Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શા માટે તનુજાએ અચાનક ધર્મેન્દ્રને તમાચો માર્યો?

શા માટે તનુજાએ અચાનક ધર્મેન્દ્રને તમાચો માર્યો?

Published : 13 September, 2026 07:32 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

તનુજાની અભિનય કારકિર્દી, બંગાળી ફિલ્મોમાં પ્રવેશ, ‘જીને કી રાહ’થી મળેલી સફળતા, ધર્મેન્દ્ર સાથેના રસપ્રદ કિસ્સા, પ્રેમ, શોમુ મુખરજી સાથેનાં લગ્ન અને કાજોલ-તનીશાના ઉછેરની વાતો જાણો.

તનુજા અને ધર્મેન્દ્ર

વો જબ યાદ આએ

તનુજા અને ધર્મેન્દ્ર


The thing that makes you say, ‘I want to do something, That is the beginning of talent.’
જે ક્ષણે તમને એમ થાય કે મારે કંઈક કરવું છે ત્યારે સમજી લેવું કે તમારી પ્રતિભાના સિંચનની શરૂઆત થઈ ગઈ છે. તનુજાને કેદાર શર્માના તમાચાએ એવો ઝટકો આપ્યો કે તેણે મનમાં ગાંઠ વાળી કે મારે અભિનયક્ષેત્રે નામ કરવું છે. એટલા માટે જ તેણે નાનાં હોય કે મોટાં, દમદાર પાત્રોવાળી ફિલ્મો સાઇન કરી. 
તનુજાની હિરોઇન તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ ૧૯૬૦થી. ઇન્ડસ્ટ્રીમાં હજી તેનું નામ થવાની શરૂઆત પણ નહોતી થઈ ત્યારે ૧૯૬૨માં તેને બંગાળી ફિલ્મોમાં કામ કરવાની ઑફર મળી. તેની પ્રથમ ફિલ્મ ‘દેયા નેયા’માં ઉત્તમકુમાર તેના હીરો હતા. તેને બંગાળી આવડતું નહોતું, પણ અભિનયની લગન એટલી હતી કે ઝડપથી બંગાળી બોલતાં શીખી લીધું. ભાષા સાથે અનહદ પ્રેમ એટલે કોઈ પણ નવી ભાષા શીખતાં વાર ન લાગે. તપન સિંહાની આ ફિલ્મનો વિષય થોડો ચર્ચાસ્પદ હતો, પણ તનુજા માટે એક પડકાર હતો જેના માટે તે હંમેશાં તૈયાર રહેતી. તેનું માનવું હતું કે દિલ લગાવીને, રોલને આત્મસાત્ કરીને કામ કરીએ તો સફળતા મળે જ. સમગ્ર કારકિર્દી દરમ્યાન તેણે ૧૬ બંગાળી ફિલ્મોમાં અભિનય આપ્યો. 
કારકિર્દીની શરૂઆતનાં લગભગ સાત-આઠ વર્ષ કામ કર્યા બાદ પણ એક ‘સોલો હિરોઇન’ તરીકે તનુજા ઇન્ડસ્ટ્રીમાં એસ્ટૅબ્લિશ નહોતી થઈ. તેની અભિનયક્ષમતા માટે કોઈને સંદેહ નહોતો, પરંતુ હિરોઇન તરીકે એકલા હાથે તે ફિલ્મને સફળ બનાવે કે કેમ એ વિશે પ્રોડ્યુસર્સને શંકા હતી. તનુજા એ દિવસોમાં ફિલ્મોની રાહ જોતી બેસી રહેતી. કોઈ પ્રોડ્યુસર તેના ઘરે નહોતો આવતો એનું એક કારણ હતું. 
બન્યું એવું કે ૧૯૬૮માં તનુજા એક કાર-ઍક્સિડન્ટના કેસમાં ફસાઈ હતી. જે માણસને તેની ગાડીની ટક્કર લાગી તેનું હૉસ્પિટલમાં અવસાન થયું અને કોર્ટમાં કેસ થયો. તનુજાને ખબર નહોતી કે શું ચુકાદો આવશે. એવું લાગતું હતું કે કદાચ જેલમાં જવું પડે. આ કારણે કોઈ પ્રોડ્યુસર તેને સાઇન કરવા નહોતો આવતો. 
એવા સમયે એલ. વી. પ્રસાદ તેની પાસે ‘જીને કી રાહ’ માટે હિરોઇનના રોલની ઑફર લઈને આવ્યા. હીરો તરીકે તેમણે યુવાન જિતેન્દ્રને સાઇન કર્યો હતો જે ‘ફર્ઝ’ની પારાવાર સફળતા બાદ ટૉપનો હીરો ગણાતો હતો. તનુજાએ એલ. વી. પ્રસાદને કહ્યું, ‘તમે બીજી હિરોઇનને સાઇન કરી લો કારણ કે કેસનો ચુકાદો શું આવશે એની મને ખબર નથી.’
એલ. વી. પ્રસાદે કહ્યું, ‘હું રાહ જોવા તૈયાર છું. આ રોલ તારા માટે જ છે.’ 
સંજોગવશાત્ કેસનો ચુકાદો આવ્યો જેમાં તનુજાને મોટો ફાઇન ભરવાનો કોર્ટે આદેશ આપ્યો. તનુજાએ તરત ફાઇન ફરી દીધો અને ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. આ ફિલ્મ તેની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ હતી. 
‘જીને કી રાહ’ની સફળતા બાદ તનુજાની ગણના નામી હિરોઇનો સાથે થવા લાગી. ત્યાર બાદ ‘હાથી મેરે સાથી’ (રાજેશ ખન્ના), ‘મેરે જીવનસાથી’, ‘અનુભવ’ (સંજીવકુમાર), ‘દો ચોર’ (ધર્મેન્દ્ર), ‘એક બાર મુસ્કુરા દો’ (દેબુ મુખરજી), ‘પવિત્ર પાપી’ (પરીક્ષિત સાહની) અને બીજી ફિલ્મોમાં તેણે કામ કર્યું. 
કમર્શિયલ ફિલ્મો હોય કે એક્સપરિમેન્ટલ, દરેક ફિલ્મમાં તનુજા પોતાની આગવી અદાકારીને કારણે યાદગાર બની રહી. ‘ફિલ્મફેર’ના એક ઇન્ટરવ્યુમાં તેના સાથી કલાકારોના રસપ્રદ કિસ્સાઓ શૅર કરતાં કહે છે, ‘દુલાલ ગુહાની ‘ચાંદ ઔર સૂરજ’ના આઉટડોર શૂટિંગમાં એક રાત્રે હું અને ધર્મેન્દ્ર સાથે બેસીને ડ્રિન્ક લેતાં હતાં. તેણે મારી સાથે ફ્લર્ટ (ગુણવંત શાહના શબ્દોમાં ‘નિર્દોષ સ્પર્શસુખ’) કરવાની કોશિશ કરી. હું પહેલાં તો હેબતાઈ ગઈ, પણ પછી મને ખૂબ ગુસ્સો આવ્યો. તેને એક તમાચો મારતાં મેં કહ્યું કે બેશરમ, તારી પત્ની અને બાળકોને હું સારી રીતે ઓળખું છું, મારી સાથે ફ્લર્ટ કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? (હસતાં-હસતાં) મારું આવું રૌદ્ર સ્વરૂપ જોઈને તે એકદમ ડઘાઈ ગયો અને કહે તન્નુ મેરી માં, મૈં હાથ જોડ કે તેરી માફી માંગતા હૂં, સૉરી બોલતા હૂં; મુઝે રાખી બાંધ ઔર તેરા ભાઈ બના દે.’ 
તનુજા વિતેલા દિવસોને યાદ કરતાં કહે છે, ‘ધરમજી મેરે પ્રા હૈ. He is my sweet Heart. ઉનકે જૈસા ઇન્સાન મિલના મુશ્કિલ હૈ. જ્યારે તે ફિલ્મફેર કૉન્ટેસ્ટના વિનર બન્યા ત્યારે પાર્ટીમાં તેમની સાથે પહેલી મુલાકાત થઈ હતી. તે ખૂબ હૅન્ડસમ હતા, પણ એટલા શરમાળ કે આંખ નીચી રાખીને જ અમારી સાથે વાત કરે. મને થયું કે કેમ આમ કરે છે? પછી ખબર પડી કે તે પરિણીત છે અને એક બાળકના પિતા છે. અમે સૌ યુવતીઓ નિરાશ થઈ ગઈ. What a sad thing.’
તનુજા સ્વભાવે ‘બિન્દાસ’ પરંતુ નિખાલસ વ્યક્તિ હતી. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક ઇન્ટરવ્યુમાં તેણે કોઈ પણ જાતના છોછ કે દંભ વિના જવાબો આપ્યા હતા. પોતાના પ્રથમ પ્રેમની ઘટના યાદ કરતાં તે કહે છે, ‘હું સ્વિટ્ઝરલૅન્ડમાં ભણતી હતી ત્યારે મારી ઓળખાણ ઇટાલિયન પિયર ફ્રાન્કો સાથે થઈ. તેને અંગ્રેજી ન આવડે અને મને ઇટાલિયન ન આવડે એટલે અમે 
ભાંગી-તૂટી ફ્રેન્ચમાં વાતો કરીએ. એક દિવસ તેણે મને કહ્યું કે તને વાંધો ન હોય તો હું તને ચુંબન કરી શકું? મેં હા પાડી. તેણે મારા ચહેરાને એવી રીતે ચૂંથી નાખ્યો કે હું તો દોડીને ત્યાંથી ભાગી ગઈ. He was a nice guy. અમે જીવનભર સારાં મિત્રો બનીને રહ્યાં.’
તનુજા જેવી Emotional, Impulsive, Passionate વ્યક્તિ પ્રેમ વિના રહી શકે એ શક્ય નહોતું. ૧૯૭૨માં એસ. મુખરજીના પુત્ર શોમુ મુખરજી સાથે ‘એક બાર મુસ્કુરા દો’ (જૉય મુખરજી, દેબુ મુખરજી)ના સેટ પર તનુજાની મુલાકાત થાય છે. બન્ને વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે અને ૧૯૭૩માં બન્નેનાં લગ્ન થાય છે. સૌને નવાઈ લાગે છે કારણ કે બન્નેના વ્યક્તિત્વ વચ્ચે બહુ મોટો ફરક હતો, પરંતુ ‘મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી’. 
કમનસીબે થોડાં જ વર્ષોમાં બન્નેના મતભેદ એટલા વધી ગયા કે તેઓ છૂટાં પડ્યાં. એ વાત કરતાં તનુજા કહે છે, ‘અમે પ્રેમમાં પડ્યાં, લગ્ન થયાં અને ડિવૉર્સ થયા. આવું શા માટે થયું એનાં કારણોની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. ત્યાર બાદ શું થયું એ અગત્યનું છે. ઈશ્વરે મને બે સુંદર પુત્રી (કાજોલ અને તનીશા) આપી જે મારી આંખનાં રતન છે. અમે છૂટા પડ્યા બાદ પણ માતા-પિતાની ફરજો સાથે મળીને નિભાવી. કદી બાળકો સામે દલીલ કે ઝઘડો કર્યો નથી. બન્ને બહેનો બોર્ડિંગ સ્કૂલમાં ભણતી હતી ત્યારે દર મહિને અમે સાથે જઈને તેમને મળતાં. શોમુ ભલે કદાચ પતિ તરીકે નિષ્ફળ ગયો હોય (એમાં મારો પણ વાંક હશે), પરંતુ પિતા તરીકે તેણે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.’
કાજોલ અને તનીશાએ પિતા તરીકે શોમુ મુખરજીનું હંમેશાં સન્માન કર્યું હતું. હાર્ટ-અટૅકના કારણે ૨૦૦૮ની ૧૦ એપ્રિલે શોમુ મુખરજીનું અવસાન થયું. બન્ને પુત્રીઓના ઉછેરની વાત કરતાં તનુજા કહે છે, ‘નાનપણમાં મારી માતાજી ખૂબ જ સ્ટ્રિક્ટ હતાં. કદાચ એટલે જ હું કાજોલ સાથે બહુ સ્ટ્રિક્ટ હતી, કારણ કે તે મારા જેવી જ ચંચળ અને મસ્તીખોર હતી. તનીશા સ્વભાવની શાંત પણ કાજોલ તોફાની એટલે તેણે મારા હાથનો પુષ્કળ માર ખાધો છે. મને ગુસ્સો આવે એટલે મારા હાથમાં હોય એ વસ્તુ હું તેની સામે ફેંકું. એક દિવસ એવું થયું કે મેં કાજોલને બૅડ્મિન્ટનના રૅકેટથી ફટકારી. તે ૧૨ વર્ષની હતી ત્યારે મેં તેને પ્રૉમિસ આપ્યું કે હવેથી તારા પર હાથ નહીં ઉપાડું. મારી પુત્રીઓ દુનિયાની શ્રેષ્ઠ સંતાનો છે. તેમની માતા હોવાનો મને ગર્વ છે.’
તનુજાની પાછલી જિંદગીની અભિનયયાત્રા અને પુત્રી-જમાઈ સાથેના યાદગાર પ્રસંગોની વાત આવતા રવિવારે. 

-રજની મહેતા


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 07:32 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK