છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા
ઇલસ્ટ્રેશન
વહેલી સવારે રુમી અને મિહિરની આંખો ખૂલી ત્યારે અચ્યુત હોમસ્ટેના નાનકડા ઓરડામાં નહોતો. તેનો ખાલી પલંગ જોઈને બન્ને જણ સમજી ગયા કે અચ્યુત ક્યાં ગયો હશે!
અક્ષરાની વિલાના મુખ્ય દરવાજે અચ્યુત ગેઇટેડ કમ્યુનિટીના વૉચમૅન સાથે ઝઘડી રહ્યો હતો. વૉચમૅન ઇટાલિયન સિવાય કોઈ ભાષા જાણતો નહોતો ને અચ્યુત અંગ્રેજીમાં પોતાની વાત તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ‘શી ઇઝ માય વાઇફ. યુ કાન્ટ સ્ટૉપ મી.’ અચ્યુતે કહ્યું.
‘મી દિયા ઉના પ્રોવા...’ (મને પુરાવો આપો) ચોકીદારે પૂરા આદર સાથે કહ્યું, ‘લેઈ વીવે ક્વી દા સોલા...’ (તે અહીં એકલી રહે છે) ચોકીદારે કહ્યું. અચ્યુત બહુ સમજ્યો નહીં, પણ ચોકીદાર તેને જવા દેવા તૈયાર નથી એ વાત તેને સમજાઈ ગઈ. તેણે ઉશ્કેરાઈને ચોકીદારને ધક્કો માર્યો. ભીતર જવા માટે ડિનાયલ સિક્યૉરિટીના ગેટમાં રહેલા આડા પાઇપની નીચેથી તેણે ઘૂસવાનો પ્રયાસ કર્યો. ચોકીદારે અચ્યુતને ટી-શર્ટના કૉલરમાંથી પકડ્યો. તેણે જોરથી બૂમ પાડી, ‘મી કોસ્ટ્રિન્જેરા આ ક્યામારે લા પોલિત્સિયા’ (તમે મને પોલીસ બોલાવવા માટે મજબૂર કરો છો). અચ્યુત ત્યાં સુધીમાં પાઇપની નીચે થઈને પેલી બાજુ પહોંચી ગયો હતો. તે મુઠ્ઠી વાળીને દોડવા લાગ્યો. ચોકીદાર પણ તેની પાછળ દોડ્યો. ગેટ પર ઊભેલા બીજા ચોકીદારે અલાર્મ બટન ઑન કરી દીધું. ઇમર્જન્સી અલાર્મ મોટા અવાજે વાગવા લાગ્યું. વિલામાં વસતા અન્ય લોકોની બારીઓ ફટાફટ ખૂલી. કેટલાક લોકો દરવાજા ખોલીને બહાર આવી ગયા. દોડભાગ અને ધમાધમ થઈ ગઈ. બરાબર એ જ સમયે અક્ષરા અને સેરેનાની ગાડી મુખ્ય દરવાજે આવીને ઊભી રહી. ચોકીદારે દરવાજો ખોલીને જે કંઈ બન્યું હતું એ અક્ષરાને જણાવ્યું. હાંફળી-ફાંફળી અક્ષરા ગાડીમાંથી ઊતરીને વિલા તરફ દોડી.
વિલા પાસે પહોંચી ગયેલો અચ્યુત મરણિયો થઈને બેલ વગાડી રહ્યો હતો, બારણાં પર મુઠ્ઠી પછાડી રહ્યો હતો. દોડતી, હાંફતી આવી પહોંચેલી અક્ષરાએ તેને જોઈને બૂમ પાડી, ‘કોણ છે?’ પાછળ-પાછળ સેરેનાની ગાડી પણ આવી પહોંચી. ગાડી પૂરેપૂરી અટકે એ પહેલાં સેરેના પણ ઉતાવળે ગાડીમાંથી ઊતરી. બન્ને જણ વિલાના દરવાજા પાસે પહોંચી ગયાં. અચ્યુતે પાછળ ફરીને જોયું. તેની સામે અક્ષરા ઊભી હતી. તેની અક્ષરા... જેના માટે તેણે રાત-દિવસ પ્રવાસ કરીને અહીં સુધી પહોંચવાની જહેમત લીધી હતી તે અક્ષરા! અચ્યુતની આંખોમાં પાણી ધસી આવ્યાં. તે અક્ષરાની સામે આવીને ઊભો રહ્યો, ‘અક્ષરા...’ તેણે હાથ લંબાવીને અક્ષરાનો હાથ પકડવાની કોશિશ કરી. અક્ષરા બે ડગલાં પાછળ ખસી ગઈ. તેણે અચ્યુત સામે એવી રીતે જોયું જાણે તેને ઓળખતી જ ન હોય! અક્ષરાએ પાછળ ઊભેલી સેરેના સામે જોયું. તેની આંખોમાં કોઈ વિચિત્ર ભાવ હતો, જાણે કહેતી હોય કે અહીં મારે તારી મદદ જોઈશે. અક્ષરાની પાછળ ઊભેલી સેરેનાને હજી થોડી મિનિટો પહેલાં થયેલી વાત યાદ આવી ગઈ. તેણે આગળ વધીને અચ્યુતને પૂછ્યું, ‘કોણ છો તમે?’
‘હું?’ અચ્યુતે આશ્ચર્યથી અક્ષરા સામે જોયું, ‘હું અચ્યુત છું... અક્ષરાનો હસબન્ડ.’
‘વૉટ?’ અક્ષરાના ચહેરા પર આઘાત અને આશ્ચર્ય બન્ને ધસી આવ્યાં. તેણે ઇટાલિયનમાં પૂછ્યું, ‘આ હસબન્ડનું શું કહે છે?’ સેરેના સમજી ગઈ, ‘તે કહે છે કે તે તારો હસબન્ડ છે.’ તેણે પણ ઇટાલિયનમાં જવાબ આપ્યો. અક્ષરાએ ડોકું ધુણાવીને ના પાડી, ‘ફ્રૉડ છે.’ તેણે ઇટાલિયનમાં કહ્યું, ‘હું તેને ઓળખતી પણ નથી.’ સેરેનાએ તેની વાતને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને અચ્યુતને કહ્યું, ‘તે તને ઓળખતી નથી. તું ફ્રૉડ છે. મારે પોલીસ બોલાવવી પડશે.’
ત્યાં સુધીમાં વિલા કાર્સેનોના બીજા રહેવાસીઓ આવી પહોંચ્યા.
ધીમે-ધીમે ત્યાં ટોળું થવા લાગ્યું. બન્ને ચોકીદારો પણ આવીને ત્યાં ઊભા રહીને તમાશો જોવા લાગ્યા. વિલા કાર્સેનોના રહેવાસીઓમાં મોટા ભાગના ઇટાલિયન હતા. શ્રીમંત અને સંભ્રાંત પરિવારના લોકો માટે આ તમાશો આંચકાજનક હતો. એમાંના કેટલાકે અચ્યુતને બે દિવસથી આંટા મારતો જોયો હતો. બ્રાઉન સ્કિનના લોકો ‘ટેરરિસ્ટ’ કે ‘ચોર’ હોય છે એવું માનતા અનેક યુરોપિયનોમાંના થોડા અહીં પણ હતા. એક જણે પોલીસને ફોન કરી દીધો.
‘શું કહે છે અક્ષરા?’ આંખોમાં ધસી આવતાં આંસુને પરાણે રોકતાં અચ્યુત કરગરી પડ્યો, ‘હું અહીં સુધી ફક્ત તારા માટે આવ્યો છું, જીવનું જોખમ લઈને...’ અચ્યુતનું ગળું ભરાઈ આવ્યું, ‘હું જાણું છું. તને અઝીઝે ભોળવી, મૂરખ બનાવી, અહીં ફસાવી.’ અક્ષરા તેની સામે એવી રીતે જોઈ રહી હતી જાણે તેને કંઈ જ સમજાતું ન હોય. તેની રાખોડી આંખોમાં અચ્યુતનાં આંસુ માટે સહેજ જેટલી પણ દયા નહોતી દેખાતી. અચ્યુત કહેતો રહ્યો, ‘તને ખબર છે, મારા પર પોલીસકેસ થયો હતો. માંડ બચ્યો. મેં તને મારી નાખી છે કે વેચી નાખી છે એવો આક્ષેપ કર્યો હતો તારી માએ... બધા સાથે લડીને, તમામ મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢતાં-કાઢતાં તારા સુધી પહોંચ્યો છું ત્યારે તું મને ઓળખવાની ના પાડે છે?’ તેણે આગળ વધીને અક્ષરાના હાથ પકડી લીધા, ‘હું તને પાછી લઈ જવા આવ્યો છું. જે થયું એ ભૂલી જા... હું સમજી શકું છું કે તું...’
અચ્યુતની વાત પૂરી થાય એ પહેલાં અક્ષરાએ ઝટકાથી હાથ છોડાવ્યા. જાણે કશું સમજતી ન હોય એમ તેણે સેરેના સામે જોઈને ઇટાલિયનમાં પૂછ્યું, ‘આ શું કહે છે?’ સેરેનાએ ઇટાલિયનમાં અચ્યુતની વાત ફરી કહી સંભળાવી. અક્ષરાએ ઉશ્કેરાઈને કહ્યું, ‘ક્યા મા લા પોલિત્સિયા.’ તે સેરેનાની પાછળ સંતાઈ ગઈ. તેની આંખોમાં ભય હતો. ત્યાં ઊભેલા બધા લોકો સામે જોઈને તેણે કહ્યું, ‘નોન લૉ કોનોસ્કો. (હું આને નથી ઓળખતી)’ ત્યાં ઊભેલા થોડાક લોકોની અંદરોઅંદર ચાલતી વાતચીતનો ગણગણાટ વધી ગયો.
આ બધી ધમાચકડી ચાલતી હતી ત્યાં મિહિર અને રુમી અચ્યુતને શોધતા આવી પહોંચ્યા. તેમને જોઈને અચ્યુત ઉશ્કેરાઈ ગયો. તેણે મિહિરનો હાથ પકડીને આગળ ઢસડ્યો. મિહિરને તેણે અક્ષરા સામે લાવીને કહેવા માંડ્યું, ‘આ મિહિર છે. મારી સાથે ઇન્ડિયાથી તને શોધવા આવ્યો છે.’ મિહિરની સામે જોઈને તેણે આંસુભર્યા અવાજે કહ્યું, ‘અક્ષરા કહે છે કે તે મને ઓળખતી જ નથી.’ મિહિરે સામે ઊભેલી અક્ષરા તરફ જોયું. તેણે આંખો ઝુકાવી દીધી. અચ્યુતે કહ્યું, ‘અક્ષરા એવું કેવી રીતે કહી શકે... તું કહે તેને, મારા પર શું વીતી છે... તેની બધી વાત! હું કેટલા સંઘર્ષ અને સમસ્યાઓનો સામનો કરીને અહીં પહોંચ્યો છું એ પછી ઓળખવાની ના પાડે છે?’ કહેતાં-કહેતાં અચ્યુત રડી પડ્યો. રુમી એક સાક્ષીની જેમ આ બધું જોઈ રહ્યો હતો. રુમીની અને અક્ષરાની નજર મળી. બન્નેની આંખોમાં જાણે વગર કહ્યે કોઈ વાત કહેવાઈ-સમજાઈ ગઈ. રુમીએ આગળ વધીને અચ્યુતના ખભે હાથ મૂક્યો, ‘આપણી કંઈ ભૂલ થતી હશે, આ અક્ષરા ન પણ હોય...’ આટલું સાંભળતાં જ અક્ષરાની આંખોમાં એક આભારનો ભાવ રુમી જોઈ શક્યો.
‘તે અક્ષરા જ છે...’ અચ્યુત બરાડ્યો, ‘મારી અક્ષરા... તે જુઠ્ઠું બોલે છે, છેતરે છે મને અને પોતાની જાતને.’ તેણે અક્ષરાને ખભેથી પકડીને હચમચાવી નાખી, ‘કેમ આવું કરે છે?’ તેણે અક્ષરાનો ચહેરો પોતાના બે હાથમાં પકડી લીધો. એકદમ નજીક આવીને તેની આંખોમાં આંખો પરોવીને તેણે કહ્યું, ‘તને એવો ડર છે કે હું તને મુંબઈ લઈ જઈને તારી સાથે કંઈ ખોટું કરીશ? ના... હું એવું ક્યારેય નહીં કરું. આઇ લવ યુ અક્ષરા... હું તારા વગર નહીં જીવી શકું.’ અક્ષરા કશું જ ન સમજતી હોય એમ ખાલી આંખોથી, કોઈ ભાવ વગર અચ્યુત સામે જોતી રહી. તેણે ધીરેથી પોતાનો ચહેરો તેના હાથમાંથી છોડાવ્યો. હળવેથી અચ્યુતનો હાથ પોતાના હાથમાં લઈને પંપાળ્યો, ‘આઇ ફીલ સૉરી ફૉર યુ.’ તેણે ઇટાલિયન ઉચ્ચારો સાથે અંગ્રેજીમાં કહ્યું, ‘નો એક્સેરા... મી એલેના.’
‘શું કામ જુઠ્ઠું બોલે છે? તું અક્ષરા છે, મારી અક્ષરા.’ કહીને અચ્યુતે તેને ઊંધી ફેરવી, ‘તારી પીઠ પર ટૅટૂ છે... પતંગિયાનું ટૅટૂ. હું સાબિત કરી શકું એમ છું.’ તેણે સેરેના સામે જોઈને કહ્યું, ‘તેને કહો તેની પીઠ બતાવે.’
અક્ષરાની ઇટાલિયન ભાષા સાંભળીને ડઘાઈ ગયેલી સેરેના હવે માંડ જાગૃત થઈ. તેણે ક્યારેય નહોતું ધાર્યું કે અક્ષરાને આટલું સરસ ઇટાલિયન આવડી ગયું હશે. અક્ષરાએ જે રીતે અચ્યુતને ઓળખવાની ના પાડી એનાથી સેરેનાના અમુક રીતે રાહત થઈ.
સાથે-સાથે તેને ભય પણ લાગ્યો કે જો અચ્યુત વધારે ઇમોશનલ થઈ જશે તો કદાચ અક્ષરા પીગળી જાય! તે પોતાની ફરિયાદ કરે, અઝીઝનું નામ દઈ દે તો શું થાય એવા વિચારો સાથે તેણે આગળ આવીને કહ્યું, ‘વૉટ રબિશ! તમે ઓબ્સીન માગણી કરી રહ્યા છો. કોઈ સ્ત્રી શું કામ પોતાની પીઠ બતાવે? તમે અમને વધારે હેરાન કરશો તો અમારે હૅરૅસમેન્ટની ફરિયાદ કરવી પડશે. પાંચ વર્ષની જેલ થશે. સમજો છો?’ તેણે મિહિર સામે જોઈને કહ્યું, ‘તેનું નામ એલેના છે, સમજાવો આમને, હું તેને ઓળખું છું...’
