કચ્છમાં બૂટલેગર સાથે પકડાયેલી CID ક્રાઇમની પોલીસ-કૉન્સ્ટેબલ નીતા ચૌધરી ધરપકડ પછી ઇન્સ્ટાગ્રામ પર છવાઈ ગઈ છે
કરન્ટ ટૉપિક
નીતા ચૌધરી
કચ્છમાં બૂટલેગર સાથે પકડાયેલી CID ક્રાઇમની પોલીસ-કૉન્સ્ટેબલ નીતા ચૌધરી ધરપકડ પછી ઇન્સ્ટાગ્રામ પર છવાઈ ગઈ છે : ગીતો અને ડાયલૉગ્સ પર જાતજાતની રીલ્સ બનાવીને પોસ્ટ કરતી નીતા ચૌધરીના અગાઉ ૪૨ હજાર જેટલા ફૉલોઅર્સ હતા, પણ અરેસ્ટ પછી પાંચ જ દિવસમાં ૧ લાખ જેટલા થઈ ગયા છે
‘હમ શરીફ ક્યા હુએ, પૂરી દુનિયા હી બદમાશ બન ગઈ...’ ‘દિલવાલે’ ફિલ્મમાં શાહરુખ ખાનનો આ ડાયલૉગ બહુ ફેમસ થયો હતો. ફિલ્મમાં શાહરુખ ખાનના પાત્ર વિશે બધા જાણે જ છે, પરંતુ ગુજરાતના કચ્છમાં ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ક્રાઇમ, ગાંધીધામમાં ફરજ બજાવતી નીતા ચૌધરીના કેસમાં કદાચ આ ડાયલૉગ રિવર્સ થઈ ગયો હોય એમ લાગી રહ્યું છે, કેમ કે કચ્છમાં ભચાઉ પોલીસે તાજેતરમાં બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે નીતા ચૌધરીને પ્રોહિબિશનના ગુનામાં ઝડપી લીધા બાદ નીતા ચૌધરીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરના ટ્રાફિકમાં એકાએક જબરો ઉછાળો આવ્યો છે. લોકોએ તેને જોવા-જાણવા ઇન્સ્ટાગ્રામ પર લાઇન લગાડી દીધી છે. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘દીકરી રાતે ન વધે એટલી દિવસે વધે’ એમ નીતા ચૌધરીનું ઇન્સ્ટાગ્રામ પર ફૅન-ફૉલોઇંગ સુપર સૉનિકની સ્પીડે વધતું રહ્યું છે. કચ્છના સ્થાનિક લોકો કહે છે કે ધરપકડ પહેલાં નીતા ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅર્સ આશરે ૪૨ હજારની આસપાસ હશે, પરંતુ તેની ધરપકડ થઈ એ પછી માત્ર પાંચ જ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર તેનું ફૅન-ફૉલોઇંગ એક લાખ પર પહોંચી ગયા છે.
ADVERTISEMENT
કચ્છમાં બૂટલેગર સાથે પકડાયેલી CID ક્રાઇમની નીતા ચૌધરી પોતે પોલીસમાં હોવા છતાં દારૂના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે અને તેની ધરપકડ થઈ છે એટલુ જ નહીં, પોલીસ-વિભાગમાં હોવા છતાં પોલીસ વિશે સવાલ ઉઠાવતી રીલ્સ બનાવીને સોશ્યલ મીડિયામાં વાઇરલ કરનાર આ પોલીસ વિશે જાણવા લોકો જાણે બેતાબ બન્યા છે. થાર કાર અને હેલિકૉપ્ટર સાથે તેમ જ રમણીય સ્થળો સહિતની જગ્યાઓએ ડાયલૉગ્સ સાથેની રીલ્સ બનાવીને તેમ જ અસ્સલ મેંહોણી સહિત ઉત્તર ગુજરાતની લોકબોલીમાં ગવાતાં દેશી ગીતો પર રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂકતી ૩૪ વર્ષની પરિણીત નીતા ચૌધરીની લાઇફ-સ્ટાઇલ આજકાલ ચર્ચામાં છે.
નીતા ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પર જે ઝડપે ફૉલોઅર્સ વધ્યા છે એ જોઈને કચ્છના બ્લૉગર પણ મોઢામાં આંગળાં નાખી ગયા છે. કચ્છના એક બ્લૉગરે ‘મિડ-ડે’ને નામ ન લખવાની શરતે કહ્યું કે ‘દોઢ વર્ષ પછી મારા ૬૭,૦૦૦ ફૉલોઅર્સ છે, પણ નીતા ચૌધરીની ધરપકડ થયા બાદ થાર કારવાળી એક રીલ વાઇરલ થઈ એ પછી નીતા ચૌધરીનું ફૅન-ફૉલોઇંગ વધતું જ ગયું છે. હું ત્રણ દિવસથી જોઉં છું અને મેં માર્ક કર્યું છે કે ત્રણ દિવસ પહેલાં તેના ૪૨,૦૦૦ જેટલા ફૉલોઅર્સ હતા, પણ આજે
ફૅન-ફૉલોઅર્સની સંખ્યા ૯૫,૦૦૦ને વટાવી ગઈ છે. આવું થવા પાછળનું કારણ કદાચ એ છે કે તે CID ક્રાઇમની મહિલા પોલીસ-કર્મચારી છે અને તેના પર કેસ થયા બાદ તે હાઇલાઇટ થઈ છે. તેનો વિડિયો લોકો જોવા લાગ્યા છે. સીન-સપાટાવાળા વિડિયો છે એટલે પાંચ-છ જણ બેઠા હોય તો વાત નીકળે એટલે તેને લોકો ઇન્સ્ટા પર જોવા લાગ્યા છે. તેના વિશે જાણવાની પણ લોકોને ઇચ્છા હોય. ટૂંકમાં કહીએ તો કુતૂહલવશ લોકો ઇન્સ્ટાગ્રામ પર તેને જોવા માંડ્યા છે. ચાર-પાંચ દિવસની અંદર જ તેના ફૉલોઅર્સ લાખ સુધી પહોંચી જાય એટલે નવાઈ લાગી છે.’
ભચાઉ પોલીસે નીતા ચૌધરી અને બૂટલેગર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી
‘રાધા રોણી રીહોણાં નાની વાત મોં...’
‘જીવનમોં બીજું કાંઈ નો જોવે મારે, તું કાયમ રે જે મારી હારે....’
‘નૈનોમાં શ્યામની છબિ કાનાના રુદિયે રાધા વસી....’
ઉત્તર ગુજરાતની લોકબોલીમાં ગવાતાં આવાં ગીતો પર નીતા ચૌધરીની રીલ્સ ઇન્સ્ટા પર જોવા મળી રહી છે. આ રીલ્સ દર્શનીય બની રહી છે. રીલ્સ બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકવા તેના પર કોઈ પાબંધી નથી. કોઈ પણ વ્યક્તિ મર્યાદા સાથેની રીલ્સ મૂકી શકે છે અને એ તેમની અંગત બાબત છે. માત્ર ગુજરાતી અને પંજાબી ગીતો પરની રીલ્સ જ નહીં, નીતા ચૌધરીના પોલીસના ડાયલૉગ્સ સાથેની રીલ્સ પણ વાઇરલ થઈ છે જેને લઈને ક્યાંક વિરોધના સૂર પણ ઊઠ્યા છે.
નીતા ચૌધરીની ભચાઉ પોલીસે ધરપકડ કર્યા બાદ તેની કેટલીક રીલ્સ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એક રીલમાં નીતા ચૌધરી ડાયલૉગ બોલી રહી છે, ‘તમારા નામથી FIR ફાટે અને કહે હેં બાપા અમને જામીન મળશે? અમને જામીન મળશે? અરે માયકાંગલીનાઓ તમારે બાઝવા જ નો જવાય.’ બીજી એક વાઇરલ થયેલી રીલમાં પોલીસ-વિભાગ સામે પ્રશ્નો ઉઠાવતી નીતા ચૌધરી જોવા મળી રહી છે, જેમાં તે એવું બોલતી જણાય છે કે ‘અચ્છે બચ્ચે ડાક્ટર ઔર એન્જિનિયર બનતે હૈં, ઔર પતા હૈ ગંદે બચ્ચે ક્યા બનતે હૈં? પોલીસ બનતે હૈં. તાકી અચ્છે બચ્ચે સેફ રહ સકે.’
પોલીસ-વિભાગ સામે સવાલ ઉઠાવતી નીતા ચૌધરીની આ રીલના મુદ્દે પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષક સાગર બાગમારને ‘મિડ-ડે’એ પૂછ્યું કે એક પોલીસ-કર્મચારી તરીકે પોલીસ સામે સવાલ ઉઠાવતી રીલ્સ બનાવવી કેટલી યોગ્ય કહેવાય? રીલ્સ વિશે ગુનો અલગથી દાખલ થઈ શકે? આના જવાબમાં તેમણે માત્ર એટલું જ કહ્યું કે તપાસ થઈ રહી છે અને રીલ્સ વિશે તપાસ દરમ્યાન જોઈશું.
જોકે જ્યારે બૂટલેગર યુવરાજસિંહ જાડેજા અને નીતા ચૌધરીની ૨૦૨૪ની ૩૦ જૂને પોલીસે અટકાયત કરી ત્યારે સાગર બાગમારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘યુવરાજસિંહ જાડેજા પ્રોહિબિશનના ૬ ગુનામાં વૉન્ટેડ હતો. તેને પકડવામાં આવ્યો ત્યારે ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેની સાથે એક મહિલા હતી, જે પોલીસ-કર્મચારી છે અને તેનું નામ નીતા ચૌધરી છે જે અહીં CID ક્રાઇમમાં ફરજ બજાવે છે. આરોપીને રાઉન્ડઅપ કરાયો ત્યારે નીતા ચૌધરી સાથે હતી. તેનો કઈ રીતનો કૉન્ટૅક્ટ હતો અને અલગ-અલગ બીજા કયા ઍન્ગલથી જોડાયેલાં હતાં એની તપાસ દરમ્યાન ખબર પડશે.’
ભચાઉના પોલીસ-ઇન્સ્પેક્ટર એસ. ડી. સિસોદિયાને ‘મિડ-ડે’એ પૂછ્યું કે બૂટલેગર યુવરાજસિંહ જાડેજા અને નીતા ચૌધરી પાર્ટનરશિપમાં દારૂનો બિઝનેસ કરતા હતા? ત્યારે તેમણે એમ કહ્યું, ઑન-પેપર એવી કોઈ વાત પ્રસ્થાપિત નથી થઈ કે હજી સુધી એવી ઇન્ફર્મેશન નથી આવી, પણ જોઈએ, તપાસનો વિષય છે.
તેમણે એમ પણ કહ્યું કે નીતા ચૌધરી મૅરિડ છે અને મૂળ બનાસકાંઠાના પાલનપુરની છે.
કચ્છમાં શું ઘટના બની હતી?
ભચાઉ પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા FIRમાં પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ ૨૦૨૪ની ૩૦ જૂને સાંજે ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં પકડવાનો બાકી આરોપી અને લિસ્ટેડ બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સામખિયારીથી ગાંધીધામ તરફ સફેદ કલરની થાર ગાડી લઈને આવી રહ્યો છે. એ બાતમીના આધારે ભચાઉ પોલીસ-સ્ટેશન અને ગાંધીધામ LCBની ટીમે ભચાઉ ગાંધીધામ નૅશનલ હાઇવે પર ગોલ્ડન ઇગલ હોટેલની સામે આવેલા બ્રિજ નીચેના ભાગે યુવરાજસિંહની ગાડી રોકવાનો ઇશારો કરતાં પોલીસ-કર્મચારીઓને મારી નાખવાના ઇરાદાથી તેમના પર થાર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. થાર ગાડીમાંથી વિદેશી દારૂની ૧૬ બૉટલ તથા બિઅરનાં બે ટિન મળી આવતાં કચ્છના ભચાઉ તાલુકાના જૂની ચીરઈ ગામે રહેતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામ રહેતી નીતા વશરામ ચૌધરી સામે ભચાઉ પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. પ્રોહિબિશન અને હત્યાની કોશિશના ગુનામાં ભચાઉ પોલીસે લિસ્ટેડ બૂટલેગર યુવરાજસિંહ જાડેજા અને પોલીસ-કર્મચારી નીતા ચૌધરીની ધરપકડ કરી હતી. ખુદ પોલીસે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી યુવરાજસિંહ જાડેજા ભચાઉ પોલીસ-સ્ટેશનના ગુનાઓમાં નાસતો ફરતો હતો. તેને પકડવા જતાં તેની સાથે થાર ગાડીમાં બેઠેલી નીતા ચૌધરી જે CID ક્રાઇમ ગાંધીધામમાં પોલીસ-ખાતામાં હોય અને કાયદાની જાણકાર હોવા છતાં બૂટલેગર સાથે રહી તેને પોલીસને જોઈ રોકવાને બદલે સાથ આપીને ગુનો કરવામાં મદદ કરી ફરિયાદી સાથેની પોલીસ-ટીમના ચંદ્રશેખર દવે તથા વિનોદ પ્રજાપતિની I-20 ગાડીને ટક્કર મારીને તેમને મારી નાખવાની કોશિશ કરી અને પાછળ આવી રહેલી ટીમના બિંદુભા તથા વિષ્ણુદાનની ફૉર્ચ્યુનર ગાડીને ટક્કર મારી નુકસાન પહોંચાડી તેમ જ ફરિયાદી તથા તેમની સાથેના મોહનભાઈ પર થાર ગાડી ચડાવી દઈ મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો કર્યો હતો.