Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કેસ ફાઇલઃ મઢ આઇલૅન્ડ- નઝર હટી, દુર્ઘટના ઘટી (પ્રકરણ 3)

કેસ ફાઇલઃ મઢ આઇલૅન્ડ- નઝર હટી, દુર્ઘટના ઘટી (પ્રકરણ 3)

Published : 12 November, 2026 03:29 PM | Modified : 12 November, 2026 03:30 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ડિટેક્ટિવ સોમચંદે વિવાનને ઊભો કર્યો અને પછી તે ફરી ટેબલ પાસે ગયો. તેની આંખો ટેબલ પર પડેલા અડધા ભરેલા રેડ વાઇનના ગ્લાસ પર સ્થિર હતી. ગ્લાસની ઉપરની કિનારી પર સુકાઈ ગયેલો આછો સફેદ પાઉડર સ્પષ્ટ દેખાતો હતો.

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


ડાઇનિંગ ટેબલ પર પડેલી કબીર સંઘવીની લાશની આસપાસ મોતનો સન્નાટો પથરાયેલો હતો. બહાર સાઇક્લોન વધુ વિકરાળ બનીને રૉકફર્ડ વિલાની દીવાલ પર થપાટ મારતું હતું. દરિયાનાં મહાકાય મોજાંઓ અને એનો અવાજ વાતાવરણમાં ટેન્શનનું ઉમેરણ કરતાં હતાં. વિવાન હજુ પણ જમીન પર ઘૂંટણિયે બેઠો હતો. તેના જૅકેટના અંદરના ખિસ્સામાંથી કબીરના ફોનનું તોડેલું સિમકાર્ડ અને ઇજેક્ટર પિન નીકળ્યા પછી તેનું મોઢું ફિક્કું પડી ગયું હતું. રોહન અને અનન્યાની આંખોમાં વિવાન માટે શંકા અને ધિક્કાર હતાં.

‘સર, હું હાથ જોડું છું... પ્લીઝ, મારી વાત માનો.’ વિવાને ધ્રૂજતા અવાજે કહ્યું, ‘મને નથી ખબર આ સિમકાર્ડ મારા ખિસ્સામાં કેવી રીતે આવ્યું. કોઈ મને ફસાવે છે.’



‘કૂલ વિવાન, કૂલ.’


ડિટેક્ટિવ સોમચંદે વિવાનને ઊભો કર્યો અને પછી તે ફરી ટેબલ પાસે ગયો. તેની આંખો ટેબલ પર પડેલા અડધા ભરેલા રેડ વાઇનના ગ્લાસ પર સ્થિર હતી. ગ્લાસની ઉપરની કિનારી પર સુકાઈ ગયેલો આછો સફેદ પાઉડર સ્પષ્ટ દેખાતો હતો.

સોમચંદે ગ્લવ્ઝવાળા હાથે કબીરની લાશનું ફરી બારીકાઈથી નિરીક્ષણ શરૂ કર્યું. તેણે કબીરની પીઠમાં ખૂંપેલી બાર ઇંચની છરી જોઈ, પછી તેના ચહેરા પર ટૉર્ચ ફેંકી. કબીરની આંખો અડધી ખુલ્લી હતી, પણ તેની કીકીઓ સંકોચાઈ ગઈ હતી. તેના મોઢાના ખૂણેથી લાળ અને આછો પીળો કસ બહાર નીકળ્યાં હતાં.


સોમચંદે કબીરના બન્ને હાથ ઉપાડ્યા. બન્ને હાથની આંગળીઓ સાવ ઢીલીઢફ હતી.

સોમચંદે ફરીને સામે ઊભેલા ચારેય યંગસ્ટર્સ સામે જોયું.

‘કબીરની પીઠમાં છરીનો ઘા થયો ત્યારે તે પ્રતિકાર કરી શકે એવી હાલતમાં નહોતો.’ સોમચંદનો અવાજ તીક્ષ્ણ હતો, ‘જો કોઈ સભાન માણસની પીઠમાં આ રીતે છરીનો ઘા થાય તો તેનું પહેલું રીઍક્શન હોય કે તે ઊભો થઈને આગળની સાઇડ પર ભાગે કે કૂદે. એ સાથે બીજું રીઍક્શન એ હોય કે તે ચીસ પાડે. કોઈ પણ સભાન માણસનું ત્રીજું રીઍક્શન એ હોય કે તે સામે પડેલી કોઈ વસ્તુને પકડવા હવામાં હાથ મારે, પણ આમાંનું કશું થયું નથી, કારણ કે કબીરના હાથ-પગ સાવ નિષ્ક્રિય હતા અને એનું કારણ આ વાઇનનો ગ્લાસ છે.’

સોમચંદે વાઇનના ગ્લાસ તરફ હાથ કર્યો અને હાથમાં રહેલી ટૉર્ચનો પ્રકાશ એના પર પાથર્યો.

‘કબીરને મારતાં પહેલાં તેના વાઇનમાં ઝોલપિડેમ નામની ઇમિજિયેટ ઊંઘ આવે એવી દવા અને કાં તો ઍનેસ્થેટિક ડ્રગનો હેવી ઓવરડોઝ આપવામાં આવ્યો હોય, જેની અસર તરત જ થઈ અને ક્ષણવારમાં તે ઘેનમાં આવ્યો, બરાબર એ જ સમયે લાઇટ ગઈ અને બેહોશ કબીર પર વાર થયો.’

ચારેય યંગસ્ટર્સનાં રીઍક્શન એકસરખાં હતાં.

દરેકની આંખમાં અચંબો હતો.

‘યુ મીન ટુ સે... કબીર મરતાં પહેલાં બેહોશ હતો?’ રોહન આગળ આવ્યો, ‘તે ભાનમાં નહોતો?’

‘હા રોહન, કબીર બેહોશ હતો અને બેહોશ માણસ હુમલો થાય એ સમયે મેં કહી એવી કોઈ પ્રતિક્રિયા આપતો નથી.’ સોમચંદે ટૉર્ચનો પ્રકાશ ધીમેથી તનિષાના ચહેરા પર ફેંક્યો, ‘કબીર સાંજથી તમારા ચારેય પર નજર રાખતો હતો. રાત્રે પોણાનવ વાગ્યે જ્યારે ડ્રિન્ક્સ સર્વ થયાં ત્યારે કબીર માટે રેડ વાઇનનો ગ્લાસ લાવવાનું કામ તનિષા કાપડિયાએ કર્યું હતું. રાઇટ તનિષા?’

તનિષાના ચહેરા પરથી જાણે કોઈએ લોહી નિચોવી લીધું હોય એવો ફિક્કો પડી ગયો. તેણે ઝડપથી બન્ને હાથ પાછળ કરી લીધા.

‘ખોટી વાત, સાવ ખોટી વાત....’ તનિષાએ ચીસ પાડી, ‘મેં માત્ર બધાને ડ્રિન્ક ઑફર કર્યું હતું અને બધાના ગ્લાસ સેમ જ હતા. હું શું કામ કબીરને આવી મેડિસિન આપું, મારે તેની સાથે શું પ્રૉબ્લેમ...’

‘પ્રૉબ્લેમ હતો તનિષા... તને પ્રૉબ્લેમ હતો.’ સોમચંદ આગળ વધ્યો, ‘મરતાં પહેલાં કબીર ક્લિયર-કટ એવું બોલ્યો કે તેના ફોનમાં તારી પણ કેટલીક ડર્ટી ક્લિપ્સ છે. કબીર મુંબઈના બુકીઓ સાથે જોડાયેલો હતો અને તું સોશ્યલ મીડિયા પર ફેક ફૉલોઅર્સ અને પ્રમોશનના નામે એક હવાલા ઑપરેટરના પૈસા સગેવગે કરતી હતી. કબીરને એ વાતની ખબર પડી ગઈ... પણ સત્ય એનાથી ઊલટું છે...
કબીર તને નહીં, તું કબીરને બ્લૅકમેઇલ કરતી હતી...’

સોમચંદની વાત સાંભળીને હૉલમાં સોપો પડી ગયો અને તનિષા ચિલ્લાઈ,

‘ખોટી વાત...’ તનિષા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી, ‘સાવ ખોટી વાત...’

‘તો સાચી વાત શું છે તનિષા...’ સોમચંદે તેના ખભા પર હાથ મૂક્યો, ‘જો તું વાત કરીશ, સાચી વાત કહીશ તો આગળનું કામ આસાન થઈ જશે અને ધાર કે નહીં કરે તો...’

સોમચંદે ત્યાં રહેલા સૌ કોઈની સામે જોયું.

‘તો એ વાત હું બહાર લાવીશ. ચૉઇસ ઇઝ યૉર્સ...’

તનિષાએ ધ્રૂજતી નજરે સોમચંદ સામે જોયું. જાણે કે સોમચંદની આંખોમાં આદેશ હોય એમ તનિષા પોપટ બની ગઈ. તેણે જે કબૂલાત કરી એ સૌ કોઈના માટે ધ્રુજારી પ્રસરાવી દેનારી હતી.

‘મેં નાખી હતી વાઇનમાં ઊંઘની ગોળીઓ... પણ ગૉડ પ્રૉમિસ...’ તનિષા ધ્રૂજતા અવાજે બોલી, ‘ભગવાનના સોગંદ, મેં કબીરનું મર્ડર નથી કર્યું. લાસ્ટ મન્થ કબીરે મારા બાંદરાના ફ્લૅટ પર દારૂ પીને પાર્ટી કરી, જેમાં હું અતિશય નશામાં હતી ત્યારે કબીરે મારા કપડાં કાઢી વિડિયો શૂટ કરી લીધો. નશામાં હું લવારી પણ એવી જ કરતી હતી કે વિડિયો જુએ તેને એમ જ લાગે કે હું કબીર સાથે...’

તનિષા બોલતાં-બોલતાં અટકી ગઈ એટલે સોમચંદે તેની સામે જોયું.

‘તનિષા, સત્ય કડવું નથી હોતું, એને છુપાવવાની પ્રક્રિયા કડવી
હોય છે.’

‘એ વિડિયોના આધારે કબીર મારી પાસે પચાસ લાખ માગતો હતો...’ તનિષાએ ઊંડો શ્વાસ લીધો, ‘મારી પાસે પૈસા નહોતા એટલે હું તેને ટાળતી રહી. આજે અહીં આવતાં પહેલાં કબીરે મને કહ્યું કે જો રાત સુધીમાં તેને પૈસા નહીં મળે તો તે અમારી આ પાર્ટીમાં વિડિયો લીક
કરી દેશે.’

‘એટલે તેં તેનું મર્ડર કરી નાખ્યું...’

સોમચંદ આગળ કંઈ બોલે એ પહેલાં જ તનિષાએ ચીસ પાડી.

‘ના, મેં તેનું મર્ડર નથી કર્યું. નથી કર્યું મેં તેનું મર્ડર...’ તનિષાની આંખોમાં આંસુ હતાં, ‘મેં પ્લાન બનાવ્યો કે હું કબીરને કોઈ પણ રીતે હેવી સ્લીપિંગ પિલ્સ આપીને બેહોશ કરીશ અને તે ઊંઘી જાય એટલે તેના ફોનમાંથી વિડિયો ડિલીટ કરીને તેનો મોબાઇલ દરિયામાં ફેંકી દઈશ. સર, મેં તેને સ્લીપિંગ પિલ્સ આપી પણ... મેં તેનું મર્ડર નથી કર્યું...’

‘તો કબીરનો ફોન ક્યાં છે તનિષા?’ સવાલ રોહને કર્યો હતો, ‘એ ફોન આપી દે સરને...’

‘મેં ફોન નથી લીધો... તું પહેલાં આખી વાત સાંભળ...’ ઇરિટેટ થઈને તનિષાએ સોમચંદની સામે જોયું, ‘કબીર બેહોશ થાય એની હું રાહ જોતી હતી ત્યાં વિલાની લાઇટ ગઈ અને પછી અંધારામાં કોઈએ આવીને અચાનક કબીરની પીઠમાં ઘા કર્યો. મેં ફોન નથી લીધો, કબીરનો ફોન તે જ લઈ ગયો, જેણે આ મર્ડર કર્યું
અને તે...’

તનિષા આગળ કંઈ બોલે, કોઈનું નામ લેવા પોતાની આંગળી ઊંચી કરે એ પહેલાં વિલાના ભોંયરામાંથી એક પ્રચંડ અવાજ સંભળાયો!

ધડાકો... ધડૂમ!

વિલાનું મેઇન ડીઝલ પાવર જનરેટર, જે સાઇક્લોન વચ્ચે વિલાની પૉર્ચમાં લાઇટ્સ આપવાનું કામ કરતું હતું એમાં શૉર્ટ-સર્કિટ સાથે બ્લાસ્ટ થયો અને હૉલમાં આવતી આછી પીળી ઇમર્જન્સી રોશની પણ બુઝાઈ ગઈ.

આખો લિવિંગ હૉલ કાળોડિબંગ થઈ ગયો.

‘ઓહ ગૉડ, આ છેલ્લી લાઇટ પણ... ગઈ.’

‘કોણ છે ત્યાં?’ સોમચંદે મોટા અવાજે કહ્યું, ‘રામદાસ, જનરેટર રૂમ ચેક કર.’

સોમચંદે ખિસ્સામાંથી પૉકેટ
ટૉર્ચ કાઢવા હાથ લંબાવ્યો, પણ
તે ટૉર્ચ ચાલુ કરે એ પહેલાં જ હૉલના ડાબા ખૂણેથી એક ભારે પિત્તળના શિલ્પનો હવામાં વીંઝાવાનો તીણો અવાજ આવ્યો.

સનનન...

સોમચંદની સિક્સ્થ સેન્સ ક્ષણવારમાં જાગી ગઈ. અંધારામાં સોમચંદે અવાજની દિશા પારખીને આગળ કૂદકો માર્યો અને બન્ને હાથે તનિષાને સોફા પરથી જોરથી નીચે તરફ ખેંચી લીધી.

ધાડ...

પિત્તળના નટરાજનો હેવી શો-પીસ કોઈએ તનિષાના માથા પર ઝીંક્યો હતો. જો સોમચંદે સમયસૂચકતા ન વાપરી હોત તો તનિષા ચોક્કસપણે અને ખરાબ રીતે ઘવાઈ હોત, પણ સોમચંદના સમયસર ખેંચવાથી એ શો-પીસ તનિષાના માથા પર લાગવાને બદલે તેના ડાબા ખભાને સહેજ અડીને સીધો પાછળના લાકડાના પિલર સાથે અથડાયો અને પિલરમાં મોટો ખાડો પડી ગયો.

ખણણણ...

પિત્તળનો શો-પીસ જમીન
પર પડ્યો.

‘આહહહ... મારો શોલ્ડર...’

ખભા પર પડેલા મારથી તનિષાનો કણસાટ શરૂ થઈ ગયો. સોમચંદે તરત LED ટૉર્ચ ઑન કરી. સફેદ પ્રકાશમાં દેખાયું કે તનિષા જમીન પર પડી હતી, તેના ખભા પરથી લોહી ઝરતું હતું અને થોડે દૂર, લાકડાના પૅસેજ તરફ એક કાળો પડછાયો અંધારામાં પવનની જેમ સરકતો હતો.

‘કોણ છે ત્યાં? ઊભા રહો...’

