‘અરે, તેનું નહીં, તમારું નામ.’ સાવંતને પોતાને જ નામ યાદ આવી ગયું, ‘હા, વસંતભાઈ... વસંતભાઈ, તમે પોતે કહો છો કે તમારી દીકરી ૨૪ વર્ષની છે. ઍડલ્ટ એજની વ્યક્તિ ગુમ થાય તો ૨૪ કલાક પહેલાં અમે તેને શોધવા માટે ન નીકળી શકીએ.
ધ કર્મા ફાઇલ્સ: પ-૪-૩-૨-૧
‘સર, પ્લીઝ કંઈ કરોને. મને બહુ ટેન્શન થાય છે.’
ઇન્સ્પેક્ટર સાવંત પોતાની ચેમ્બરમાં બેઠા હતા. કડક ઇસ્ત્રી કરેલો યુનિફૉર્મ અને આંખોમાં વર્ષોનો અનુભવ, પણ એ અનુભવમાં ક્યાંક સ્વાર્થની ધૂળ પણ ચોંટેલી હતી. વસંત મારુના શબ્દોએ સાવંતના ચહેરા પર ફરી એક વાર કંટાળો પ્રસરી ગયો. તેણે ટેબલ પર પડેલી ટૂથપિક ઉપાડીને પોતાના જમણા જડબાનો સૌથી છેલ્લો દાંત ખોતર્યો.
ADVERTISEMENT
‘શું નામ તમે બોલ્યા...’
‘ધ્વનિ... ધ્વનિ મારુ.’
‘અરે, તેનું નહીં, તમારું નામ.’ સાવંતને પોતાને જ નામ યાદ આવી ગયું, ‘હા, વસંતભાઈ... વસંતભાઈ, તમે પોતે કહો છો કે તમારી દીકરી ૨૪ વર્ષની છે. ઍડલ્ટ એજની વ્યક્તિ ગુમ થાય તો ૨૪ કલાક પહેલાં અમે તેને શોધવા માટે ન નીકળી શકીએ. તમે એક કામ કરો, બહાર ઍપ્લિકેશન લખી આપો. એવું હશે તો કાલે આપણે તપાસ કરીશું.’
‘સર, તે એવી રીતે ગુમ નથી થઈ.’
‘હું પણ એ જ કહું છું, તમારી ડૉટર એવી રીતે ગુમ નથી થઈ. શું છે આ યંગ જનરેશન મૂડી હોય છે. તે ગઈ હશે ક્યાંક પોતાના બૉયફ્રેન્ડ સાથે...’
‘ના સર, તે ફરિયાદ લખાવવા ગઈ હતી.’ વસંત મારુએ કહ્યું, ‘રાજીવ ઠક્કર વિરુદ્ધ. રાજીવ ઠક્કરે તેની સાથે છેડતી કરી હતી અને તે છેલ્લા થોડા સમયથી...’
‘શું નામ બોલ્યા તમે?’
ઇન્સ્પેક્ટર સાવંતે નામ સાંભળ્યું હતું, પણ નામની ખરાઈ કરવી જરૂરી હતી.
‘રાજીવ ઠક્કર...’ વસંતે ફરી વખત નામ કહ્યું, ‘ફિલ્મ-ફાઇનૅન્સર અને પ્રોડ્યુસર છે તે. તેના પપ્પા કંઈક બિલ્ડર...’
‘જે. પી. ઠક્કર... ઓળખું હું તેને.’ ઇન્સ્પેક્ટર સાવંતે તરત જવાબ આપ્યો, ‘રાજીવ ઠક્કર શું કામ તમારી ડૉટરને હેરાન કરે?’
