સાડી અને બ્લાઉઝ મૅચિંગ હોવાં જોઈએ એ જમાનો હવે ગયો. લેટેસ્ટ ટ્રેન્ડ હવે કૉન્ટ્રાસ્ટ બ્લાઉઝનો છે એટલું જ નહીં, પ્રિન્ટેડ ફૅન્સી પૅટર્નનાં બ્લાઉઝ હવે સાડીના લુકને અલગ જ ટચ આપે છે
પ્રિન્ટેડ કૉન્ટ્રાસ્ટ બ્લાઉઝ
સાડી એક એવરગ્રીન અને ઑલટાઇમ હિટ ભારતીય પોષાક છે. સાડી પહેરેલી દરેક યુવતી વધુ સુંદર લાગે છે. ક્યારેય આઉટડેટેડ ન થતી સાડીની સાથે જોડાયેલી ફૅશનમાં જુદા-જુદા અને નાના-મોટા બદલાવ થતા રહે છે. હાલમાં એમાં ખાસ આંખે ઊડીને વળગે છે એ છે સાડી સાથે કૉન્ટ્રાસ્ટ કલર અને પ્રિન્ટેડ મટીરિયલનાં ફૅન્સી પૅટર્નનાં સાડી બ્લાઉઝ.
બોરીવલીના મોક્ષ પ્લાઝામાં બુટિક અને ૧૮ વર્ષનો અનુભવ ધરાવતાં ફૅશન-ડિઝાઇનર નીલુ ભાર્ગવ કહે છે, ‘સરસ ડિઝાઇનર બ્લાઉઝ કોઈ પણ સાડીની સુંદરતામાં ચાર ચાંદ લગાડી દે છે એટલે હંમેશાં પર્ફેક્ટ ફિટિંગવાળું ફૅન્સી બ્લાઉઝ પહેરવું જોઈએ. અત્યારે કૉટન સિમ્પલ સાડી હોય કે હેવી સિલ્ક સાડી, દરેક સાથે કૉન્ટ્રાસ્ટ કલર અને પ્રિન્ટેડ ફૅન્સી પૅટર્નનાં સાડી બ્લાઉઝ ઇનથિંગ છે અને ટ્રેડિશનલ અને મૉડર્ન બન્ને લુકમાં પ્રિન્ટેડ બ્લાઉઝ શોભે છે. સાડી સાથે કૉન્ટ્રાસ્ટ કલરના પ્રિન્ટેડ બ્લાઉઝનું કૉમ્બિનેશન જુદો કલર અને એમાં ખીલતી પ્રિન્ટ હોવાને કારણે એકદમ આંખે ઊડીને વળગે છે.’
ADVERTISEMENT
ટ્રેડિશનલ પ્રિન્ટેડ બ્લાઉઝ
કોઈ પણ પ્લેન સાડી કે બૉર્ડરવાળી સાડી સાથે ટ્રેડિશનલ બાંધણી, પટોળાં, અજરખ, ઇક્કત, કલમકારી, મધુબની, બનારસી, બ્રૉકેડ પ્રિન્ટનાં બ્લાઉઝનું કૉમ્બિનેશન સુંદર ઉઠાવ આપે છે. હેવી પટોળા સાડીમાં કૉન્ટ્રાસ્ટ મૅચિંગનું ફુલ પટોળાનું હેવી બ્લાઉઝ બહુ સુંદર ક્લાસિક લાગે છે. પ્લેન કે બૉર્ડરવાળી સિલ્કની સાડી સાથે પટોળા કે ઇક્કત પ્રિન્ટનું કૉન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ આંખે ઊડીને વળગે છે. પ્લેન સાડી સાથે બાંધણી પ્રિન્ટનું બ્લાઉઝ કે અજરખ પ્રિન્ટનું બ્લાઉઝ પણ બહુ સરસ લાગે છે. ગામઠી પ્રિન્ટ કે બ્લૉક પ્રિન્ટનાં કૉન્ટ્રાસ્ટ બ્લાઉઝ પણ કૉટન સાડી સાથે શોભે છે. હેવી પૈઠણી સાડી સાથે હમણાં પૈઠણી સાડીના હેવી પાલવ જેવું જ હેવી ડિઝાઇન વણાટ કરેલું બ્લાઉઝ પહેરવામાં આવે છે. સિલ્કની સાડી કે અન્ય હેવી સાડી સાથે બનારસી બ્રૉકેડ બ્લાઉઝ હેવી પાર્ટીવેઅર અને વેડિંગ લુક માટે પર્ફેક્ટ છે.
મૉડર્ન પ્રિન્ટ
પ્લેન સાડી સાથે કે પ્રિન્ટેડ કે બૉર્ડરવાળી સાડી સાથે મૉડર્ન ફ્લાવર પ્રિન્ટ, ઍબ્સ્ટ્રૅક્ટ કલર પ્રિન્ટ, કૅમેરા, પતંગ, હાથી, જેવી અલગ જ ફન્કી પ્રિન્ટ કે જ્યોમેટ્રિક પ્રિન્ટનાં બ્લાઉઝ હટકે લુક આપે છે. પ્રિન્ટેડ બ્લાઉઝ અને પ્લેન સાડીનું કૉમ્બિનેશન તો સરસ લાગે જ છે, પણ અત્યારની ફૅશન પ્રમાણે બે ડિફરન્ટ પ્રિન્ટનું કૉમ્બિનેશન પણ હિટ છે. આ કૉમ્બિનેશન બહુ સ્માર્ટ્લી કરવું જરૂરી છે. ચેક્સવાળી સિલ્ક કે કૉટનની સાડી સાથે ઝીણી છૂટી બુટ્ટી કે ઇક્કત પ્રિન્ટનું જ્યોમેટ્રિક ફીલ આપતું બ્લાઉઝ, લાઇનિંગ કે સ્ટ્રાઇપ્સવાળી સાડી સાથે પ્લેન કે બીજી ડિફરન્ટ પ્રિન્ટનું કૉન્ટ્રાસ્ટ બ્લાઉઝ, પ્લેન શિફોન સાડી સાથે ફ્લાવર પ્રિન્ટનું કે કૉન્ટ્રાસ્ટ મેચિંગમાં ફ્લાવર એમ્બ્રૉઇડરી કરેલું બ્લાઉઝ, પ્લેન બૉર્ડરવાળી સાડી સાથે બૉર્ડરના રંગનું અથવા બીજાં અન્ય કૉન્ટ્રાસ્ટ બ્લાઉઝ પાર્ટી લુક ક્રીએટ કરે છે.
સ્લીવ્ઝ અને સ્ટાઇલ
પ્રિન્ટેડ બ્લાઉઝ પૅટર્નમાં ફુલ સ્લીવ્ઝ, થ્રી-ફોર્થ સ્લીવ્ઝ, બેલ સ્લીવ્ઝ, બંધ નેક, બોટ નેક, કૉલરવાળાં બ્લાઉઝ વધારે સરસ લાગે છે કારણ કે પ્રિન્ટ ખીલીને દેખાય છે એમ જણાવતાં નીલુ ભાર્ગવ ઉમેરે છે, ‘હાફ પ્રિન્ટેડ અને હાફ પ્લેન મટીરિયલ યુઝ કરીને કૉમ્બિનેશન પૅટર્ન પણ સરસ ઉઠાવ આપે છે. સ્લીવ્ઝ પ્રિન્ટેડ અને કોઠો પ્લેન અથવા બ્લાઉઝનો કોઠો પ્રિન્ટેડ અને સ્લીવ્ઝ પ્લેન રાખી ફૅન્સી બ્લાઉઝ બનાવવામાં આવે છે. બે ડિફરન્ટ પ્રિન્ટવાળા મટીરિયલનું કૉમ્બિનેશન કરીને પણ ફૅન્સી ડિઝાઇન ક્રીએટ કરવામાં આવે છે. કોઈ એક કલરફુલ પ્રિન્ટ કે ઘણાબધા રંગની એમ્બ્રૉઇડરી કરેલું ફુલ સ્લીવ્ઝનું એક બ્લાઉઝ સાડી પહેરવાના દરેક શોખીને વૉર્ડરોબમાં રાખવું જોઈએ જેની જોડે ઘણીબધી સાડી કૉમ્બિનેશન કરીને લેટેસ્ટ ફૅશન ફૉલો કરી શકાય છે.’
કૉન્ટ્રાસ્ટ કલર-કૉમ્બિનેશન
કૉન્ટ્રાસ્ટ પ્રિન્ટ અને કલર-કૉમ્બિનેશનમાં રંગો વિશે વાત કરતાં નીલુ ભાર્ગવ કહે છે, ‘સાડીના બેઝ કલર અને બૉર્ડર કલર એકસરખા અથવા એક જ ટોનમાં હોય તો એની સાથે કૉન્ટ્રાસ્ટમાં બ્લાઉઝનો રંગ પસંદ કરવામાં આવે છે. જો સાડીનો બેઝ કલર અને બૉર્ડરનો રંગ જુદો-જુદો હોય તો ત્રીજો જ રંગ પસંદ કરવામાં આવે છે. હવે અમુક રંગને અમુક રંગ સાથે જ પહેરી શકાય એવા કોઈ નિયમો રહ્યા નથી. અમે નવાં-નવાં કૉમ્બિનેશન ટ્રાય કરતાં રહીએ છીએ. પિન્ક અને રાની સાથે મેહંદી ગ્રીન, ગ્રે સાથે રાણી કે પિન્ક કે મરૂન કલર, ડાર્ક ગ્રીન સાથે પિન્ક, યલો સાથે બ્લુ અથવા રામા ગ્રીન, ફ્લોરેસન્ટ ગ્રીન સાથે ક્રીમ, પેસ્ટલ ગ્રીન સાથે લાઇટ પેસ્ટલ પિન્ક, રેડ અને બ્લુ જેવાં નવાં કૉમ્બિનેશન સરસ લાગે છે. જ્યારે રેડ અને ગ્રીન, બ્લૅક અને ગોલ્ડ, ક્રીમ ગોલ્ડ સાથે મરૂન અથવા બ્રાઉન, ક્રીમ સાથે રેડ અથવા મરૂન આ કૉન્ટ્રાસ્ટ કૉમ્બિનેશન તો એકદમ ક્લાસિક કૉન્ટ્રાસ્ટ કૉમ્બિનેશન ગણાય છે.’