Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૩૬)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૩૬)

Published : 13 September, 2026 07:11 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૩૬)

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


અચ્યુતે આંખો ખોલીને પહેલો સવાલ પૂછ્યો, ‘અક્ષરા ક્યાં છે... અક્ષરાને મેં જોઈ હતી. તે હતી આપણી સાથે...’
મિહિરે તેનો હાથ પકડીને સહાનુભૂતિ અને સ્નેહ સાથે કહ્યું, ‘તું બેહોશ હતો. તને એવું લાગ્યું કે અક્ષરા છે, પણ અક્ષરાને આપણે તેની વિલા પર છોડીને નીકળ્યા પછી તે આપણને મળી નથી.’
‘તું જુઠ્ઠું બોલે છે.’ અચ્યુત ઉશ્કેરાઈ ગયો.
‘હું શા માટે જુઠ્ઠું બોલું?’ મિહિર તેને સમજાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો હતો. રુમી આ બધું જોઈ રહ્યો હતો. થોડી વારમાં બધા ડિસ્ચાર્જ થવાના હતા. મિહિરે બે દિવસ પછીની ટિકિટ બુક કરી દીધી હતી. હવે અહીં રોકાવાનો કોઈ અર્થ નહોતો એ વાત અચ્યુતને કઈ રીતે સમજાવવી એ સવાલ મિહિર અને રુમી બન્નેને પજવી રહ્યો હતો, ‘અક્ષરા જો આપણી સાથે હોય તો તે તને આવી હાલતમાં મૂકીને અહીંથી જાય ખરી?’ મિહિરે પૂછ્યું તો ખરું, પણ તેની આંખોમાં સચ્ચાઈ શોધી રહેલા અચ્યુતને સમજાઈ ગયું હતું કે મિહિર જે કંઈ કહી રહ્યો હતો એ વાતમાં કોઈ વજૂદ નહોતું. 
‘તે હતી... મને ખાતરી છે.’ અચ્યુતે કોઈ અજબ જેવા દૃઢ વિશ્વાસ સાથે કહ્યું, ‘તે જતી રહી, કારણ કે તે મારી સાથે મુંબઈ આવવા માગતી નથી... તેને લાગે છે કે હું તેને માફ નહીં કરી શકું. પ્રેમમાં માફી નથી હોતી, બસ સ્વીકાર હોય છે એ વાત હું તેને સમજાવી શક્યો નહીં.’ અચ્યુતની આંખોમાંથી આંસુ સરી રહ્યાં. તેણે આંખો મીંચી લીધી, ‘એક વાર તેણે મને સાંભળી લીધો હોત તો કદાચ...’
‘સાચું કહું?’ હવે રુમીથી રહેવાયું નહીં, ‘તારા જેવો માણસ મળે એ તેનું સદ્ભાગ્ય છે, પણ તારી સાથે જીવી ન શકે એ તેનું ભાગ્ય છે. તું છોડ તેને, શાંતિથી તારી જિંદગી જીવ. તને કોઈ પણ છોકરી...’
તેનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ અચ્યુતે આંખો ખોલી નાખી, ‘અક્ષરા સિવાય મારી જિંદગીમાં કોઈના માટે જગ્યા નથી.’ જાણે કે સંવાદ અહીં પૂરો થયો હોય એમ તેણે આંખો ફરી મીંચી દીધી. રુમી કશું કહેવા જતો હતો, પણ મિહિરે આંખોથી જ તેને ના પાડી. બન્ને જણ ચૂપચાપ હૉસ્પિટલનું પેપરવર્ક પતાવતા રહ્યા. ડિસ્ચાર્જ લઈને બધા રુમીના ફ્લૅટ પર પહોંચ્યા. ફ્રૅક્ચર્સને કારણે અચ્યુત ભયાનક પીડામાં હતો. મિહિરે પૅકિંગ કર્યું. હવે બન્ને આવતી કાલે સાંજે-પરમ દિવસે વહેલી સવારે ઇટલી છોડવાની પ્રતીક્ષા કરવા લાગ્યા.
lll
સેરેનાની કેદમાંથી છટકેલી ગુલનોરા મુખ્ય રસ્તા પર આવીને ક્યાં જવું એ વિચારવા લાગી. ઇટલીમાં તે કોઈને ઓળખતી નહોતી. ક્યાં જવું એ વિશે તેની પાસે કોઈ દિશા કે વિચાર નહોતો. વળી સેરેનાના માણસો તેને શોધવા નીકળી જ પડ્યા હશે એ વાતનો ભય તો હતો જ... અત્યારે તે એક જાણીતી વેલનેસ કંપનીની મસાજ ગર્લના યુનિફૉર્મમાં હતી. તેની પાસે અત્યારે બીજાં કપડાં પણ નહોતાં... હીરાનાં કડાં અને ગળાનું પેન્ડન્ટ તેણે બચવા માટે ખર્ચી નાખ્યાં હતાં. મુખ્ય રસ્તા પર ચાલતાં-ચાલતાં તેણે પેલી થાઈ મસાજ ગર્લ પાસેથી લીધેલા ફોનમાં સર્ચ કરવા માંડ્યું. રેલવે-સ્ટેશન અને બસ ક્યાં જઈ શકે એ વિશે તપાસ કરતાં તેને સમજાયું કે કોઈ નાનકડા ગામડામાં જઈને છુપાવું એ સૌથી સુરક્ષિત અને એકમાત્ર રસ્તો છે. થોડાક પૈસા તેની પાસે હતા. સેરેનાએ આપેલાં કાર્ડ હજી થોડો સમય ચાલી શકે એમ હતાં. થાઈ છોકરીનો ફોન પણ થોડી વારમાં ફેંકી જ દેવો પડશે એ વાત ગુલનોરા સમજતી હતી. અડધો કલાકમાં જે કરવું હોય એ બધું જ કરી લેવું પડશે એ સમજણ સાથે તેણે બસની ટિકિટ બુક કરી. વર્ષો પહેલાં જ્યારે તેની કૉલેજની બહેનપણીઓ સાથે યુરોપ ફરવા આવવાનું નક્કી કર્યું ત્યારે લેક કોમો પાસે આવેલા બેલાજિયો વિશે વાંચ્યું હતું. બસ-સ્ટૅન્ડ પર પહોંચીને તેણે બેલાજિયોની ટિકિટ બુક કરી. ક્રેડિટ કાર્ડથી ૫૦૦૦ યુરો ઉપાડી લીધા. પછી ક્રેડિટ કાર્ડ અને ફોનમાંથી કાઢેલું સિમ ઘસીને, ટુકડા કરીને બસ-સ્ટૅન્ડના ડસ્ટબિનમાં નાખી દીધું. હવે આવનારા દિવસો અને આફત બન્ને માટે ગુલનોરા તૈયાર હતી. બસ-સ્ટૉપની નજીક આવેલા એક ‘બેનેટ’ હાઇપર માર્કેટ જેવા સ્ટોરમાં જઈને બે જીન્સ અને ૪ ટી-શર્ટ ખરીદ્યાં. ત્યાંના વૉશરૂમમાં કપડાં બદલીને તેણે યુનિફૉર્મ ડસ્ટબિનમાં નાખી દીધો. સ્કાર્ફ ખરીદીને મુસ્લિમ છોકરીઓ પહેરે એવો હિજાબ પહેરી લીધો. ગૉગલ્સ પહેરીને તે જ્યારે બહાર નીકળી ત્યારે તેને સરળતાથી ઓળખવી શક્ય નથી એ વાત ગુલનોરાએ અરીસામાં જોઈને ચકાસી લીધી.
બસ-સ્ટૉપ પર રાહ જોતાં તેણે થોડું ખાઈ લીધું. બેલાજિયોની બસ જ્યારે પૂર્વ મિલાનના બસ-સ્ટૉપની બહાર નીકળી ત્યારે ગુલનોરાએ રાહતનો શ્વાસ લીધો. ગૉગલ્સ પહેરીને તે ઘસઘસાટ ઊંઘી ગઈ... બસ જ્યારે કોમો ઊભી રહી ત્યારે ગુલનોરાની આંખ ખૂલી. ગુલાબી ઠંડી અને આછા વરસાદમાં ગરમાગરમ કૉફી પીવાના વિચારથી જ્યારે તે નીચે ઊતરી ત્યારે થોડે દૂર એક નાનકડા હોમ કૅફેમાં થયેલો ઍક્સિડન્ટ તેણે જોયો. કુચ્ચો થઈ ગયેલી લાલ મર્સિડીઝ અને એને ઠોકીને ઝડપથી નીકળેલી કાળી હમર ગુલનોરાએ જોઈ. તેની સાથેના સૌ પ્રવાસીઓ આ ભયાનક અકસ્માત જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. બે ઍમ્બ્યુલન્સ ઝડપથી ત્યાંથી બહાર નીકળી... ગુલનોરાએ મનોમન પ્રાર્થના કરી, ‘હે અલ્લાહ. બિચારા જે કોઈ આ ઍમ્બ્યુલન્સમાં હોય તેનો જીવ બચાવજે...’ 
ગુલનોરા કૉફી પીને બસમાં બેસે એ પહેલાં એક ગાડી આવીને પાર્કિંગમાં ઊભી રહી. એમાંથી એ જ બે જર્મન માણસો ઊતર્યા જે ગુલનોરાને ઍરપોર્ટ પર લેવા આવ્યા હતા. પોતાનો ચહેરો છુપાવતી ગુલનોરા બસમાં બેસવા જતી હતી કે એમાંના એક માણસે આવીને તેના ખભે હાથ મૂક્યો, ‘હેલો ગુલનોરા! ભાગતાં-ભાગતાં થાકી ગઈ હોઈશ નહીં? ચાલ, તને આરામ કરવા લઈ જઉં.’
‘કોણ છો તમે? હું તમને નથી ઓળખતી...’ ગુલનોરાએ જરા મોટા અવાજે કહ્યું જેથી બાકીના પ્રવાસીઓનું ધ્યાન ખેંચાય. એમાંનો બીજો માણસ પણ ગુલનોરાની નજીક આવીને ઊભો રહી ગયો. ગુલનોરાએ વધુ મોટા અવાજે કહ્યું, ‘દૂર રહો મારાથી. હું ગુલનોરા નથી... મને અડવાનો પ્રયાસ કરશો તો પોલીસ બોલાવીશ...’ ગુલનોરાના ચહેરા પર પસીનાનાં ઝીણાં-ઝીણાં બુંદ બાજી ગયાં હતાં. તેની જીભ થોથવાવા લાગી હતી, પગ ધ્રૂજવા લાગ્યા હતા, ‘ડોન્ટ ટચ મી.’ તેણે જોરથી બૂમ પાડી. તેના સહપ્રવાસીઓમાંના બે છોકરાઓ નજીક આવવા ગયા. 
બે જર્મન માણસોમાંથી એકે રિવૉલ્વર કાઢીને સૌની સામે ધરી... સૌ સ્તબ્ધ થઈને ઊભા રહ્યા. પેલા જર્મન માણસે ગુલનોરાના ગળા પર પિસ્તોલ મૂકી. તેનો હાથ પકડીને તેને પાર્ક કરેલી ગાડી તરફ લઈ આવ્યો, ‘કોઈ પણ પ્રકારની ચાલાકી કર્યા વગર ગાડીમાં બેસી જા.’ તે જર્મન માણસે કહ્યું, ‘તું જીવતી આવવા તૈયાર ન થાય તો તારી લાશ પણ અહીંથી લઈ જવાનો અમને ઑર્ડર છે.’
‘હું નહીં આવું.’ ગુલનોરાએ ગાડીનું બોનેટ પકડીને ટકી રહેવાનો પ્રયાસ કર્યો, પણ ૬ ફુટ બે ઇંચની હાઇટ ધરાવતા બે વેલબિલ્ટ માણસો સામે નાજુકડી ગુલનોરાનું શું ચાલે? તેને ગાડીમાં નાખી દેવામાં આવી. સૌ પ્રવાસીઓ જોઈ શકતા હતા. એમાંના કેટલાકે વિડિયો પણ કર્યા. એમ છતાં ગુલનોરાને લઈને ગાડી ત્યાંથી નીકળી ગઈ. ગાડીના ગયા પછી એક વૃદ્ધ સ્ત્રી પોલીસને ફોન કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે સહપ્રવાસીઓમાંના એક યુવાને કહ્યું, ‘શા માટે ટ્રબલ ઇન્વાઇટ કરો છો? જોયું નહીં એ લોકો પેલીને કઈ રીતે લઈ ગયા. બાકીનાં વર્ષો એકઝાટકે શા માટે પૂરાં કરવાં છે?’ તે યુવાનની વાત સાંભળીને વૃદ્ધાએ ફોન પર્સમાં મૂકી દીધો. થોડી વાર અંદરોઅંદર ગણગણાટ કર્યા પછી બધા પ્રવાસીઓ વારાફરતી બેસી ગયા. ગુલનોરાની સીટ ખાલી રહી. બસ બેલાજિયો તરફ ઊપડી ગઈ.
lll
ગાડી જ્યારે વિલા કાર્સેનોના ૭ નંબરના બંગલા પાસે ઊભી રહી ત્યારે ગુલનોરાએ ઊતરવાની આનાકાની કરી, પણ તેનું કંઈ ચાલ્યું નહીં. તેને બળજબરીથી ઉતારીને જ્યારે ૭ નંબરના વિલામાં લઈ જવામાં આવી ત્યારે હાથમાં વાઇનનો ગ્લાસ લઈને રાહ જોઈ રહેલી સેરેનાએ તેનું સ્વાગત કર્યું, ‘વેલકમ હોમ!’ તેને લઈને આવેલા બે જર્મન છોકરાઓ સેરેના સામે ઝૂકીને બહાર નીકળી ગયા. સેરેનાના બૉડીગાર્ડ ત્યાં ઊભા હતા. તેમણે ગુલનોરા સામે એવી રીતે જોયું જાણે ઝૂમાંથી ભાગી ગયેલા કોઈ પ્રાણીને ફરી પાછું પકડીને ઝૂમાં લાવવામાં આવ્યું હોય...
ગુલનોરાને સમજાઈ ગયું કે હવે અહીંથી બચવાનો કોઈ રસ્તો ખુલ્લો રહ્યો જ નહોતો. તે ત્યાં જ ફસડાઈ પડી. તેણે અત્યાર સુધી જાળવી રાખેલી બધી જ હિંમત તેનાં ડૂસકાંમાં વેરાઈ ગઈ, ‘તું જાણે છે કે બૉસથી કોઈ બચી શકતું નથી. એમ છતાં ખોટી દોડાદોડી કરીને તું પણ હેરાન થઈ અને અમને પણ હેરાન કર્યા...’ કહીને સેરેનાએ પૂરી નજાકત અને વહાલથી ગુલનોરાને ઊભી કરી. સામેના સોફા પર બેઠેલી અક્ષરાને જોઈને સેરેનાએ કહ્યું, ‘તારું પ્રમોશન થઈ ગયું. હવે ગુલનોરાને તૈયાર કરવાની, સમજાવવાની અને કામ પર ચડાવવાની જવાબદારી તારી...’ અક્ષરાએ સ્મિત કર્યું, ‘આ એલેના છે.’ સેરેનાએ ગુલનોરાને કહ્યું, ‘છેક ઇન્ડિયાથી તેને લેવા આવેલા તેના હસબન્ડને તેણે ઓળખવાની જ ના પાડી દીધી. બૉસ વૉઝ વેરી હૅપી વિથ હર.’ કહીને સેરેનાએ વાઇનનો સિપ લીધો, ‘આ વન-વે સ્ટ્રીટ છે સ્વીટી. અહીંથી બહાર જવાનો એક જ રસ્તો છે, લાશ બનીને... શરીર વેચવું કે શ્વાસ ગુમાવવો એ તારે નક્કી કરવાનું છે.’ ગુલનોરા કંઈ બોલવા જતી હતી, પણ સેરેનાએ ગજબ ઠંડી ક્રૂરતાથી એક પ્લાસ્ટિકનું સ્માઇલ હોઠ પરથી ટપકાવીને કહ્યું, ‘હું જાણું છું કે તું મરી નહીં શકે...’ તેણે એલેના સામે જોયું, ‘મરનારા ભાગવાનો રસ્તો નથી શોધતા, બસ મરવાનો રસ્તો શોધે છે. હવે મન અને આત્માને મારવાનો પ્રયાસ કર જેથી શરીરને જીવતું રાખી શકે.’ કહીને સેરેનાએ એવી જ ઠંડી ક્રૂરતાથી અક્ષરા તરફ જોયું, ‘ટેક કૅર ઑફ હર.’ કહીને સેરેના બહાર નીકળી ગઈ. તેના અંગરક્ષક પણ તેની પાછળ-પાછળ બહાર નીકળી ગયા... એક વિચિત્ર વજનદાર સન્નાટો સાંય... સાંય... કરતો વિલા કાર્સેનોમાં ઘૂમરાતો રહ્યો.
lll
મિહિર અને અચ્યુત મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતર્યા ત્યારે ટીવી પર દેખાતા સમાચાર જોઈને મિહિર ચોંક્યો. હ્યુમન ટ્રાફિકિંગ માટે પકડવામાં આવેલા બે કુખ્યાત ગૅન્ગસ્ટર મકબૂલ અને અબ્દુલને ભાઉચા ધક્કાથી જુહુ પોલીસ-સ્ટેશન લાવતી વખતે અચાનક પોલીસની વૅન પર હુમલો થયો. કોઈ કશું સમજે એ પહેલાં બન્ને જણ પર ધાણી ફૂટે એમ ગોળીઓ છૂટી. મકબૂલના શરીરમાં ૮ અને અબ્દુલના શરીરમાં ૭ ગોળીઓ ઉતારી દેવામાં આવી. તેને બચાવવામાં બે કૉન્સ્ટેબલ પણ મૃત્યુ પામ્યા અને અનવર કુરેશી ઘાયલ થયો... લોહીથી લથબથ હાલતમાં અબ્દુલ અને મકબૂલની લાશ રસ્તા પર પડી હતી. અનવર કુરેશી પોતાના ખભામાંથી વહેતા લોહી સાથે બૅકઅપ માટે વાયરલેસ પોલીસ રેડિયો પર મદદની બૂમો પાડતો રહ્યો... સમાચાર જોઈને મિહિર નિરાશ થઈ ગયો. અનિસાના ખૂનીને સજા કરાવવાનો તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ બે ભાઈઓના મૃત્યુ પછી હ્યુમન ટ્રાફિકિંગની જાળનો સૌથી મહત્ત્વનો છેડો મિહિરના હાથમાંથી સરકી ગયો હતો. તેને લાગ્યું કે હવે આ જાળને ઉકેલવાનો પ્રયત્ન નવેસરથી શરૂ કરવો પડશે! સમાચાર જોઈને અચ્યુતે કહ્યું, ‘અનિસાના ખૂનીઓને સજા મળી ચૂકી.’ મિહિરે નિઃશ્વાસ નાખીને કહ્યું, ‘સજા નથી, આ મુક્તિ છે. આ હરામીઓને આવું આસાન મોત નહોતું મળવું જોઈતું.’ 
lll
ગુલનોરા ફરી ફસડાઈ પડી. તે જમીન પર ઘૂંટણિયે પડીને રડવા લાગી. અક્ષરાએ તેને થોડી વાર રડવા દીધી. પછી નજીક આવીને તેના ખભે હાથ મૂક્યો, ‘તું સાચે જ અહીંથી ભાગવા માગે છે?’ અક્ષરાએ પૂછ્યું. ગુલનોરાએ ડોકું ધુણાવીને હા પાડી, ‘તો ભાગી જા.’ કહેતાં અક્ષરાના ચહેરા પર સ્મિત આવી ગયું.
‘મને લાગે છે આ એક વર્તુળ છે. ગમે એટલું ભાગો, ફરી-ફરીને ત્યાં જ પહોંચી જવાય છે.’ ગુલનોરા રડતાં-રડતાં બોલી, ‘હું હવે અહીં ફસાઈ ગઈ છું...’
‘તું નહીં, આપણે બન્ને... આપણે કરેલા નિર્ણયનાં પરિણામો આપણે જ ભોગવવાનાં હોય છે. અઝીઝે તો આપણી બેવકૂફીનો ઉપયોગ કર્યો. પરિવાર અને સાચા પ્રેમને છોડવાના આપણા ગુનાની સજાનો નિમિત્ત બન્યો તે.’ કહેતાં-કહેતાં અક્ષરાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, ‘હવે જ્યાં પહોંચી છે ત્યાંથી ભાગવાને બદલે અહીં ટકવાનો, જીવવાનો... જીવવા માટે ઝઝૂમવાનો પ્રયત્ન કરવા માંડ તો કદાચ...’ કહેતાં-કહેતાં અક્ષરાએ હોઠ ભીડી દીધા. આગળની વાત જાણે મોઢામાંથી નીકળી ન જાય એમ તેણે પોતાના પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. થોડીક ક્ષણો ભયાનક મૌન છવાયેલું રહ્યું. ફક્ત ગુલનોરાના નિઃશબ્દ રુદનની વચ્ચે-વચ્ચે ક્યાંક તેનું હળવું ડૂસકું સંભળાતું રહ્યું. ગુલનોરાને જમીન પર પડેલી છોડીને જાણે કશું બન્યું જ ન હોય એમ અક્ષરાએ ડાઇનિંગ ટેબલ તૈયાર કર્યું, ખાવાનું ગરમ કર્યું, પ્લેટ લગાવી, પોતે ડાઇનિંગ ટેબલ પર બેઠી અને પછી કહ્યું, ‘રડી લીધું હોય તો આવી જા, ખાઈ લે...’
‘મારે નથી ખાવું.’ ગુલનોરાએ ગળું ફાટી જાય એવા અવાજે ચીસ પાડી. અક્ષરાના ચહેરા પર નાનકડો પણ ફેરફાર થયો નહીં, ‘કંઈ પણ થાય, હું શરીર નહીં વેચું...’ ગુલનોરાએ ફરી ચીસ પાડી.
‘શરીર તો વેચાઈ ચૂક્યું.’ અક્ષરાના અવાજમાં સહેજ પણ કંપ કે પીડા નહોતાં, ‘એનો પહેલો ખરીદદાર અઝીઝ શેખ હતો...’ ગુલનોરાએ ફરી મોટા અવાજે રડવા માંડ્યું. અક્ષરાએ ફરી એટલી જ શાંતિથી કહ્યું, ‘એક વાર ખોટા રસ્તે નીકળી જઈએ પછી કેટલા દૂર જઈએ છીએ એનો કોઈ હિસાબ હોતો જ નથી.’ તેણે ફરી એટલી જ સ્વસ્થતાથી કહ્યું, ‘ચાલ, જમી લે ને પછી થોડી વાર સૂઈ જા. જાગીશ ત્યારે કદાચ તારામાં આ સત્યને સ્વીકારવાની થોડી વધુ હિંમત આવી જશે.’
‘નાઆઆઆ...’ ગુલનોરાએ ફરી રાડ પાડીને કહ્યું. અક્ષરાએ તદ્દન હળવાશથી ખભા ઉલાળ્યા અને જમવા માંડ્યું. ગુલનોરા જમીન પર પડીને રડતી રહી. તે ટૂંટિયું વળી ગઈ હતી. રડતાં-રડતાં તે જમીન પર માથું પછાડતી, પોતાના બન્ને હાથ કપાળ પર પછાડતી, ક્યારેક ચીસ પાડતી તો ક્યારેક વિક્ષિપ્ત વ્યક્તિની જેમ હસવા લાગતી. અક્ષરાએ જમીને ટેબલ સાફ કર્યું, ખાવાનું કિચનના કાઉન્ટર પર રહેવા દીધું... તેણે ઉપર જતાં-જતાં સહજતાથી ગુલનોરા તરફ જોયું, કંઈ કહેવાનો વિચાર કર્યો પણ પછી ડોકું ધુણાવીને સ્વયંને જ બોલતાં રોકીને પગથિયાં ચડી ગઈ.
પોતાના રૂમમાં જઈને અક્ષરાએ ડ્રેસિંગ ટેબલના અરીસામાં ચહેરો જોયો. તેને પોતાના ચહેરામાં સેરેનાનો ચહેરો દેખાયો. અરીસામાં જોઈ રહેલી અક્ષરા કોઈ સ્કિઝોફ્રેનિક વ્યક્તિની જેમ હસવા લાગી... હસતી રહી...
lll
જેમ બધાએ ધાર્યું હતું એમ જ અઝીઝને મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો, પરંતુ ‘પુરાવાના અભાવે’ તેની બેઇલ ગ્રાન્ટ થઈ ગઈ. એ જ રાત્રે અઝીઝ મુંબઈ છોડી ગયો. તે કઈ રીતે મુંબઈની બહાર ગયો એ વિશે કોઈ જાણી શક્યું નહીં... અથવા ઘણાબધા જાણતા હતા પણ લોખંડે કે બીજા એવા થોડા મુઠ્ઠીભર પ્રામાણિક અધિકારીઓ એમાં કશું કરી શક્યા નહીં. 
શારજાહના ઍરપોર્ટ પર અઝીઝની રાહ જોવાતી રહી. એક દિવસ, બે દિવસ, અઠવાડિયું... પૂરેપૂરા કડક જાપ્તા વચ્ચે પણ શારજાહ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર શેખ અબ્દુલ બિન મોહમ્મદ અઝીઝ અલ સઈદ અઝીઝ શેખના કોઈ સગડ મળ્યા નહીં.
સુલતાનની સામે ઘૂંટણિયે બેઠેલા અઝીઝના હાથ પાછળ બાંધેલા હતા. કેટલાય દિવસોના ભૂખમરા અને શારીરિક યાતનાઓને કારણે થોડા જ દિવસો પહેલાંનો એ હૅન્ડસમ, ચાર્મિંગ અઝીઝ આજે ઓળખાય એવો રહ્યો નહોતો. તેની આંખોમાં મોતનો ખૌફ હતો. તેણે વારંવાર સુલતાન પાસે મોતની ભીખ માગી હતી, પરંતુ તે જ્યાં સુધી પોતાના નેટવર્કની વિગતો ન આપે ત્યાં સુધી સુલતાન તેને મરવા દે એમ નહોતા. 
અઝીઝ જાણતો હતો કે જે દિવસે તે માહિતી આપશે એ દિવસે ‘બૉસ’ના માણસો તેને ક્યાંયથી પણ શોધીને મારી નાખશે... રહમત શુજા પૂછપરછ કરીને થાક્યો હતો. અઝીઝ મોઢું ખોલવા તૈયાર નહોતો. હવે આ પૂછપરછ અને યાતનાઓ કેટલા દિવસ, કેટલા મહિના ચાલવાની હતી એ વિશે અઝીઝને પોતાને પણ ખબર નહોતી! તેણે ફરી એક વાર માથું ઝુકાવીને કહ્યું, ‘સુલતાન, તમારા પગમાં પડું છું. રહેમ કરો અને મને મોત આપી દો.’ સામે વિશાળ ટેબલની પાછળ બેઠેલા સુલતાન, શુજા અને બીજા અધિકારીઓએ એકબીજાની સામે જોયું. અઝીઝની પાછળ ઊભેલા બે પડછંદ ગાર્ડ્સને સુલતાને હુકમ કર્યો, ‘લઈ જાઓ તેને.’ મહાપરાણે પોતાના પગ પર ઊભા થઈ શકતા અઝીઝને ઢસડીને લઈ જવામાં આવ્યો. 
lll
વિલા કાર્સેનોના ૭ નંબરના બંગલાની બહારથી ઢળતી સાંજે બે ગાડીઓ નીકળી. એકમાં ગુલનોરા હતી અને એમાંની બીજી ગાડી બેલાજિયોના જાણીતા રિસૉર્ટમાં જઈને ઊભી રહી. ગાડીમાંથી શૉર્ટ ડ્રેસ અને રોમન સૅન્ડલ પહેરેલી એક દિલધડક, ખૂબસૂરત યુવતી ઊતરી. તેના ઘૂંઘરાળા વાળ પીઠ પર ખુલ્લા હતા. તેની રાખોડી આંખોમાં કોઈ ભાવ નહોતા. ચૂપચાપ રિસૉર્ટના મુખ્ય દરવાજાનાં પગથિયાં ચડીને દાખલ થઈ. તે છોકરી જાણે કે સમયનો દરવાજો ખોલીને દાખલ થઈ છે. ઠંડા માર્બલની અનુભૂતિ, જૂના ઇટાલિયન આર્કિટેક્ચરનો રજવાડી અનુભવ, બન્ને બાજુએ કોતરેલી રેલિંગ, છતમાં લટકતું રાજાશાહી ક્રિસ્ટલ શૅન્ડેલિયર ઍરકન્ડિશનરની હવાના કારણે કાચના ટુકડાઓ સાથે મીઠો રણકાર કરી રહ્યું હતું. રિસેપ્શન પરથી રૂમની ચાવી લઈને તે છોકરી લિફ્ટમાં દાખલ થઈ. લિફ્ટ હળવા આંચકા સાથે પાંચમા માળે ઊભી રહી. ‘હિસ્ટોરિક રૉયલ સ્વીટ’ લખેલા રૂમ પાસે આવીને તે છોકરીએ પોતાની પાસે રહેલા કાર્ડથી દરવાજો ખોલ્યો. આ પ્રક્રિયા એવી રીતે થઈ જાણે બધું જ રૂટીન હોય, લગભગ રોજ બનતું હોય! સ્વીટનો દરવાજો ખૂલતાં જ એક ભારતીય પુરુષે શરાબનો ગ્લાસ ઉઠાવીને તે રાખોડી આંખોવાળી છોકરીને કહ્યું, ‘વેલકમ હોમ એલેના...’
અક્ષરાની રાખોડી આંખો આ માણસને જોઈને પહોળી થઈ ગઈ, ગળું સુકાઈ ગયું, કપાળ પર હળવા પરસેવાનાં બૂંદ જામ્યાં. તેનાથી પુછાઈ ગયું, ‘તું? અહીં?’
‘હા! તું ગમે એટલું ભાગે, હું તારા સુધી પહોંચી જઈશ અક્ષરા!’ તે પુરુષ નજીક આવ્યો. તેણે તે છોકરીના ઘૂંઘરાળા વાળ હટાવીને પીઠ પર રહેલા પતંગિયાના ટૅટૂ પર હળવું ચુંબન કર્યું. તેના ગાલ પર, ગળા પર, ખભા પર તેની આંગળી મૃદુતાથી ઘુમાવતાં તે પુરુષે કહ્યું, ‘પ્રેમથી નહીં તો પૈસાથી, તને પામવી એ મારું ઝનૂન છે. પૂરેપૂરી કિંમત ચૂકવી છે મેં આજની રાત માટે. અહીંથી ગયો ત્યારથી મેં નક્કી કર્યું છે કે હું તારા સુધી પહોંચવા જ કમાઈશ. હું તારી છાયા છું ને તું મારી પ્રતિછાયા. વી આર ઇનસેપરેબલ. અક્ષરા! આઇ લવ યુ.’ તે પુરુષ હસ્યો. તેણે અક્ષરાને પોતાના બાહુપાશમાં લીધી. 
‘સૉરી સર. માય નેમ ઇઝ એલેના.’ કહીને યંત્રવત્ તે પુરુષના ખભા પર માથું ઢાળીને ઊભેલી અક્ષરાના ખભા પર રહેલું પતંગિયાનું ટૅટૂ રૂમના ક્લાસી ડેકોરની પીળી લાઇટમાં ઝગમગતું રહ્યું. 
(સમાપ્ત) 


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 07:11 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK