રચિત ભાટિયાના સ્ટિંગ-ઑપરેશન બાદ વંશ બેદી પર શંકાની સોય અટકી હતી. અહેવાલોમાં નામ સામે આવ્યા બાદ વંશે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરી કે મૅચ-ફિક્સિંગ સાથે તેનો કોઈ સંબંધ નથી અને કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી છે.
વંશ બેદી
ભૂતપૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટર રચિત ભાટિયાના સ્ટિંગ-ઑપરેશન પછી ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડી વંશ બેદી પર શંકાની સોય અટકી હતી. ૨૦૨૫માં વંશ બેદી ચેન્નઈની સ્ક્વૉડનો પણ ભાગ હતો અને હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં પણ રમી રહ્યો હતો. બન્ને ટુર્નામેન્ટમાં રચિત ભાટિયાએ એક ક્રિકેટરની મદદથી અંદરની માહિતી બુકીઓ સુધી પહોંચાડીને કમાણી કરી હતી.
વંશ બેદીનું નામ વિવિધ અહેવાલોમાં સામે આવતાં તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘મારા વિશે ફરતાં કેટલાંક ખોટાં અને બદનક્ષીભર્યાં નિવેદનો વિશે હું સ્પષ્ટતા કરવા માગું છું. હું સ્ટિંગ-ઑપરેશનમાં ઉલ્લેખિત વ્યક્તિ નથી જેમાં CSK ખેલાડી સાથે સંકળાયેલા કથિત મૅચ-ફિક્સિંગ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આવી પ્રવૃત્તિઓ સાથે મારો કોઈ સંબંધ નથી. મારી કાનૂની ટીમ જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરી રહી છે.’
યુથ વન-ડે સિરીઝમાં ઑસ્ટ્રેલિયા સામે ૩-૦થી ક્લીન સ્વીપ કરી ભારતે
ADVERTISEMENT
રાજકોટમાં રમાયેલી અન્ડર-19 વન-ડે સિરીઝમાં ઑસ્ટ્રેલિયા સામે હૅટ-ટ્રિક મૅચ જીતીને ભારતે ક્લીન સ્વીપ નોંધાવી છે. અંતિમ વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાએ આપેલા ૨૫૫ રનના ટાર્ગેટને ભારતે ૪૧.૨ ઓવરમાં ચેઝ કરીને ૬ વિકેટે જીત નોંધાવી હતી.
અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં કાંગારૂઓ માત્ર ૧૭૧ રનમાં ઑલઆઉટ ભારત પાસે ૧૬૩ રનની લીડ
પૉન્ડિચેરીમાં મંગળવારથી ભારત અને ઑસ્ટ્રેલિયાની મેન્સ A ટીમો વચ્ચે બે અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થઈ હતી. ભારતે પહેલી ઇનિંગ્સમાં સાઈ સુદર્શનના ૫૭ રન, કુમાર કુશાગ્રના ૧૧૩ રન અને તનુષ કોટિયનના ૬૯ રનની મદદથી ૧૧૭.૩ ઓવરમાં ૩૩૪-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઑસ્ટ્રેલિયા ૫૫.૩ ઓવરમાં ૧૭૧ રન કરીને તંબુભેગું થયું હતું. ભારત માટે મૅચમાં ૧૬૩ રનની લીડ બાકી છે.
ભારત સામેની T20 સિરીઝમાંથી ભારતીય મૂળનો ન્યુ ઝીલૅન્ડનો ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર બહાર થયો
ભારતીય ટીમ આગામી ૨૨ ઑક્ટોબરથી ૧ ડિસેમ્બર દરમ્યાન ન્યુ ઝીલૅન્ડમાં મલ્ટિ-ફૉર્મેટ સિરીઝ રમવા જશે. ભારતની ટૂરની શરૂઆત પાંચ T20 મૅચની સિરીઝથી થશે જેના માટે ન્યુ ઝીલૅન્ડે ૧૬ સભ્યોની T20 સ્ક્વૉડની જાહેરાત કરી છે.
ભારતીય મૂળનો ન્યુ ઝીલૅન્ડની ટીમનો રેગ્યુલર સ્પિન-ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર આ સિરીઝમાં સ્થાન મેળવી શક્યો નથી. હાલમાં એક પ્રમોશનલ શૂટ દરમ્યાન તેના જમણા ખભાનું હાડકું ખસી ગયું હતું. તેની રિકવરી પ્રક્રિયામાં લગભગ ૬ અઠવાડિયાં લાગવાની ધારણા છે અને તે ૪ નવેમ્બરથી શરૂ થતી ભારત સામેની વન-ડે સિરીઝમાં વાપસી કરવાનો ટાર્ગેટ રાખી રહ્યો છે.
રાશિદ ખાને T20 બોલિંગ રૅન્કિંગમાં ટૉચનું સ્થાન ગુમાવ્યું
અફઘાનિસ્તાનના ઑલરાઉન્ડર રાશિદ ખાને ICC T20 બોલિંગ રૅન્કિંગમાં પોતાનું ટૉચનું સ્થાન ગુમાવ્યું છે. ભારત સામેની ત્રણ મૅચની T20 સિરીઝમાં રાશિદ ખાને માત્ર ૪ વિકેટ લીધી હતી. તેના સ્થાને પાકિસ્તાનનો લેગ-સ્પિનર અબ્રાર અહમદ પ્રથમ વખત નંબર વન સ્થાન પર પહોંચ્યો છે.
બોલિંગ વિભાગમાં ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમી ઓવરટને સૌથી મોટી છલાંગ લગાવી છે. શ્રીલંકા સામેની ત્રણ T20માં પાંચ વિકેટ ઝડપી અને માત્ર ૫૮ રન આપ્યા બાદ તે ૪૭ સ્થાન ઉપર ચડીને છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે.
ઇંગ્લૅન્ડના હૅરી બ્રૂકે T20I બૅટિંગ રૅન્કિંગમાં પાંચ સ્થાનની છલાંગ લગાવીને કરીઅરનું સર્વશ્રેષ્ઠ ચોથું સ્થાન મેળવ્યું છે. શ્રીલંકા સામેની T20 સિરીઝમાં તેણે ૧૭૦ રન કરીને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો.