મિહિર આગળ આવ્યો, ‘તું આ બરાબર નથી કરી રહી.’ તેણે કહ્યું. અક્ષરાની આંખોમાં એક ક્ષણ માટે અપરાધભાવની છાયા દેખાઈ, પણ તેણે સ્વયંને સંભાળીને ઇટાલિયનમાં પૂછ્યું, ‘તે શું કહી રહ્યો છે?’ મિહિર ખડખડાટ હસી પડ્યો. તે હસતો રહ્યો... તેને જોઈને રુમી પણ હસવા લાગ્યો. અચ્યુત આશ્ચર્યથી બન્નેને જોઈ રહ્યો. મિહિરે કહ્યું, ‘તું સુંદર છે, ચાલાક છે, સ્વાર્થી છે એ મને ખબર હતી; પરંતુ આવી સારી અભિનેત્રી છે એની મને ખબર નહોતી. અમને બધાને ખાતરી છે કે તું અક્ષરા જ છે... તું પણ જાણે છે કે તું જુઠ્ઠું બોલી રહી છે... પણ, જેવી તારી ઇચ્છા...’ તેણે અચ્યુત તરફ જોયું, ‘યાદ છેને? પેલા લૉરેન્ઝોએ કહ્યું હતું કે તે તને મળી જશે તો પણ તારી સાથે નહીં આવે... હી વૉઝ સો રાઇટ.’
‘ન તો શું આવે?’ અચ્યુત અચાનક ભુરાયો થઈ ગયો, ‘હું તેને લઈને જ જઈશ. કોઈ પણ ભોગે...’ તેણે અક્ષરાનો હાથ પકડીને ખેંચવા માંડ્યો. અક્ષરાએ છોડાવવાની કોશિશ કરી, પરંતુ અચ્યુતની પકડ એટલી મજબૂત હતી કે અક્ષરા હાથ છોડાવી શકી નહીં. તે અચ્યુતની પાછળ ઢસડાવા લાગી. સેરેનાએ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ અક્ષરાના વર્તાવથી અકળાયેલો અચ્યુત હવે કોઈનું સાંભળે એમ નહોતો... ત્યાં જ પોલીસની બે વૅન આવી પહોંચી. સફેદ રંગની ગાડીઓ પર ‘પોલિઝિયા લોકાલે’ લખેલું હતું. સાયરન વગાડતી બન્ને વૅનમાંથી ઊંચા-પહોળા, સ્કાય બ્લુ રંગનું શર્ટ અને ભૂરા રંગનું પૅન્ટ પહેરેલા, માથે સફેદ કૅપ પહેરેલા પોલીસો ઊતર્યા. તેમની નજર સામે જ અક્ષરાનો હાથ પકડીને ઢસડતો અચ્યુત હતો. અક્ષરાની આંખોમાં વિરોધ હતો. સેરેના તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ બધું જોઈને પોલીસે વૅનમાંથી ઊતરીને અચ્યુતના બન્ને હાથ પીઠ પાછળ દબાવી દીધા. તેને ઊંધો ફેરવીને તેના હાથમાં હાથકડી પહેરાવી દીધી. મિહિર અને રુમી તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસમાંના એકે ઇટાલિયન અંગ્રેજીમાં તેને પૂછ્યું, ‘તમે તેમની સાથે છો?’ તેણે તરત જ ઉમેર્યું, ‘હા, પાડતાં પહેલાં વિચારજો કારણ કે તમે પણ તેમની સાથે અરેસ્ટ થઈ શકો છો.’
રુમીએ તરત જ મિહિરને પાછળ ખેંચી લીધો. તેણે ઇટાલિયનમાં કહ્યું, ‘અમે તેની સાથે છીએ, પણ તે આવું કરશે એવી અમને ખબર નહોતી.’
પોલીસના કર્મચારીએ પૂછ્યું, ‘તમે આ બેનને ઓળખો છો?’
‘ના.’ મિહિર કંઈ જવાબ આપે એ પહેલાં રુમીએ કહ્યું.
‘તે મારી વાઇફ છે.’ અચ્યુત બરાડ્યો.
‘નો...’ અક્ષરાએ પોલીસના અધિકારી સામે જોઈને ડોકું ધુણાવ્યું, ‘નૉન લૉ કોનોસ્કો. એ અર્રિવાતો આલ્લિમ્પ્રોવ્વીઝો એ આ કોમિન્ચાતો આ ત્રાશીનાર્મી, દીચેન્ડો કે એરો સુઆ મોલ્યે. (તે અચાનક આવ્યો અને મને પોતાની પત્ની કહીને ઘસડવા લાગ્યો.)’ કહીને અક્ષરાએ કહ્યું, ‘પોવેરિનો! (બિચારો)’ અક્ષરાના આ સ્ટેટમેન્ટ પછી કોઈએ કોઈને કશું પૂછવાનું નહોતું. પોલીસ-અધિકારીઓએ ધક્કો મારીને અચ્યુતને વૅનમાં બેસાડ્યો. બરાબર ત્યારે જ જિમીની ગાડી દાખલ થઈ.
ગાડીમાં બેસવાની આનાકાની કરી રહેલો અચ્યુત, મૂંઝાયેલા છતાં સાઇડમાં ઊભેલા રુમી અને મિહિર, ટોળે વળેલા વિલા દ કાર્સેનોના લોકો, બે ચોકીદાર અને પોલીસના અધિકારીઓ... આ બધું જોઈને જિમીએ પૂછ્યું, ‘શું ચાલે છે આ બધું?’ પીચ કલરનું ચીઝ કૉટનનું શર્ટ હવામાં ફરફરતું હતું. હાફ સ્લીવના શર્ટમાંથી તેનાં કસરતી બાવડાં દેખાતાં હતાં. મોંઘાં સનગ્લાસિસ, પરફ્યુમની સુગંધ અને ઇટાલિયન સ્લિપઑન શૂઝથી તે કોઈ રઈસ છે એટલું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. જિમીથી ઇમ્પ્રેસ થયેલી પોલીસે તેને પરિસ્થિતિ સમજાવી. વિલા દ કાર્સેનોના રહેવાસીઓમાંથી કોઈએ આ તમાશો જોઈને તેમને ફોન કર્યો હતો. અહીં રહેતી એક ભારતીય સ્ત્રી પર આ માણસ વાયલન્સ કરી રહ્યો હતો... હજી તો પોલીસ તેને સમજાવતી હતી ત્યાં અક્ષરા દોડીને જિમીને ભેટી પડી, ‘આ માણસ... આ માણસ મને પરાણે તેની સાથે લઈ જવા માગે છે. હી ઇઝ ફ્રૉડ. મને તેની પત્ની કહે છે...’ અક્ષરાએ શુદ્ધ ઇટાલિયનમાં જિમીને કહ્યું, ‘તું ક્યાં હતો? આ મને ઉપાડી જાત તો?’
હવે આ નવી એન્ટ્રી હતી! મિહિર, રુમી, વિલાના રહેવાસીઓ અને ચોકીદારો આ નવા દાખલ થયેલા માણસને ઝૂમાંથી ભાગી આવેલા પ્રાણીની જેમ જોઈ રહ્યા. મિહિર તો જિમીને ઓળખતો હતો. પોલીસ-ઑફિસરે જિમીને પૂછ્યું, ‘તમે કોણ છો?’
જિમી કંઈ બોલે એ પહેલાં અક્ષરાએ જવાબ આપ્યો, ‘તે મારો બૉયફ્રેન્ડ છે. ફિલ્મસ્ટાર છે, પૉલિટિશ્યનનો દીકરો છે, ઇન્ડિયામાં બધા તેને ઓળખે છે. અમે બે વર્ષથી રિલેશનશિપમાં છીએ.’
‘ખોટી વાત છે... તે મારી પત્ની છે...’ અચ્યુત ફરી બરાડ્યો.
ત્યાં સુધીમાં સેરેના અંદર જઈને અક્ષરાનો પાસપોર્ટ અને ઇટાલિયન પર્મનન્ટ રેસિડન્સનું કાર્ડ લઈ આવી. એમાં એલેના ફેરારો નામ લખેલું હતું. અક્ષરાનો ફોટો હતો. તેની જન્મતારીખ, બાયોમેટ્રિક્સ વગેરેની વિગતો સાથેનું એ કાર્ડ તપાસીને પોલીસે અચ્યુતને પણ બતાવ્યું, ‘સી...’ પોલીસે ઇટાલિયન ઉચ્ચારોના અંગ્રેજીમાં કહ્યું, ‘આ તારી વાઇફ નથી. તેની પાસે ઇટલીમાં રહેવાની પરમિટ છે એટલે છેલ્લાં બે વર્ષથી તો ઇટલીમાં જ હોવી જોઈએ.’
‘બે વર્ષથી તો અમે ડેટ કરીએ છીએ...’ જિમીએ ઇટાલિયનમાં કહ્યું, ‘તમારી કંઈ ગેરસમજ થતી હશે. એકસરખા દેખાતા ૭ માણસો આ ધરતી પર વસે છે એવું માનવામાં આવે છે. મારી હની તમારી પત્ની જેવી દેખાતી હશે...’ કહીને તેણે અક્ષરાની પાતળી કમરમાં હાથ પરોવીને તેણે પોતાની નજીક ખેંચી, ‘પણ મારી થનારી પત્ની છે કેમ?’ તેણે અક્ષરાની આંખોમાં આંખો પરોવી. અક્ષરાએ પૂરા અધિકાર અને વહાલ સાથે તેના ખભા પર માથું મૂકી દીધું. બન્નેની કેમિસ્ટ્રી જોઈને પોલીસ પણ સહેજ ઝંખવાઈ ગયા, ‘ઇટ્સ ઓ.કે. તેમને છોડી દો.’ જિમીએ કહ્યું, ‘સારા માણસ લાગે છે. અમારે કોઈ કેસ નથી કરવો. તેમને માત્ર મિસઅન્ડરસ્ટૅન્ડિંગ થઈ છે...’ પોલીસે અક્ષરા સામે જોયું, ‘હા, હા... તે સાચું કહે છે.’ તેણે પણ ઇટાલિયનમાં કહ્યું, ‘છોડી દો. મારે કોઈ કેસ નથી કરવો.’ પછી તેણે અચ્યુત સામે જોયું, ‘તમે હવે મને હેરાન નહીં કરોને?’ તેણે પૂછ્યું. અચ્યુત ડઘાયેલો, બેવકૂફની જેમ ઊભો હતો. તે કોઈ જવાબ ન આપી શક્યો. બન્ને પોલીસોએ એકબીજાની સામે જોયું, પછી અચ્યુતના હાથમાંથી હાથકડી કાઢી લીધી, ‘આ બન્નેનો આભાર માનો, તેમણે તમને માફ કર્યા. તેમની જગ્યાએ કોઈ બીજું હોત તો જેલની ચક્કી પિસાવત.’ એક ઑફિસરે કહ્યું. પછી જિમી સાથે હાથ મિલાવ્યો. જિમીએ તેના હાથમાં થોડાક યુરો સરકાવ્યા એ બધાએ જોયું. ઑફિસર પોતાની ગાડીમાં બેસી ગયા.
પોલીસના ગયા પછી જાણે કશું બન્યું જ નથી એમ અક્ષરાએ ઔપચારિક સ્મિત સાથે અચ્યુતને કહ્યું, ‘ઇટ્સ ઑલ રાઇટ. યુ મે ગો નાઓ.’ પછી જિમી તરફ ફરીને તેના હાથમાં પોતાનો હાથ પરોવ્યો, ઇટાલિયનમાં કહ્યું, ‘કેટલું મોડું કર્યું ડાર્લિંગ. હું ક્યારની રાહ જોતી હતી...’ તે જિમીના હાથમાં હાથ પરોવીને તેની ગાડીમાં બેસી ગઈ. લોકોની ભીડ
ધીમે-ધીમે વિખરાઈ ગઈ. સેરેના પણ પોતાની ગાડીમાં બેસી ગઈ. ત્યાં પૂતળાની જેમ ઊભેલા છેતરાયેલા, ઠગાયેલા અને ગુનેગાર પુરવાર થયેલા અચ્યુતની સાથે આખી પરિસ્થિતિને માપી શકતા હોવા છતાં પણ આશ્ચર્ય અને આઘાતમાં હવે શું કરવું એ ન સમજી શકતા રુમી અને મિહિર પણ ત્યાં જ ઊભા રહી ગયા.
(ક્રમશઃ)
