ઓળખ સ્થાપિત કરવા માટે દાયકાઓ આપવા પડે. આખી જિંદગી કમાઈને ભેગું કર્યું હોય તોય મધ્યમવર્ગનો માણસ કરોડ રૂપિયા સુધી પહોંચી નથી શકતો, જ્યારે IPLનો યુવાન ખેલાડી બેએક વર્ષમાં પાંચ-દસ કરોડ રૂપિયા સહેજે કમાઈ લે છે. એમાં આપણે હતાશ થવાની જરૂર નથી.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
‘જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ’ અમીન આઝાદની આ પંક્તિ દર નવા વર્ષના આરંભિક તબક્કામાં યાદ આવે છે. જીવનશૈલી એ હદે ઝડપી બની ગઈ છે કે નવું વર્ષ ક્યારે શરૂ થાય અને ક્યારે પસાર થઈ જાય એની ખબર રહેતી નથી. જીવનને ટકાવવાની મથામણમાં જીવનનું હાર્દ ખોવાઈ જાય છે. પ્રમોદ અહિરે એ સમજાવે છે...
ADVERTISEMENT
એક દેહ, ચક્ર સાત અને તત્ત્વ પાંચ છે
એક્કેય સાથે તારે કશી ઓળખાણ છે?
પાંચેય તત્ત્વ લઈ જશે, જે એમનું છે તે
બાકી બચી જશે જે, તે મારી પિછાણ છે
ઓળખ સ્થાપિત કરવા માટે દાયકાઓ આપવા પડે. આખી જિંદગી કમાઈને ભેગું કર્યું હોય તોય મધ્યમવર્ગનો માણસ કરોડ રૂપિયા સુધી પહોંચી નથી શકતો, જ્યારે IPLનો યુવાન ખેલાડી બેએક વર્ષમાં પાંચ-દસ કરોડ રૂપિયા સહેજે કમાઈ લે છે. એમાં આપણે હતાશ થવાની જરૂર નથી. નવી પેઢીનો વિકાસ થાય એમાં આનંદ જ હોય. મિલિન્દ ગઢવી વિકાસને વહાલપ તરફ દોરી જાય છે...
તું મળે તો ઉજાસ થઈ જાશે
આંખનો પણ વિકાસ થઈ જાશે
એમ માનીને રોજ જીવું છું
કાલે દુનિયા ખલાસ થઈ જાશે
પ્રલયની અફવા સમયાંતરે ઊડતી રહે છે. દુનિયા ખલાસ થવાની વાત તો દૂર રહી દુનિયાની વસ્તી સતત વધતી જ જાય છે ને સામે કુદરતી સંસાધનો ઓછાં થઈ રહ્યાં છે. દુનિયાનો વીંટો વળી જશે તો પર્યાવરણને થતાં નુકસાનને કારણે થશે એમાં બેમત નથી. વૈશ્વિક તાપમાન વધવાની સાથે અનેક આપત્તિઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. વૈશ્વિક હોય કે વૈયક્તિક હોય, સમસ્યાનું નિરાકરણ ન મળે ત્યાં સુધી અનેક આહુતિ આપવી પડે. રઈશ મનીઆર શીખ આપે છે...
આમ ક્ષણક્ષણથી લડીને ક્યાં જશે?
ને પછી તું સમસમીને ક્યાં જશે?
એક ખૂણો હાંફવાનો રાખજે
આમ બધ્ધે આથડીને ક્યાં જશે?
જિંદગીમાં એક મિત્ર, એક સ્વજન તો એવું હોવું જોઈએ જેના ખભે માથું મૂકીને રડી શકાય. એક કલા એવી હોવી જોઈએ જેની સાધના આપણને તૃપ્તિના પંથે લઈ જાય. સાવ ટાંચાં સાધનો સાથે નાની કુટિરમાં જીવતો કોઈ સંત અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. આપણને આ બધું સમજાતું નથી કારણ કે આપણી ગણતરીઓ પાસબુક અને સંપત્તિ આધારિત હોય છે. નીરવ વ્યાસ ચિંતનકણિકા આપે છે...
કોણ ક્યારે ખફા થઈ જશે?
આપણાં, પારકાં થઈ જશે
જો વધારે ઘસાશે હજુ
પથ્થરો આયના થઈ જશે
જીવસૃષ્ટિમાં દરેકનું આયુષ્ય નિશ્ચિત હોય છે. વૃક્ષની પણ એક આવરદા હોય અને મનુષ્યની પણ એક આવરદા હોય. દેહનું ઘસાવું કુદરતી પ્રક્રિયા છે. આજકાલ પ્રદીર્ઘ આયુષ્ય મેળવવાના અનેક પ્રયોગો ચાલી રહ્યા છે. આયુષ્ય લાંબું હોય એની સામે વાંધો નથી, પણ એ આયુષ્ય સ્વાસ્થ્યપ્રદ હોવું જોઈએ. સણકા સાથે શ્વાસો લેવા પડે એવી જિંદગી અભિશાપરૂપ થઈ શકે. રમેશ પારેખ સવાલો પૂછે છે...
ઊભાં રહીને ક્ષિતિજોનાં ચરણ થાકી જશે ત્યારે?
વિહગ થઈ ઘૂમતું વાતાવરણ થાકી જશે ત્યારે?
કિનારાની તરસ, સુક્કી નીરવતામાં વહ્યા કરશે
પરંતુ શું થશે જળનું, ઝરણ થાકી જશે ત્યારે?
ઝરણ તો કદાચ નહીં થાકે પણ ચરણ જલદી થાકતાં થઈ ગયાં છે. ની રિપ્લેસમેન્ટના દરદીઓ વધતા જ જાય છે. ઘૂંટણનો ઘસારો સામાન્ય થઈ પડ્યો છે. કોઈ આપણને પલાંઠી વાળીને બેસવાનું કહે તો હક્કાબક્કા થઈ જવાય અને યાદ કરવું પડે કે છેલ્લે પલાંઠી વાળીને ક્યારે બેઠેલા. ઘરમાં ડાઇનિંગ ટેબલ હોય અને બહાર જ્યાં જઈએ ત્યાં ખુરસી હોય એટલે પલાંઠી વાળવાની આદત અને દાનત બન્ને ખોરવાઈ ગઈ છે. દેહની પીડા છોડી અગન રાજ્યગુરુ કહે છે એવી સ્નેહની પીડા તરફ જઈએ...
કોને ખબર છે ક્યારે તારી જુદાઈ જાશે
લાગે છે વૃક્ષનાં સૌ પર્ણો ગણાઈ જાશે
તારા વિરહની પીડા એવી હદે વધી છે
કે બોલવા જશું તો ગઝલો ગવાઈ જાશે
લાસ્ટ લાઇન
ધૈર્ય મારું જોઈ શરમાઈ જશે
ને સમય જાતે જ બદલાઈ જશે
તારી પાંપણ ઢાળીને તું રાખજે
જૂઠ તારું નહીં તો પકડાઈ જશે
કોઈનાં આંસુ લૂછી જોજે કદી
હૈયું તારું ખુદનું હરખાઈ જશે
આવશે બદલાવ તારી જાતમાં
ભૂલ પોતાની જો સમજાઈ જશે
દૃષ્ટિ તારી તું ફકત જો કેળવે
દુઃખ ઘણાંયે સુખમાં પલટાઈ જશે
સ્પર્શ તો આંખોથી પણ થઈ જાય છે
ટેરવાનું શું? એ અકળાઈ જશે
તેં અડાડ્યો અંગે તારા એટલે
રંગ કાળો આજ નજરાઈ જશે
- અંજના ભાવસાર