‘મારી ડૉટર તેની કંપનીમાં જૉબ કરે છે.’ વસંતની જીભ પર કડવાશ આવી ગઈ, ‘તે માણસ એક નંબરનો હરામખોર છે. મારી દીકરી પર તેની ખરાબ નજર હતી. સહન થયું ત્યાં સુધી તો ધ્વનિએ સહન કર્યું, પણ પછી વાત વધી ગઈ એટલે તેણે નક્કી કર્યું કે રાજીવ ઠક્કર વિરુદ્ધ તે પોલીસ-ફરિયાદ કરશે. ફરિયાદ કરવા ગઈ ત્યારથી તેનો કોઈ પત્તો નથી. ધ્વનિનો મોબાઇલ પણ સ્વિચ્ડ-ઑફ છે.’
‘હં તો...’ ઇન્સ્પેક્ટર સાવંતે ફરી ટૂથપિક દાંતમાં ખોસી, ‘રાજીવે એવું તે શું કરી લીધું કે તમારી દીકરીએ છેક કમ્પ્લેઇન્ટ સુધી પહોંચવું પડ્યું?’
‘સર, તે CCTV કૅમેરાને ખરાબ રીતે ગોઠવીને ધ્વનિને જોયા કરતો. વાત તો ત્યારે વધી ગઈ જ્યારે ધ્વનિને ખબર પડી ગઈ કે રાજીવ ઠક્કરે ફીમેલ સ્ટાફના વૉશરૂમમાં પણ કૅમેરા ગોઠવ્યા છે અને તે આખો દિવસ એ જ જોયા કરે છે.’
‘વસંતભાઈ, આ બધું કહેવું ઈઝી છે, પણ ભૂલતા નહીં કે રાજીવ ઠક્કર અને તેના પપ્પા બહુ મોટા માણસો છે. મુંબઈમાં જ તેમના જે પ્રોજેક્ટ ચાલે છે એની કિંમત ૩૦,૦૦૦ કરોડ ઉપર છે. તમે આવડા મોટા માણસનું નામ... આવી... સાવ આવી વાતમાં ઉડાડશો?’
‘સર, જે સાચું છે એ કહું છું.’
‘શું સાચું?’ ઇન્સ્પેક્ટર સાવંતનો અવાજ મોટો થયો, ‘અરે, રાજીવ ઠક્કર ધારે તો હૉલીવુડની હિરોઇનને બોલાવી શકે. તે શું કામ તમારા જેવા ફટીચરની દીકરી પર નજર બગાડે.’
‘અમારામાં કહેવત છે...’ વસંત મારુએ કહેવત પૂરી કરી, ‘રાજાને ગમે તે રાણી, પછી ભલે હોય તે કામવાળી. મારી દીકરી કામવાળી તો નહોતી અને રાજીવ ઠક્કર રાજા નહોતો એટલે તમારી આ દલીલ ક્યાંક ખોટી છે સર...’
‘એવું પણ બને જ છેને, કામવાળી જ રાજાને ફસાવે.’ ઇન્સ્પેક્ટર સાવંતે સિગારેટનો ધુમાડો હવામાં છોડ્યો, ‘જેની પાસે પૈસાની તાકાત હોય તેને ખિસ્સામાં કરવાનું કામ કોણ ન કરે વસંતભાઈ?’
‘મારી દીકરી...’ ઊંડો શ્વાસ લઈને વસંત મારુએ સાવંતની સામે જોયું, ‘મારી દીકરી એવું ન કરે અને હું આ ગૅરન્ટી સાથે કહું છું.’
‘હં... ઠીક છે.’ સાવંતે વાત પૂરી કરતાં કહ્યું, ‘તમે અત્યારે ઘરે જાઓ, અમે તપાસ કરીએ છીએ... પણ યાદ રાખજો, મોટા માણસનું ક્યાંય પણ નામ લેતાં પહેલાં વિચાર કરજો. તે બદનક્ષીનો દાવો માંડશે તો ઘરબાર વેચાઈ જશે.’
‘હું હવે ક્યારે આવું?’
‘તમારે આવવાની જરૂર નથી... તમારી ડૉટરની ખબર પડશે એટલે હું જ તમને સમાચાર આપી દઈશ.’
બીજા દિવસે એવા સમાચાર આવ્યા જેની કોઈએ કલ્પના સુધ્ધાં નહોતી કરી.
વસંત મારુ બોરીવલીમાં રહેતા હતા. તેમની દીકરી ધ્વનિ મારુ અંધેરીમાં રાજીવ ઠક્કરની ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં જૉબ કરતી હતી. ધ્વનિની ઇચ્છા તો ઍક્ટ્રેસ બનવાની હતી. તેનાં કદ-કાઠી અને રૂપ પણ ઍક્ટ્રેસ જેવાં હતાં, પણ નસીબ સાથ આપતું નહોતું.
‘બેટા, તું ટેન્શન નહીં કર... બસ, મહેનત કરતી રહે.’
એક જ દીકરી અને ૩ જણનું નાનું કુટુંબ એટલે ધ્વનિ પર પૈસા કમાવાનું ખાસ ટેન્શન નહોતું. બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ પર મોબાઇલ રિપેરિંગની નાનકડી દુકાન ચલાવતા વસંત મારુના હાથમાં જાદુ હતો. ડેટા રિક્વરીમાં તેમની માસ્ટરી હતી તો સાથોસાથ હૅકિંગમાં પણ તે અવ્વલ દરજ્જાના મૅજિશ્યન. અનેક વખત પોલીસ ડિપાર્ટમેન્ટે પણ તેમની હેલ્પ લીધી હતી. જોકે આજે પહેલી વાર એવું બન્યું કે વસંતભાઈએ પોલીસની હેલ્પ માટે જવું પડ્યું.
‘વસંતભાઈ, તાત્કાલિક આવો...’ ઇન્સ્પેક્ટર સાવંતે કહ્યું, ‘તમને લાઇવ લોકેશન શૅર કર્યું છે. આવવાનું છે વરલી સી-ફેસ પાસે.’
‘મારી દીકરી...’
‘આપણે રૂબરૂ વાત કરીએ.’ સાવંતે કહ્યું, ‘હું નીકળું છું... તમે જલદી પહોંચો.’
મુંબઈના વરલી સી-ફેસ પાસેના એરિયાની એક મોટી ગટરમાંથી લાશ મળી હતી.
ઇન્સ્પેક્ટર સાવંત ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં પહેલેથી જ વસંત મારુ પહોંચી ગયા હતા. એ લાશ ધ્વનિની હતી. ધ્વનિનું ગળું કોઈએ અત્યંત ક્રૂરતાથી દબાવ્યું હતું અને પછી તેની જીભ કાપી નાખી હતી.
ક્રૂરતા જોઈને સાવંતને પરસેવો છૂટી ગયો.
જો વાત મીડિયા સુધી પહોંચે અને એમાં રાજીવનું નામ ઊછળે તો ચોક્કસપણે ઠક્કરસાહેબ તેને છોડે નહીં. સાવંતે તરત જ પંચનામાની તૈયારી શરૂ કરી.
‘વસંતભાઈ, મને લાગે છે કે આ કોઈ સાઇકોપૅથનું કામ છે. આ કામ તે જ કરી શકે જેણે અગાઉ મર્ડર કર્યાં હોય. આ કોઈ નવાસવાનું કામ નથી.’
ઇન્સ્પેક્ટર સાવંતે વસંતભાઈ સામે જોયું, પણ વસંતભાઈના ચહેરા પર શાંતિ હતી. અલબત્ત, તેમની શાંતિ ડરામણી હતી. વસંતભાઈની નજર ધ્વનિની ડેડબૉડી પર હતી. ધ્વનિના હાથની મુઠ્ઠી સજ્જડ બંધ હતી.
‘વસંતભાઈ, હિંમત રાખો...’
વસંતભાઈએ સાવંતની સામે જોયું. તેની આંખો કોરીધાકોર હતી.
‘શાંત જ છું અને શાંતિથી જ કહું છું...’ વસંતભાઈનો અવાજ દબાયેલો હતો, ‘જેણે પણ આ કર્યું છે તેને મુંબઈની હવા પણ માફ નહીં કરે.’
‘સાચું... સાવ સાચું, પણ હું શું કહું છું... તમે, તમે અત્યારે શાંતિ રાખજો.’ ઇન્સ્પેક્ટર સાવંતે વસંતભાઈના ખભા પર હાથ મૂક્યો, ‘મુંબઈ પોલીસ આની ઇન્ક્વાયરી કરશે અને આરોપીને પકડીને લાવશે.’
‘તમારે જે કરવું હોય એ કરો... પણ એટલું નક્કી છે...’ વસંતભાઈએ દાંત ભીંસ્યા, ‘હું તો મારી રીતે આગળ વધીશ... કન્ફર્મ.’
‘વસંતભાઈ... શાંત...’
હવામાં હાથ ઊંચો કરીને વસંત મારુએ ઇન્સ્પેક્ટર સાવંતને ચૂપ કર્યા.
‘હું તો શાંત રહીશ, પણ આ આંખો... એ પણ શાંત રહેશે. ત્યાં સુધી જ્યાં સુધી મારી દીકરીની આવી હાલત જેણે કરી તેને તમારી સામે નહીં લાવું...’
વસંત મારુ ત્યાંથી નીકળી ગયા અને ઇન્સ્પેક્ટર સાવંત તેમને જોતા રહ્યા.
ઘરે જવાને બદલે વસંત મારુ સીધા પોતાની દુકાને પહોંચ્યા અને દુકાનનું શટર અંદરથી બંધ કરી દીધું. હવે તેમની એક જ મકસદ હતી, ધ્વનિના આરોપીની શોધવો. તેમણે વારાફરતી મુંબઈના દરેક એરિયાના CCTV કૅમેરા હૅક કરવાનું શરૂ કર્યું અને એની શરૂઆત કરી વરલી સી-ફેસથી.
વસંત મારુના હાથ કમ્પ્યુટર પર ફરતા હતા ત્યારે ઇન્સ્પેક્ટર સાવંત રાજીવ ઠક્કરને મળવા જુહુ પહોંચ્યા. એ સમયે રાજીવ ઘરે જ હતો પણ તેણે બેફામ ડ્રિન્ક લીધું હતું.
‘રાજીવબાબા, તમે શું કર્યું એનું તમને ભાન છે...’ ઇન્સ્પેક્ટર સાવંતે ગુસ્સામાં કહ્યું, ‘હું બેઠો છું એ પછી તમારે શું કામ દોઢડહાપણ કરવાની જરૂર હતી.’
‘મેં કંઈ નથી કર્યું સાવંત અંકલ!’ રાજીવની જીભ થોથવાતી હતી, ‘હું... હું તો આખી રાત ફાયર ઍન્ડ આઇસમાં હતો. પૂછો ત્યાં જઈને...’
સાવંતે જોયું કે રાજીવના હાથ પર નખના ઉઝરડા હતા.
પોલીસની નજર માટે આટલો અમસ્તો પુરાવો પણ પૂરતો હતો. સાવંત સમજી ગયા કે આ કાંડ રાજીવનું જ છે.
‘બાબા, હવે તમે કંઈ નહીં કરો.’ સાવંતે મીઠડા થવાની તક ઝડપી લીધી, ‘હું બધું મારી રીતે મૅનેજ કરી લઈશ પણ તમે... મને પૂછ્યા વિના હમણાં ઘરની બહાર પણ નહીં નીકળતા. આ... આ મારી તમને રિક્વેસ્ટ છે.’
સાંજે ઘરે પહોંચતાં સુધીમાં સાવંતે ફાયર ઍન્ડ આઇસ ક્લબના તમામ CCTV કૅમેરાનાં ફુટેજ ડિલીટ કરાવી નાખ્યાં તો ધ્વનિ જ્યાં-જ્યાંથી પસાર થતી જોવા મળી એ તમામ રસ્તાઓના CCTV કૅમેરાનાં ફુટેજ પણ તેણે ડિલીટ કરાવી નાખ્યાં.
છેલ્લાં ફુટેજ ડિલીટ થયા પછી સાવંતને હાશકારો થયો અને તે ઘરે જવા માટે રવાના થયા. સાવંતને મનમાં હતું કે તેણે ખાસ્સું કામ કરી લીધું છે. જોકે એ તેનો ભ્રમ હતો, જેની તેને બહુ મોડી ખબર પડવાની હતી.
‘દેવાંશ અજૂન ઘરી આલા નાહી કા?’
ઘરમાં દાખલ થતાં જ ઇન્સ્પેક્ટર સાવંતે પત્નીને પૂછી લીધું. જવાબ નકારમાં આવ્યો એટલે સાવંતે દીકરાને ફોન કર્યો, પણ દેવાંશનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ હતો.
‘આ છોકરો પણ હદ કરે છે...’ બબડાટ કરતાં ઇન્સ્પેક્ટર સાવંતે મોબાઇલનો સોફા પર ઘા કર્યો, ‘ક્યારેય કહીને જતો નથી... કોઈક દિવસ મને ટેન્શન કરાવશે.’
ટ્રિન... ટ્રિન...
રાતે ૧૦ વાગ્યે અજાણ્યા નંબરથી સાવંતના વૉટ્સઍપ પર વિડિયો-કૉલ આવ્યો. સામાન્ય રીતે અજાણ્યા નંબરનો ઉપયોગ ખબરીઓ કરતા હોય છે એટલે સાવંતે ફોન રિસીવ કર્યો અને સામેનું દૃશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.
સામે રાજીવ ઠક્કર લોહીલુહાણ હાલતમાં એક ખુરસી પર બંધાયેલો હતો. તેની સામે વસંત મારુ ઊભા હતા. વસંતભાઈએ કૅમેરા તરફ જોયું.
‘ઇન્સ્પેક્ટર સાવંત, તમે પુરાવા ડિલીટ કર્યાને? પણ એ બધામાં તમારી એક એવી કીમતી વસ્તુ ખોવાઈ ગઈ જેને તમે અત્યારે બહુ યાદ કરો છો.’
‘એય... વસંત, તું... તું રાજીવબાબાને છોડ...’ અચાનક સાવંતનું દિમાગ કામ પર લાગ્યું, ‘તું... તું... મારા દીકરા દેવાંશ...’
ફોન સાઇડ પર મૂકીને ઇન્સ્પેક્ટર સાવંત આખું ઘર ફેંદી વળ્યા. દેવાંશ ઘરમાં ક્યાંય નહોતો. સાવંતે ફરી મોબાઇલ હાથમાં લીધો.
‘વસંત, દેવાંશ ક્યાં છે? ક્યાં છે દેવાંશ?’
‘મારી દીકરીની જીભ કપાઈ એટલે તે બોલી શકી નહીં, પણ દેવાંશ તો હજી બોલી શકે છે અને હું ઇચ્છું છું કે તે કાયમ બોલતો રહે.’
‘તારે શું જોઈએ છે?’
‘ન્યાય... તમે આરોપીને પકડો... પાંચ દિવસ, ના, સૉરી ૪ દિવસમાં. એક દિવસ આજનો પૂરો થઈ ગયો.’ વસંતે ફોન કટ કરતાં પહેલાં કહ્યું, ‘આરોપી જેલમાં હશે તો જ હવે તમને તમારો વંશ મળશે.’
‘પણ એમાં દેવાંશનો શું વાંક.’
સાવંતના શબ્દો વસંતભાઈ સુધી પહોંચે એ પહેલાં તેમણે ફોન કટ કરી નાખ્યો.
(ક્રમશ:)
