‘કંઈ નહીં.’ નજમાનો અવાજ થરથર્યો, ‘તેમણે પોતાનું કાર્ડ આપીને કહ્યું કે મારી પાસે કંઈ માહિતી હોય તો તેમને પહોંચાડવી.’
ઇલસ્ટ્રેશન
નજમા બપોરની ડ્યુટી પર પહોંચી ત્યારે તેનો મોબાઇલ જમા લેતી વખતે ત્યાં ઊભેલા ગાર્ડે નજમા તરફ વિચિત્ર દૃષ્ટિએ જોયું અથવા નજમાને એવું લાગ્યું! આ એ જ ગાર્ડ હતો જેને નજમાએ સવારે ઇમામની દરગાહ પર જોયો હતો. નજમાના કપાળ પર અકારણ જ પરસેવો વળી ગયો. તેની આંખોમાં ભય સ્પષ્ટ વંચાયો. ‘ખૈરિયત? કેમ ડરેલી લાગે છે?’ ગાર્ડે નજમાને પૂછ્યું. નજમાનો ભય વધી ગયો. તેનો શક યકીનમાં ફેરવાઈ ગયો. તે થોડી ક્ષણો ગાર્ડ સામે જોતી રહી. તેના ચહેરા પરનો પરસેવો જોઈને ગાર્ડે કહ્યું, ‘પાણી પી, ગરમી બહુ છે.’
નજમાએ ડોકું હલાવીને ત્યાં પડેલી બૉટલમાંથી પાણી પીધું. ‘શુક્રન’ કહીને તે સિક્યૉરિટી ચેકમાંથી પસાર થઈને ભીતર દાખલ થઈ. અંદર દાખલ થતાં જ સ્ત્રીઓ માટેનો ડ્રેસિંગરૂમ હતો. નાનાં-નાનાં ક્યુબિકલ્સમાં મહિલા ગાર્ડ પોતાનાં વસ્ત્રો બદલી શકે એવી વ્યવસ્થા હતી. દરેકનું પોતાનું લૉકર હતું. નજમાએ પણ વસ્ત્રો બદલીને યુનિફૉર્મ પહેરી લીધો. તે પોતાની ડ્યુટી પર હાજર થઈ ગઈ. હજી તો મહેલની બહાર ડ્યુટી પર હાજર થયાને વીસ-પચ્ચીસ મિનિટ પણ નહોતી થઈ ત્યાં અઝીઝનો મૅનેજર-HRનો માણસ આવીને ઊભો રહ્યો. ‘શેખસાહેબ યાદ કરે છે,’ તેણે કહ્યું. નજમાના પગ નીચેથી જાણે કોઈએ જમીન ખેંચી લીધી હોય એમ તે ધ્રૂજી ઊઠી. ૩ વર્ષની તેની નોકરીમાં અઝીઝે કોઈ દિવસ તેની સામે જોયું હોય એવું પણ બન્યું નહોતું. અહીં સેંકડો ગાર્ડ્સ નોકરી કરતા હતા. એમાંથી ૪૦ ટકા મહિલા ગાર્ડ્સ હતી. કોઈની સાથે અઝીઝે ક્યારેય વાત કરી હોય, મળવા બોલાવી હોય કે તેમણે કરેલા અભિવાદનનો જવાબ પણ આપ્યો હોય એવું પણ નજમાને યાદ નહોતું આવતું. આજે અચાનક અઝીઝ મળવા બોલાવતો હતો... ને એ પણ શુજા મહેલની તપાસ કરી ગયો એના બીજા જ દિવસે. નજમાને ખાતરી થઈ ગઈ કે ગઈ કાલના CCTV કૅમેરાનાં ફુટેજ અને શુજા સાથેની વાતચીત વિશે અઝીઝ જાણી જ ગયો હશે.
ADVERTISEMENT
ફફડતા જીવે તે અઝીઝને મળવા તેના નિજી મહેલ તરફ આગળ વધી. હજી તો ૧૦ ડગલાં ચાલી નહોતી ત્યાં તેની બન્ને તરફ બે મહિલા ગાર્ડ આવીને સાથે જોડાઈ ગઈ. છેક અઝીઝના સ્ટડીરૂમ સુધી તે બન્ને મહિલા ગાર્ડ તેની સાથે ચાલતી રહી, ‘તમે બન્ને કેમ... સાથે આવો છો?’ નજમાએ અચકાતાં પૂછ્યું.
‘ઉપરથી ઑર્ડર છે.’ બેમાંથી એક ગાર્ડે જવાબ આપ્યો. પછી ચિંતાતુર અવાજે પૂછ્યું, ‘તેં કંઈ કર્યું નથીને નજમા?’ તેના શરીરમાં જાણે રૂંવે-રૂંવેથી પરસેવો ફૂટવા માંડ્યો. નજમાએ ડોકું ધુણાવીને ‘ના’ તો પાડી, પણ તેની આંખોમાં ભય અને શરીરની કંપારી છુપાવી શકાય એમ નહોતી. બન્ને મહિલા ગાર્ડે એકબીજાની સામે જોઈને જે રીતે ઇશારામાં વાત કરી એનાથી નજમા સમજી શકી કે વાત ગૂંચવાઈ ચૂકી છે.
નજમા હળવેકથી ટકોરા મારીને અઝીઝના ઓરડામાં દાખલ થઈ. તેની સાથે આવેલી બન્ને મહિલા ગાર્ડ બહાર જ રોકાઈ ગઈ. નજમા પહેલાં કોઈ દિવસ અઝીઝના સ્ટડીરૂમમાં આવી નહોતી, જરૂર જ નહોતી પડી! પચાસ ફીટ બાય પચાસ ફીટનો ઓરડો સન્નાટામાં સાંય-સાંય કરી રહ્યો હતો. અઝીઝનો સ્ટડીરૂમ વિશાળ હતો. એક તરફ એક સોફામાં ૪ જણ બેસી શકે એવા ૪ સોફા ચોરસ આકારમાં ગોઠવાયા હતા. બીજી તરફ લગભગ ૮ ફુટનું વિશાળ ટેબલ હતું અને એની પાછળ રજવાડી ખુરસી હતી. ટેબલની સામે ૩ રિવૉલ્વિંગ ચૅર હતી. એની પાછળ ૪ જણ બેસી શકે એવો બીજો સોફા પણ ગોઠવવામાં આવ્યો હતો. આ બન્ને વિસ્તારને સ્લાઇડિંગ ડોરથી અલગ કરી શકાય એવી વ્યવસ્થા હતી. અરબી ચિત્રકારોનાં મોંઘાં પેઇન્ટિંગ્સ સોનેરી ફ્રેમમાં જડાઈને દીવાલોને શોભાવતાં હતાં. ધૂપ-લોબાનની એક મીઠી પવિત્ર ગંધ વાતાવરણને જુદી જ અનુભૂતિ આપી રહી હતી. ઓરડામાં કોઈ નહોતું. માણસ વગરનો આટલો મોટો ઓરડો નજમાને વધુ ડરાવી ગયો. કોઈ ન હોય ત્યારે બેસવું કે નહીં એની અસમંજસમાં તે ચૂપચાપ ઊભી રહી.
‘જો તો ખરો... તે શું કરે છે?’ અઝીઝની નજર સામે દેખાતાં મૉનિટર્સના દરેક ચોકઠામાં નજમાના અલગ-અલગ ઍન્ગલ દેખાઈ રહ્યા હતા. સ્ટડીરૂમના એક વિશાળ પેઇન્ટિંગને ધક્કો મારતાં જ બાજુનો CCTVના મૉનિટરનો ગુપ્ત રૂમ ખૂલી જતો. આખા મહેલમાં લાગેલાં CCTV કૅમેરાનાં મૉનિટર્સ માટે એક અલગ જાહેર રૂમ હતો, પરંતુ સ્ટડીરૂમમાં CCTV કૅમેરા નજરે ચડે એવા નહોતા. ફ્લાવર-વાઝમાં, પેઇન્ટિંગમાં દેખાતા ચહેરાની આંખમાં, કોઈ શિલ્પના હાથમાં પકડેલી તલવારની મૂઠમાં સંતાડીને ખૂણે-ખૂણે CCTV કૅમેરા ગોઠવવામાં આવ્યા હતા. અત્યારે અઝીઝ ત્યાં ઊભો રહીને નજમાની પ્રવૃત્તિ જોઈ રહ્યો હતો. તે મનોમન કુરાને શરીફની આયાતોનું રટણ કરી રહી હતી. શાંત દેખાવાનો પ્રયત્ન કરતી તે ભીતરના ઉદ્વેગને ઠંડો પાડવા મથી રહી હતી. લગભગ દસેક મિનિટ એમ જ, એકલી સ્ટડીરૂમમાં ઊભી રહી. માણસને તોડવાની આ એક મનોવૈજ્ઞાનિક રમત હતી. પોલીસ-સ્ટેશનમાં પણ સવાલ-જવાબ કરતાં પહેલાં આરોપીને એક ખંડમાં એકલો બેસાડવામાં આવે. ફિલ્મ લગાડેલી કાચની બારીમાંથી તેને ઑબ્ઝર્વ કરવામાં આવે. તે કેટલો બેચેન, કેટલો નર્વસ છે એ જોઈને તેનું મનોવૈજ્ઞાનિક માપ કાઢી લેવામાં આવે. રીઢા ગુનેગારની વાત અલગ છે, બાકી એકલા માણસના મગજમાં ૧૦૦ વિચાર આવે. આ દરેક વિચાર તેને થોડો વધુ બેચેન, થોડો વધુ ઉદ્વિગ્ન બનાવી જાય એટલે ફાઇનલી જ્યારે તેને ઇન્ટરોગેટ કરવાનું શરૂ થાય ત્યારે તેની બેચેની અને બેબાકળું મન એ બધું બોલાવે જે સંતાડવાનો નિર્ણય કરીને તે વ્યક્તિ આવી હોય.
લગભગ દસ-બાર મિનિટ પછી જમીનમાંથી પ્રગટ્યો હોય એમ અઝીઝ ઓરડામાં પ્રગટ થયો. જ્યારે નજમાનું ધ્યાન નહોતું ત્યારે પેઇન્ટિંગવાળો દરવાજો અવાજ વગર ખોલીને તે સ્ટડીરૂમમાં પ્રવેશી ગયો. ‘ખુશામદીદ.’ અઝીઝે કહ્યું. તેના હૅન્ડસમ ચહેરા પર સ્મિત હતું. જાણે કશું બન્યું જ ન હોય એમ સાવ સહજ અને સ્વાભાવિક રીતે તેણે નજમાને કહ્યું, ‘ઊભી છે? બેસ.’ કહેતાં-કહેતાં તે પોતાની રજવાડી ખુરસીમાં ગોઠવાયો. ધ્રૂજતા હાથે સામેની રિવૉલ્વિંગ ચૅર ખસેડીને નજમા પણ એમાં ગોઠવાઈ. ‘શું કહેતો હતો રહમત શુજા?’ સમય વેડફ્યા વગર અઝીઝ સીધો મુદ્દા પર આવી ગયો.
‘કંઈ નહીં.’ નજમાનો અવાજ થરથર્યો, ‘તેમણે પોતાનું કાર્ડ આપીને કહ્યું કે મારી પાસે કંઈ માહિતી હોય તો તેમને પહોંચાડવી.’
‘પછી? પહોંચાડી માહિતી?’ અઝીઝે ફરી સ્મિત કર્યું.
‘મારી પાસે કોઈ માહિતી નથી...’ નજમાની જીભ લોચા વાળતી હતી. તેની પીઠ પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. ઍરકન્ડિશનર ચાલુ હોવા છતાં તેને આટલો પરસેવો વળતો જોઈને અઝીઝ ફરી હસ્યો. તેના હાસ્યથી નજમા વધુ બેચેન થઈ ગઈ, ‘આઇ મીન, તેમને આપવા જેવી કોઈ માહિતી નથી મારી પાસે.’
