વાંચો નવલિકાનું ત્રીજું પ્રકરણ અહીં
ઇલસ્ટ્રેશન
આર્થર રોડ જેલની બહાર પગ મૂકતાં બચુભાઈ બમ્બાટ પાસે રહેલો સૅટેલાઇટ ફોન વાઇબ્રેટ થયો. બચુભાઈએ આસપાસ નજર ફેરવી. ગાડી પાસે ગની ઊભો-ઊભો બીડી ફૂંકતો હતો. બચુભાઈએ ફોન ઉપાડ્યો.
‘હલો...’
ADVERTISEMENT
બચુભાઈએ ફોન રિસીવ કર્યો કે સામે છેડેથી કર્કશ અવાજ આવ્યો.
‘બાર વાગી ગયા છે. તારી પાસે હવે ઓછો સમય છે. જેલમાંથી ઝફરને બહાર કાઢવાનું શું થયું?’
‘તૈયારી થઈ ગઈ...’ બચુભાઈએ ઑથોરિટીની સ્ટાઇલથી જવાબ આપ્યો, ‘ઉપરથી ઑર્ડર આવી ગયો, પણ ઉસ્તાદ, ઝફર જેલમાં બીમાર છે, તેની હાલત થોડી સિરિયસ છે. તે બરાબર બોલી શકે એમ નથી...’
‘એ તારે જોવાનું નથી...’ સામેથી તરત કહેવામાં આવ્યું, ‘ડૉક્ટરના નામે કોઈ સાથે ન હોવું જોઈએ...’
‘રાઇટ, પણ ઝફરને લઈને
આવવાનું ક્યાં?’
‘કાલે સાંજે ત્રણ વાગ્યે, મુંબઈ પોર્ટ ટ્રસ્ટના જૂના અને બંધ પડેલા ડૉકયાર્ડ સાત પર તારે એકલાએ ઝફરને લઈને આવવાનું છે. જો પાછળ બીજું કોઈ દેખાયું તો...’ અવાજમાં ક્રૂરતા ઉમેરાઈ, ‘હોમ મિનિસ્ટર અને તેની દીકરી અનન્યા, સીધા દરિયામાં મળશે...’
ફોન કટ થઈ ગયો.
બચુભાઈના ચહેરા પર સ્માઇલ આવી ગયું. તેમને સમજાઈ ગયું હતું કે ટેરરિસ્ટને ખાતરી છે કે ઝફર પાસે રહેલી બ્રહ્માસ્ત્ર મિસાઇલના કોડ્સવાળી માઇક્રો-ચિપ હજુ તેની પાસે જ છે અને તેમનો આ ભ્રમ જ બચુભાઈના આગળના રસ્તાઓ ખોલવાનો હતો.
lll
‘બચુભાઈ, શું નક્કી થયું?’ ગાડી સ્ટાર્ટ કરતાં ગનીએ પૂછ્યું, ‘અંદર જઈને શું તીર મારી આવ્યા?’
‘તીર નહીં ગની, આખું ભાથું ભરીને આવ્યો છું...’ બચુભાઈએ ગની સામે જોયું, ‘ગાડી અંધેરીના જૂના નટરાજ સ્ટુડિયોએ લઈ લે...’
‘કેમ, ત્યાં શું છે?’
‘આપણા જૂના યાર અને મેકઅપના બેતાજ બાદશાહ મકબૂલ ચાચાને મળવું છે.’ બચુભાઈએ ઘટસ્ફોટ કર્યો, ‘કાલે બપોર પછી બચુભાઈ બમ્બાટ ગાયબ અને આર્થર રોડ જેલમાંથી આતંકવાદી ઝફર બહાર.’
‘હેં?! બચુભાઈ, તમે... તમે ઝફર બનીને...?’ ગનીનો અવાજ ફાટી ગયો હતો, ‘બચુભાઈ ગાંડા થયા છો, પેલા લોકો જીવતા ચામડી ઊતરડી લેશે. પાયલ ને જ્યોતિભાભીને હું શું જવાબ આપીશ?’
‘ગની, તું તારું કામ કર...’ બચુભાઈએ ગનીની પીઠ પર ટપલી મારી, ‘હિસાબ-કિતાબ બચુભાઈ પર છોડી દે... ગાડી ભગાવ...’
lll
બપોરનો સમય હતો અને અંધેરીના જૂના, ધૂળિયા સ્ટુડિયોના મેકઅપ રૂમમાં એંસી વર્ષના મકબૂલ ચાચા પોતાના ધ્રૂજતા હાથે જાદુઈ કમાલ કરતા હતા. બચુભાઈએ જેલ સુપરિન્ટેન્ડેન્ટ પવાર પાસેથી ઝફરનો ફોટો મગાવી લીધો હતો.
મકબૂલ ચાચાએ લેટેક્સ, પ્રૉસ્થેટિક ગમ, નકલી દાઢી-મૂછ અને કૉન્ટૅક્ટ લેન્સની મદદથી બચુભાઈના ચહેરાનો નકશો જ બદલી નાખ્યો. અરીસામાં જ્યારે બચુભાઈએ પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે ખુદ બચુભાઈ પણ એક ક્ષણ માટે ચોંકી ગયા, સામે બોરીવલીના પંચાવન વર્ષીય બચુભાઈ બમ્બાટ નહીં પણ આર્થર રોડ જેલનો ખતરનાક આતંકવાદી ઝફર ઊભો હતો.
‘વાહ ચાચા, આજ તો તમે બધી ફિલ્મોનો રેકૉર્ડ તોડી નાખ્યો...’
બચુભાઈએ અરીસા સામે જોઈને ઝફર જેવી જ કડક અને ઘૂરકતી નજર નાખી.
બરાબર એ જ વખતે બચુભાઈનો મોબાઇલ વાઇબ્રેટ થયો. સ્ક્રીન પર ડિટેક્ટિવ સોમચંદનું નામ ઝબકતું હતું. મેકઅપ રૂમની બહાર આવી બચુભાઈએ ફોન ઉપાડ્યો.
‘બધું પ્લાન મુજબ ચાલે છેને?’
‘હા, જેલ સુપરિન્ટેન્ડેન્ટ પવારને સમજાવી દીધા કે કાલે તમે ચૂપચાપ જેલની ઍમ્બ્યુલન્સમાં અંદર જશો અને પછી ત્રણ વાગ્યે ઝફર બનીને બહાર નીકળશો... પવાર માની ગયો... પણ...’ સોમચંદના અવાજમાં ચિંતા ઉમેરાઈ, ‘એક મોટી ગરબડ છે.’
બચુભાઈના કાન સરવા થયા.
‘હમણાં કમિશનર રાવનો ફોન આવ્યો.’ સોમચંદે ઝડપથી કહ્યું, ‘ક્રાઇમ બ્રાન્ચના સૌથી વિશ્વાસુ ગણાતા અસિસ્ટન્ટ કમિશનર રઘુવીર શિંદે, જેને કમિશનરે બૅકઅપ માટે સ્ટૅન્ડબાય રાખ્યા હતા તેણે અડધો કલાક પહેલાં એક નંબર પર કૉલ કર્યો છે. સાઇબર સેલે એ કૉલ ટ્રેસ કર્યો તો ખબર પડી કે એ કૉલ ટેરરિસ્ટ સ્લીપર સેલ બ્લૅક શૅડોના હૅન્ડલરને થયો છે... શિંદેએ ટેરરિસ્ટોને ઇન્ફર્મેશન આપી દીધી છે કે જેલમાંથી ઓરિજિનલ નહીં, ડુપ્લિકેટ ઝફર મોકલવામાં આવશે...’
બચુભાઈના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ!
‘સોમચંદ?! જો આતંકવાદીઓને ખબર પડી ગઈ છે કે ઝફર નકલી છે તો કાલે ડૉકયાર્ડ પર પગ મૂકતાં એ લોકો મને અને પછી મિનિસ્ટર અને તેની દીકરીને...’
‘હા, એટલે જ તમને અત્યારે ફોન કર્યો...’ સોમચંદે કહ્યું, ‘બચુભાઈ, આ ઑપરેશન અત્યારે જ કૅન્સલ કરો. હવે એ લોકો અલર્ટ છે...’
બચુભાઈ થોડી સેકન્ડ માટે મૌન રહ્યા.
તેની આંખ સામે હોમ મિનિસ્ટરની દીકરી અનન્યાનો બંધાયેલો ચહેરો અને પોતાની દીકરી પાયલનું સ્માઇલ આવી ગયું.
‘સોમચંદ, બચુભાઈ બમ્બાટની ડિક્શનરીમાં ‘કૅન્સલ’ જેવો કોઈ શબ્દ નથી.’ બચુભાઈનો અવાજ દૃઢ હતો, ‘પોલીસના ગદ્દાર ACP શિંદેએ આપણું કામ સાવ સહેલું કરી નાખ્યું... હવે તું જો કે બચુભાઈ કેવો સ્ટન્ટ કરે છે...’
‘પણ બચુભાઈ...’
‘સોમચંદ, મને એક ફેવર જોઈએ.’ બચુભાઈએ કહ્યું, ‘તું અત્યારે જ કમિશનરને કહી દે કે શિંદેની ધરપકડ ન કરે, તેને ખુલ્લો ફરવા દો. બસ, તેના ફોન પર નજર રાખજો...’
‘તમારા મનમાં છે શું બચુભાઈ?’
‘હવે કાલે સુધી રાહ જોવાની જરૂર નથી સોમચંદ... ખેલ આજ રાત્રે જ ખતમ કરીશું. અત્યારે ACP શિંદેને એવી ખબર પડવા દે કે ડુપ્લિકેટ ઝફરને આજે રાત્રે બાર વાગ્યે આર્થર રોડ જેલમાંથી કાઢીને બાંદરા-વરલી સી-લિંક થઈને મુંબઈ પોર્ટના ડૉકયાર્ડ પર લઈ જવામાં આવશે...’
ડિટેક્ટિવ સોમચંદ સમજી ગયા કે બચુભાઈ દુશ્મનના જ હથિયારથી દુશ્મનનો શિકાર કરવાના છે.
રાતના અગિયાર વાગ્યે મુંબઈના રસ્તાઓ પર વરસાદી ઝાપટાં સાથે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો.
lll
આર્થર રોડ જેલના પાછળના દરવાજેથી કાળા કાચવાળી પોલીસ વૅન બહાર નીકળી. વૅનમાં પાછળની સીટ પર હાથકડી પહેરેલો ઝફર એટલે કે મેકઅપમાં સજ્જ બચુભાઈ બમ્બાટ બેઠા હતા અને ડ્રાઇવિંગ સીટ પર પોલીસના યુનિફૉર્મમાં ગની હતો.
‘બચુભાઈ, મારા ટાંટિયા ધ્રૂજે છે...’ ગનીએ રિયર-વ્યુ મિરરમાં જોઈને કહ્યું, ‘આ પોલીસનાં કપડાં પહેરીને ગાડી ચલાવવી એ કંઈ ખાવાના ખેલ નથી!’
‘ગની, ફોકસ... ફોકસ રાખ.’ બચુભાઈએ હથકડીવાળા હાથ હલાવતાં કહ્યું, ‘સ્પીડ ચાલીસથી વધારવાની નથી અને બાંદરા-વરલી સી-લિંક પર જવાનું છે. જો મારી ગણતરી સાચી નીકળી તો... સી-લિંકના ટોલ પર તરત જ તારું ને મારું સ્વાગત થશે...’
બરાબર ૧૧ વાગીને ૪૦ મિનિટે, જેવી વૅન બાંદરા-વરલી સી-લિંક પર આગળ આવી કે પાછળથી બે સ્કૉર્પિયો ગાડીઓ પૂરપાટ ઝડપે આવી અને બચુભાઈની વૅનને ઓવરટેક કરીને આગળ ઊભી રહી ગઈ.
‘આવી ગયા યમરાજના દૂતો...’
કોઈ કંઈ સમજે, કરે એ પહેલાં બન્ને ગાડીઓમાંથી છ હુમલાખોરો ઑટોમૅટિક રાઇફલ્સ સાથે બહાર કૂદ્યા અને વૅનની ચારેબાજુ ઘેરો ગોઠવાયો, હવામાં ગોળીબાર કર્યો.
‘બહાર નીકળો, હાથ ઉપર...’
ગની ગભરાઈને હાથ ઉપર કરી બહાર આવ્યો કે તરત બે ગુંડાઓએ તેને પકડી લીધો, બીજા ત્રણ ગુંડાઓએ વૅનનો પાછળનો દરવાજો ખોલ્યો. અંદર ઝફર હતો.
‘આ નકલી છે, સાચી ઇન્ફર્મેશન મળી છે.’ હુમલાખોર લીડરે બૂમ પાડી, ‘આને અહીં જ ખતમ કરો, ડ્રાઇવરને પણ ઉડાવી દો...’
બરાબર એ જ ક્ષણે બચુભાઈએ પોતાનો અસલી પરચો બતાવ્યો!
જેવી હુમલાખોરે બચુભાઈ પર ટ્રિગર દબાવવા આંગળી દબાવી કે પંચાવન વર્ષના ઍક્સ-સ્ટન્ટમૅને ચિત્તા જેવી સ્ફૂર્તિથી વૅનની અંદરથી સીધી હવામાં ડાઇવ મારી. હુમલા દરમ્યાન બચુભાઈએ પોતે જ હથકડી છોડી નાખી હતી.
હવામાં ઉડતા બચુભાઈ સીધા હુમલાખોરની છાતી પર પડ્યા. રાઇફલની ગોળી હવામાં છૂટી અને પેલો જમીન પર પટકાયો. તકનો લાભ લઈ બચુભાઈ જમીન પર રોલ થયા અને બાજુમાં ઊભેલા હુમલાખોરના પગ પર એવો ફટકો માર્યો કે પેલો સીધો સી-લિંકની રેલિંગ સાથે અથડાયો.
‘ગની, રેડી...’
ત્રાડ પાડી બચુભાઈ ગનીને પકડી રાખનારા બન્ને ગુંડાઓ પર તૂટી પડ્યા. ફિલ્મના ફાઇટ સીન જાણે અસલી જિંદગીમાં જીવંત થયા હતા. એક ગુંડાની રાઇફલ છીનવી બચુભાઈએ રાઇફલના કુંદાથી બે ગુંડાઓને બેહોશ કરી દીધા, અને બીજા ગુંડાઓ કંઈ સમજે એ પહેલાં બચુભાઈએ વૅનના બદલે ટેરરિસ્ટોની જ સ્કૉર્પિયો ગાડીનું સ્ટીઅરિંગ સંભાળી લીધું...
‘ગની, જલદી...’
બચુભાઈએ બૂમ પાડી કે તરત ગની કૂદીને બાજુની સીટ પર બેઠો, અને બચુભાઈએ ગાડી પૂરપાટ ભગાવી.
‘બચુભાઈ, તમે... તમે... એ લોકોની ગાડી ઉપાડી લીધી...’
‘ગની, ગાડી જ નહીં, આ ગાડીનું GPS અને ડૅશબોર્ડ પર દેખાય છે એ વૉકી-ટૉકી સેટ પણ ઉપાડી લીધો છે. હવે ગાડી આપણને સીધા એ લોકોના અડ્ડા સુધી લઈ જશે...’
બચુભાઈએ GPS સ્ક્રીન પર ‘લાસ્ટ ડેસ્ટિનેશન’નું બટન દબાવ્યું.
સ્ક્રીન પર લોકેશન ચમક્યું: મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, ઓલ્ડ શિપયાર્ડ, ડૉક નંબર ૭.
lll
આતંકવાદીઓની સ્કૉર્પિયોમાં બચુભાઈ અને ગની મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ડૉકયાર્ડ પર પહોંચ્યા. આખો એરિયા સૂમસામ હતો. કાટ ખાઈ ગયેલાં જૂનાં કન્ટેનરો અને તૂટેલાં જહાજોનાં માળખાં ચારે બાજુએ હતાં. જાણીતી ગાડી જોઈને ગેટ પર ઊભેલી વ્યક્તિએ પૃચ્છા કર્યા વિના જ દરવાજો ખોલી નાખ્યો, તેણે ધાર્યું હતું કે સાથીદારો પાછા આવ્યા.
‘ગની, તું અહીં જ રહેજે. જો પંદર મિનિટમાં પાછો ન આવું તો સોમચંદને કહીને ફોર્સ બોલાવી લેજે.’
‘સંભાળજો બચુભાઈ...’
ગનીની સામે જોયા વિના જ બચુભાઈ હાથમાં પેલી છીનવેલી રાઇફલ લઈને વેરહાઉસ તરફ આગળ વધ્યા. વેરહાઉસનો દરવાજો સહેજ ખુલ્લો હતો અને અંદરથી પીળો પ્રકાશ આવતો હતો.
બચુભાઈએ દરવાજાની તિરાડમાંથી અંદર નજર નાખી.
અંદર ટેબલ પર લૅપટૉપ સ્ક્રીન ખુલ્લી હતી, અને બાજુમાં ડિજિટલ ટાઇમર ચાલતું હતું. જેમાં આંકડા ઘટતા હતા.
૦૦:૧૪:૫૦... ૦૦:૧૪:૪૯...
બચુભાઈએ ફરી લૅપટૉપ સ્ક્રીન પર જોયું, એના પર વિડિયો-કૉલ ચાલુ હતો.
બચુભાઈ ધીમેકથી અંદર દાખલ થયા અને અંદરનું દૃશ્ય જોઈને બચુભાઈ સ્તબ્ધ થઈ ગયા. વેરહાઉસમાં ન તો હોમ મિનિસ્ટર હતા, ન તો તેમની દીકરી, કે ન તો કોઈ ટેરરિસ્ટ. વેરહાઉસ ખાલી હતું, ત્યાં માત્ર એક ટાઇમ-બૉમ્બ ચાલુ હતો.
અચાનક લૅપટૉપની સ્ક્રીન પરથી ખડખડાટ અટ્ટહાસ્ય આવ્યું.
‘વેલકમ, બચુભાઈ બમ્બાટ...’ લૅપટૉપમાંથી કર્કશ અવાજ આવ્યો, ‘તને શું લાગ્યું કે તું અહીં પહોંચીશ અને અમને ખબર નહીં પડે? અરે, તારી આખી છઠ્ઠી અમને ખબર છે. તું મુંબઈનો ઍક્શન-માસ્ટર... પણ દોસ્ત, હવે તારી જિંદગીની છેલ્લી ૧૪ મિનિટ શરૂ. વેરહાઉસ લૉક થશે... ૧૪ મિનિટમાં તારા ચીંથરેચીંથરા...’
ખટાક!
વેરહાઉસનો લોખંડી દરવાજો બહારથી ઑટોમૅટિક લૉક થયો.
અંદર બચુભાઈ ટાઇમ-બૉમ્બ સાથે, અને બહાર ગની અજાણ હતો.
‘જીવનની અંતિમ મિનિટ સુધી કામ કરતાં રહેવું...’
પોતાનો જ જીવનમંત્ર યાદ આવતાં બચુભાઈએ આજુબાજુમાં નજર ફેરવી.
લૅપટૉપની સ્ક્રીન પર દેખાતા ટેરરિસ્ટની પાછળની દીવાલ પર એક ખાસ જૂની ઘડિયાળ અને બારીમાંથી બહાર દરિયામાં તરતી જૂની ફેરી બોટની લાઇટ્સ દેખાતી હતી તો સ્ક્રીનના ખૂણામાં એક પડછાયો હતો, જેના હાથમાં પેલી સિગારેટ હતી.
બચુભાઈની આંખો ચમકી ગઈ. તે સમજી ગયા કે આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ કોણ છે અને મિનિસ્ટર અત્યારે ક્યાં છે.
૦૦:૧૪:૦૨... ૦૦:૧૪:૦૧...
બૉમ્બ સાથે લાગેલું ટાઇમર પ્રામાણિકતાથી એનું કામ કરતું હતું.
વધુ આવતી કાલે
