પિતરાઈ ભાઈએ બહેનને ડુંગર પરથી નીચે ફેંકી દીધી
પિતરાઈ ભાઈએ ટીનેજર બહેનને ૫૦૦ ફુટ ઊંડી ખીણમાં ફગાવી હત્યા કરી.
બીજી જ્ઞાતિના છોકરા સાથે પ્રેમસંબંધ બાંધનાર માત્ર ૧૭ વર્ષની ટીનેજરની તેના જ પચીસ વર્ષના પિતરાઈ ભાઈએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપી ટીનેજરને ડુંગર પર લઈ ગયો હતો અને ૫૦૦ ફુટ ઊંચેથી તેણે ટીનેજરને નીચે ખીણમાં ફેંકી દીધી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં આરોપી હૃષીકેશ શેરકરની ધરપકડ કરી છે. ઓનર કિલિંગની આ ઘટનાથી સંભાજીનગરના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
અંબડ તાલુકાના શાહગડ ગામની ૧૭ વર્ષની ટીનેજર ઘર છોડીને નીકળી ગઈ હતી. ઘરના જ લોકો તરફથી પોતાને જાનનું જોખમ છે એવી ફરિયાદ તેણે શાહગડ પોલીસ-સ્ટેશનમાં પણ કરી હતી. જોકે એ પછી પરિવારે તેને વળદગાવમાં રહેતા તેના કાકાને ત્યાં મોકલી હતી અને તેઓ ટીનેજરને સમજાવે એમ કહ્યું હતું. ટીનેજરનો પચીસ વર્ષનો પિતરાઈ ભાઈ હૃષીકેશ શેરકર તેને ફોસલાવીને ખાવડા ડુંગર પર લઈ ગયો હતો અને તેને ૫૦૦ ફુટ ઊંડી ખાઈમાં ધક્કો મારી દીધો હતો. ડુંગર પરથી પટકાવાને લીધે ટીનેજરનું મોત થયું હતું.