‘અચ્છા? પેલી હિન્દુસ્તાની છોકરીને રૂમમાં મૂકવા તો તું જ ગઈ હતી. તેણે કંઈક તો કહ્યું હશે તને?’ નજમાએ નીચું જોઈને ના પાડી. હવે તેનામાં અઝીઝની સામે જોવાની હિંમત નહોતી રહી, ‘માહિતી તો છે તારી પાસે. દર વર્ષે અહીં છોકરીઓ આવે છે. વિદેશથી મહેમાનો આવે છે. દરેક મહેમાન એક કે એકથી વધુ છોકરીને પોતાની સાથે લઈ જાય છે... આ બધું જોયું છે તેં. તજસ્સુસ-ક્યુરિયોસિટી તો થઈ હશે તને?’
‘હઝૂર, હું મારી નોકરી ઈમાનદારીથી કરું છું.’ નજમા હજી ઊંચું જોઈ શકે એમ નહોતી. તેનો જવાબ સાંભળીને અઝીઝ ખડખડાટ હસી પડ્યો. નજમા સંકોચાઈને કોકડું થઈ ગઈ. તેણે એકદમ ધીમા અવાજે કહ્યું, ‘હું જ નથી જાણતી તો કોઈને શું માહિતી આપું? તેમણે આપેલું કાર્ડ પણ મેં ફેંકી દીધું...’
અઝીઝ હસતો રહ્યો, ‘તો પછી ઇમામની દરગાહ પર શુજા બીબીને મળવા કેમ ગઈ’તી?’ નજમાને ૪૪૦ વૉલ્ટનો કરન્ટ લાગ્યો. તેણે ઊંચું જોયું. અઝીઝે એક આંખ મીંચકારી, ‘નજમા સૈયદ, ગઈ કાલે જ તમારા ફોનમાં ટ્રૅકર લાગી ગયું હતું. શુજાએ જેવું તેનું કાર્ડ તને આપ્યું એ જ ક્ષણે મને સમજાઈ ગયું હતું કે તારા મગજમાં ખુરાફાત શરૂ થઈ ગઈ છે, તું કંઈ કર્યા વગર રહીશ નહીં. તને જ્યારે ગઈ કાલે ફોન પાછો આપ્યો ત્યારે એમાં ટ્રૅકર હતું. શુજાની ગાડીમાં પણ ગઈ કાલે અહીંથી નીકળ્યો એ પહેલાં ટ્રૅકર લાગી ગયું હતું. તમારા બન્નેનાં લોકેશન એક જ જગ્યાએ મળ્યાં.’ કહીને અઝીઝ ઊભો થયો. તેણે બન્ને હાથે નજમાની રિવૉલ્વિંગ ચૅર ગોળ-ગોળ ફેરવી, ‘આ બધું તને કહું છું કારણ કે હવે તું આ રૂમની બહાર નથી જવાની.’ નજમાએ વિસ્ફારિત આંખોએ અઝીઝની સામે જોયું. અઝીઝે ફરી આંખ મીંચકારી. તેના ચહેરા પર ક્રૂર, ખંધું સ્મિત હતું, ‘નમકહરામીની એક જ સજા છે.’ તેણે કહ્યું. નજમાએ એક ક્ષણ માટે વિચાર્યું કે તે માફી માગે, કરગરે... પરંતુ તેણે થોડી જ ક્ષણોમાં મન મક્કમ કરી દીધું. કશું જ બોલ્યા વગર તેણે અઝીઝની આંખોમાં સીધેસીધું જોયું. મોતનો પડછાયો તેને ફક્ત બે ફુટ દૂર દેખાયો, ‘કોઈ આખરી ઇચ્છા હોય તો કહી દે.’ અઝીઝે ઠંડા ધારદાર અવાજમાં પૂછ્યું.
‘મારી અમ્મીને તકલીફ ન પડે એટલું જોજો. તેનું મારા સિવાય કોઈ નથી.’ નજમાએ જાણે મોતને સ્વીકારી લીધું હોય એટલી સ્વસ્થતા અને શાંતિથી કહ્યું, ‘તેને દર મહિને નિભાવખર્ચની રકમ મળી જાય, તેની સાથે રહેવા માટે કોઈ મુલાઝિમ કે ખિદમતગારની વ્યવસ્થા કરજો.’
‘જરૂર. બુઝુર્ગનો ખ્યાલ રાખવાથી મને પણ સવાબ મળશે.’ અઝીઝે સાવ સહજતાથી કહ્યું. થોડીક ક્ષણ ભયાવહ શાંતિમાં વીતી ગઈ. મૃત્યુનો મૌન આતંક જાણે ઓરડામાં ઘૂમરાતો રહ્યો. અઝીઝે ઊંડો શ્વાસ લઈને પૂછ્યું, ‘કેમ કર્યું તેં આવું? નમકહરામીનું કારણ કહે...’
‘ઔરતની ખરીદફરોખ્ત ઇસ્લામમાં હરામ છે.’ નજમા હવે ભયમુક્ત થઈ ગઈ હતી. મૃત્યુ નિશ્ચિત છે એ વાતને સ્વીકારી લીધા પછી સત્ય કહેવામાં તેને કોઈ વાંધો નહોતો, ‘તમે જે કંઈ કરો છો તે ગુનાહ છે. કોઈના પાપમાં, ગુનાહમાં મૂક સાક્ષી બનવું એ પણ ગુનો જ છે. મારાથી આવા જિસ્મફરોશીના ગુનાને રોકવા માટે જે થઈ શક્યું એ મેં કર્યું... અલ્લાહ ગવાહ છે, મેં નમકહરામી નથી કરી. મારી ઈમાનદારીથી ઇસ્લામના શરિયતનું પાલન કર્યું છે. એની સજા મોત હોય તો પણ મને અફસોસ નથી.’ કહીને તેણે આંખો મીંચી દીધી. તેણે મનોમન પઠન કરવા માંડ્યું, ‘લા ઇલાહ ઇલ્લલ્લાહ, મુહમ્મદુર રસૂલુલ્લાહ...’
અક્ષરા ફ્લોરેન્સથી પાછી આવી ત્યારે ખૂબ થાકેલી હતી. ફ્લોરેન્સમાં તેને જે ક્લાયન્ટ મળ્યો તે અનિદ્રાનો પેશન્ટ હતો. આખી રાત ઊંઘી શકતો નહોતો. તેણે અક્ષરાને બે આખી રાત અને બે દિવસ જગાડી રાખી. આ ૪૮ કલાક દરમ્યાન તેણે માત્ર બે વાર અક્ષરા સાથે સંભોગ કર્યો. તેને અક્ષરાના શરીરમાં ઝાઝો રસ નહોતો, કદાચ! તે એકલવાયો જર્મન માણસ હતો. તેનું નામ ઉવે હેનરીખ હતું. ઉવે અંગ્રેજી ઓછું જાણતો હતો; પણ ભાંગી-તૂટી અંગ્રેજીમાં, થોડા જર્મન શબ્દો વાપરીને તેણે પોતાના જીવનની કથા અક્ષરાને કહી. તેની અપેક્ષા માત્ર એટલી જ હતી કે અક્ષરા તેને સાંભળે, તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવે.
તેની કથા હૃદય હચમચાવી મૂકે એવી હતી. પિતા નાઝી સૈનિક હતા. યુદ્ધમાં તેમનું મૃત્યુ થયું. માએ બીજાં લગ્ન કરી લીધાં. ઉવેને અનાથ આશ્રમમાં મૂકી દીધો. અનાથ આશ્રમમાં ઉવે પર અનેક અત્યાચારો થયા. બળાત્કાર, મારપીટ અને બુલિંગ જેવા અનેક પ્રસંગો સહન કર્યા પછી ઉવે એક વિચિત્ર માણસ બની ગયો. તેને કોઈની દયા નહોતી આવતી. થોડા વખત માટે તેણે જર્મન સૈન્યમાં નોકરી કરી, પછી માનસિક અસ્થિરતાને કારણે તેને છૂટો કરવામાં આવ્યો. ઉવેને પેન્શન મળતું હતું. મેડિકલ ખર્ચ પણ જર્મન સરકાર ભોગવતી હતી, પરંતુ ઉવે પાસે કરવાનું કંઈ નહોતું. કામ વગરની એકલવાયી જિંદગીથી કંટાળીને તેણે બે વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, જેમાંથી બચી ગયો... ઉવેને મિત્રો નહોતા. જેની સાથે તે દોસ્તી કરવાનો પ્રયાસ કરતો તેની સાથે છ-બાર મહિનામાં સ્વભાવને લીધે ઝઘડી પડતો. તે જ્યારે ગુસ્સે થતો ત્યારે તેને શબ્દોનું ભાન રહેતું નહીં અને જાત પર સંયમ રાખી શકતો નહીં. પોતાના બે-ચાર મિત્રોને તેણે એટલા માર્યા હતા કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ત્યારથી લોકો ઉવેથી ડરવા લાગ્યા હતા. હવે તે દર મહિને જુદી-જુદી એસ્કોર્ટને બોલાવીને બે-ત્રણ દિવસ આવી રીતે પસાર કરતો... સેક્સ માટે નહીં, પોતાને સાંભળવાના પૈસા ચૂકવતો...
‘હું હવે કશું ઇચ્છતો નથી. ન પ્રેમ, ન સાથ, ન દોસ્તી...’ ઉવે પાસે પોતાની ફિલોસૉફી હતી, ‘જિંદગીએ મને માત્ર હાર આપી, નિરાશા અને હતાશા આપી. હું નકામો છું. મારી ચારે તરફ સંબંધોના ખંડેર છે.’
‘ખંડેરો જ ઇતિહાસની કથાને સાચવે છે.’ અક્ષરાથી કહેવાઈ ગયું, ‘જ્યાં બધું તૂટી જાય ત્યાંથી જ એક નવા નિર્માણની શરૂઆત થાય છે. તું પણ નવી શરૂઆત કર.’
‘હવે નવી શરૂઆત કરવાની ઉંમર પણ નથી અને તૈયારી પણ નથી.’ ઉવેએ અક્ષરાના ખોળામાં માથું મૂકી દીધું, ‘તારી આંખોમાં પણ એક કથા છે... કહે... હું સાંભળીશ.’
‘ના!’ અક્ષરાને પોતાના પર આશ્ચર્ય થયું. તે જે સહજતાથી ના પાડી શકી, પોતાની કથા કહીને સહાનુભૂતિ મેળવવાના મોહથી દૂર રહી શકી એનાથી તેને સ્વયં પર ગર્વ થયો, ‘મારી પીડા પણ મારા ક્લાયન્ટ્સ જેવી છે. લાંબો સમય મારી સાથે રહેતી નથી...’ તે સહેજ હસી, ‘મારાં સુખો પણ હવે ધીરે-ધીરે ટેમ્પરરી થઈ ગયાં છે.’
‘આજે પહેલી વાર મને એક એવી સ્ત્રી મળી છે જે શરીરથી નહીં મનથી વાત કરે છે...’ ઉવે તેને નાના બાળકની જેમ વળગીને બેઠો. તેના સ્પર્શમાં અસુરક્ષા અને અધૂરપનો વલવલાટ હતો, ‘હું બહુ એકલો છું. મારી એકલતા અજગરની જેમ ધીમે-ધીમે મને ભરડામાં લઈ રહી છે.’
‘એકલું કોણ નથી? મેળામાં ઊભેલો માણસ પણ અંતે તો એકલો જ હોય છે... એકલતાને શત્રુ નહીં, ગુરુ માન... એકલતા ઘણું શીખવશે. પોતે જીવતાં અને કોઈને જિવાડતાં પણ શીખી શકીશ...’ આ બધું કહેતી વખતે અક્ષરાને લાગ્યું કે જાણે તે નહીં, તેની ભીતર રહેલું કોઈ બીજું જ બોલી રહ્યું છે. તે પોતે ક્યારેય આવી નહોતી. તેણે જીવનને કદી ગંભીરતાથી લીધું જ નહોતું. વસ્તુઓ, બ્રૅન્ડ્સ, ભૌતિકતામાં લથપથ અક્ષરા છેલ્લા થોડા દિવસમાં ‘જીવન’ને પામી હતી, ‘જિંદગી’ને મળી હતી... તે અત્યારે જે કંઈ બોલી તે તેની એકલતા, પીડા અને અફસોસમાંથી વલોવાઈને નીકળેલા શબ્દો હતા.
અક્ષરા અને ઉવે બે દિવસ ખૂબ વાતો કરતાં રહ્યાં. અક્ષરાથી છૂટા પડતી વખતે ઉવે નાના બાળકની જેમ રડવા લાગ્યો. તેણે અક્ષરાને ૩૦૦ યુરોની ટિપ આપી. સાથે જ તેણે અક્ષરા પાસેથી વચન લીધું કે તે આવતા મહિને તેને મળવા ફરી આવશે, પણ અક્ષરા જાણતી હતી કે એક વખત જે એસ્કોર્ટ એક ક્લાયન્ટ પાસે જાય તેને મોટા ભાગે ફરી મોકલવામાં નથી આવતી... ક્લાયન્ટ સાથેની આત્મીયતા એસ્કોર્ટ અને ક્લાયન્ટ બન્ને માટે ખતરનાક નીવડી શકે એટલે તેમના નેટવર્કમાંથી જુદી-જુદી એસ્કોર્ટને પસંદ કરવામાં આવતી. ઘણી વખત ક્લાયન્ટ સામેથી ડિમાન્ડ કરે તો પણ એક ખાસ છોકરી વ્યસ્ત છે, બુક્ડ છે એવાં બહાનાં હેઠળ એ ડિમાન્ડ ટાળી દેવામાં આવતી...
અક્ષરાએ સહાનુભૂતિથી ઉવેને દિલાસો આપ્યો. પોતે પાછી આવશે એવું સાચું-ખોટું વચન આપીને તે માંડ ત્યાંથી નીકળી. ગાડીમાં બેસતાં જ અક્ષરાની આંખો મીંચાઈ ગઈ... ગાડી જ્યારે તેના ઘર પાસે ઊભી રહી ત્યારે અક્ષરાએ માંડ આંખો ખોલી. તે ઘરમાં દાખલ થઈને બહારના સોફા પર જ ફરી પાછી ઊંઘી ગઈ.
અક્ષરા જ્યારે જાગી ત્યારે તેનું મન વિચારે ચડ્યું. રોજ નવા માણસોને મળીને તે જિંદગીમાં ઘણું શીખી રહી હતી. આ પરિસ્થિતિને સમસ્યા કે મુશ્કેલી તરીકે જોવાને બદલે જો ઑપોર્ચ્યુનિટી તરીકે જોવામાં આવે તો? તેણે વિચાર્યું... જુદી ભાષાના, જુદા-જુદા વર્ગમાંથી આવતા આ પુરુષોના ચહેરા અલગ હતા; પણ સાથે-સાથે તેમની સમસ્યાઓ, તેમના સ્વભાવ, તેમની પ્રકૃતિ અને તેમની જરૂરિયાતો પણ જુદી-જુદી હતી! પોતે અચ્યુત સાથે રહી હોત તો આ જગત અને એની સાથે જોડાયેલી આટલી અદ્ભુત જિંદગીના અનુભવ તેને મળ્યા હોત? અક્ષરાએ દૃષ્ટિકોણ બદલીને તેની સાથે બની રહેલી ઘટનાઓ જુદી રીતે તપાસવાની શરૂ કરી...
આ ઘટનાઓ, આ લેસન્સ અને અનુભવો કદાચ થોડા સમય પછી યાદ ન પણ રહે... તેને વિચાર આવ્યો. તેણે પોતાનો ફોન ખોલ્યો, જેમાંથી સિમ કાર્ડ કાઢી લેવામાં આવ્યું હતું. ફોન તેની પાસે હતો. તેણે વિડિયોમાં જઈને રેકૉર્ડિંગ કરવાની શરૂઆત કરી, ‘હું અક્ષરા, હવે એલેના તરીકે ઇટલીમાં રહું છું... જિંદગીના એક પછી એક પડાવમાંથી પસાર થઈ રહી છું. અનુભવી રહી છું, શીખી રહી છું... આજથી હું રોજની રેકૉર્ડેડ ડાયરી બનાવીશ. મારું શું થશે મને ખબર નથી; પણ અચ્યુત, જો હું ન રહું તો આ ડાયરી તને એ બધું કહેશે જે હું તને ન કહી શકી.’
(ક્રમશઃ)
