Mumbai Sexual Crime News: પીડિત બાળકીના માતા-પિતાએ કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોને રિક્ષાચાલકની છેડતી અંગે જાણ કરી હતી. સામાજિક સંસ્થાના કાર્યકરોએ રિક્ષાચાલકને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના મીરા રોડમાં હાલમાં એક સગીર યુવતી સાથે છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાને લોકોમાં ભારે આક્રોશ નિર્માણ થયો હતો જેને લઈને ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીને પકડીને તેની ધોલાઈ કરી દીધી અને તે બાદ તેને પોલીસને સોંપી દીધો હતો. મીરા રોડ વિસ્તારમાં ગયા અઠવાડિયે બનેલી હત્યાની ઘટના બાદ હવે સગીર યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ પહેલા છેડતીનો આરોપ લગાવનાર રિક્ષાચાલકને જબરદસ્ત માર માર્યો હતો અને તે બાદ આ બદમાશને લોકોએ અર્ધ-નગ્ન અવસ્થામાં આસપાસના વિસ્તારમાં ફેરવી તેની પરેડ કાઢી હતી. આ પછી લોકોએ તેને કાશ્મીરા પોલીસને સોંપી દીધો હતો. રવિવારે સાંજે બનેલી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ સગીરાની છેડતી કરનાર આરોપી રિક્ષાચાલકને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.
સગીરને હેરાન કરતો હતો
ADVERTISEMENT
મીડિયા અહેવાલો મુજબ, રિક્ષાચાલક 12 વર્ષની બાળકીને કેટલાક દિવસોથી હેરાન કરી રહ્યો હતો. આરોપીની ઓળખ 38 વર્ષના રાજુ વર્મા તરીકે થઈ હતી. 5 જાન્યુઆરી રવિવારના રોજ સાંજે યુવતી કામ અર્થે બહાર ગઈ હતી. રાજુએ યુવતીને સાર્વજનિક શૌચાલય જવા ઈશારો કર્યો. રિક્ષાચાલકનો ઈરાદો સમજી યુવતી ત્યાંથી ભાગી ગઈ હતી. ઘરે પહોંચીને, તેણે તેના પરિવારના સભ્યોને આ ઘટના બાબતે વાત કરી. કાશીમીરા પોલીસે આરોપી રિક્ષાચાલક રાજુ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર લાલુ તુરેના જણાવ્યા અનુસાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રંગે હાથે પકડીને માર માર્યો
પીડિત બાળકીના માતા-પિતાએ કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોને રિક્ષાચાલકની છેડતી અંગે જાણ કરી હતી. સામાજિક સંસ્થાના કાર્યકરોએ રિક્ષાચાલકને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. યુવતીને ફરીથી સ્થળની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું. સગીર યુવતીને આવતી જોઈને રિક્ષા ચાલકે ફરીથી અશ્લીલ હરકતો કરતો પકડાઈ ગયો હતો. આ પછી લોકોએ આરોપી રિક્ષાચાલકને ખૂબ માર માર્યો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો.
મીરા રોડમાં હત્યાની ઘટનાથી ખળભળાટ
મીરા રોડમાં રેલવે-સ્ટેશનની સામે આવેલા શાંતિ શૉપિંગ સેન્ટરમાં રાત્રે સાડાનવ વાગ્યાની આસપાસ મોહમ્મદ તબરેઝ ઉર્ફે સોનુ નામના યુવકના માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. નયાનગર પોલીસના જણાવ્યા મુજબ શાંતિ શૉપિંગ સેન્ટરની બી-વિંગમાં કોઈની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ ટીમે ઘટનાસ્થળે જઈને પંચનામું કર્યું હતું. પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી કરવામાં આવેલા ગોળીબારમાં યુવકના માથામાં ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આથી તેના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો. ફાયરિંગ કોણે અને કયા કારણસર કરવામાં આવ્યું છે એની માહિતી મેળવવામાં આવી રહી છે. ફાયરિંગ કરનારો આરોપી પલાયન થઈ ગયો છે.