાર કરવામાં આવ્યા છે. પરેલચા રાજાને સંત વારકરીનો પોશાક પહેરાવવામાં આવ્યો છે. ૨૩ ફુટના વિઠુ માઉલી બાપ્પા પરંપરાગત વારકરી શૈલીના મુગટ, સોનેરી બુટ્ટી સાથે જાંબલી વસ્ત્ર અને પીળું પીતાંબર પહેરેલા જોવા મળે છે. કપાળ પર વારકરીઓનું તિલક લગાવેલું છે. ગળામાં તુલસીની માળા શોભી રહી છે. ૬ ભુજાઓવાળી આ મૂર્તિમાં કરતાલ, વીણા અને મૃદંગ સહિતનાં પરંપરાગત સંગીતનાં સાધનો છે. જાણે બાપ્પા પોતે જ ‘વિઠ્ઠલ વિઠ્ઠલ’ના ભજનમાં લીન થઈને કીર્તન કરી રહ્યા હોય એવું પ્રતીત થાય છે. પંઢરપુરની સૌથી મોટી વિશેષતા એ છે કે ત્યાં ભક્તો ભગવાનનાં ચરણોમાં માથું ટેકવી શકે છે. એ જ પરંપરાને જાળવીને અહીં પણ ભક્તો માટે ચરણસ્પર્શની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

મંડળનું નામ : પરેલ વિભાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ, નરે પાર્ક

નજીકનું રેલવે-સ્ટેશન : સેન્ટ્રલ લાઇનનું કરી રોડ રેલવે-સ્ટેશન પંડાલની સૌથી નજીકનું સ્ટેશન છે. સ્ટેશનથી ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ થઈને ૧૫ મિનિટમાં ચાલીને પહોંચી જવાય છે. વેસ્ટર્ન લાઇનથી જવા માટે નજીકનું રેલવે-સ્ટેશન પ્રભાદેવી છે. અહીંથી કનેક્ટિંગ બ્રિજ દ્વારા પરેલ સ્ટેશન આવી એ જ રૂટથી પંડાલ સુધી પહોંચી શકાય છે. 
આરતીનો સમય : બપોરે ૧૨ વાગ્યે અને રાત્રે ૮ વાગ્યાનો છે. 

મુંબઈચા રાજામાં પણ સાકાર થઈ પંઢરપુરની થીમ

૯૯મું વર્ષ ઊજવી રહેલા લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળ, ગણેશ ગલી (મુંબઈચા રાજા) દ્વારા પણ પંઢરપુર વારી અને વિઠ્ઠલભક્તિની થીમ સાકાર કરવામાં આવી છે. પંડાલમાં પ્રવેશતાંની સાથે જ પંઢરપુર મંદિરના રક્ષક અને ભગવાન વિષ્ણુના વાહન એવા ગરુડદેવનું ભવ્ય સ્વરૂપ ભક્તોનું સ્વાગત કરે છે. આખો ભક્તિમાર્ગ ભગવી પતાકાઓ, પરંપરાગત લાઇટિંગ અને લટકતા કલાત્મક ઘંટથી સજાવવામાં આવ્યો છે. ભક્તિમાર્ગમાં સંત તુકારામ અને સંત જ્ઞાનેશ્વરની પાલખીયાત્રાને કલાત્મક કટઆઉટ્સ દ્વારા દર્શાવાઈ છે. ભક્તો લાઇનમાં કંટાળે નહીં એ માટે સ્પીકર્સ દ્વારા ‘વિઠ્ઠલ નામાચા ગજર’ (વિઠ્ઠલ-વિઠ્ઠલનો જાપ) અને સુમધુર ભક્તિસંગીત વગાડવામાં આવે છે. પંડાલના આયોજકોના જણાવ્યા મુજબ નવી પેઢી મહારાષ્ટ્રના આ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ભક્તિઆંદોલનના ઇતિહાસથી માહિતગાર થાય એ હેતુથી આ થીમ પસંદ કરવામાં આવી છે. 
‘મુંબઈચા રાજા’ની બાવીસ ફુટ ઊંચી બૅલૅન્સિંગ મૂર્તિ અત્યંત અનોખી છે. બાપ્પા કમળ પર એક પગ પર ઊભા રહીને નૃત્ય કરતી દિવ્ય મુદ્રામાં આશીર્વાદ આપી રહ્યા છે. બાપ્પાના એક હાથ પર કાગડો બેઠેલો જોવા મળે છે. વૈષ્ણવ અને સંત-પરંપરામાં કાગડાને ભગવાનનો સંદેશવાહક માનવામાં આવે છે. લાલબાગ અને પરેલ વિસ્તારમાં દર્શનાર્થે આવતા ગણેશભક્તો માટે આ વર્ષે સોનામાં સુંગધ ભળવા જેવો ઘાટ ઘડાયો છે. ભક્તો થોડા જ અંતરે મહારાષ્ટ્રની અસ્મિતા સમાન પંઢરીની વારી અને વિઠ્ઠલભક્તિનાં બે ભિન્ન અને બેજોડ સ્વરૂપ એકસાથે નિહાળી શકે છે. આ અનોખા સંયોગને કારણે આખો લાલબાગ-પરેલ પટ્ટો ૧૦ દિવસ માટે મુંબઈની મધ્યમાં સાક્ષાત્ પંઢરપુર ધામ બની ગયો હોય એવો ભક્તિમય માહોલ ઊભો થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 07:28 PM IST | Pandharpur | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK