Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્ત્રી અને પુરુષમાં સ્ત્રી વધુ મૉડર્ન કેમ જણાય છે?

સ્ત્રી અને પુરુષમાં સ્ત્રી વધુ મૉડર્ન કેમ જણાય છે?

Published : 13 April, 2026 04:30 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સમય સાથે બદલાવું જરૂરી છે, કારણ કે જે ઢળી શકે છે તે ટકી શકે છે. આ નિયમ સ્ત્રી અને પુરુષ બન્ને પર લાગુ પડે છે, પરંતુ આપણે ત્યાં સ્ત્રીઓ અને પુરુષોના પેઢી દર પેઢીના વિકાસમાં ઘણું અંતર રહી ગયું છે એનું કારણ સમજવું જરૂરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

PoV

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


‘મિડ-ડે’ની એક કૉલમ ‘જાણીતાનું જાણવા જેવું’ માટે મેં રાકેશ બેદીને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે આ ઉંમરે સોશ્યલ મીડિયા પર આવવાનો નિર્ણય કઈ રીતે લીધો? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મારી બન્ને દીકરીઓ મારી પાછળ પડી હતી કે પપ્પા, આજના સમયમાં જો તમે સોશ્યલ મીડિયા પર નથી તો ન ચાલે. હું ૩ વર્ષ આ વાતને ટાળતો રહ્યો, પરંતુ તે બન્નેએ હાર ન માની. છેવટે મને પણ લાગ્યું કે ટ્રાય કરી જોઉં. તેમણે કહ્યું હતું કે લોકો વાત કરતા હોય છે રેલેવન્સની, સમય મુજબ વર્તનની, નવા સમયને કે નવી રીતોને અપનાવવાની. હું માનું છું કે એ ખૂબ જ જરૂરી છે.’

એક ઍક્ટર માટે જ નહીં, દરેક વ્યક્તિ માટે બદલાયેલા સમયને, બદલાયેલી પેઢીને અને જીવનમાં આવતા દરેકેદરેક બદલાવને અનુરૂપ ઢળવાનું મહત્ત્વ ઘણું છે. જે ઢળી શકે છે તે ટકી શકે છે. જોકે મને લાગ્યું કે આ ઢળવા માટે રાકેશ બેદીને જે પુશની જરૂર પડી એ પુશ તેમને કોણે આપ્યો? તેમની આગલી પેઢીએ. દરેક ઘરમાં આ નવી પેઢી જૂની પેઢીને પુશ આપતી જ હોય છે. મારા જ ઘરની વાત કરું તો મારી ૧૪ વર્ષની દીકરી મને કે-પૉપનાં ગીતો અને કોરિયન ડ્રામા જોવા માટે ફોર્સ કરતી હોય છે અને મને એમ છે કે તું સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ સાંભળ. તેણે તો કિશોર, લતા અને મોહમ્મદ રફી પણ સાંભળવાના જ છે એવું મારું ફરમાન તે ખુશીથી અપનાવે છે. એ ગીતો તે મજેથી ગાય પણ છે. બાળકો હંમેશાંથી જૂની પેઢીને સરળતાથી અપનાવી શકે છે, તકલીફ જૂનીને જ પડતી હોય છે. મને તેનાં કે-પૉપ ગીતો સાંભળવામાં કષ્ટ પડે છે છતાં હું કોશિશપૂર્વક સાંભળું છું. સાચું કહું તો હવે સાંભળતાં-સાંભળતાં મજા આવવા લાગી છે.



નવી પેઢી જૂની પેઢી કરતાં અલગ જ હોવાની. એના રંગ-ઢંગ, ખાન-પાન, પસંદ-નાપસંદ, વિચારો-વર્તન બધું જૂની પેઢી કરતાં જુદું હોવાનું જ. નવી પેઢી જૂની પેઢીના અનુભવોને સમજીને આગળ વધતી હોય છે, પણ જો એ અનુભવોને પકડીને જૂની પેઢી બેઠી રહે તો એ ત્યાં ને ત્યાં જ રહેશે, આગળ નહીં વધી શકે. આ રીતે બાળકો ખૂબ આગળ જતાં રહેશે અને તેમનાં માતા-પિતા પાછળ રહી જશે અને બન્ને પેઢી વચ્ચેનું અંતર જે છે એના કરતાં વધુ ઊંડું થતું જશે. આ સમજ ગુજરાતી ઘરોના વડીલો ખૂબ સારી રીતે સમજે છે. તમે ક્યાંય ફરવા જશો તો સમજાશે કે જે આખા પરિવારો સાથે ફરવા નીકળે છે એ ગુજરાતી પરિવારો જ હોય છે. ફરવા જવું એટલે મોકળાશ. બિનગુજરાતી પરિવારોમાં મોટા ભાગે જે પરિવાર સાથે, ખાસ કરીને તેમના વડીલો સાથે તેમને મળતી નથી એટલે તેમના પરિવારોમાં મોટા ભાગે દાદા-દાદી અલગ ફરવા જતાં હોય છે, મમ્મી-પપ્પા અલગ ફરવા જતાં હોય છે અને બાળકો પણ અલગ જતાં હોય છે. ગુજરાતી વડીલ તો ખુદ એટલા જલસા કરવામાં માનતા હોય છે કે તેઓ તેમનાં બાળકોને વધુ જલસા કરવા પ્રેરે છે, તેમના ફનને બમણું કઈ રીતે કરી શકાય એના આઇડિયા આપતા હોય છે.


ગુજરાતી સાસુ જ્યાં ફરવા જાય ત્યાં ખુદ જીન્સ ટ્રાય કરતી હોય છે એટલે એમાં વહુએ મૂંઝાવું નથી પડતું કે તે ફૅન્સી કપડાં પહેરશે તો સાસુને કેવું લાગશે? આજની તારીખે આણામાં વહુને પ્યૉર પટોળાં અને બાંધણી સાથે ઝારાનાં વન પીસ અને લિવાઇસનાં જીન્સ પણ ચડાવવા જેટલું મૉડર્નિઝમ ગુજરાતી ઘરોમાં એકદમ બેઝિક ગણાય છે. તમે રેસ્ટોરાંમાં જાઓ ત્યારે પણ એક નજર ફેરવજો. એશિયન ફાઇન ડાઇન રેસ્ટોરાંમાં ડિમસમની મજા લેતાં ૮૦ વર્ષનાં દાદી ગુજરાતી જ હશે. જોકે એક વાત તો છે કે પીત્ઝા ખાતાં કે નૂડલ્સનાં સબડકા લેતાં દાદી-નાની ઘણાં જોવા મળે છે, પણ આવા દાદાઓની સંખ્યા ઓછી હોય છે. થાઈ કે જૅપનીઝ વાનગીઓના વેજ કે જૈન ઑપ્શનને ટ્રાય કરવા માટે આપણે મમ્મીઓને કહી શકીએ, પણ એવાં કેટલાં ઘરો છે જેમાં બાળકો કહેશે કે પપ્પા, આ ટ્રાય કરો! પપ્પાને આવું કહેવાય જ નહીં એવું બાળકો માને છે અને જો અળવીતરા થઈને કોઈ કહી પણ દે તો પપ્પા ટ્રાય કરે એવાં ઘરો કેટલાં? આ પરિસ્થિતિમાં પણ મમ્મી જ છે જે પપ્પાને કહેતી હોય છે કે એક ચમચી ચાખી જુઓ. મોટા ભાગનાં ઘરોમાં પુરુષોના મૉડર્નિઝમનો સ્વાદ તેમની ધર્મપત્નીના આગ્રહનો મોહતાજ તો ખરો!

અહીં એ સ્પષ્ટતા પણ કરી દઉં કે ભાખરી-શાક ખાતા લોકો મૉડર્ન નથી એવું મારું કહેવાનું છે જ નહીં. મૉડર્ન એટલે જે વ્યક્તિ માટે બદલાવ અઘરો નથી તે. જે ભલે પોતાના દાયરામાં રહીને પણ નવી વસ્તુ કે નવા વિચારને ટ્રાય કરવામાં છોછ અનુભવતી નથી એવી વ્યક્તિ. જે ઘરોમાં લવમૅરેજ યોગ્ય ગણાતાં નથી એમાં પણ જો કોઈ એક બાળકને લવમૅરેજ કરવાં જ હોય તો એ માટે પહેલી હા મોટા ભાગે બાળકની મમ્મીની હોય છે. પપ્પાઓને મનાવવા અઘરા હોય છે. પપ્પાઓને નવી ફૅશનનાં કપડાં પહેરાવવાં પણ અઘરાં હોય છે. સોશ્યલ મીડિયા પર પણ પપ્પાઓ કરતાં મમ્મીઓ અને દાદાઓ કરતાં દાદીઓ વધુ જોવા મળે છે. મોટા ભાગનાં ઘરોમાં મમ્મીઓ જેટલી જલદી નવી ટેક્નૉલૉજીને અપનાવી લેતી હોય છે એટલી જલદી પપ્પાઓ નથી અપનાવી શકતા. પપ્પા એ જ ટેક્નૉલૉજી વિશે જાણે છે જે તેમને કામમાં અત્યંત જરૂરી હોય. એની સામે જરૂર ન હોવા છતાં AIનો ઉપયોગ કરીને મમ્મીઓ નવી-નવી રેસિપી ટ્રાય કરતી થઈ ગઈ છે.


આ ઉદાહરણો સ્પષ્ટ કરે છે કે આપણે ત્યાં સ્ત્રીઓ અને પુરુષોના પેઢી દર પેઢીના વિકાસમાં ઘણું અંતર રહી ગયું છે. એનું કારણ શું? છોકરીઓ હંમેશાં તેમની મમ્મીઓ સાથે ખૂબ વાતો કરે. શું-શું થયું, કોણે શું કહ્યું, આજકાલ તે શું કરે છે એ બધું જ મોટા ભાગની છોકરીઓ તેમની મમ્મીને કહેવાની આદત ધરાવતી હોય છે. આજના સમયમાં શું ચાલે છે, શું કરવું જોઈએ, લોકો શું વિચારે છે, શું નવી વસ્તુઓ આવી છે એ બધું જ આ વાતચીતમાં આવી જાય છે. ઘરથી બહાર કમાવા માટે નીકળેલી સ્ત્રી મૉડર્ન હોય એ સમજી શકાય, પણ સ્ત્રીઓની આ પરસ્પરની વાતચીતોને કારણે ગૃહિણીઓ ઘરની ૪ દીવાલમાં રહીને પણ મૉડર્ન બનતી હોય છે. એ વાતો જ છે જેને લીધે જૂની પેઢી એની દૃઢતા છોડીને મૉડર્ન વિચારોને અપનાવે છે. પુરુષોમાં એવું નથી. સરખામણી કરીએ તો મોટા ભાગના છોકરાઓ તેમના પિતા સાથે એટલી વાતો નથી કરતા. એ જ છોકરાઓ મમ્મી સાથે હજી ઘણી વાતો કરતા હોય છે કારણ કે મમ્મી તેમના માટે અઢળક સમય ફાળવે છે. પપ્પા એ ફાળવી નથી શકતા અને જે સમય તેમની પાસે હોય છે એમાં પણ તેમની વચ્ચે કોઈ જ કમ્યુનિકેશન સ્થપાયેલું નથી. એટલે પેઢીઓની એકબીજા સાથે જે આપ-લે હોવી જોઈએ એ પુરુષોમાં થતી નથી અથવા ઘણી ઓછી થાય છે. સ્ત્રીઓમાં એ ખૂબ સ્ટ્રૉન્ગ છે એને કારણે સ્ત્રીઓની માનસિકતા ઘણી બદલાઈ છે. તે વધુ ને વધુ સ્ટ્રૉન્ગ થઈ છે. પુરુષોએ મૉડર્ન થવું હશે તો બોલવાની અને સાંભળવાની બન્ને પ્રક્રિયા તેમનાં બાળકો સાથે ચાલુ કરવી પડશે. ફક્ત આ એક નાનકડો બદલાવ તેમને મૉડર્ન જ નહીં બનાવે, પણ એના દ્વારા જે બહાર આવશે એ ‘બાપ’ તરીકેનું ‘બેસ્ટ’ વર્ઝન હશે એની ગૅરન્ટી.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 04:30 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK