માળું બેટું આ જે આપણી ખાસિયત છે એને કૌવત ગણવું કે નબળાઈ એ સમજાતું નથી અને આવી તો કેટલીય વાતો છે જે સારી કે ખરાબ એની ખબર નથી પડતી
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
અમારા હિમાદાદા જરાક વાંકદેખા ખરા. કોઈનાં વખાણ કરું તો કહે તું એની બીજી બાજુ જોતો નથી ને જો હું કોઈની બીજી બાજુ જોઉં તો મને ક્યે, સાંઈ તું આજકાલ બોવ નેગેટિવ માણસ થઈ ગ્યો છો. હમણાંની વાત કરું તો હિમાદાદા મને કહે, ‘સાંઈ, તું આ ગુજરાતીઓનાં પેટ ભરીને વખાણ કરતો રે‘શ, પણ તારે એનાં નરસાં પાસાંયે લખવાં જોઈ, જો તું બેય બાજુ લખે તો તને હું સાચો ને તટસ્થ લેખક માનું...’
હવે આ જે ‘તટસ્થ’ શબ્દ છે હું દસમા ધોરણનું ગણિત ભણતો તે ’દી મેં સાંભળેલો. ત્યારે પણ નહોતો સમજાણો ને દાદાએ ફરી એનો પ્રયોગ કર્યો ત્યારે પણ નથી જ સમજાણો. ગુજરાતી પ્રજાની મજબૂરી અને મર્યાદાઓ પણ લખવી જ જોઈએ આ વિચાર તો દાદાનો મેં સ્વીકાર્યો અને અમુક વસ્તુઓ ઊડીને આંખે વળગી એ ટપકાવતો જાઉં છું પણ આપણે સંધાય આગળ વધી એની પે’લાં ઓ’લી ફૂદડીવાળી ચોખવટ કરવાની. ખોટું લાગે ત્યાંથી લેખ પડતો મૂકજો, પણ વાત સાચી લાગે તો બીજા બેને વંચાવજો.
ADVERTISEMENT
જન્મજાત શેઠ થાવા માટે જ જન્મેલી પ્રજા એટલે આપણે ગુજરાતીઓ. ફોરવ્હીલ ગાડી એ સમગ્ર ગુજરાતી પ્રજાની ‘વિયાગ્રા’ છે. ગાડી જોઈને કોઈ પણ જ્ઞાતિનો ગુજરાતી બે ઘડી માટે ઉત્તેજિત થઈ જાય. દીકરી એવા ઘરમાં દેવી જ્યાં જીન્સ પહેરવાની છૂટ હોય પણ દીકરી ત્યાંથી લાવવી જ્યાં ક્યારેય જીન્સ પહેરાતું ન હોય. બધાય નિયમ પોતાના સિવાય તમામ પર લાગુ પડવા જોઈએ એવું માને અને એ નિયમનો લાભ, એનો ફાયદો તો ઑબ્વિયસલી માત્ર અને માત્ર પોતાને જ થવો જોઈએ આવું દૃઢપણે માનનારી પ્રજા એટલે આપણે ગુજરાતીઓ! દરેક મોટામાં મોટી નબળાઈ કે દરેક જણ અંતરથી ઇચ્છે છે કે આ દેશમાં રામરાજ્ય આવવું જોઈએ. નિષ્ઠા, પ્રામાણિકતા, પ્રેમનું શાસન હોવું જોઈએ. પણ દરેક ગુજરાતી પાછો એમ પણ ઇચ્છે છે મારી ફાઇલ ક્યાંય અટકવી ન જોઈએ, કારણ કે આપણે ગુજરાતી બધું સહન કરી લે પણ ધંધાનું નુકસાન એનાથી સહન નથી થાતું.
ગુજરાતીને કોઈ પણ કિંમત પર માણસ ખરીદતાં મસ્ત રીતે આવડે છે. હવે હું કન્ફ્યુઝ્ડ છું કે આને ગુજરાતી પ્રજાની આવડત ગણવી કે શરમ? હાલો, ઈ તમારી ઉપર છોડું છું. આફ્ટર ઑલ તમનેય કાંઈક તો લેસન આપવું જોઈએને?
ગુજરાતી પ્રજાની રગમાં લોહી નહીં પરંતુ રૂપિયો દોડે છે. ગુજરાતીઓને નવું આલા ગ્રૅન્ડ મકાન બાંધવાનું ઍપેન્ડિક્સ જન્મજાત છે. ઍની હાઉ, રૂપિયા કમાવવાનો ઍનેસ્થેસિયા આ પ્રજાની કૈડે લાગેલો છે. આ પ્રજાને દંભ અને દેખાડો કરવાનો અફીણ જેવો નશો ચડેલો છે. પોતાની દીકરી ડૉક્ટર થાય કે દીકરો CA થાય એનું ગુજરાતી માબાપને ગૌરવ હોય પણ દીકરાએ કોઈ ’દી ભગવદ્ગીતા કે રામાયણનું પાનું વાંચવાની તસ્દી લીધી નથી એનો રંજ નથી હોતો. પોતાના ધર્મ પ્રત્યે, પોતાનાં મંદિરો-સંતો-શાસ્ત્રો અને પોતાની માતૃભાષા માટે ઉદાસીન પ્રજા એટલે આપણે ગુજરાતી.
આપણે વ્યસનમુક્તિ ૫૨નાં વ્યાખ્યાનો પણ થોડોક ‘છાંટોપાણી’ કરીને સાંભળવા સક્ષમ છીએ. ગુજરાતીઓની સૌથી મોટી મર્યાદા એ છે તેને માત્ર આગળ નથી વધવું, બસ તેને પાડોશી કે હરીફથી આગળ વધવું છે. હરીફને હંફાવીને પછાડવાની ઘૂરી દરેકના મગજમાં ચડેલી જ હોય એટલે આપણે બીજાને પાડી દેવામાં એટલા તો મશગૂલ થઈ જઈએ છીએ કે પોતે ક્યારે પડી જઈએ છીએ એનો ખ્યાલ પણ નથી હોતો.
યુદ્ધ ગુજરાતીઓની ફિતરત નથી એવું મારું માનવું છે. આપણા યુવાનો નવરાત્રિની નવ રાત રક્ષા માટે ઊભા ન રહી શકે, દાંડિયા રમી શકે.
ગાંધી, સરદાર, શ્યામજી વર્મા જેવાં ભારતનાં રાષ્ટ્રરત્નોની જન્મભૂમિ પરના યુવાનોમાં આજકાલના આદર્શ રણબીર અને રણવીર છે. ગુજરાતીઓ માટે વીરરસ પ્રૅક્ટિકલ નહીં, પણ થિયરિકલ વિષય છે. બેચાર કોમને બાદ કરતાં અહીં ઝઘડામાં હાથચાલાકી થતી નથી. કદાચ ભૂખ હડતાળ કરી-કરીને ગુજરાતીઓની હોજરી સંકોચાઈ ગઈ છે. પરસેવો પાડવા કરતાં આ પ્રજા દાન કરીને પુણ્ય કરવામાં માને છે.
ભૂલ ઇરાદાપૂર્વક થઈ જાય તો મંદિરો ક્યાં નથી? બે-પાંચ લાખનું ડોનેશન કરી દેવાથી તમામ પાપોનો સર્વનાશ થઈ જ જશે આવી શ્રદ્ધા હોવાથી પાપ અને પુણ્ય આપણે ભેગાભેગું ચાલુ રાખીએ છીએ.
અહીં છાપાંમાં છાપવાના પણ રૂપિયા દેવા પડે છે અને ન છાપવાના પણ લાખો અપાય છે. ગુજરાતી પત્ની સાથે ઓછો અને મોબાઇલ સાથે વધારે રહે છે. અમુક પતિદેવો તો ઓશીકા નીચે જ મોબાઇલ રાખીને સુએ છે. મગજને નુકસાન થવાની નહીં, પણ મોબાઇલ બૈરી ચેક કરી ન લે એની બીક તેને વધારે છે.
આપણી ગુજરાતણો પણ કાંઈ ઓછી ઊતરે એવી નથી. તેને પોતાનાં બાળકોના ઘડતર કરતાં પોતાની નેઇલપૉલિશની વધુ ચિંતા સતાવી રહી છે. હું તો ડાયરામાં જાહેરમાં કહું છું કે મુંબઈ, અમદાવાદ કે રાજકોટની આજની ભણેલીગણેલી મમ્મીઓ જો દસ બાળવાર્તા, દસ હાલરડાં કે પછી દસ જોડકણાં બોલીને બતાવે તો હું આ લેખન ને ડાયરાનો ધંધો પડતો મૂકીને બોરીવલીની ચીકુવાડીમાં કેળાની રેંકડી કાઢીશ.
ઇટ્સ અ ચૅલેન્જ.
આપણે આપણો વારસો ગુમાવી રહ્યા છીએ અને અફસોસની વાત એ છે કે આપણને એનો સહેજ પણ રંજ નથી. જો આમ જ ચાલુ રહ્યું તો પ૦ વર્ષ પછી આપણી પાસે ઘરદીઠ પાંચસો કરોડની પ્રૉપર્ટી હશે પણ આપણી પાસે ‘આપણી પ્રજા’ નહીં હોય. જાગો ગુજરાતીઓ જાગો, નહીંતર પછી રોવા બેહશો ત્યારે આંસુડાં પણ અંગ્રેજીમાં આવશે!
આ વાતું ક્યાંક તમને કાંટાની જેમ ખૂંચે તો માફી, કેમ કે સત્ય હંમેશાં ખૂંચે કારણ કે એમાં પૉઇન્ટ હોય છે.