સોમચંદે બૂમ પાડી અને પૅસેજ તરફ દોટ મૂકી, પણ વિલાના જૂના આર્કિટેક્ચરમાં અસંખ્ય વળાંકો અને થાંભલા હતા, જેનો લાભ લઈને તે માણસ પૅસેજના અંધારામાં ગાયબ થઈ ગયો.

ઉકળાટ સાથે સોમચંદ પાછો હૉલમાં આવ્યો. તેણે ટૉર્ચનો પ્રકાશ બાકીના ત્રણ ફ્રેન્ડ્સ તરફ ફેંક્યો.

વિવાન ટેબલની નીચે ભરાઈ
ગયો હતો. રોહન બાર-કાઉન્ટરની પાછળ ધ્રૂજતો ઊભો હતો અને અનન્યા ડાઇનિંગ ટેબલના બીજા છેડે હાથમાં કાચનો તૂટેલો ટુકડો પકડીને દિગ્મૂઢ બનીને ઊભી હતી. ત્રણેય હાંફતાં હતાં.

‘તનિષા પર અટૅક...’ સોમચંદને જોઈને રોહન સહેજ આગળ આવ્યો, ‘સર, આનો મતલબ... કિલર વિવાન નથી... વિવાન તો ટેબલ પાસે હતો.’

જવાબ આપ્યા વિના સોમચંદ તનિષા પાસે ગયો અને સપોર્ટ આપી તેને સોફા પર બેસાડી. સોમચંદે પોતાના રૂમાલથી તનિષાના ખભા પરનો ઘા બાંધ્યો. તનિષા મોતને નજીકથી જોઈને પાછી આવી હતી, જે તેને સમજાઈ ગયું હતું. તનિષાનું આખું શરીર ધ્રૂજતું હતું.

સોમચંદ ધીમેથી આગળ આવ્યો અને તેણે જમીન પર પડેલો પિત્તળનો શો-પીસ જોયો. પછી તેણે નજર હૉલમાં એન્ટર થવાના એકમાત્ર દરવાજા તરફ કરી.

સોમચંદની આંખોમાં હવે ગજબની તીક્ષ્ણતા હતી.

‘બધા બરાબર કાન ખોલીને સાંભળી લો...’ સોમચંદે ચારેય ફ્રેન્ડસની સામે જોયું, ‘અટૅક કરનારો તનિષાને એટલા માટે ખતમ કરવા માગતો હતો કારણ કે તનિષા તેનું નામ બોલે એ વાતનો તેને શક હતો. કબીરના ખૂન પછી આ મર્ડરરનો ચાર જ કલાકમાં બીજો પ્રયાસ હતો. હવે તમે બધાં અહીં જ રહેશો. મારી અને એકબીજાની સામે... જ્યાં સુધી મર્ડરર ન પકડાય ત્યાં સુધી...’

સોમચંદે કૅરટેકર રામદાસ
પાસેથી વિલાની માસ્ટર કી લઈ લીધી અને હૉલનો દરવાજો અંદરથી લૉક કરી દીધો.

‘જે અહીંથી ગયું તે મર્યું એવું કહું તો ખોટું નહીં કહેવાય...’

‘પણ આમ અંદર રહીને આપણે કરીશું શું સર?’

સોમચંદે ચારેય તરફ ફરીને સિગારેટને હોઠના ખૂણે ફેરવી.

‘આપણે કબીરનો મોબાઇલ શોધીશું અને એ શોધીશું કે તનિષા પર અટૅક કરનારું કોણ હતું.’ સોમચંદે ફરી સૌ કોઈની સામે જોયું, ‘એટલું નક્કી છે કે આ બધું કરનારું તમારામાંથી જ કોઈ એક છે... આઇ ઍમ ડૅમ શ્યૉર...’

બહાર સાઇક્લોન પોતાની ચરમસીમા પર હતું અને રૉકફર્ડ વિલાના બંધ હૉલમાં શરૂ થયેલી સત્યની શોધ પણ...

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 03:30 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK